મમતા-મોદી વિવાદ : નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને મનમોહન સિંહ સામે તેમને વાંધો પડ્યો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય સચિવ અલપન બંગોપાધ્યાય મુદ્દે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સામે-સામે આવી ગયા છે.

મમતા બેનરજીનું કહેવું છે કે આ મુદ્દે જે કંઈ થાય તેઓ બંગોપાધ્યાય સાથે છે અને શક્ય એટલી મદદ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાવાઝોડા યાસને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા હતા, ત્યારે મુખ્ય મંત્રીએ તેમને રાહ જોવડાવી હતી, જ્યારે મુખ્ય સચીવ અલપન હાજર રહ્યા ન હતા.

જાણકારોનું કહેવું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જે પગલાં લીધાં, તે ઉતાવળાં છે, સાથે જ ઉમેરે છે કે બંગોપાધ્યાયનું આચરણ 'ગેરવ્યાજબી અને નૉન-પ્રૉફેશનલ હતું.'

એવું નથી કે વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય મંત્રી વચ્ચે આવી ચકમક પહેલી વખત ઝરી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે તેમની અને કેન્દ્ર સરકારની વચ્ચે પણ ચકમક ઝરી હતી.

સંજીવ ભટ્ટ મુદ્દે સામે-સામે

ઑગસ્ટ-2011માં ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર સંજીવ ભટ્ટને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા, જ્યારે અન્ય એક આઈપીએસ અધિકારી રાહુલ શર્માને ચાર્જશીટ ફટકારી હતી.

ભટ્ટ તથા શર્માએ 2002નાં હુલ્લડો દરમિયાન મોદી સરકારની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા, જેના કારણે તેમના સામે કથિત રીતે દ્વેષપૂર્વક આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો હતો.

એ સમયે કેન્દ્રમાં તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું હતું, "જે અધિકારીઓને અસર પહોંચી છે, તેઓ ઇચ્છે તો કેન્દ્ર સરકાર આ મામલે દખલ દઈ શકે છે. નિયમ પ્રમાણે, અમુક તબક્કે કેન્દ્ર સરકાર દખલ દઈ શકે છે, પરંતુ તેના માટે જરૂરી પગલાં સંબંધિત અધિકારીએ લેવાનાં હોય છે."

મુખ્ય મંત્રી મોદીએ સમગ્ર ઘટનાક્રમ વિશે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માગ કરી હતી. મોદીએ તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી ઉપર 'પોલીસ અધિકારીઓમાં ગેરશિસ્તને પ્રોત્સાહન' આપવાનો આરોપ મુક્યો હતો.

તેમણે કૉંગ્રેસના નેતૃત્વવાળી તત્કાલીન યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ) સરકાર ઉપર રાજ્યની સરકારને અસ્થિર કરવાનો આરોપ મુક્યો હતો.

પોતાના પત્રમાં મોદીએ કહ્યું હતું કે 'સંઘીય વ્યવસ્થામાં રાજ્ય અને કેન્દ્રના સંબંધ તથા સત્તા અંગે સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે.ગૃહમંત્રીના આવા ખુલ્લેઆમ નિવેદનોથી સંઘીય ભાવનાને આઘાત પહોંચે છે.'

બાદમાં ગુજરાત સરકાર દ્વારા સંજીવ ભટ્ટને ડિસમિસ કરી દેવામાં આવ્યા હતા.

અમિત શાહને જેલ

તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે સંપાદકોની બેઠક દરમિયાન કહ્યું, "વિપક્ષે તેમાં પણ ખાસ કરીને ભાજપે જે દુશ્મનીભર્યું વલણ અપનાવ્યું છે, અને જે કારણો આપે છે, તેના વિશે નિખાલસતાપૂર્વક કહું તો સાર્વજનિક રીતે કશું કહી શકાય તેમ નથી.....તમે કોઈ વ્યક્તિ સામે કાર્યવાહી કરી જે ગુજરાતના મંત્રી હતા, એટલે તેને બદલી નાખવા જોઈએ. આથી વધુ હું કશું કહેવા નથી માગતો."

ડૉ. મનમોહન સિંહનું નિવેદન ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહના સંદર્ભમાં હતું, જેમના ગુજરાતમાં પ્રવેશ પર એ સમયે પ્રતિબંધ હતો.

નરેન્દ્ર મોદીએ તત્કાલીન વડા પ્રધાનના નિવેદનને '2011નો સૌથી મોટો જોક' ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમની વાત હસવું આવે એવી છે.

કૉંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે શાહની ધરપકડને કારણે જીએસટી બિલને ખોરવી નાખવામાં આવ્યું હતું, જ્યારે જેટલીનું કહેવું હતું કે 'હવાઈ ચંપલ તથા વૈભવી ગાડી ઉપર એકસમાન દર રાખવાનો પ્રસ્તાવ હતો, એટલે ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.'

રાજ્યસભામાં વિપક્ષના તત્કાલીન નેતા અરૂણ જેટલીએ વડા પ્રધાનને પત્ર લખીને આરોપ મુક્યો હતો કે શાહ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફિટ કરી દેવાની યોજના હતી.

બાદમાં સીબીઆઈની અદાલતે તમામ દોષિત પોલીસકર્મચારીઓને મુક્ત કરી દીધા હતા.

અમિત શાહ પણ અદાલતમાં દોષમુક્ત જાહેર થયા અને હવે દેશના ગૃહમંત્રી છે. સરકારમાં તેમને 'નંબર-ટુ' માનવામાં આવે છે.

મોદી, મુસ્લિમ અને મનમોહન

ડૉ. મનમોહન સિંહે નિવેદન કર્યું હતું, "આપણે એવા નવા પ્લાન તૈયાર કરવા જોઈએ, જેથી કરીને લઘુમતી તેમાં પણ ખાસ કરીને મુસ્લિમોનું સશક્તીકરણ થાય તથા તેમને પણ વિકાસનાં ફળ સમાનપણે મળે. દેશનાં સંશાધનો પર તેમનો પ્રથમ અધિકાર હોવો જોઈએ."

ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાજપશાસિત અન્ય રાજ્યોના મુખ્ય મંત્રીઓએ તત્કાલીન વડા પ્રધાનના નિવેદનને 'મુસ્લિમોનું તૃષ્ટિકરણ' ગણાવ્યું હતું અને તેને ભવિષ્ય માટે ખતરનાક ગણાવ્યું હતું.

બાદમાં પોતાની જાહેરસભાઓ તથા ઇન્ટરવ્યૂમાં મોદીએ કહ્યું કે 'દેશનાં સંશાધનો ઉપર પહેલો અધિકાર લઘુમતીનો નહીં, પરંતુ ગરીબનો હોવો જોઈએ.'

ઉલ્લેખનીય છે કે ભારતમાં મુસ્લિમ ઉપરાંત, જૈન, શીખ, ખ્રિસ્તી તથા અમુક વિસ્તારોમાં હિંદુ સંખ્યાની દૃષ્ટિએ લઘુમતી છે.

અમદાવાદમાં સરદાર અને ડૉ. સિંહ

વર્ષ 2013ના અમદાવાદમાં શાહીબાગ ખાતે સરદાર પટેલના સ્મારક ખાતેના કાર્યક્રમમાં ડૉ. મનમોહન સિંહ તથા નરેન્દ્ર મોદી એક મંચ ઉપર આવ્યા હતા.

આ એક જવલ્લે જ બનતી ઘટના હતી. ડૉ. સિંહ તેમના બીજા કાર્યકાળના અંતિમવર્ષમાં હતા, જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને તેના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને બંને એક મંચ પર હતા.

આ સ્મારકના પુનરુત્થાન માટે કેન્દ્ર સરકારે નાણાં ચૂકવ્યાં હતાં. સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીના તત્કાલીન વડા દીનશા પટેલ હતા, જેઓ ડૉ. સિંહની કેન્દ્રીય સરકારમાં પ્રધાન હતા.

મોદીએ શાહીબાગ ખાતેના એ કાર્યક્રમ દરમિયાન કહ્યું, "સરદાર પટેલ અમદાવાદના મેયર હતા, ત્યારે તેમણે મહિલાઓને અનામત અપાવી હતી. જો તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત, તો દેશનું ભાવિ અલગ જ હોત."

સમર્થકોમાં 'છોટે સરદાર' તરીકે ઓળખાતા મોદીના આ નિવેદનમાં રાજકારણ અભિપ્રેત હતું. કથિત રીતે આ કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસના કેટલાક કાર્યકરો દ્વારા મોદીનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. પ્રોટોકૉલ પ્રમાણે, મોદી પછી ડૉ. સિંહે પ્રવચન આપ્યું, જેમાં તેમણે હિસાબ સરભર કરી નાખ્યો.

ડૉ. સિંહે કહ્યું, 'સરદાર પટેલ બિનસાંપ્રદાયિક હતા અને બધા ધર્મનું સન્માન કરતા. આજે જે ભારત આપણે જોઈએ છીએ, તેના નિર્માણમાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.'

આ ઘટનાના બે દિવસ પછી તા. 31મી ઑક્ટોબર-2013ના દિવસે મોદી તથા ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ નર્મદા ડૅમ પાસે કેવડિયા ખાતે સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા માટે ખાતમૂહુર્ત કર્યું.

આજે તેનું લોકાર્પણ થઈ ગયું છે અને ત્યાં સફારી પાર્ક, હેલિકૉપ્ટર રાઇડ, બટરફ્લાય પાર્ક, ટેન્ટ સિટી, કૅકટસ ગાર્ડન, જેવાં આકર્ષણ ઊભાં કરવામાં આવ્યાં છે.

NCTC, મમતા અને મોદી

રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી સૂચવતી આ તસવીર વ્યાપક રીતે સોશિયલ મીડિયા ઉપર શૅર થઈ 2008માં મુંબઈમાં ઉગ્રવાદી હુમલા પછી દેશમાં કડક કાયદા તથા સુદૃઢ વ્યવસ્થાની જરૂર ઊભી થઈ.

આ માટે કાયદામાં ફેરફાર ઉપરાંત નૅશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીની સ્થાપના કરવામાં આવી. આ સિવાય નૅશનલ કાઉન્ટર ટૅરરિઝમ સેન્ટર ઊભું કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ આઇડિયા કથિત રીતે તત્કાલીન ગૃહ મંત્રી પી. ચિદમ્બરમનો હતો.

જોકે, નરેન્દ્ર મોદીએ તેનો વિરોધ કર્યો. તેમણે આરોપ મુક્યો કે તત્કાલીન કેન્દ્ર સરકારે આ મુદ્દે રાજ્ય સરકારો સાથે મસલત કરી નહોતી તથા તેમને વિશ્વાસમાં લીધા ન હતા.

મોદીએ કહ્યું કે આ સેન્ટર દ્વારા યુપીએ સરકાર 'કેન્દ્રીય પોલીસવ્યવસ્થા' ઊભી કરવા માગે છે, જેની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. કેન્દ્ર સરકાર પાછલા બારણેથી સત્તા મેળવવા માગે છે.

બંધારણીય વ્યવસ્થા મુજબ કાયદો અને વ્યવસ્થાએ રાજ્ય સરકારની જવાબદારી છે. બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર, છત્તીસગઢના મુખ્ય મંત્રી ડૉ. રમણસિંહ, તામિલનાડુનાં મુખ્ય મંત્રી જે. જયલલિતા જેવાં વિપક્ષશાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓએ તેનો વિરોધ કર્યો હતો.

આજે મમતા બેનરજી તથા નરેન્દ્ર મોદી ભલે આમને-સામને હોય, પરંતુ તે સમયે બંનેએ મળીને એનસીટીસીનો વિરોધ કર્યો હતો, બાદમાં યુપીએ સરકારનું પતન થયું અને એ વિચાર અભેરાઈએ ચડાવી દેવાયો.

વર્તમાન વિવાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાવાઝોડા યાસ બાદ ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. ત્યારે મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં કથિત રીતે મમતા બેનરજી મોડાં પહોંચ્યાં હતાં અને વડા પ્રધાન ઉપરાંત રાજ્યપાલ જગદીશ ધાનકરને રાહ જોવડાવી હતી. બાદમાં આવ્યાં તો ખરાં, પરંતુ વચ્ચેથી નીકળી ગયાં હતાં. મમતાએ પોતાની ઉપરના આરોપોને નકાર્યાં અને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું.

સામાન્ય રીતે મુખ્ય મંત્રી ન હોય, ત્યારે મુખ્ય સચિવ દ્વારા આવી બેઠકોમાં ભાગ લેવામાં આવે છે અને પરિસ્થિતિનો તાગ આપવામાં આવે છે. પરંતુ તત્કાલીન મુખ્ય સચિવ બંગોપાધ્યાય પણ હાજર ન રહ્યા.

આથી, બંગોપાધ્યાયને કારણદર્શક નોટિસ કાઢવામાં આવી અને અચાનક જ તેમને કેન્દ્રમાં નિયુક્ત કરવામાં આવ્યા. 1987ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના અધિકારી બંગોપાધ્યાયે કેન્દ્રીય નિમણૂક ઉપર હાજર થવાને બદલે તા. 31મી મેના રિટાયર થઈ ગયા.

મમતા બેનરજીએ તત્કાળ તેમને રાજ્યના મુખ્ય સલાહકાર તરીકે નિમી દીધા તથા આ વિવાદ મુદ્દે બંગોપાધ્યાયને શક્ય તમામ મદદ કરવાની તૈયારી દાખવી.

સૅન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલના સભ્ય અને કેન્દ્ર સરકારના પૂર્વ કૃષિસચિવ પી. કે. બસુએ 'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથે વાત કરતાં કહ્યું, "કાયદાનું પાલન કરવાનું હતું અને વડા પ્રધાનને માહિતી આપવાની હતી, આ તેમની જવાબદારી છે, આ નિયમ અને પરંપરા છે, આ માટે તેમણે મુખ્ય મંત્રીને પૂછવાનું ન હોય. જો યાત્રા દરમિયાન કશું અજૂગતું બને તો મુખ્ય મંત્રી નહીં, મુખ્યસચિવની નોકરી જાય. આઈએએસ અધિકારીનો કોઈ બૉસ ન હોય, બંધારણ તેનું બૉસ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો