'કોઈ મદદે ન આવ્યું ત્યારે મારે જ માતા માટે કબર ખોદવી પડી' : કોરોનાથી અનાથ થયેલાં બાળકોનું શું થાય છે?

    • લેેખક, દિવ્યા આર્યા
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારા માતાપિતાના મૃત્યુ પછી કોઈ તેમને અડવા માંગતું ન હતું. તેથી મારે મારી માતાની કબર જાતે ખોદવી પડી અને તેમને દફનાવવા પડ્યાં. મેં આ બધું એકલા હાથે કર્યું."

સોની કુમારીએ એક વીડિયો કૉલ પર મને પોતાની આપવીતી જણાવી.

તેમણે કઈ રીતે પીપીઈ કિટ પહેરીને પોતાનાં ઘરની નજીક જમીનના નાના ટુકડા પર પોતાનાં માતાને દફનાવવાં પડ્યાં તેની વાત કરી.

અનાથ થઈ ગયેલી દીકરીની એ મુશ્કેલીની ઘડીઓને એક સ્થાનિક પત્રકારે પોતાની તસવીરોમાં કેદ કરી હતી.

સોનીને તે દિવસની એક-એક પળ યાદ છે. તેમના પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા અને માતાની તબિયત પણ બગડતી જતી હતી.

તેથી તેમણે નાના ભાઈ-બહેનને ઘરમાં મૂકીને માતાને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલે લઈ જવાં પડ્યાં હતાં.

બિહારનાં અંતરિયાળ ગામ મધુલતાથી ત્રણ કલાકની સફર કરીને તેઓ મધેપુરાની હૉસ્પિટલે પહોંચ્યાં પરંતુ માતાનો જીવ બચાવી ન શકાયો.

તેઓ માતાનો મૃતદેહ લઈને ઘરે આવ્યા ત્યારે આ ત્રણ અનાથ બાળકોની મદદ કરવા કોઈ ન આવ્યું.

તે સમયને યાદ કરતા સોની કહે છે, "અમારી તો આખી દુનિયા જ ખતમ થઈ ગઈ હતી."

"પરંતુ બધાએ અમને એકલા છોડી દીધાં. મારા માતાપિતા બધાની ઘણી મદદ કરતા હતા, પરંતુ અમારી જરૂરિયાતના સમયે કોઈએ અમારી પરવા ન કરી."

જાતે પીપીઈ કિટ પહેરીને માતાને દફનાવ્યાં

કોરોના વાઈરસની બીજી લહેરમાં ભારતમાં મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. સોની જેવા અનાથ બાળકોની સંખ્યા પણ વધી છે.

આવા બાળકો પાસે હવે કયો વિકલ્પ છે?

18 વર્ષનાં સોની બહુ શાંત સ્વભાવનાં છે અને સંયમ ગુમાવ્યા વગર મારી સાથે વાત કરે છે. પરંતુ માસ્કની પાછળથી આવતા તેમના અવાજ અને તેમની આંખોમાં છલકતી વેદના સ્પષ્ટ અનુભવી શકાય છે.

તેમના 12 વર્ષીય ભાઈ અને 14 વર્ષીય બહેન તેમની પાછળ ઊભાં છે જે મને એક ક્ષણ માટે દેખાય છે.

તેઓ કહે છે, "અમને એકલા છોડી દેવાયા તે વાતનું સૌથી વધુ દુખ છે. માતાએ જે ભોજન બનાવ્યું હતું તે અમારું અંતિમ ભોજન હતું."

"તેમનાં મૃત્યુ પછી દિવસો સુધી અમને કોઈએ એ પણ નહોતું પૂછ્યું કે ઘરમાં ખાવાનું છે કે નહીં."

"અમારો કોરોના રિપોર્ટ નૅગેટિવ ન આવ્યો ત્યાં સુધી અમારી પાસે કોઈ ન આવ્યું."

કોરોના વાઈરસના સંક્રમણના કારણે પોતાના માતાપિતા ગુમાવનારા બાળકો માટે એકલવાયાપણું અને બીમારીના ડરને કારણે લોકો દ્વારા તરછોડાઈ દેવાય તે સૌથી મોટો પડકાર છે.

મહિલા અને બાળકલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાની મુજબ આવા બાળકો માટે મદદ ઉપલબ્ધ છે.

સ્મૃતિ ઇરાનીએ એક ટ્વિટમાં જણાવ્યું કે 1 એપ્રિલથી 25 મે વચ્ચે તેમની પાસે દેશભરમાં આવા 577 કિસ્સાની જાણકારી આવી છે.

વાસ્તવિક સંખ્યા કરતા આ આંકડો ઘણો નાનો હોઈ શકે છે. ઘણા મામલામાં સરકાર સુધી માહિતી પહોંચતી જ નથી.

નાનાં-નાનાં બાળકો અનાથ થઈ રહ્યાં છે

કોરોના વાઈરસના સમયમાં પહેલી વખત આવા બાળકોની મદદ કરવા અને તેમને દત્તક લેવાની અપીલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે.

વ્હૉટ્સઍપ અને ટ્વિટર પર શેર કરવામાં આવતી આ અપીલમાં બાળકોના નામ, ઉંમર અને ફોન નંબર પણ જાહેર કરવામાં આવે છે.

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક ટ્વિટમાં લખ્યું હતું, "બે વર્ષની બેબી ગર્લ અને બે વર્ષનો બેબી બૉય, માતાપિતા કોવિડને કારણે મૃત્યુ પામ્યાં છે. કૃપા કરીને ફૉરવર્ડ કરો જેથી બાળકોને સારાં માતાપિતા મળી શકે."

અમે આ ટ્વિટને નથી પ્રકાશિત કરી રહ્યા કારણ કે ભારત સરકારે આવા સંદેશ શેર કરવાની મનાઈ કરી છે.

આવો જ એ સંદેશ મેધા મીનલ અને હરિશંકર પાસે પહોંચ્યો હતો.

મેધાએ જણાવ્યું, "ઓક્સિજન, આઇસીયુ વગેરે માટે આટલી બધી અપીલ આવી રહી હતી, પરંતુ જ્યારે મેં એક સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ કે 14 વર્ષના એક બાળકીએ કોવિડમાં પોતાનાં માતાપિતા ગુમાવ્યાં છે અને તે પણ કોવિડ પોઝિટિવ હતી, ઘરે એકલી હતી, કોઈને ખબર ન હતી કે હવે તેમની સાથે શું કરવાનું છે, ત્યારે હું અંદરથી હચમચી ગઈ."

મેધાને લાગ્યું કે તેમણે તે બાળકને દત્તક લેવું જોઈએ. પરંતુ હરિએ સમજાવ્યું કે ભારતના કાયદામાં આ વાતની છૂટ નથી.

મદદ માટે આગળ આવતા લોકો

કાયદા પ્રમાણે કોઈ બાળક અનાથ થાય તો તેની માહિતી રાષ્ટ્રીય હૅલ્પલાઈન 'ચાઇલ્ડલાઈન'ને આપવી જોઈએ.

ચાઇલ્ડલાઇનના અધિકારી બાળકલ્યાણ સમિતિને એ વાતની જાણકારી આપશે. તેઓ આ બાબતની ખરાઈ કરશે અને બાળકની જરૂરિયાતનું આકલન કરશે.

આ સમિતિ નક્કી કરશે કે બાળકોએ તેમના સગાસંબંધી પાસે રહેવું કે કોઈ બાળગૃહમાં રહેવું પડશે.

પરંતુ બાળકોને દત્તક લેવાની કાનૂની પદ્ધતિ કોવિડ અગાઉથી કેટલાક પડકારોનો સામનો કરતી હતી.

વર્ષ 2018માં સરકારને પોતાના ઑડિટમાં જાણવા મળ્યું કે કુલ બાળગૃહમાંથી માત્ર 20 ટકા બાળગૃહો જ બાળકોને દત્તક આપતા પહેલાં તેમના પરિવારને શોધવાની અને તેમનો સંપર્ક કરવાની કોશિશ કરે છે.

તાજેતરના સમયમાં ઇન્ટરનેટ પર બાળકો દત્તક આપવાની અપીલ આવ્યા બાદ સરકારે તેની વિરુદ્ધ મુખ્ય અખબારોમાં જાહેરખબર આપવાનું શરૂ કર્યું છે.

બાળ અધિકાર સંગઠનોએ પણ આવી અપીલની પાછળ બાળકોની તસ્કરીના જોખમ વિશે ચેતવણી આપી છે.

ધનંજય ટિંગલ એક બાળગૃહ ચલાવે છે. તેઓ બાળ અધિકારો પર દાયકાઓથી કામ કરતા એનજીઓ 'બચપન બચાઓ' આંદોલનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

તેમણે કહ્યું, "સોશિયલ મીડિયા પર મૂકાતી આવી પોસ્ટ ગેરકાયદે છે અને તસ્કરીની પરિભાષામાં આવે છે. તમે આ રીતે કોઈ બાળકને દત્તક ન લઈ શકો. તેમાં બાળકોનું ખરીદ-વેચાણ થવાનો ખતરો છે."

બાળકોની તસ્કરી એક મોટો પ્રશ્ન

કોવિડ આવ્યો તે પહેલાથી જ ભારતમાં બાળમજૂરી, બાળકોનું જાતીય શોષણ અને બળજબરીથી લગ્ન માટે બાળકોની તસ્કરી એક મોટો પ્રશ્ન છે.

દેશના રાષ્ટ્રીય ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરોના 2019ના આંકડા પ્રમાણે તે વર્ષે 70,000થી વધારે બાળકો ગુમ થયા હતા. એટલે કે દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે.

સરકારે તસ્કરી રોકવા માટે કડક કાયદા ઘડ્યા છે અને સમાજ કલ્યાણ વિભાગ, પોલીસ તથા એનજીઓ વચ્ચે તાલમેલ વધારવાના પગલાં લીધા છે.

તેમાંથી કેટલાક તસ્કરો સામે કાર્યવાહી પણ થઈ છે. પરંતુ શક્તિ, નાણાં અને જરૂરિયાતના ચક્રવ્યૂહને તોડવું મુશ્કેલ છે. મોટા ભાગના તસ્કરો દંડ ચૂકવીને છૂટી જાય છે.

મેધા અને હરિએ નક્કી કર્યું કે આવા અનાથ બાળકોની મદદ કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમના ભણતરનો ખર્ચ ઉપાડવા માટે બાળગૃહને ડોનેશન આપવામાં આવે.

તેમના ઑનલાઈન કૅમ્પેઈન માટે તેમણે અત્યાર સુધીમાં વીસ લાખ રૂપિયાથી વધુ એકત્ર કર્યા છે.

મેધાએ જણાવ્યું, "એકદમ અજાણ્યા લોકોએ અમને આટલી ઉદારતા દેખાડી છે. જેમ કે એક માતાએ એક લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા કારણ કે જ્યારે તેઓ અને તેમના પતિ હૉસ્પિટલમાં કોવિડ સામે લડી રહ્યા હતા ત્યારે તેમનું બાળક ઘરમાં એકલું હતું."

"તેમણે કહ્યું કે તેઓ વિચારી પણ નથી શકતા કે અનાથ બાળકોની જરૂરિયાત કેવી રીતે પૂરી થશે."

બાળકો અનાથ થાય ત્યારે તેમને કોઈ બાળગૃહમાં મૂકવામાં આવે તે પ્રથમ પગલું નથી હોતું.

ભારતમાં લાપતા થતા બાળકો

દિલ્હીની એક બાળકલ્યાણ સમિતિના ચેરપર્સન વરુણ પાઠક જણાવે છે કે બાળકોના સ્વજનોને તેમનો કબજો સોંપવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવે છે.

તેઓ કહે છે કે, "જ્યાં કુટુંબનું માળખું સંપૂર્ણપણે તૂટી ગયું હોય, ફેમિલી સ્ટ્રક્ચર અથવા કોઈ સપોર્ટ સિસ્ટમ ન હોય ત્યાં સરકાર આગળ આવીને જવાબદારી લે છે. બાળકોને શેલ્ટર હોમમાં સેટલ કરવામાં આવે છે. બાળકો બહુ નાના હોય તો સેન્ટ્રલ ઍડોપ્શન ઑથોરિટી હેઠળ તેમને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે."

વરુણ પાઠકે જણાવ્યા પ્રમાણે સ્વજનો દ્વારા બાળકોને દત્તક લેવામાં આવે તો પણ સમિતિ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ, નાણાકીય સહાયતા અને ફૉલોઅપ કરવામાં આવે છે.

ઘણી રાજ્ય સરકારોએ કોરોના વાઈરસના કારણે અનાથ થયેલા બાળકો માટે વિશેષ નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

સોની કુમારી અને તેમના ભાઈબહેનને હવે સરકાર તરફથી નાણાં અને રાશન આપવામાં આવ્યું છે. કેટલાક સમાજસેવકોએ પણ તેમની મદદ કરી છે.

હવે ત્રણેયની સામે એક લાંબું જીવન છે અને હાલમાં કમાણીનું કોઈ સાધન નથી.

સોની કહે છે, "અમે દરરોજ અમારા માતાપિતાને યાદ કરીએ છીએ. તેમના મનમાં અમારા માટે ઘણા સપના હતા. નાણાકીય અગવડ હોવા છતાં તેઓ અમારી માંગણીઓ પૂરી કરવા કોશિશ કરતા હતા."

સોનીના દાદી હવે તેમની સાથે રહે છે. પરંતુ સોની કહે છે કે તેના ભાઈ-બહેનની જવાબદારી તેમના પર જ રહેશે. તેમણે કહ્યું, "અંતમાં અમારે જ એકબીજાનો ખ્યાલ રાખવાનો છે."

તેમને આશા છે કે આ વખતે મળેલી આર્થિક મદદનો ઉપયોગ તેઓ આગામી ભવિષ્ય માટે યોગ્ય રીતે કરી શકશે.

તેમના પિતા ગામના સ્થાનિક ડૉક્ટર હતા. સોની વિચારે છે કે ભાઈ-બહેનમાંથી કોઈ એક પોતાના પિતાના માર્ગે આગળ વધશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો