કોરોનાની કરુણ કહાણી : જે દિવસે લગ્ન હતાં એ જ રાત્રે મહેસાણાના યુવકે જીવ ગુમાવ્યો

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી

"એક જ અઠવાડિયામાં મારાં બંને જુવાનજોધ સંતાનો કોરોનાને લીધે દુનિયા છોડી ગયાં. અમારા પરિવારનો માળો વિખાઈ ગયો. કોને જઈને કહેવું કે કોરોનાને લીધે અમારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ. અમારો ટેકો ચાલ્યો ગયો."

મહેસાણાના મહેશભાઈ દવે જ્યારે ફોન પર આ શબ્દો કહેતા હતા, ત્યારે તેમનું હૈયું ભરાઈ આવ્યું હતું. પોતાનાં દીકરી અને દીકરાને ગુમાવ્યાની વાત કરતી વખતી તેમનો અવાજ તરડાઈ ગયો હતો.

દવે પરિવારમાં લગ્નનો માંડવો બંધાવાનો હતો, પણ હવે ઘરમાં શોકનો માહોલ છે.

મહેશભાઈના 24 વર્ષના દીકરા જયનું જે દિવસે લગ્ન હતું, એ જ રાત્રે તેમનું કોરોના સંક્રમણ બાદ અવસાન થયું. સાથે-સાથે તેમનાં બહેનનું પણ મૃત્યુ થયું.

મહેશભાઈના ઘરમાં દીકરા જયનાં લગ્ન લીધાં હતાં, એટલે થોડા દિવસો પહેલાં સુધી પ્રસંગવાળા ઘર જેવો જ માહોલ હતો.

ચણીયાચોળીથી માંડીને ઘરેણાં લેવાઈ ગયાં હતાં. ગણતરીનાં સગાંસંબંઘીઓને કંકોતરીઓ મોકલી દીધી હતી.

હવે ઘરનાં બે યુવાવયનાં સંતાનોનાં મૃત્યુ બાદ ઘરનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું છે.

વૅન્ટિલેટર મળી ગયું પણ શ્વાસ મૂકી દીધો

જય પેટ્રોલપંપમાં મૅનેજર તરીકે કામ કરતા હતા, જ્યારે તેમનાં બહેન પૂજાનાં લગ્ન થઈ ગયાં હતાં. તેઓ વિઝા-પાસપોર્ટની કામગીરી સાથે સંકળાયેલી જૉબ કરતાં હતાં.

બંને સંતાનોને ગુમાવી દીધા બાદ તેમના પિતા મહેશ દવે તૂટી ગયા છે.

મહેશ દવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "25મી એપ્રિલે જયનાં લગ્ન હતાં. એ જ દિવસે મોડી રાતે તેણે દેહ છોડ્યો."

જય કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. તેમને ઓક્સિજનની જરૂર હતી અને વ્યવસ્થા પણ થઈ ગઈ હતી.

મહેશભાઈ કહે છે, "જય કોરોનાથી ગભરાઈ ગયો હતો. સારવાર માટે અમે પહેલાં અમદાવાદ લઈ ગયા હતા, પછી મહેસાણાની હૉસ્પિટલમાં ખાટલો મળી ગયો, તેથી મહેસાણા લઈ આવ્યા હતા."

"બંને જગ્યાએ સારવાર માટે જરૂરી સાધનો મળી ગયાં હતાં પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. જયે પાંચેક દિવસ હૉસ્પિટલમાં વિતાવ્યા હતા."

ભાઈ પહેલાં બહેને દેહ છોડ્યો

જયનું મૃત્યુ થયું એ પહેલાં તેમનાં મોટાં બહેન પૂજાએ દેહ છોડી દીધો હતો. પૂજા જય કરતાં ત્રણ વર્ષ મોટાં હતાં.

મહેશભાઈ દવે કહે છે, "21 એપ્રિલે પૂજાએ ભાવનગરની હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. જયને આઘાત ન લાગે એ માટે તેના અવસાનના સમાચાર અમે જયને જણાવ્યા ન હતા."

"કોરોનાથી સંક્રમિત થયા બાદ પૂજા ચારેક દિવસ હૉસ્પિટલમાં રહ્યાં હતાં, પૂજાને વૅન્ટિલેટરની જરૂર હતી. અમદાવાદ લઈ ગયા પણ ત્યાં હૉસ્પિટલમાં વૅન્ટિલેટર ખાલી ન હતાં."

"અમને ખબર પડી કે ભાવનગરની એક હૉસ્પિટલમાં વૅન્ટિલેટરની વ્યવસ્થા થઈ છે. પૂજાને તરત જ ભાવનગર લઈ ગયા. ત્યાં દાખલ થયાના બે-ત્રણ કલાકમાં જ પૂજાએ દેહ છોડી દીધો હતો."

તેમના સંબંધી નિરંજન દવે જણાવે છે કે "અમારા પરિવાર માટે આ આઘાતજનક ઘટના છે. અમે લગ્ન માટે બધું આયોજન કર્યું હતું, પરંતુ બધી જ ગણતરીઓ ઊંધી પડી ગઈ."

'ભાઈનાં લગ્ન માટે પૂજા તૈયારી કરતી હતી'

ભાઈનાં લગ્ન માટે પૂજાએ ચણીયાચોળીથી લઈને અનેક વસ્તુઓ ખરીદી રાખી હતી.

મહેશ દવે કહે છે, "ભાઈનાં લગ્ન માટે પૂજા ઉત્સાહી હતાં, કપડાંથી લઈને શણગાર માટે 70 હજારની ખરીદી પૂજાએ જય માટે કરી રાખી હતી. પૂજાએ આવનારાં ભાભીને આપવા વીસ હજારની બુટ્ટી લઈ રાખી હતી."

"ભાઈનાં લગ્નનો પૂજાને ખૂબ હરખ હતો પણ કુદરતને શું ન ગમ્યું તે ખબર ન પડી. લગ્ન થઈ ગયાં પછી જ્યારે પણ કોરોનાના કેસ શાંત થાય એ પછી ગોવા ફરવા જવાની જયની ઇચ્છા હતી."

લગ્નની જે થોડી કંકોતરી ઘરમાં હતી, તે મહેશભાઈ નદીમાં પધરાવી આવ્યા હતા. એ કંકોતરી જોઈને જીવ બાળવો એના કરતાં નદીમાં વહાવી દેવી સારી.

મહેશભાઈએ જણાવ્યું કે, "એ જોઈને જીવ બળે એના કરતાં બહેતર છે કે એને નદીમાં વહાવી દેવી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો