ગુજરાતમાં કોરોનાની ભયંકર સ્થિતિ, પણ એવાં બે ગામ જ્યાં હજી એક પણ કેસ નોંધાયો નથી

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં હૉસ્પિટલ બહાર ઍમ્બ્યુલન્સની લાંબી લાઇનો છે. નગરો-મહાનગરોનાં સ્મશાનો હવે મૃતદેહોથી ઊભરાઈ રહ્યાં છે, ક્યાંક-ક્યાં અંતિમસંસ્કાર માટે મૃતદેહોની લાંબી લાઇનો લાગી છે.

અખબારી અહેવાલો પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય નગરોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન, દવા, ઍમ્બ્યુલન્સ અને હૉસ્પિટલમાં પલંગ મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે.

આ દૃશ્યો ચિંતા જન્માવનારાં અને વિચલિત કરનારાં છે, પણ ગુજરાતના બે બેટ એવા છે, જ્યાં દૃશ્યો તદ્દન વિપરીત છે.

જ્યારે આખા ગુજરાતના લોકોની આંખો કોરોના સંક્રમણના નવા દર્દીઓ અને મોતના આંકડા પર મંડાયેલી છે, ત્યારે આલિયા બેટ અને શિયાળ બેટ પરની વસાહતોમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયેલો નથી.

સ્થાનિક તંત્રનું કહેવું છે કે ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક લોકોની સતર્કતાના કારણે કોરોના વાઇરસ આ બંને જગ્યાએ પ્રવેશી શક્યો નથી.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ખાતે વસેલા ગામના સરપંચ હમીરભાઈએ ગ્રામલોકોની તૈયારી વિશે વાત કરી.

તેઓ કહે છે, "ગામમાં કોરોના વાઇરસ ન પ્રવેશે, તે માટે અમે વિવિધ પગલાં લીધાં. અમે નક્કી કર્યું કે બહારથી આવતી કોઈ પણ વ્યક્તિને ગામની અંદર પ્રવેશ આપવો નહીં."

"આજે પણ ગામના લોકોને ચુસ્ત રીતે નિયમોનું પાલન કરવું પડે છે. કોરોનાની પ્રથમ લહેર વખતે ગામમાં કોઈ કેસ નહોતો અને આજે પણ નથી."

"જ્યારે કોરોના વાઇરસ વિશે અમને ખબર પડી ત્યારે સૌથી પહેલાં 5000 માસ્ક અને સૅનેટાઇઝર લાવ્યાં અને ગામમાં વિતરણ કર્યું. સાથે-સાથે ડૉક્ટરની સલાહ પ્રમાણે અમે ગામમાં દવાઓનું પણ વિતરણ શરૂ કર્યું."

કોરોનાથી બચવા કડક નિયમોનું કડક પાલન

વર્ષ 2011ની વસતિગણતરી મુજબ શિયાળ બેટની વસતી 5,551 લોકોની હતી અને અહીં 1,314 ઘર આવેલાં છે. અહીં વસતા મોટાભાગના લોકો માછીમારી પર નભે છે.

અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે

અહીં લોકોને માત્રને માત્ર જરૂરિયાત હોય ત્યારે જ ગામની બહાર જવાની છૂટ આપવામાં આવે છે અને બહારની કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.

ગ્રામજનો અને સરપંચનો દાવો છે કે છેલ્લા એક વર્ષમાં ગ્રામજનો સિવાય એક પણ બહારની વ્યક્તિ શિયાળ બેટમાં આવી નથી.

સરપંચ હમીરભાઈ કહે છે કે "અમે લોકોને કહ્યું છે કે કારણ વગર બહાર નિકળવાનું ટાળો અને ખરીદી કરવા માટે પણ ઓછા બહાર નીકળો. લોકોએ પણ અમને પૂરતો સહકાર આપ્યો છે."

તેઓ કહે છે કે સામાજિક પ્રસંગો અને લગ્નો પણ ઓછામાં ઓછા લોકોની હાજરીમાં યોજવામાં આવે છે.

શિયાળ બેટ ખાતે રહેતા જયંતી બાંભણિયા કહે છે કે "જો વ્યક્તિ ગામની બહાર જવા માગતી હોય તો કારણ પૂછવામાં આવે છે અને જો કારણ યોગ્ય હોય તો જ પરવાનગી આપવામાં આવે છે."

"ગામના લોકોને માસ્ક પહેરવાની તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કરવામાં આવે છે. ગામનાં બજારોને પણ નિયમિત રીતે સૅનેટાઇઝ કરવામાં આવે છે."

આ સંદર્ભે બીબીસી ગુજરાતીને અમરેલીના જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું, "ભૌગોલિક સ્થિતિના કારણે અને ગ્રામપંચાયતના કડક નિયમોના કારણે આજ દિન સુધી શિયાળ બેટમાં કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી."

"ગામના લોકોએ પોતાની અવર-જવર ઘટાડી દીધી છે, જેનાં સારાં પરિણામો મળ્યાં છે."

તેઓ કહે છે કે "જિલ્લા તંત્ર દ્વારા તેમને દરેક પ્રકારે મદદ કરાઈ રહી છે. શિયાળ બેટના લોકોને બહાર ન જવું પડે, તે માટે બધી વસ્તુઓ ત્યાં જ ઉપલબ્ધ કરાવી છે."

"પહેલાં લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે પીપાવાવ બંદર આવતા હતા, પણ અમે નક્કી કર્યું કે બધી વસ્તુઓ ત્યાં જ પૂરી પાડીશું."

ભરૂચનો આલિયા બેટ પર પણ કોરોનાનો એક પણ કેસ નહીં

ભરૂચ જિલ્લામાં આવેલા આલિયા બેટ ખાતે પણ માહોલ કંઈક એવો જ છે, 22000 હેકટરમાં ફેલાયેલા આલિયા બેટમાં પણ કોરોના વાઇરસના સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી.

કચ્છથી 350 વર્ષ પહેલાં કેટલાક લોકો પશુધન સાથે અહીં આવી વસ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. આલિયા બેટમાં 100 કાચાં મકાનો છે, અહીં 500 લોકોની વસતી છે.

ગામના અગ્રણી મહમદ જાટ બીબીસીને જણાવે છે કે "છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી ચાલે છે, પણ અહીં એક પણ કેસ સામે આવ્યો નથી."

શિયાળ બેટની જેમ અહીં પણ ગામના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે છે અને કારણ વગર ક્યાંય પણ જતા નથી.

આલિયા બેટ ખાતે વસતા લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ-ઉત્પાદન છે, અહીંના લોકો દૂધ વેચવા ગામની બહાર જાય છે.

ગ્રામલોકોના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ બેટ પર પરત ફરે, ત્યારે કોવિડ પ્રોટોકોલ પ્રમાણે તેમનું સ્કેનિંગ કરવામાં આવે છે, જેથી બીજી વ્યક્તિને ચેપ ન લાગે.

તેઓ વધુમાં જણાવે છે કે સ્થાનિક તંત્ર પણ અમને પૂરતો સહકાર આપી રહ્યું છે અને જીવનજરૂરી વસ્તુઓ અને દવાઓ અહીં જ પૂરી પાડે છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના 12 હજાર કેસ

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે સાંજે બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 12,206 નવા કેસ નોંધાયા છે અને 121 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 5,615 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં સૌથી વધુ 24 મૃત્યુ સુરત (કોર્પોરેશન)માં નોંધાયાં છે, જ્યારે અમદાવાદ (કૉર્પોરેશન)માં 23 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઍક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ 76,500 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 353 દર્દી વૅન્ટિલેટર પર છે જ્યારે 76,147 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ 3,46,063 દર્દી એવા છે, જેઓ સાજા થઈ ચૂક્યા છે. અખબારી યાદી મુજબ રાજ્યનો રીકવરી રેટ 80.82 ટકા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો