કોરોના વાઇરસ : RTPCR ટેસ્ટ રિપોર્ટ કોવિડનાં લક્ષણો છતાં નૅગેટિવ આવી શકે? HRCTC ક્યારે જરૂરી ગણાય?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત સહિત ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ખૂબ ઝડપથી સ્થિતિ બદથી બદતર બની રહી છે ત્યારે એવા પણ અમુક કેસ સામે આવ્યા છે કે જેમાં RT-PCR ટેસ્ટનો રિપોર્ટ નૅગેટિવ હોવા લોકો કોરોના પૉઝિટિવ હોય.

વડોદરા અને અમદાવાદમાં એવા અમુક કેસ સામે આવ્યા, જેમાં દર્દીનો RT-PCR ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો પરંતુ જ્યારે ફેફસાંની તપાસ માટે HRCTC ટેસ્ટ કરાયો તો તેમાં કોરોના પૉઝિટિવ દેખાતું હતું.

નિષ્ણાતો માને છે કે કોરોના સંક્રમણની બીજી લહેરમાં પહેલી વખત આવા કેસ જોવા મળી રહ્યા છે.

RT-PCR ટેસ્ટ કરાયો હોય ત્યારે કોરોના પૉઝિટિવ ન આવે પરંતુ ફેફસાં સુધી સંક્રમણ પહોંચ્યુ હોય એવા આ કેસ સામે આવતા નિષ્ણાતો પણ મૂંઝવણમાં મુકાયા છે.

યુવાનો અને બાળકોમાં પણ આવા કેસ સામે આવ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારનાં લક્ષણો ન હોય પરંતુ કોરોના વાઇરસની હાજરી ફેફસાંમાં જોવા મળી રહી છે.

બીબીસીએ જ્યારે આ અંગે નિષ્ણાતો સાથે વાત કરી તો તેમનું માનવું હતું કે આની પાછળ વાઇરસનો નવો સ્ટ્રેન અને વાઇરસની માનવીય શરીરમાં ગમે તે રીતે જીવિત રહેવાની પદ્ધતિ હોઈ શકે છે.

હાલમાં ગુજરાતમાં કોરોના વાઇરસના યુકે અને આફ્રિકન સ્ટ્રેન જોવા મળે છે. નિષ્ણાતો મુજબ એકંદરે બંનેનાં લક્ષણો એક જેવાં જ છે પરંતુ તેમાં અમુક વિસંગતતાઓ છે. કેટલાંક નવાં લક્ષણો હોવાનું પણ નિષ્ણાતો જણાવે છે.

તો કોરોના સંક્રમણની બીજી લહેર પ્રથમ લહેર કરતાં કેટલી અલગ છે, આ જાણવા માટે બીબીસી ગુજરાતીએ ડૉક્ટરો સાથે વાત કરી.

આવું શા માટે થઈ રહ્યું છે?

અમદાવાદમાં રહેતા એક 54 વર્ષના દર્દીને પાંચ દિવસ સુધી તાવ રહ્યો, આથી તેમણે પોતાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો.

તેમનો RT-PCR ટેસ્ટનો રિપોર્ટ કોરોના નૅગેટિવ હતો. પરંતુ કોરોના સંક્રમણનાં લક્ષણો હતાં એટલે તેમણે ફેફસાંની તપાસ માટે HRCTC ટેસ્ટ કરાવ્યો, જેમાં તેમને ખબર પડી કે તેમનાં ફેફસાંમાં કોરોના વાઇરસની હાજરી છે.

પોતાનું નામ ન આપવાની શરતે આ વ્યક્તિએ બીબીસી ગુજરાતીને કહ્યું કે ડૉકટરોનું માનવું છે કે આવું કદાચ વાઇરસનાં મ્યુટેશનને કારણે થયું હોય.

એક ખાનગી લૅબોરેટરીના ડૉક્ટરે (પોતાનું નામ આપવાની શરતે) બીબીસી ગુજરાતીને કહ્યું કે હાલમાં એવા પ્રકારના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં RT-PCR નૅગેટિવ હોય પરંતુ HRCTCમાં વાઇરસ દેખાઈ રહ્યો હોય.

જોકે આ વિશે કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડૉક્ટર ધર્માંગ ઓઝાએ બીબીસીને જણાવ્યું કે હજી સુધી એવો કોઈ સ્ટડી થયો નથી કે જે પુરવાર કરે કે નવા સ્ટ્રેનને કારણે આ પ્રકારનો રિપોર્ટ આવે છે.

તેમણે કહ્યું કે "સામાન્ય રીતે લોકો તાવને દૂર કરવા કોઈ દવા લઈ લે અને તાવ ઊતરી જાય પછી એવું માની લે કે તેમને કોરોના સંક્રમણ નથી. જો શરીરમાં વાઇરસ હોય તો તે બે અઠવાડિયાં બાદ ફેફસાં સુધી પહોંચી જાય છે. આવી પરિસ્થિતિમાં RT-PCR નૅગેટિવ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે."

RT-PCRનું પરિણામ કેટલું સાચું?

કોરોના વાઇરસના નિદાનમાં RTPCR ટેસ્ટ મહત્ત્વનો ગણાય છે.

એક ખાનગી લૅબોરેટરીના ડૉક્ટર (પોતાનું નામ આપવાની શરતે) બીબીસી ગુજરાતીને કહ્યું કે હાલમાં એવા પ્રકારના કેસમાં વધારો જોવા મળી રહ્યોં છે, જેમાં RTPCR નૅગેટિવ હોય પરંતુ HRCTCમાં વાઇરસનું સંક્રમણ દેખાઈ રહ્યું હોય.

જોકે, આ વિશે કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડૉક્ટર ધર્માંગ ઓઝાએ બીબીસીને જણાવ્યું કે હજી સુધી એવી કોઈ સ્ટડી થઈ નથી કે જે પુરવાર કરે કે નવા સ્ટ્રેનને કારણે આ પ્રકારનો રિપોર્ટ આવે છે.

તેમણે કહ્યું કે "સામાન્ય રીતે લોકો તાવને દૂર કરવા કોઈ દવા લઈ લે અને તાવ ઊતરી જાય પછી એવું માની લે કે તેમને કોરોના સંક્રમણ નથી. જો શરીરમાં વાઇરસ હોય તો તે બે અઠવાડિયા બાદ ફેફસા સુધી પહોંચી જાય છે. આવી પરિસ્થિતિમાં RTPCR નૅગેટિવ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે."

પૅથોલૉજિસ્ટ અને ઇન્ડિયન મૅડિકલ ઍસોસિએશનનાં ગુજરાત ચૅપ્ટરનાં પ્રવક્તા ડૉ.મુકેશ મહેશ્વરીનું માનવું છે,"RTPCR માટે ત્રણ મુખ્ય વસ્તુઓ હોય છે. પ્રથમ તો સૅમ્પલ કેવી રીતે લેવાઈ રહ્યું છે, બીજું તાવનાં કયા તબક્કામાં લેવાઈ રહ્યું છે, એટલે કે શરીરમાં વાઇરલ લોડ કેટલો છે અને ત્રીજું શું લૅબોરેટરી તેનું સરખું ટેસ્ટિંગ કરી રહી છે કે નહીં."

"હાલમાં દરેક લૅબોરેટરી ઉપર કામનું ભારણ બહું વધારે છે, માટે તેમનાંથી ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે."

તેઓ માને છે કે હાલમાં ગુજરાતમાં યુ.કે. આફ્રિકા ઉપરાંત નાગપુરનાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનાં કેટલાક કેસ પણ જોવા મળી રહ્યા છે.

જોકે, અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં સેક્રેટરી ડૉ. ધિરેન મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "કોવિડ-19 શરૂ થયો ત્યારથી જ એક વાત સ્પષ્ટ છે કે RTPCRનું પરિણામ 70થી 80 ટકા કારગર છે. આ ટેસ્ટને સંપૂર્ણ માની લેવાની જરૂર નથી."

શું કરવું અને શું ન કરવું?

કોરોના વાઇરસની બીજી લહેરમાં તમામ નિષ્ણાતો લોકોને ફરીથી કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અપાનાવવા એટલે કે માસ્ક પહેરવા, જરૂર વગર બહાર ન જવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા પર ભાર મૂકે છે.

આ વિશે પત્રકારો સાથે વાત કરતાં વરિષ્ઠ હૃદયરોગ નિષ્ણાત ડૉ. તેજસ પટેલે ગાંધીનગર ખાતે કહ્યું હતું કે "હર્ડ ઇમ્યુનિટીને વિકસતા હજી સમય લાગશે અને તમામ લોકો સુધી રસી પહોંચતા પણ સમય લાગશે, માટે હાલમાં માસ્ક પહેરવા પર ધ્યાન આપવું જ હિતાવહ છે."

ડૉ. મહેશ્વરીએ કહ્યું કે "કોરોના સંક્રમણ થાય તો સૌથી પહેલા આઇસોલેટ થઈ જવું, તાવ-ઓક્સિજન સેચ્યુરેશન જોતા રહેવું, SPO2 94થી નીચે જાય તો ડૉક્ટરની સલાહ લેવી અને જરૂર પડે હૉસ્પિટલ જવું."

શું છે HRCTC ટેસ્ટ અને શું બધાએ આ ટેસ્ટ કરાવવો જરૂરી છે?

HRCTC ટેસ્ટ એટલે હાઇરેઝોલ્યુશન કૉમ્યુટેડ થોમોગ્રાફી (HRCT) મારફતે ડૉક્ટરો છાતીનું સ્ક્રીનિંગ કરાવે છે, સ્ક્રીનિંગમાં જો ડાઘ દેખાય તો એ કોરોનાનાં લક્ષણ હોઈ શકે છે. આને બોલચાલની ભાષામાં સીટી સ્કેન પણ કહેવામાં આવે છે.

પત્રકારો સાથે વાત કરતા ડૉ. અતુલ પટેલે કહ્યું હતું કે HRCTC કરાવવામાં લોકોએ ઉતાવળ ન કરવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે "કુલ દર્દીઓમાં 80 ટકા લોકોને સ્પોન્ટેનિયસ રિકવરી આવી જતી હોય છે, અને માત્ર 20 ટકા લોકોને જ વિવિધ ટેસ્ટની જરૂરિયાત હોય છે."

તેમણે કહ્યું હતું, "આવા 20 ટકા લોકો કે જેમને કો-મૉર્બિડિટી (ડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર અથવા અન્ય ગંભીર રોગ) હોય તેવા લોકોને આવા પ્રકારના ટેસ્ટની જરૂરિયાતો હોય છે, પરંતુ તે પણ તેમના ડૉક્ટરની સલાહ મુજબ જ કરાવવા જોઈએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો