ગુજરાતમાં ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ કોરોનાના ઉછાળા માટે જવાબદાર?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં બુધવારે કોરોના વાઇરસ મહામારી શરૂ થયા બાદથી સૌથી વધારે, 1790 નવા કેસો સામે આવ્યા છે.

એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં તાજેતરમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે ત્યાં બીજી તરફ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા બુધવારે પત્રકારપરિષદમાં ભારતનાં 18 રાજ્યોમાંથી ભેગા કરાયેલા કોરોના વાઇરસના નમૂનાઓ પૈકી વાઇરસનો ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ મળી આવ્યો હોવાની વાત કરાઈ છે. આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા આયોજિત આ પત્રકારપરિષદમાં ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી, નીતિઆયોગના સ્વાસ્થ્ય સભ્ય અને નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ(NCDC)ના ડાયરેક્ટર સહિત અન્ય અધિકારીઓ સામેલ હતા.

આ પત્રકારપરિષદમાં NCDCના ડાયરેક્ટર ડૉ. સુજિત કુમારે પાછલા અમુક સમયમાં કોરોના વાઇરસના દર્દીઓના જુદાજુદા નમૂનાઓના જિનૉમિક સિક્વન્સિંગ અંગેના અભ્યાસનાં તારણો વિશે વાત કરી હતી.

તેમણે આ તારણો રજૂ કરતાં જણાવ્યું હતું કે ભારતનાં 18 રાજ્યોમાંથી મેળવેલા કોરોના વાઇરસના નમૂનાઓ અંગેના જિનૉમિક સિકવન્સિંગના અભ્યાસમાં આ રાજ્યોમાં કોરોના વાઇરસનો ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ સહિત યુકે વૅરિએન્ટ, દક્ષિણ આફ્રિકા વૅરિએન્ટ અને જાપાન કે બ્રાઝિલ વૅરિએન્ટ (આ ત્રણેય વૅરિએન્ટોને સરકારી અધિકારીઓ દ્વારા વૅરિએન્ટ ઑફ કન્સર્ન નામ આપવામાં આવ્યું છે.)ના કેસો પણ મળી આવ્યા છે.

નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં 20 ફેબ્રુઆરીના રોજ કોરોના વાઇરસના નવા 258 કેસો જ મળી આવ્યા હતા. પરંતુ ત્યાર બાદના સમયમાં વાઇરસ દ્વારા સંક્રમિત લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં કોરોનાના પ્રસાર માટે કયો વૅરિએન્ટ જવાબદાર?

ગુજરાત સહિત જે જે રાજ્યોમાં કોરોનાના કેસોમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો છે તે માટે યુકે વૅરિએન્ટ, બ્રાઝિલ કે જાપાન વૅરિએન્ટ અને દક્ષિણ આફ્રિકા વૅરિએન્ટ જેવા વૅરિએન્ટ ઑફ કન્સર્ન કે નવો મળી આવેલ ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ જવાબદાર છે કે કેમ?

આ પ્રશ્નના જવાબમાં NCDCના ડાયરેક્ટર ડૉ. સુજિત કુમારે જણાવ્યું હતું કે, "તાજેતરમાં ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત કાર્યરત્ 10 રાષ્ટ્રીય લૅબોરેટરીના ગ્રૂપ, ધ ઇન્ડિયન SARS-CoV-2 કન્સોર્ટિયમ ઑન જિનૉમિક્સ (INSACOG) દ્વારા આ સમગ્ર દેશમાંથી કોરોનાના દર્દીઓના કુલ 10,787 નમૂનાઓનું જિનોમિક સિક્વન્સિંગ કરાયું હતું, આ અભ્યાસમાં અમુક નમૂનાઓમાં ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ અને વૅરિએન્ટ ઑફ કન્સર્ન હાજર હોવાની વાત તો સિદ્ધ થાય છે પરંતુ આ નવા વૅરિએન્ટ કે ડબલ મ્યુટન્ટ વૅરિએન્ટનો જે તે પ્રદેશોના નવા કેસોમાં થયેલ વધારા સાથે કોઈ સંબંધ મળી આવ્યો નથી."

અહીં નોંધનીય છે કે, અભ્યાસમાં સામેલ કરાયેલા આ નમૂનાઓ પૈકી ગુજરાતના 39 નમૂનામાં યુકે વૅરિએન્ટ જોવા મળ્યો છે.

તેમજ પત્રકારપરિષદમાં રજૂ કરાયેલી માહિતીમાં દર્શાવાયું હતું કે આ અભ્યાસમાં અમુક નમૂનાઓમાં ડબલ મ્યુટેશન જોવા મળ્યું છે. કેટલાક નમૂનાઓમાં વાઇરસના E484Q અને L452R મ્યુટેશનમાં વધારો જોવા મળ્યો છે. જેમાં ગુજરાતના પણ ત્રણ નમૂના સામેલ છે.

વાઇરસના મ્યુટેશનમાં થયેલા આ વધારાને જ ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ તરીકે ઓળખાવાઈ રહ્યો છે.

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી ગુજરાતમાં પણ યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ વૅરિએન્ટના કેસો મળી રહ્યા છે.

હવે આ નવા અભ્યાસમાં ગુજરાતમાં કોરોના વાઇરસના નવા ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટની પણ હાજરી નોંધાઈ છે ત્યારે તાજેતરમાં કોરોના રાજ્યમાં વાઇરસના કેસોમાં થઈ રહેલા વધારા સાથે વાઇરસના આ નવા પ્રકારોને સંબંધ હોવા અંગેની અટકળો થવા લાગી છે.

પરંતુ સરકારી અધિકારીઓએ આ અંગેનો કોઈ પણ પુરાવો ન હોવાની વાત કરી છે.

જોકે, આ પત્રકારપરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ પ્રકારના મ્યુટેશનના કારણે વાઇરસને શરીરની રોગપ્રતિકારક શક્તિથી બચવાની કાબેલિયત મળે છે અને તે વધુ ચેપી બને છે."

આ સિવાય પત્રકારપરિષદમાં હાજર અન્ય અધિકારીઓએ પણ એ વાત સ્વીકારી હતી કે વૅરિએન્ટ ઑફ કન્સર્ન પણ કોરોના વાઇરસના સામાન્ય પ્રકાર કરતાં વધુ ચેપી છે.

જોકે, તેઓ વારંવાર વાઇરસમાં જોવા મળેલાં આ તમામ પરિવર્તનોને તાજેતરમાં કેસોમાં થયેલા વધારા સાથે કોઈ પણ સંબંધ હોવાની વાત નકારી દેવાઈ છે.

ભારત અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1700થી વધુ નવા કેસ નોંધાયા છે. બુધવારે રાજ્યમાં કુલ 1790 નવા કેસ નોંધાયા.

આ સાથે જ અત્યાર સુધી નોંધાયેલા કોરોના વાઇરસના આ સૌથી વધારે કેસ થઈ ગયા છે.

આ પહેલાં મંગળવારે રાજ્યમાં કોરોનાના વિક્રમજનક સૌથી વધુ 1730 કેસ નોંધાયા હતા.

આ દરમિયાન 1277 દરદી સાજા થયા છે, જ્યારે વધુ આઠ દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ચેપગ્રસ્ત કેસનો આંક 2,91,169 થયો છે, જેમાંથી 8,828 ઍક્ટિવ કેસ છે.

રાજ્યમાં કોરોના વાઇરસને કારણે નોંધાયેલો કલ મૃતાંક 4,426 થયો છે.

જ્યારે સમગ્ર ભારતની વાત કરીએ તો NDTV ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે મંગળવારે સતત ચૌદમા દિવસે ભારતમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો.

મંગળવારે આ વર્ષના સૌથી વધુ 47,262 નવા કેસો નોંધાયા હતા.

આ આંકડો પાછલા 132 દિવસમાં સૌથી વધુ હતો. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,17,34,058 પહોંચી ગઈ હતી.

મંગળવારે નોંધાયેલાં 275 મૃત્યુ બાદ સમગ્ર દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,60,441 થઈ જવા પામી હતી.

મંગળવારે નોંધાયેલા કુલ કેસો પૈકી સૌથી વધુ 28,699 કેસો મહારાષ્ટ્રમાં આવ્યા હતા.

ડબલ મ્યુટેન્ટ શું છે અને નવા વૅરિએન્ટ પર રસી અસરકારક?

નીતિઆયોગના સ્વાસ્થ્ય સભ્ય ડૉ. વી. કે. પૉલે કોરોના વાઇરસના જુદાજુદા વૅરિએન્ટ સામે ભારતની કોવિશિલ્ડ અને કોવૅક્સિન રસીઓ કારગત છે કે કેમ એ અંગે સ્પષ્ટતા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા કોરોનાની મહામારી સામે રક્ષણ મળી રહે તે માટે લોકોને મુકવામાં આવી રહેલી કોવૅક્સિન અને કોવિશિલ્ડ રસીઓ કોરોના વાઇરસના યુકે વૅરિએન્ટ અને બ્રાઝિલના વૅરિએન્ટ સામે અસરકારક સાબિત થઈ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના વૅરિએન્ટ પર આ રસીઓની અસરકારકતા અંગે અભ્યાસ ચાલુ છે."

જોકે, આ અભ્યાસ બાદ ચર્ચામાં આવેલા કોરોના વાઇરસના નવા ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ પર આ રસીની અસરકારકતા અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નહોતી.

વિભિન્ન પ્રકારના વાઇરસના જિનૉમિક વૅરિએન્ટમાં ફેરફાર થવો એ એક સામાન્ય વાત છે, આવું દરેક દેશમાં થતું હોય છે.

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)ના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉક્ટર રમણ ગંગાખેડકરે બીબીસીને કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદનથી એ સ્પષ્ટ નથી થતું કે તેઓ કયા પ્રકારના ડબલ મ્યુટેન્ટની વાત કરી રહ્યા છે.

તેમણે કહ્યું, "સ્વાસ્થ્ય મંત્રાલયે E484Q અને L452R મ્યુટેશન વિશે જણાવ્યું છે પરંતુ એ સ્પષ્ટ નથી કે તેઓ આ બંને મ્યુટેશનમાં ફરી વખત મ્યુટેશન થયું હોવા અંગે વાત કરી રહ્યા છે કે પછી બંને વાઇરસ એક સાથે આવીને તેમાં ફેરફાર થયો હોવાની વાત કરી રહ્યા છે."

"જોકે, આ બંને વૅરિએન્ટ વિશે સંશોધન થવાનું બાકી છે, કારણ કે તેની કેટલી અસર થશે તે કેટલું ખતરનાક છે તે કહી શકાય નહી. L452R મ્યુટેન્ટ પ્રથમ વખત અમેરિકાના કૅલિફોર્નિયામાં દેખાયો હતો અને ત્યાર બાદ સમગ્ર વિશ્વમાં ફેલાયો."

"તેનો અર્થ એ છે કે આ મ્યુટેન્ટમાં કંઈક બીજી અસર છે જે બદલાઈ રહી છે. અમેરિકાના એક પ્રાણીસંગ્રહાલયના ગોરિલ્લામાં આ વાઇરસ મળી આવ્યો હતો. પરંતુ તેનું હકારાત્મક સ્વરૂપ પણ જોવું જોઈએ. કૅલિફોર્નિયામાં તેનો પ્રભાવ ખતમ થઈ રહ્યો છે. લોકો જો કોવિડ-19 અનુરૂપ વર્તણુકનું પાલન કરે છે તો તેનો ખતરો ઓછો છે."

ડૉ. ગંગાખેડકર કહે છે કે બે વૅરિએન્ટનું એક સાથે મ્યુટેશન થઈ શકે છે અને તેઓ એકમેકમાં ભળી શકે છે. યુકે, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વૅરિએન્ટમાં લગભગ આઠ-દસ મ્યુટેશન દેખાઈ ચુક્યા છે.

"વાઇરસ જ્યારે રિપ્રોડ્યૂસ કરે છે ત્યારે તે પરફેક્ટ નથી હોતો અને તે જ મ્યુટેશન હોય છે અને જ્યારે તે મ્યુટેશનની આપણા પર અસર થાય છે ત્યારે તેને વૅરિએન્ટ કહે છે."

નવો મ્યુટેન્ટ વાઇરસ કેટલો ખતરનાક હોઈ શકે છે? આ પ્રશ્નના જવાબમાં ડૉક્ટર ગંગાખેડકર કહે છે કે, "આ પ્રકારના મ્યુટેન્ટ જેવી રીતે આપણે ત્યાં મળી આવી રહ્યા છે, તેનો ચેપ જેટલા ઓછા લોકોને લાગે તે સારું છે કારણ કે જેટલો તે લોકોને લાગશે એટલો તે વધુ ને વધુ ફેલાશે."

"આ નહીં ફેલાય તો એક વૅરિએન્ટ બીજા વૅરિએન્ટ સાથે નહીં જોડાય અને આપણે ખતરાથી સુરક્ષિત રહીશું તેથી એ જરૂરી છે કે લોકો કોવિડ-19 અંગેની સૂચનાઓનું પાલન કરે."

સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે કેરળના 2032 નમૂના તપાસવામાં આવ્યા છે જે પૈકી 123 નમૂનામાં N440K વૅરિએન્ટ છે. આ પહેલાં આ વૅરિએન્ટ આંધ્ર પ્રદેશના 33 ટકા નમૂનાઓમાં જોવા મળ્યો હતો.

આ જ વૅરિએન્ટ તેલંગાણાના કુલ 104 નમૂનામાંથી 53 નમૂનામાં મળી આવ્યો હતો.

વાઇરસનો નવો પ્રકાર

જોકે એવું જણાવાઈ રહ્યું છે કે વાઇરસનો નવો પ્રકાર શરીરની રોગપ્રતિકારક શક્તિથી બચીને ચેપ ફેલાવે છે.

વાઇરસનું આ મ્યુટેશન લગભગ 15થી 20 ટકા નમૂનાઓમાં જોવા મળ્યું છે. આ વાત ચિંતા પેદા કરનાર અગાઉના પ્રકારોથી અલગ છે.

મહારાષ્ટ્રથી મળેલા નમૂનાઓના વિશ્લેષણથી ખબર પડે છે કે ડિસેમ્બર 2020ની સરખામણીએ નમૂનાઓમાં E484Q અને L452R મ્યુટેશનના અંશોમાં વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો દેશમાં પરત ફરે ત્યારે અને અન્ય દર્દીઓમાંથી લેવાયેલા નમૂનાની જિનૉમ સિક્વન્સિંગ અને તેના વિશ્લેષણ બાદ એવું જાણવા મળ્યું કે આ પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા દસ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો