You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં પ્રવાસી મજૂરો કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે વતન પરત કેમ ફરી રહ્યા છે?
"છેલ્લા બે દિવસથી સુરતના વડોદ, પાંડેસરા, ભેસ્તાન, ગોડાદરા વિસ્તારોમાં એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે ફરીથી લૉકડાઉન લાગી શકે છે. લૉકડાઉનના ભયથી પ્રવાસી મજૂરો સુરત છોડીને વતન જઈ રહ્યા છે."
"અમે તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે લૉકડાઉન થવાનું નથી અને સરકાર તમારી સાથે છે. "
આ શબ્દો સુરતના અલથાણ-બમરોલી-વડોદ વૉર્ડનાં કૉર્પોરેર સુધા પાંડેના છે.
સુરતના અલથાણ-બમરોલી-વડોદ વૉર્ડમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોના પરપ્રાંતીય મજૂરોની મોટી વસતિ છે.
ઉપરાંત શહેરનાં લિંબાયત-ઉધના યાર્ડ, ગોડાદરા - ડિંડોલી (ઉત્તર), પાંડેસરા- ભેસ્તાન સહિત બીજા ચાર વૉર્ડમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પરિવાર સાથે રહે છે.
પરપ્રાંતીય મજૂરો સુરત છોડીને જઈ રહ્યા હોવાનું સામે આવતા સુધા પાંડે અને બીજા કૉર્પોરેટરો તેમને સમજાવી રહ્યાં છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સુધા પાંડે જણાવે છે, "મજૂરો પોતાના પરિવાર સાથે બસોમાં બેસીને વતન જઈ રહ્યા છે. અમે પ્રવાસી મજૂરોને જણાવીએ છીએ કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તમારી સાથે છે અને ડરવાની જરૂર નથી."
પ્રવાસી મજૂરો સુરત કેમ છોડીને જઈ રહ્યા છે?
સુરતમાં પરપ્રાંતીય મજૂરોની વસતિ છે એ વિસ્તારોમાં અફવા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર ફરીથી લૉકડાઉનની જાહેરાત કરવાની છે. અફવાએ જોર પકડતાં મજૂરો પોતાના પરિવાર સાથે શહેર છોડીને જઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલથાણ-બમરોલી-વડોદ વૉર્ડના અન્ય એક કોર્પોરેટર બંશુ યાદવ કહે છે, "માત્ર અમારા વોર્ડમાંથી નહીં પરતું સમગ્ર શહેરમાંથી પરપ્રાંતીય મજૂરો બસોમાં ગામ જઈ રહ્યા છે. "
"સુરતથી દરરોજ 20થી વધુ બસો યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને બીજાં રાજ્યો તરફ જઈ રહી છે અને એક બસમાં નિયમ કરતાં વધારે લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. મજૂરો પાસેથી બેથી ત્રણ ગણું વધારે ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. "
"રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કર્યો છે. કોરોના વાઇરસના કેસો વધતાં સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે. મજૂરોને લાગે છે કે એક વર્ષ પહેલાં જેવી પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થઈ રહ્યું છે અને તેઓ ડરી ગયા છે."
"સુરત શહેરમાં હીરા અને કાપડનું માર્કેટ શનિવારે અને રવિવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પરપ્રાંતિય મજૂરોને લાગે છે કે સરકાર લૉકડાઉન જાહેર કરી શકે છે. ગત વર્ષની જેમ મુશ્કેલીઓને સામનો ન કરવો પડે એટલા માટે તેઓ વતનની વાટ પકડી રહ્યા છે."
સુધા પાંડે કહે છે કે, "જે પરપ્રાંતીય મજૂરો એક અથવા બે મહિનાં પહેલા સુરત પાછા ફર્યા, તેઓ પણ બસોમાં બેસીને ગામ જઈ રહ્યા છે. ઘણા મજૂરોનું કહેવું છે કે તેમને ડર છે કે લૉકડાઉન લાગી જશે."
"અમે પરપ્રાંતીય મજૂરોના વિસ્તારોમાં જઈને તેમને સમજાવી રહ્યાં છીએ પરતું એક અથવા બીજાં કારણો આગળ ધરીને તેઓ ગામ જઈ રહ્યા છે."
પરતું આ અફવા કોણ ફેલાવી રહ્યું છે?
તેના જવાબમાં સુધા પાંડે કહે છે કે, 'અમારાં ધ્યાનમાં આવ્યું છે કે અમુક ટ્રાવેલ એજન્ટના માણસો અફવા ફેલાવી રહ્યા છે કે લૉકડાઉન લાગશે. અમે આ વિશે સુરત શહેર પોલીસને જાણ પણ કરી છે અને તપાસ કરવા માટે વિનંતી કરી છે."
બંશુ યાદવ પણ સુધા પાંડેની વાત સાથે સહમત છે.
તેઓ કહે છે કે, "બે દિવસ પહેલાં અમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરી હતી અને પોલીસે અમુક લોકોને અટકાયત કરી હતી. પરતું બીજા દિવસે પોલીસે બધાને છોડી મૂક્યા હતા. અમે પોલીસને કહ્યું છે કે અફવાને ડામવા માટે તેઓ કડક પગલાં લે."
ડર છે કે લૉકડાઉન લાગી જશે: પરપ્રાંતીય મજૂરો
બીબીસીના સહયોગી પત્રકાર ધર્મેશ અમીન સાથે વાત કરતાં પરપ્રાંતીય મજૂર રાજા નિષાદ કહે છે, "ટીવીમાં જોઈને લાગ્યું કે લૉકડાઉન લાગી શકે છે. લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે લૉકડાઉન થઈ શકે છે અને એટલા માટે હું ગામ જઈ રહ્યો છું. મારી પાસે હાલ પૈસા નથી અને મારા મિત્રે મારી બસની ટિકિટ કઢાવી છે. "
રાજા કહે છે કે ગત વર્ષે જ્યારે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે બહુ મુશ્કેલી વેઠીને એ ગામ પરત ફર્યા હતા.
તેઓ કહે છે, "મારે ગામ સુધી ચાલીને જવું પડ્યું હતું. બીજી વખત આવી મુશ્કેલી વેઠવી ન પડે એટલા માટે હું ગામ જઈ રહ્યો છું."
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનાં અવધેશ સુરતમાં ઍમ્બ્રૉઇડરી મશીન ચલાવે છે. અવધેશ કહે છે કે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે એટલા માટે તેઓ ગામ જઈ રહ્યા છે.
"પહેલી વખત જ્યારે લૉકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે ગામ જવામાં મને બહુ મુશ્કેલી થઈ હતી. હું ઘણા કિલોમીટર ચાલીને ગયો હતો અને ત્યારબાદ મને વાહન મળ્યું હતું. હવે જો બીજી વાર લૉકડાઉન થાય તો એવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે એટલા માટે ગામ જઈ રહ્યો છું."
ગુજરાતમાં કોરોના વાઇરસની શું સ્થિતિ છે?
પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું,
"અમને માહિતી મળી હતી કે પરપ્રાંતીય મજૂરોમાં અફવા ફેલવવામાં આવી છે અને અમે તપાસ પણ કરાવી છે. પોલીસની ટીમે વિવિધ વિસ્તારોમાં જઈને પરપ્રાંતીય મજૂરો સાથે વાત પણ કરી છે."
"અમે મજૂરોને સમજાવી રહ્યા છીએ કે લૉકડાઉન લાગવાનું નથી. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે. ટ્રાવેલ એજન્ટના માણસો અફવા ફેલાવી રહ્યા છે કે કેમ એ અંગે પણ તપાસ કરી રહ્યા છીએ."
સુરતના કલેકટર ધવલ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પરપ્રાંતીય મજૂરો અફવાને લઈને સુરત છોડી જઈ રહ્યા છે તે વાત તેમના ધ્યાને આવી છે અને તેઓ આ અંગે તપાસ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે અને રાજ્યમાં લૉકડાઉનની આશંકા વચ્ચે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં લૉકડાઉન નહીં લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે નાગરિકોને લૉકડાઉનનો ભય રાખવાની આવશ્યકતા નથી.
એક પત્રકારપરિષદમાં મુખ્ય મંત્રીએ જણાવ્યું કે "ગુજરાતમાં લૉકડાઉન લાદવાની રાજ્ય સરકારની કોઈ ઇચ્છા નથી."
રૂપાણીએ કહ્યું, "લૉકડાઉનની અત્યારે કોઈ વાત નથી. ભૂતકાળમાં આપણે આ બધી પરિસ્થિતિ વચ્ચેથી નીકળ્યા છે અને લૉકડાઉન કર્યું નથી એટલે એ અંગેનો કોઈ ભય ન રાખવો."
"છેલ્લા 15 દિવસમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે. રાજ્ય સરકાર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે અને કોરોના વાઇરસને વધતો અટકાવવા માટે રસીકરણની કામગીરીને ઝડપી બનાવવામાં આવશે."
કોરોના વાઇરસના સંક્રમણને કાબૂ કરવા માટે રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની વાત કરતાં રૂપાણીએ કહ્યું, "રાજ્યમાં દરરોજ દોઢ લાખ લોકોનું રસીકરણ થઈ રહ્યું છે, જેને ત્રણ લાખ સુધી પહોંચાડવા સૂચના અપાઈ છે."
રાજ્યમાં પહેલાંની માફક જ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોરોના વાઇરસના કુલ કેસો કરતાં પાંચ ગણી વધુ પથારીઓ તૈયાર રાખવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો