કોરોના વાઇરસ : ગુજરાત સહિત ભારતમાં કેવી સ્થિતિ, મહારાષ્ટ્રમાં કેવાં નિયંત્રણો?

ભારતમાં ડિસેમ્બર 2020 બાદ પ્રથમ વખત 24 કલાકમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 35,871 નવા કેસો નોંધાયા છે. જ્યારે 172 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 1,14,74,605 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,216 થઈ ગયો છે.

આ દરમિયાન 17,741 સાજા પણ થયા છે. દેશભરમાં કોરોના વાઇરસના કુલ સક્રિય કેસની સંખ્યા 2,52,364 થઈ છે. ભારતના સ્વાસ્થ્યમંત્રાલયે સંબંધિત જાણકારી આપી છે.

એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઇરસના પ્રતિકાર માટે વૅક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્ય છે તો બીજી બાજુ, કેસોની સંખ્યામાં પણ ઉછાળો આવી રહ્યો છે.

આ પહેલાં બુધવારે 28 હજાર 903 નવા કેસ નોંધાયા હતા. બુધવારે ગુજરાતમાં 1122 નવા કેસ નોંધાયા હતા.

કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના ડેટા મુજબ કોરોનાના નવા કેસોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત તામિલનાડુ, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની સાથે 'ટૉપ-10' રાજ્યોમાં છે.

ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા પછી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે કર્ફ્યુ ઉપરાંત લૉકડાઉનનો સહારો લીધો છે.

ગુજરાતમાં કોરોનાની કેવી સ્થિતિ?

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને રાજ્યોમાં પ્રવર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

મોદીએ કહ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેરને શરૂ થતી અટકાવવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. તેમણે સલાહ આપી હતી કે આ મુદ્દે ગભરાવાની જરૂર નથી.

મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વ્યાપક રસીકરણ તથા વ્યાપક ટેસ્ટિંગ ઉપર ભાર મૂક્યો હતો.

આ વર્ચ્યૂઅલ બેઠકમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા નાયબમુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ સહિતના પ્રધાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ બેઠકમાં રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં દૈનિક રસીકરણની સંખ્યા દોઢ લાખની આજુબાજુ છે, જેને વધારીને ત્રણ લાખ સુધી લઈ જવામાં આવશે. આ માટે મહાનગરોમાં રાત્રે 9.30 કલાક સુધી રસીકરણની પ્રવૃત્તિ ચાલુ રખાશે.

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 31 માર્ચની રાતથી 10થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુના આદેશ આપવામાં આવ્યા છે.

જોકે, કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે, માત્ર નાઇટ કર્ફ્યુથી લાભ નહીં થાય અને કન્ટેઇન્મૅન્ટ ઝોનનું કડકાઈપૂર્વક પાલન કરાવવાથી જ કોરોનાને કાબૂમાં લઈ શકાશે.

ગુજરાતમાં હાલમાં કોરોનાને કારણે ત્રણ હજાર 146 વિસ્તારને કન્ટેઇન્મૅન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને ચાર હજાર જેટલી સર્વેલન્સની ટીમ દ્વારા ચકાસણીની કામગીરી હાથ ધરવામા આવી છે.

રેલવેસ્ટેશન, બસસ્ટેશન, ઍરપૉર્ટ તથા અન્ય રાજ્યો સાથેની સીમા ઉપર ગુજરાતમાં પ્રવેશી રહેલા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂર પડ્યે રેપિડ ઍન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં હોળીનો તહેવાર કોરોનાના ઓછાયા હેઠળ ઉજવાશે. અનેક આયોજકોએ હોળીસંબંધિત કાર્યક્રમોને રદ જાહેર કર્યા છે.

અમદાવાદમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને ધ્યાને લેતાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને અમદાવાદ બસ રૅપિડ ટ્રાન્ઝિટે આગામી આદેશ ન મળે ત્યાં સુધી શહેરમાં પોતાની બસો થોભાવી દીધી છે.

આ ઉપરાંત શહેરના તમામ જાહેર બગીચાઓ પણ બંધ કરી દેવાયા છે.

મહારાષ્ટ્રમાં નિષેધાત્મક આદેશો

'બિઝનેસ ટુડે'ના રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રનાં અલગ-અલગ શહેરો માટે અલગ-અલગ દિવસ તથા સમયમર્યાદા માટેના નિષેધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે.

નાગપુરમાં 15મી માર્ચથી એક અઠવાડિયા માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પૂણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

શાળા-કૉલેજોને 31મી માર્ચ સુધી બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જ્યારે ખાણીપીણીની દુકાનો અને હોટલો રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

વર્ધામાં આવશ્યક ન હોય તેવી સેવાઓ રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી બંધ રહેશે. નાંદેડમાં સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

પનવેલમાં 22મી માર્ચ સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

અન્ય રાજ્યો અને શહેરો

મધ્યપ્રદેશના ભોપાલ અને ઇંદૌરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

આ સિવાય ગ્વાલિયર, જબલપુર, ઉજ્જૈન અને રતલામ જેવાં મુખ્ય શહેરોમાં વેપારી પ્રતિષ્ઠાનેને રાત્રે 10 વાગ્યા પછી કામકાજ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

પંજાબના પટિયાલા, જલંધર, મોહાલી, લુધિયાણા અને કપૂરથલા સહિત આઠ જિલ્લામા રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

સરકારી તથા ખાનગીશાળામાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે, પરંતુ શિક્ષકોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

ઉત્તરાખંડના મસૂરીના અમુક વિસ્તારોમાં સંપૂર્ણ લૉકડાઉનના આદેશ આપવામાં આવ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો