વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તા કેમ ન મળી?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતમાં મોટા ભાગે દરેક સ્થળે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો.

મ્યુનિસિપલ કૉર્પોરેશનથી માંડી નગરપાલિકા સુધીની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ કૉંગ્રેસનો સફાયો કરી દીધો પરંતુ આ જ ગુજરાતમાં એક નગરપાલિકા એવી પણ છે જ્યાં ભાજપ જિત્યો અને છતાં સત્તાની ધુરા તેના હાથમાં ન આવી શકી.

આ નગરપાલિકા છે, મોરબી જિલ્લાની વાંકાનેર શહેરની નગરપાલિકા.

અહીંના કુલ સાત વોર્ડમાં 28 બેઠકમાંથી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી હતી.

તેમજ બાકીની ચાર બેઠકો બહુજન સમાજ પાર્ટી (બસપા)ને મળી હતી. બમ્પર બહુમતી હોવા છતાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સત્તાથી દૂર રહેવું પડ્યું છે.

વાંકાનેરમાં ભાજપે કેમ ગુમાવવી પડી સત્તા?

આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં વાંકાનેરના સ્થાનિક પત્રકાર હરદેવસિંહ ઝાલા જણાવે છે કે, "વાંકાનેર નગરપાલિકા પાછલાં 25 વર્ષથી ભાજપનો ગઢ રહી છે. પરંતુ આ વખતે ચૂંટાયેલા સભ્યોની નારાજગીને પગલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો પૈકી કોઈ પ્રમુખ-ઉપપ્રમુખનું પદ મેળવી શક્યા નથી."

તેમણે બહુમતી છતાં વાંકાનેરમાં ભાજપ સત્તાથી કેમ દૂર રહ્યો તે સમજાવતાં કહ્યું હતું કે, "ચૂંટણીઓનાં પરિણામ જાહેર થયાં બાદ નગરપાલિકાના ભાજપ અને બસપાના સભ્યોએ એકસાથે મળીને હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલાં પ્રમુખ જયશ્રીબહેન સેજપાલ અને ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાનાં નામ અનુક્રમે પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે વાંકાનેર ભાજપ પ્રમુખને મોકલી આપ્યાં હતાં. જે પાછળથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને પણ મોકલી દેવાયાં હતાં."

"પરંતુ જ્યારે ભાજપના મોવડીમંડળ તરફથી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મૅન્ડેટ મોકલવામાં આવ્યો તેમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા મોકલાયેલાં નામો કરતાં અલગ નામો સૂચવવામાં આવ્યાં હતાં. જેના કારણે ચૂંટાયેલા તમામ સભ્યોની લાગણી દુભાઈ."

ઝાલા વાંકાનેર ભાજપના સ્થાનિક રાજકારણમાં ખટરાગ હોવાનું કહે છે.

તેઓ કહે છે કે, "પોતાના દ્વારા મોકલાવાયેલાં નામો ન સ્વીકારાતા નારાજ થયેલા 16 સભ્યોએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને પક્ષના મૅન્ડેટનો અનાદર કર્યો હતો."

"મંગળવારે (તા. 16 માર્ચ) બપોરે ત્રણ વાગ્યે વાંકાનેર તાલુકા સેવાસદન ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ચૂંટણીઅધિકારી અને ચીફ ઑફિસરની હાજરીમાં યોજાઈ હતી. જેમાં ભાજપમાંથી રાજીનામું આપનાર 16 સભ્યો પૈકી 11 સભ્યોએ ભાજપના મૅન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું, જ્યારે પાંચે ભાજપ તરફી જ મતદાન કર્યું હતું."

"આમ, ચૂંટાયેલા સભ્યોમાંથી રાજીનામાં આપનાર 11 અને બહુજન સમાજ પાર્ટીના ચૂંટાયેલા તમામ ચાર સભ્યોએ આ બળવાખોર જૂથનું સમર્થન કરી તેમના પક્ષે મતદાન કર્યું હતું."

"જેથી 28માંથી 15 સભ્યોની બહુમતીથી બળવાખોર જૂથના સભ્યોના ટેકાવાળા ઉમેદવારોને પ્રમુખ અને ઉપપ્રમુખનાં પદ મળ્યાં અને આમ ભાજપે 25 વર્ષમાં પહેલી વખત વાંકાનેરની નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી."

'વ્હિપ વિરુદ્ધ મતદાનની કોઈ ફરિયાદ નહીં'

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ચૂંટણીઅધિકારી તરીકે ફરજ બજાવનાર પ્રાંત ઑફિસર ગંગાસિંઘનો મત સમગ્ર ચૂંટણીપ્રક્રિયા અંગે જાણવા માટે અમે સંપર્ક કર્યો.

તેમણે જણાવ્યું કે "તમામ પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં મંગળવારે મતદાન યોજાયું હતું. જેમાં ચૂંટાઈ આવેલા સભ્યોના પક્ષમાં 15 મત પડ્યા હતા જ્યારે તેની સામેના પક્ષે દસ મત પડ્યા હતા."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને કોઈ પક્ષ તરફથી વ્હિપનો અનાદર થયાની ફરિયાદ મળી છે કે કેમ?

તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, "ચૂંટણીના સ્થળે હાજર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પોતાના પક્ષના વ્હિપ વાંચી સંભળાવ્યા હતા. પરંતુ મતદાન અને પરિણામો જાહેર કર્યાં બાદ મને પાર્ટીના વ્હિપનો અનાદર કરી તેની વિરુદ્ધ મતદાન કરાયું હોવાની કોઈ ફરિયાદ મળી નથી."

'આંતરિક ખટપટને કારણે ભાજપને પડ્યો ફટકો'

વાંકાનેર નગરપાલિકાના નવનિયુક્ત ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ભાજપના મોવડીમંડળ સાથે ચૂંટાયેલા સભ્યોને પડેલા વાંધા અંગે વાત કરતાં કહ્યું કે, "અમે તમામ ચૂંટાયેલા સભ્યોએ પોતાની પસંદગીના ઉમેદવારનાં નામોનું વ્હિપ જારી કરવા માટે મોવડીમંડળને દરખાસ્ત કરતો પત્ર શહેર ભાજપ પ્રમુખને સોંપ્યો હતો."

"પરંતુ વ્હિપમાં અમારા દ્વારા ભલામણ કરાઈ તે સિવાયનાં અન્ય નામોનો ઉલ્લેખ હતો. આ કારણે અમને પાર્ટી હાઈકમાનના આ નિર્ણય સામે વાંધો પડ્યો. એટલે અમારા પૈકી 16 સભ્યોએ તાત્કાલિક શહેર ભાજપ પ્રમુખને મળી પોતપોતાનાં રાજીનામાં ધરી દીધાં."

તેઓએ વધુમાં કહ્યું, "શહેર ભાજપ પ્રમુખે અને ભાજપના સ્થાનિક આગેવાન જિતુ સોમાણીએ અમને મનાવવાના પ્રયત્નો કર્યા અને પક્ષનો મૅન્ડેટ સ્વીકારવા સમજાવ્યા પરંતુ બહુમતી સભ્યો આ બાબતે રાજી ન થયા. અંતે અમે ભાજપમાંથી રાજીનામું આપી દીધું."

"તેમજ અપક્ષ સભ્યો તરીકે ભાજપના મૅન્ડેટ ધરાવતા સભ્યો સામે ચૂંટણીમેદાનમાં ઊતરવાનો નિર્ણય લીધો. અંતે અમને પૂરતા મત મળતા જયશ્રીબહેનની નગરપાલિકાના પ્રમુખ તરીકે અને મારી ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી."

શહેર ભાજપમાં રહેલી આંતરિક ખટપટ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "કેટલીક રાજકીય વ્યક્તિઓ પોતાના લાભ માટે પોતે સૂચવેલી વ્યક્તિઓને પ્રમુખપદ મળે તે માટે મોવડીમંડળમાં ભલામણ કરી રહી હતી."

"મોવડીમંડળે પણ અમારી લાગણીઓની અદેખાઈ કરી. આમ પક્ષના વફાદાર કાર્યકરો હતાશ થયા અને અમુક લોકોના વ્યક્તિગત લાભ માટે આ બધું કરાઈ રહ્યું હોય તેવી અમને શંકા ગઈ. જેનો બદલો ભાજપે નગરપાલિકાની સત્તા ગુમાવીને ચૂકવવો પડ્યો."

'બળવાખોરો સામે પગલાં લેવાશે'

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાએ કહ્યું કે "વાંકાનેર નગરપાલિકામાં જે બળવાખોર સભ્યોના કારણે ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે તેમની સામે પક્ષના મોવડીમંડળની સૂચના અનુસાર શિસ્તભંગ અંગેનાં પગલાં લઈ, પક્ષાંતર ધારા હેઠળ ચૂંટણીઅધિકારીને જવાબદાર સભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની ફરિયાદ કરવામાં આવશે."

તેમણે આગળ કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીએ શિસ્તને વરેલી પાર્ટી છે. પાર્ટીમાં શિસ્તને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ છે. તેથી જે સભ્યોએ સત્તાની લાલચમાં આવીને પક્ષમાંથી રાજીનામાં આપ્યાં છે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભાજપના મોવડીમંડળ દ્વારા બળવો કરનાર સભ્યોના પક્ષમાંથી રાજીનામાં સ્વીકાર્યાં છે કે કેમ?

તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, "હજુ સુધી અમે આ બળવો કરનાર સભ્યોનાં રાજીનામાં સ્વીકાર્યાં નથી. તેમણે પાર્ટીના વ્હિપનો અનાદર કર્યો છે. જે અંગે ટૂંક સમયમાં પાર્ટીના પ્રતિનિધિ દ્વારા સંબંધિત અધિકારીને તમામ પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવશે."

દરમિયાન ભાજપે જે 14 સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું ભાજપની પ્રેસ નોટમાં કહેવાયું છે.

પક્ષાંતર ધારો શું છે?

રાજકારણમાં નેતાઓને પલ્લું બદલતા વાર નથી લાગતી. જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજકીય પક્ષો નાણાં કે હોદ્દાની લોભ-લાલચ આપી પોતાના પક્ષમાં લઈ લેવા અને શાસક પક્ષની સરકાર તોડી પાડવા માટે પ્રયત્નો કરી શકે છે.

ભૂતકાળમાં આવાં ઘણાં ઉદાહરણો જોવા પણ મળ્યાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર સત્તાની લાલચમાં વારંવાર પોતાનો પક્ષ બદલનારા લોકો પર નિયંત્રણ લાવવા માટે આ કાયદો વર્ષ 1985માં રાજીવ ગાંધીની સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. જેનો સમાવેશ ભારતના બંધારણના દસમા પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે. 1 માર્ચ, 1985ના રોજથી તે સમગ્ર દેશમાં લાગુ કરાયો છે.

પક્ષાંતર ધારા અંતર્ગત સંસદ કે વિધાનસભાના ચૂંટાયેલા રાજનેતા ગૃહમાં ચૂંટાયા બાદ પોતાના પક્ષમાંથી સ્વેચ્છાએ અલગ થઈ જાય તો તેની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

આ કાર્યવાહીમાં પ્રીસાઇડિંગ ઑફિસર (લોકસભાના સ્પીકર, રાજ્યસભાના સભાપતિ, વિધાનસભાના અધ્યક્ષ, વિધાન પરિષદના પરિષદના સભાપતિ અને સ્થાનિકસ્વરાજનાં એકમોમાં સંબંધિત સરકારી અધિકારી) આવી રીતે પક્ષ ત્યાગનાર રાજનેતાનું ગૃહમાંથી સભ્યપદ રદ કરી શકે છે.

આ સિવાય જ્યારે કોઈ પક્ષના ચૂંટાયેલા રાજનેતા પોતાના પક્ષના વ્હિપ વિરુદ્ધ જે-તે ગૃહમાં મતદાન કરે કે જાણીજોઈને મતદાનથી દૂર રહે તો પણ પ્રિસાઇડિંગ ઑફિસર પોતાની સત્તાનો ઉપયોગ કરી આવા રાજનેતાનું સભ્યપદ રદ કરી શકે છે.

તેમજ અન્ય એક સંજોગમાં જ્યારે કોઈ પક્ષ તરફથી પસંદગી પામી આવેલ વ્યક્તિ જો પદ મળ્યાના છ માસની અંદર કોઈ પક્ષમાં ન જોડાય (જો તેઓ પહેલાંથી કોઈ પક્ષમાં ન હોય તો), તો તેવા સંજોગોમાં છ માસ બાદ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાનાર સભ્યે જે તે ગૃહમાંથી પોતાનું સભ્યપદ ગુમાવવું પડે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અન્ય એક અહેવાલ અનુસાર મંગળવારે રાજ્યસભામાં તૃણમૂલ કૉંગ્રેસ તરફથી નૉમિનેટ થયેલા ભૂતપૂર્વ સાંસદ સ્વપન દાસગુપ્તાને ભાજપ તરફથી પશ્ચિમ બંગાળની તારકેશ્વર વિધાનસભાની બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે ઉતારાતાં રાજ્યસભામાંથી તેમને રાજીનામું આપવું પડ્યું છે.

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના હુકમ અનુસાર પ્રિસાઇડિંગ ઑફિસર પક્ષાંતર ધારા અંતર્ગત કોઈ પણ રાજનેતા પર ચૂંટણી લડવા બાબતે પ્રતિબંધ ન મૂકી શકે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો