You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાણંદ : એ બદનસીબ ઉમેદવાર જેઓ પોતાની જીત ન જોઈ શક્યાં
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમારે કોઈ સંતાન નહતું એટલે અમે પતિપત્નીએ નક્કી કર્યું હતું કે ગામના લોકોની સેવા કરવી. અમે પતિપત્ની ગામની સેવા કરતાં હતાં. સેવા કરવા માટે મારી પત્નીએ અપક્ષ ચૂંટણી લડી. ગામના લોકોનો પ્રેમ એટલો હતો કે એ જીતી ગઈ પણ જિંદગીનો જંગ હારી ગઈ."
"ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં ગઈકાલે એનું અવસાન થયું અને એની લોકોની સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ."
આ શબ્દો છે અપક્ષ ચૂંટણી લડીને વિજય મેળવનારાં લીલાબહેન ઠાકોરના પતિ વિક્રમભાઈ ઠાકોરના. લીલાબહેને સાણંદ તાલુકા પંચાયતની પીંપણ બેઠક અપક્ષ ઉમેદવાદર તરીકે જીતી લીધી છે. પીંપણ બેઠક પર લીલાબહેનને 2163 મતો મળ્યા છે.
જોકે, વિજયની જાણ થાય એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું છે.
સામાજિક કાર્યકર લીલાબહેન
સાણંદના સોયલા ગામનાં લીલાબહેન છેલ્લાં 12 વર્ષથી સામાજિક કાર્યો કરતાં હતાં. જાહેર જીવન ઉપરાંત તેઓ ઘરે પતિને ખેતી અને પશુપાલનમાં પણ મદદ કરતાં હતાં.
લીલાબહેન અને વિક્રમભાઈ દ્વારા કરાતાં સામાજિક કાર્યો થકી આસાપાસના પંથકમાં બન્નેનું નામ પણ થઈ ગયું હતું. સમય જતા લીલાબહેન ભાજપમાં જોડાયાં હતાં. સાણંદ તાલુકા પંયાયતની પીંપળ બેઠક પર તેમણે બે વખતે ભાજપમાંથી ટિકિટ મેળવવા પ્રયાસ કર્યો હતો પણ તેમને ટિકિટ મળી નહોતી. જેને પગલે તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે આ વખતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
વિક્રમભાઈ ઠાકોર જણાવે છે, "નાનીનાની સમસ્યા માટે અમારે ગાંધીનગર કે અમદાવાદ જવું પડતું હતું. એટલે ગામના લોકો અમને આગ્રહ કરતા હતા કે બહેનને ચૂંટણીમાં ઊભા રાખો. સત્તામાં હશે તો ગામનાં સેવાકાર્યો સારી રીતે થશે."
"અમારા ગામમાં ઠાકોર, દરબાર, પટેલ, દલિત, કોળી, દેવીપૂજક સહતિ તમામ સમાજના આગેવાનોએ અમારી ઘરે આવીને મારી પત્નીને ચૂંટણી લડવા માટે કહ્યું હતું. મારી ઇચ્છા નહોતી પણ ગામના લોકોનો આગ્રહ જોઈને એણે અપક્ષ તરીકે ચૂંટણી લડી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામના લોકો શું કહે છે?
પીંપણ ગામ વિક્રમભાઈના ગામ સોયલાથી 17 કિલોમિટરના અંતરે આવેલું છે. વિક્રમભાઈ જણાવે છે, "અમે પ્રચાર કરવા નીકળતાં ત્યારે લોકો અમને કહેતા કે તમારે પ્રચાર કરવાની જરૂર નથી. તમે ઘેર જતા રહો. લોકો અમારી સાથે જોડાતા હતા."
"ચૂંટણીપ્રચાર દરમિયાન મારાં પત્નીને સામાન્ય ઉધરસ થઈ હતી. રવિવારે રાત્રે અમે સાથે જમ્યાં હતાં. ગઈ કાલે સવારે ઊઠીને તેમણે નાસ્તો બનાવ્યો અને થોડી વાર બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. હું ઘરે જ છું. પીંપણ બેઠક પરથી તેઓ જીતી ગયા હોવાની મને જાણ થઈ છે."
લીલાબહેનના મૃત્યુના પગલે સોયલા ગામના લોકો આઘાતમાં છે. ગામમાં રહેતા જશાજી ઠાકોર જણાવે છે, "લીલાબહેનને બાળકો અને બહેનો માટે વિશેષ પ્રેમ હતો. કોઈ પણ જાતના ભેદભાવ વગર તેઓ બાળકોને પ્રેમ કરતાં હતાં. સમગ્ર પંથકમાં તેઓ લોકપ્રિય હતાં. એટલે જ અમે તેમને આગ્રહ કરીને ચૂંટણી લડાવી હતી."
ગામમાં રહેતાં મીનાબહેન દાતણિયા જણાવે છે, "મારી દીકરીની સુવાવડ વખતે લીલાબહેન અમને સરકારી દવાખાનામાં લઈ ગયાં હતાં. સરકારી યોજના પ્રમાણેની સહાય અપાવી ભારે મદદ કરી હતી."
"એ જીવતાં હોત તો વધુ સેવા કરી શક્યાં હોત."
ગામનાં વધુ એક મહિલા સવિતાબહેન પરમાર જણાવે છે, "અમારાં બાળકોને શાળાએ દાખલ કરાવતાં હતાં. એમના કારણે અમારાં બાળકો ભણતાં થયાં છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો