You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્થાનિકસ્વરાજની ચૂંટણીનાં પરિણામ : અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામાં કેમ આપ્યાં?
ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું ધોવાણ થયું છે. છ મહાનગરપાલિકાની ચૂંટણીઓનાં પરિણામો નિરાશાજનક રહ્યાં બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંયાયતમાં પણ કૉંગ્રેસને નિરાશા સાંપડી છે.
સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલી નિરાશાને પગલે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપી દીધાં છે.
હારનો સ્વીકાર કરતાં અમિત ચાવડાએ કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને રાજીનામું મોકલી દીધું હોવાનું જણાવ્યું છે.
રાજીનામું આપ્યું હોવાની વાતની માહિતી આપતાં અમિત ચાવડાએ સ્થાનિકસ્વરાજની ચૂંટણીના પરિણામો અપેક્ષાથી વિપરીત ગણાવ્યાં છે.
તેમણે કહ્યું, "જે રીતે પ્રજામાં મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે આક્રોશ હતો, સમગ્ર ચૂંટણીપ્રચારમાં જે રીતે આવકાર મળી રહ્યો હતો એ પ્રમાણે ચોકક્સથી સારા પરિણામની અપેક્ષા હતી."
પ્રજાના જનાદેશને સ્વીકાર કરતાં તેમણે ચૂંટણીપ્રક્રિયા અને ઈવીએમ પર પ્રશ્નો કર્યા છે.
ચાવડાએ જણાવ્યું, "એક તરફ પ્રજામાં આક્રોશ, એક તરફ અમારા કાર્યકરોની મહેનત, અમારા ઉમેદવારોને મળી રહેલો આવકાર જોતાં, જે પરિણામ આવ્યાં તે વિપરીત છે."
"એ જોતા ક્યાંકને ક્યાંક આખી મતદાનન પ્રક્રિયા, ઈવીએમ પર જે શંકા મતાદોરમાં છે એના પર આવનારા સમયમાં ધ્યાન આપીને ચોક્કસ તપાસ થશે. કાર્યકરોમાં અને મતદારોમાં જે રીતે કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું એ પરિણામમાં દેખાઈ રહ્યું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપ્યું હોવાની વાતનો બીબીસી ગુજરાતીના પત્રકાર તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં સ્વીકાર કર્યો છે.
ધાનાણીએ જણાવ્યું છે, "આ રાજીનામું નિષ્ફળતાનો સ્વીકાર છે. જે કંઈ પણ પરિણામ આવ્યાં છે, તેના અનુસંધાને અમે રાજીનામાની તજવીજ હાથ ધરી છે."
વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈના કહેવા પ્રમાણે, "કૉંગ્રેસ પાર્ટી અત્યારે નેતૃત્વના સંકટમાંથી પસાર થઈ રહી છે. કોઈ પણ જગ્યાએ તેની પાસે સબળ નેતૃત્વ નથી."
બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર જયદીપ વસંત સાથેની વાતીચમાં દેસાઈએ જણાવ્યું, "2015ની સ્થાનિકસ્વરાજની ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ પાર્ટી માટે આશાનું કિરણ ઊગ્યું હતું, પરંતુ તેને ટકાવી રાખવામાં પાર્ટી અને તેનું નેતૃત્વ નિષ્ફળ રહ્યાં છે.
ધાનાણીના 'ઘર'માં ગાબડું
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના રહેણાક વિસ્તાર વૉર્ડ નંબર 10માં પણ કૉંગ્રેસની થઈ છે.
બીબીસીના સહયોગી ફરહાન કાદરીના જણાવ્યા અનુસાર અમરેલી શહેર સહિત વિપક્ષના નેતા પરેશ ધાનાણીના રહેણાક વિસ્તારમાં પણ કૉંગ્રેસનો સફાયો થયો છે.
કૉંગ્રેસના ચાર ઉમેદવારમાંથી માત્ર એક જ ઉમેદવારની જીત થઈ છે. જ્યારે ભાજપ બાકીની ત્રણ બેઠક પર વિજયી થયો છે.
પરેશ ધાનાણીના પિતરાઈ સંદિપ ધાનાણીનો પણ પરાજય થયો છે.
અમરેલીની બગસરા નગરપાલિકામાં પણ ભાજપનો 20 બેઠક પર વિજય થયો છે જ્યારે કૉંગ્રેસે આઠ બેઠક જીતી છે.
હાર્દિક પટેલના 'ઘર'માં કૉંગ્રેસનો પરાજય
અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકાનાં ચૂંટણીપરિણામો ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે ચિંતાજનક સમાચાર લઈને આવ્યાં છે.
અહીંની 36 બેઠકમાંથી 16 ઉપર ભાજપના ઉમેદવાર વિજયી થયા છે. 18 બેઠકનાં પરિણામો જાહેર થવાનાં બાકી છે. અહીં અપક્ષોએ છ બેઠક જીતી છે.
કૉંગ્રેસે અહીં જીતી શકે તેવા અપક્ષ ઉમેદવારોને ટેકો આપવાનું વલણ દાખવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાર્દિક પટેલ બીજા નંબરના વૉર્ડમાં મતદાર તરીકે નોંધાયેલા છે, જેમાં ચારમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપનો તથા એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
ધારાસભ્યના પુત્રનો પરાજય
જામનગરથી બીબીસીના સ્થાનિક સહયોગી દર્શન ઠક્કર જણાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા હેઠળ આવતી વડત્રા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભારે રસાકસીના અંતે કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમના પુત્ર કરણનો પરાજય થયો છે.
ભાજપના ઉમેદવાર અનિલ ચાવડા અહીંથી વિજેતા જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે કરણ જામનગરની બેઠક ઉપરથી ભાજપનાં સાંસદ પૂનમ માડમના પિત્રાઈ થાય છે.
કરણના પિતા પણ સંસદમાં જામનગરની બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
સ્થાનિકસ્વરાજની ચૂંટણીનાં પરિણામો
સાડા ચાર વાગ્યા સુધીની સ્થિતિની વાત કરવામાં આવે તો નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 1875, કૉંગ્રેસે 339, અપક્ષે 159, આમ આદમી પાર્ટીએ 09 બેઠકો પર વિજય હાંસલ કરી લીધો છે. જ્યારે બીએસપીએ 2 અને અન્યોએ 24 બેઠક પર વિજય હાંસલ કર્યો છે.
જિલ્લા પંચાયતની વાત કરવામં આવે તો ભાજપે 680, કૉંગ્રેસે 150, અપક્ષે 03 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે બીએસપી એક અને અન્યે 4 બેઠક મેળવી છે.
તાલુકા પંચાયતમાં ભાજપે 2921 બેઠક અને કૉંગ્રેસે 1076 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે અપક્ષે 96 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. તો આમઆદમી પાર્ટીએ 27 બેઠક જીતી લીધી છે જ્યારે બીએસપીએ ચાર અને અન્યે 13 બેઠકો મેળવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો