આયેશા આપઘાત કેસ : આરિફ ખાનની ધરપકડ, અંતિમ વીડિયો પાછળની હકીકત શું છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહીં તક હૈ. મૈં ખુશ હું કી મૈં અલ્લા સે મિલુંગી. ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહીં કમી રહ ગઈ, મુજ મેં યા શાયદ તકદીર મેં. મેં ખુશ હું...સુકૂન સે જાના ચાહતી હું. અલ્લા સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે." આ શબ્દો છે આયેશાના.

પોલીસ ફરિયાદની વિગતો મુજબ 26 ફેબ્રુઆરીએ આયેશાએ હસતાંહસતાં એક છેલ્લો વીડિયો બનાવીને સાબરમતી નદીમાં કૂદીને જીવ આપી દીધો હતો.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

આયેશા મૂળ રાજસ્થાનનાં હતાં અને અમદાવાદના વટવામાં રહેતાં હતાં. આયેશાએ નદીમાં ઝંપલાવતા અગાઉ છેલ્લે નદીને પ્રાર્થના કરતાં કહ્યું કે "યે પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કિ વો મુજે અપને મેં સમા લેં."

સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. દેસાઈએ કહ્યું કે વટવામાં રહેતાં આયેશાએ રિવરફ્રન્ટમાં ડૂબીને આપઘાત કર્યો છે.

આ કેસમાં આરોપી તરીકે પોલીસે આયેશાના પતિ આરિફ ખાનની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી છે અને તેમને ગુજરાત લાવવામાં આવ્યા છે.

આયેશાની આત્મહત્યાના કેસમાં પોલીસને ઝાલોરથી આરિફ ન મળી આવતા તેમણે આરિફનો ફોન નંબર સર્વેલન્સમાં મૂક્યો હતો અને આરિફની કાર આરજે 16 CA 5713ની મૂવમેન્ટ પર નજર રાખવા માટે તમામ ટોલનાકાઓ પર સૂચના આપી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમના પીઆઈ વી.એમ. દેસાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "અમે આરિફના મોબાઇલ લોકેશનને ટ્રેસ કરી રહ્યા હતા. સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેની રાજસ્થાનના પાલીથી સોમવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવશે."

એમણે કહ્યું કે, "આયેશા અને આરિફ વચ્ચે આપઘાતની ઘટના પહેલાં 70 મિનિટ થયેલી વાતચીત અને અન્ય કોલ ડિટેલ્સ રેકોર્ડની તપાસ ચાલુ છે. હાલ ફરિયાદ આરિફ સામે છે તપાસ બાદ વધારે લોકોની સંડોવણી જણાશે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે. આરિફ ખાન સામે આઈપીસી 306, અને સીઆરપીસી 154 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે."

વી. એમ. દેસાઈ કહે છે કે, "અમને આયેશાનો ફોન મળ્યો છે. ફોનમાં એમણે પતિ સાથે 25મી ફેબ્રુઆરીએ 70 મિનિટ વાત કરી હતી એનું રૅકૉર્ડિંગ છે. જેમાં એમના પતિ એમને એમ કહે છે કે, હું તને લેવા નહીં આવું. તું મરી જા અને મરતી વખતે તારો વીડિયો બનાવીને મોકલજે તો જ હું સાચું માનીશ. લાંબા વખતથી ચાલતા આ કંકાસના કારણે આ છોકરીએ આપઘાત કર્યો છે."

જોકે, પોતાની આત્મહત્યાનો અંતિમ વીડિયો બનાવતાં એમણે પતિને મુક્ત કરી દેવાની અને એમની સામેના કેસ પાછા ખેંચી લેવાનું પણ પિતાને કહ્યું.

આયેશાએ વીડિયોમાં કહ્યું, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આયેશા આરિફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું વો મેરી મરજી સે કરને જા રહી હું...ઈસ મેં કિસી કા દબાવ નહીં હૈં, અબ બસ ક્યા કહે? યે સમજ લીજિયે કિ ખુદા કી જિંદગી ઈતની હી હોતી હૈં...ઔર મુજે ઈતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગી."

આ કેસમાં બીબીસી ગુજરાતીએ આરિફનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો છે પણ સંપર્ક થઈ શક્યો નથી. જો એમનો સંપર્ક થશે તો આ અહેવાલ અપડેટ કરવામાં આવશે.

આયેશાનો વીડિયો અને તણાવ

આયેશા વીડિયોમાં હસી રહ્યાં છે પણ વાસ્તવમાં એમની જિંદગીમાં તણાવ હતો. તેમનું લગ્નજીવન છિન્નભિન્ન હતું અને એમનાં માતા-પિતાનો આરોપ છે કે પતિ આરિફખાન અને સાસરીપક્ષ દ્વારા આચરવામાં આવેલી ઘરેલુ હિંસાને કારણે એમનું બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું.

સાઇકૉલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી આયેશાના વીડિયો બાબતે કહે છે કે, "આયેશા વીડિયોમાં જે એ રીતે વાત કરે છે એ છેતરામણી સ્વસ્થતા સૂચવે છે. દીવો બુઝાય તે પહેલાં જ્યોત વધારે ઝબકે એવી એ વાત છે. ઘણી વાર આપઘાત કરનાર લોકો છેલ્લે એકદમ યુફોરિયામાં આવી જાય. દુનિયાથી પર થઈ રહ્યા છીએ, દુખથી મુક્ત થઈ રહ્યા છીએ એ મોડમાં આવી જતા હોય છે."

તેઓ કહે છે વ્યક્તિ આપઘાતના વિચારો કરે ત્યારે આ પ્રકારનું જ વર્તન હોય છે અને આયેશા ચોક્કસપણે ડિપ્રેશનમાં હતાં.

આયેશાના વીડિયોએ અનેક લોકો પર અસર કરી છે. સોશિયલ મીડિયામાં મોટા પાયે લોકોએ કૉમેન્ટ કરી. કેટલાકે આયેશાએ માતાપિતાની વાત ન માની એ પણ કહ્યું તો કેટલાક લોકોએ પોતે ખૂબ તાણ અનુભવે છે એમ પણ કહ્યું.

ડૉ. ભીમાણી કહે છે કે, "ઘણા લોકો એવા છે કે જેઓ હવે આપઘાતનો વીડિયો મૂકે છે. લોકોમાં આની અસર એવી થાય કે લોકો એવું સમજે છે કે લોકોને એ પ્રકારે ઇન થિંગ એટલે આવું કરી શકાય એમ લાગે છે."

"આ એક પ્રકારનું સ્યુસાઇડલ રૉમેન્ટિસિઝમ ક્રિએટ કરે. લોકો છેલ્લેછેલ્લે વીડિયો મૂકે છે કે એનું કારણ એ કે છેલ્લેછેલ્લે પણ એન્ટૅન્શન સિંકિંગ બિહેવિર ચાલુ હોય છે. આને માનવતાની રીતે કરીએ તો એ પોતાને બચાવી લેવા માટેનો છેલ્લો ચિત્કાર છે. જો એ સમયે કોઈ એને મળી જાય તો એનું જીવન બચી જાય."

આ ઘટનાઓએ અનેક લોકોનાં મન પર અસર કરી છે એ અંગે ડૉ. ભીમાણી કહે છે કે "આવી ઘટનાઓને સહેજ પણ નૅગેટિવ મહત્ત્વ ન આપવું જોઈએ. એમાંથી બોધપાઠ એ લેવાનો કે આવું કંઈ હોય તો મૃત્યુ એ છેલ્લો વિકલ્પ હોઈ જ ન શકે."

"તમે કોઈ ત્રીજા માણસ માટે મરી જાવ એ અયોગ્ય બાબત છે. માતા-પિતા વિનંતી કરે છે તો તમારે એવો વિચાર કરવો જોઈએ કે એમનું સંતાન તો હું છું જ. એવો વિચાર કરવો જોઈએ કે માતા-પિતા કે જે સ્વજન હોય એમણે આખી જિંદગીમાં સમય, શક્તિ, નાણાં, પ્રેમ વગેરેનું ખૂબ રોકાણ કર્યું છે તો એનું ઋણ ચૂકવ્યા વિના જિંદગીનો આવો નિર્ણય કેવી રીતે કરી શકાય?

તેઓ કહે છે કે "હતાશા કે તણાવમાં એ યાદ રાખવું અને પોતાને એ યાદ કરાવવું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન ચોક્કસપણે મળી જ જતું હોય છે. જો એમને સારવાર મળી હોત તો એ ચોક્કસ બચી ગયાં હોત."

સમાજમાં હજી માનસિક સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ નથી એ અંગે તેઓ ચેતવે છે અને કહે છે કે "લોકોએ એટલું ચોક્કસ સમજવાની જરૂર છે કે પાગલ લોકો જ મનોચિકિત્સક પાસે જાય એ માન્યતા ખોટી છે. જો સહેજ પણ તણાવ હોય તો ચોક્કસપણે સારવાર લેવી જોઈએ."

કોણ હતાં આયેશા?

આયેશા મૂળ રાજસ્થાનના ઝાલોરના લિયાકત મકરાણી અને હરમતબીબીનું સંતાન હતાં. એમની ઉંમર 23 વર્ષ હતી. ગરીબ પરિવારના લિયાકત મકરાણી રોજગાર માટે રાજસ્થાનથી અમદાવાદ આવીને પરિવાર સાથે વટવામાં રહેતા હતા.

લિયાકત મકરાણીને ચાર સંતાનો હતાં અને પરિસ્થિતિ સારી નહોતી. એમને સિલાઈનું કામ આવડતું હતું એટલે અમદાવાદ આવી એ કામ શરૂ કર્યું. સૌથી મોટા દીકરાને ભણાવી શકાય એમ નહોતો એટલે એને મિકૅનિક તરીકે કામે લગાડ્યો હતો.

લિયાકત મકરાણીએ જણાવે છે, "અમદાવાદ આવી વટવામાં હું રહેતો હતો. મારી ઇચ્છા હતી કે મારાં બાળકો ખૂબ ભણીને મોટા સાહેબ બને પણ ઘરની તકલીફો જોઈને મારો મોટો છોકરો ભણતા પહેલાં જ કામે લાગી ગયો. "

"એ હોશિયાર હોવાથી મિકૅનિક બન્યો અને કારમાં ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરવા લાગ્યો. અમે બેઉ બાપ-દીકરો મળીને ઘર ચલાવતા હતા."

"મારી મોટી દીકરી હીનાનાં અમદાવાદમાં લગ્ન કરાવ્યાં. એનાં લગ્નમાં ખર્ચો ખૂબ થયો હતો. બીજી દીકરી આયેશા ભણવામાં ખૂબ હોંશિયાર હતી એટલે એને ભણાવી."

"અમે એને પ્રેમથી સોનું કહેતાં. એ અમારો સોનાનો સિક્કો હતી. અમારા પરિવારમાંથી પહેલી ગ્રૅજ્યુએટ એ થઈ અને એણે આગળ એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો."

લિયાકત મકરાણી આયેશાને આગળ ભણાવવા તો માગતા હતા પણ એમને ફિકર એ હતી કે એમના સમાજમાં એટલું ભણતર ધરાવનારો છોકરો નહીં મળે તો?

આયેશાનો એમ.એનો અભ્યાસ ચાલુ હતો એ દરમિયાન લિયાકત મકરાણીના સંબંધીઓ મારફતે ઝાલોરથી બે દુકાન અને બે મકાન ધરાવતા સંપન્ન પરિવારનું માગું આવ્યું.

આમ, ઝાલોરના બાબુખાનના દીકરા આરિફખાન સાથે અઢી વર્ષ પહેલાં આયેશાનાં લગ્ન થયાં.

આરિફની ઝાલોરમાં ગ્રૅનાઇટ બનાવતી કંપનીમાં મૅનેજર તરીકે નોકરી હતી અને ઉપરાંત પોતે સાઇડ બિઝનેસમાં ગ્રૅનાઇટની લે-વેચ પણ કરતા. એમની મહિને સાઠેક હજારની આવક હતી.

વળી, આરિફે લગ્ન વખતે તે આયેશાને આગળ ભણવા દેશે એમ પણ વચન આપ્યું હતું.

દહેજ અને ઘરેલુ હિંસા

આયેશાનાં માતા હરમીતબીબીએ જણાવ્યું, "લગ્ન વખતે આરિફે કબુલ કર્યું હતું. અમને એમ હતું કે, છોકરો ભણેલો છે તો છોકરીને ભણવા દેશે અને નોકરી પણ કરવા દેશે. એમનું ઘર અમારી હેસિયત કરતાં મોટું હતું તો અમે કરજ લઈને વહેવાર કર્યો."

આયેશાનાં પરિવારના કહેવા મુજબ એમણે લગ્નમાં આયેશાને દહેજમાં ત્રણ તોલા સોનું અને એક કિલો ચાંદી આપી હતી. આ ઉપરાંત કપડાં વગેરે વહેવાર પણ કર્યો હતો.

આયેશનાં માતા કહે છે, "આયેશાનાં લગ્ન બાદ ઘરનું દેવું વધી જતાં સૌથી નાના દીકરા અરમાને પણ ભણવાનું છોડી ખાનગી બૅન્કમાં લૉન એજન્ટ તરીકેનું કામ શરૂ કરી દીધું અને ધીમેધીમે અમે દેવું ચૂકતે કરતાં હતાં."

આયેશાના પિતા લિયાકત મકરાણીએ કહે છે, "શરૂઆતમાં તો આયેશાનું લગ્નજીવન ઘણું સરસ ચાલતું હતું. પછી આરિફના કહેવાથી આયેશાએ એમ.એ.નું ભણવાનું છોડી દીધું. આ અરસામાં એ પ્રેગનન્ટ થઈ અને એ પછી એના દુઃખના દિવસો શરૂ થયાં."

આયેશાના પરિવારનો આરોપ છે કે આયેશાનાં સાસુ સાયરાબાનુ અને નણંદ ખુશ્બુબાનુએ આયેશાના બધા દાગીના લઈ લીધા અને તેમને ત્રાસ આપવાનું શરૂ કર્યું. આયેશા ગર્ભવતી હોવા છતાં તેમને પૂરતો ખોરાક ન આપવાનો અને મારઝૂડ કરવાનો આરોપ તેમનો પરિવાર લગાવે છે.

જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ આરોપની પુષ્ટિ કરી શકતું નથી. આયેશાના પતિ આરિફનો સંપર્ક થયે આ આરોપ બાબતે એમનો મત ઉમેરવામાં આવશે.

આ અંગેની પોલીસ ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં તારીખ 21-08-2020ના રોજ નોંધવામાં આવેલી છે અને પતિ આરિફખાન, સસરા બાબુખાન ગફૂરખાન, સાસુ સાયરાબાનુ બાબુખાન અને નણંદ ખુશ્બુબાનુ બાબુખાન પોલીસ ફરિયાદ મુજબ આરોપી છે.

આ અંગે ઘરેલુ હિંસાનો કેસ પણ અમદાવાદની ઘી-કાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કોરોનાકાળમાં ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થયો છે અને અનેક કિસ્સા બહાર આવ્યા છે.

બીબીસી ગુજરાતીના એક અહેવાલમાં એપ્રિલ માસમાં આવા કેસોમાં મદદ કરતી સરકારી હેલ્પલાઇન 'અભયમ્'ના ચીફ ઑપરેટિંગ ઑફિસર જશવંત પ્રજાપતિએ કહ્યું હતું કે "સામાન્ય સમય કરતાં લૉકડાઉનના સમયમાં ઘરેલુ હિંસાના કેસમાં 25% જેટલો વધારો થયો છે, ગુજરાતના ખૂણે-ખૂણેથી ઘરેલુ હિંસાના કેસ આવી રહ્યા છે."

ડિસેમ્બરમાં બીબીસી ગુજરાતીએ પ્રકાશિત કરેલા એક અહેવાલ મુજબ કોરોનાકાળમાં સમગ્ર વિશ્વમાં દોઢ કરોડ જેટલી મહિલાઓએ ઘરેલુ હિંસાનો સામનો કર્યો છે. આ અહેવાલ ડિસેમ્બર 2020માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

નાગેન્દ્ર સૂદ 'સાથ' સંસ્થામાં આપઘાત-નિવારણની કામગીરીમાં સેક્રેટરી અને વકીલ છે.

એમનું કહેવું છે "અમારી પાસે અનેક કેસો દહેજ અને આત્મહત્યાના આવે છે અને મોટા ભાગના કેસો ઉકેલી શકાય છે પણ જે સમુદાયો ઓછી આવક ધરાવનારા છે એમના કેસ ઓછા આવે છે કારણકે એમના પર સમાજનું અને સામાજનું દબાણ ખૂબ મોટું હોય છે. કોર્ટની અંદર કેસ લડવા માટે પણ પૂરતાં સંસાધનો હોતાં નથી."

તેઓ કહે છે કે "અમારી પાસે આવા કેસ જ્યારે આવે છે ત્યારે અમે જજમેન્ટલ બનવાને બદલે એમને પૂરતા સાંભળી નિ:શુલ્ક ન્યાયિક મદદ ઉપરાંત કાઉન્સિલિંગ પણ કરીએ છીએ, જેથી આપઘાતને રોકી શકાય છે. પરંતુ આયેશા જેવા કેસમાં ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને તો આપઘાતના અનેક કિસ્સા અટકાવી શકાય."

સુદ કહે છે કે, "ભરણપોષણની 125ની કલમ હેઠળના દાવામાં હંગામી ઑર્ડર મળે છે અને કેસ લાંબો ચાલે છે. ઘરેલુ હિંસામાં પણ કેસ લાંબો સમય ચાલે છે. જેના કારણે માનસિક અને આર્થિક રીતે થાકી ગયેલી મહિલાઓ હતાશ થઈ જાય છે. વળી, દહેજના કેસમાં પિતા પર પડેલું આર્થિક ભારણ પણ મહિલામાં પોતાને કારણે પિતા અને પરિવારને વેઠવું પડે છે એવી ભાવના ઊભી કરે છે."

આયેશાનાં માતા હરમતબીબીએ કહે છે, "મારા પતિ અને બે દીકરા આયેશાનું લગ્નજીવન સુખી થાય એ માટે દિવસરાત તનતોડ મહેનત કરતા. એ જોઈને પણ આયેશા દુઃખી રહેતી હતી. મોડી રાત સુધી આરિફને ફોન કરતી. વોટ્સઍપ મૅસેજ કરતી. આરિફ ક્યારેક એની વાત માનતો, ક્યારેક ન માનતો. એની સાથે સખત ઝઘડા કર્યા કરતો."

દસ લાખની માગણીઅને બાળકનું ગર્ભમાં મૃત્યુ

આયેશાના પિતા લિયાકત મકરાણીનો આરોપ છે કે આરિફ અને તેમના પરિવારે 10 લાખ રૂપિયાની માગણી કરી હતી.

એમણે કહ્યું, "આયેશા પ્રેગનન્ટ થઈ ત્યારે એમણે આયેશા પર દબાણ કરીને દસ લાખ રૂપિયાનું દહેજ માગ્યું. મેં જ્યારે દસ લાખ નહીં હોવાની લાચારી બતાવી ત્યારે એ લોકો આયેશાને અમદાવાદ મૂકી ગયા. "

"મને અને મારા છોકરાઓને બીભત્સ ગાળો બોલી. આયેશાએ વચ્ચે પડીને સમજાવવાની કોશિશ કરી તો તેના પર ગુસ્સે થઈ પેટ પર લાતો મારી અને પૈસા આવે ત્યારે દીકરીને મોકલજો એમ કહીને રાજસ્થાન જતા રહ્યા."

આયેશાનાં માતા હરમતબીબી એવો આરોપ પણ મૂકે છે, "પેટ પર મારેલી લાતોના કારણે એને સખત દુઃખાવો થતો હતો. અમે ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે મારને કારણે ગર્ભમાં રહેલું બાળક મરી ગયું છે. ન છૂટકે અમે એનો ગર્ભપાત કરાવ્યો."

"એ પછી અમે ફરીથી સગાંવહાલાઓની મદદથી સમાધાન કર્યું. આરિફને અમારી મજબૂરી સમજાવી અને આયેશાને ફરીથી સાસરે મોકલી."

આયેશાનાં પરિવારનું કહેવું છે કે એમણે આરિફના પરિવાર દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, આ આરોપ અંગે આરિફ કે એમના પરિવાર સાથે વાત થઈ શકી નથી.

લિયાકત મકરાણી કહે છે, "અમને પોલીસની બીકથી ત્રાસ ઘટશે એમ હતું પણ કેસ થતાં આરિફ વધારે ગુસ્સે થયો. એ લોકોએ અમારી પાસે ફરીથી પૈસાની માગણી કરી. પૈસા આપો તો દીકરીને પરત લઈ જશે એમ કહ્યું. એનો સંસાર સુખી રહે એ આશાએ મેં દેવું કરીને કરીને દોઢ લાખ રૂપિયા આપ્યા."

"જોકે, એ પછી કોરોના દરમિયાન આજે લઈ જઈશ, કાલે લઈ જઈશ એમ કહીને આરિફે મારી દીકરીને રાજસ્થાન લઈ જવાનું ટાળ્યું અને કેસ પાછો ખેંચવાની ધમકીઓ આપી. આયેશાથી આ સહન થતું ન હતું. એ રાતોની રાત રડતી રહેતી."

રાતનો ઝઘડો અને માતા-પિતાની વાત ન માની

પિતા અને ભાઈની તકલીફો જોઈને આયેશાએ ખાનગી બૅન્કમાં ત્રણ મહિનાથી નોકરી શરૂ કરી હતી. એમને રોજ સાડા નવે ઑફિસ પહોંચવાનું રહેતું અને એટલે તેઓ રોજ વહેલાં જ નીકળી જતાં હતાં.

હરમતબીબીનાં કહેવા મુજબ આયેશાનો આરિફ સાથે છેલ્લો ઝઘડો તેમણે આપઘાત કર્યો તેની આગલી રાત્રે 25મી ફેબ્રુઆરીએ થયો હતો.

તેઓ કહે છે કે, "મેં એને એટલું કહેતાં સાંભળેલી કે, હાં મેં મર જાઉંગી ઔર તેરે કો મરને સે પહેલે તેરી ઇચ્છા કે મુતાબિક વીડિયો બના કે ભી ભેજુંગી, બસ તુ સુબહ હોને કા ઇન્તજાર કર."

25 ફેબ્રુઆરીની રાતના ફોન વિશે સવારે હરમતબીબીએ પતિ લિયાકતને જાણ કરી.

લિયાકત મકરાણી કહે છે કે, "જેવી મારી પત્નીએ મને વાત કરી કે, રાત્રે મોડે સુધી ફોન ચાલતો હતો અને આયેશાએ મરવાની વાત કરતી હતી, મેં તરત એને ફોન જોડ્યો. એણે આપઘાત કર્યો એ પહેલાં મારી સાથે ફોન પર કરેલી એ છેલ્લી વાતમાં રડતાં રડતાં કહ્યું કે બસ હવે હું કોઈને દુઃખ આપવા માગતી નથી. મારી જિંદગી કોઈ કામની નથી. બસ હું અમદાવાદ રિવરફ્રન્ટમાં ઝંપલાવીને મરી જાઉં છું."

લિયાકત કહે છે, "આયેશા ખૂબ લાગણીશીલ હતી એટલે મેં એને કહ્યું કે જો તું આપઘાત કરીશ તો અમે ઘરનાં બધાં મરી જઈશું. તું રિક્ષામાં બેસીને પાછી ઘરે આવી જા. "

ત્યારે એણે કહ્યું કે, "હવે હું નદીમાં કૂદકો મારું છું. બચી જાઉં તો લેવા આવજો અને મરી જાઉં તો દફનાવી દેજો."

બીબીસી ગુજરાતી પાસે આયેશા અને માતા-પિતા વચ્ચે થયેલી એ વાતચીતનું ઑડિયો રૅકૉર્ડિંગ છે જેમાં માતા-પિતા આયેશાને સમજાવવાનો પ્રયાસ કરે છે.

લિયાકત કહે છે "આમ છતાં મે અને મારી પત્નીએ એને સમજાવી. એણે ફોન પર પાછા આવી જવાની હા પાડી પણ આખરે એણે એનું ધાર્યું જ કર્યું. અમને પોલીસનો ફોન આવ્યો કે આયેશા નથી રહી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો