એ ગર્ભપાતની કહાણી, જેણે કરોડો લોકોના જીવ બચાવ્યા

    • લેેખક, ઝારિયા ગોર્વેટ
    • પદ, બીબીસી ફીચર

1960માં એક ભ્રૂણમાંથી લેવામાં આવેલા કોષનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં અસંખ્ય વૅક્સિન વિકસાવવામાં આવી છે, પરંતુ તેના ઉપયોગથી એક નૈતિક અસમંજસ પણ પેદા થઈ છે.

1612માં પેરિસની શેરીઓમાં એવી અફવા ફેલાઈ હતી કે એક વ્યક્તિએ અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે.

તેનું નામ હતું નિકોલસ ફ્લૅમલ. તેનો જન્મ ફ્રાન્સમાં 300 વર્ષ અગાઉ થયો હોવા છતાં તેને ઍલ્કેમી (રસાયણ વિદ્યાના કીમિયા) પર લખવામાં આવેલા પુસ્તક બદલ શ્રેય મળે છે જે તે વર્ષે લખવામાં આવ્યું હતું.

તેમાં તેમણે સફળતાપૂર્વક 'ફિલોસૉફર્સ સ્ટોન' બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. આ એક પૌરાણિક પદાર્થ હતો જે કોઈ પણ ધાતુને સોનામાં રૂપાંતરિત કરી શકતો હતો અને તેમાંથી અમૃતનું સર્જન કરતો હતો.

ફ્લૅમલના અમરત્વની કથા ચારે બાજુ ફેલાઈ અને તે સાથે લોકોએ તેને જોયો હોવાના દાવા કર્યા. આઇઝેક ન્યૂટન જેવા બુદ્ધિમાન અને વિચક્ષણ વ્યક્તિ પણ આ દંતકથાને માનવા લાગ્યા હતા.

તેમણે પુસ્તકને એટલી બધી ગંભીરતાથી લીધું કે પોતાની વ્યાવસાયિક કારકિર્દીનો એક મોટો હિસ્સો આ પુસ્તકના અભ્યાસમાં ફાળવ્યો હતો.

પરંતુ અફસોસ કે આ વાત ખરી નહોતી. વાસ્તવમાં ફ્લૅમેલ કોઈ રસાયણશાસ્ત્રના વિદ્વાન નહીં પણ પત્રકાર હતા અને 1418માં 88 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા.

જે પુસ્તકની વાત કરવામાં આવી હતી તે બીજી કોઈ વ્યક્તિએ લખ્યું હતું.

અમરત્વ પ્રાપ્ત કરવાનો મુદ્દો 1961માં ફરીથી ઊઠ્યો. આ વખતે ફિલાડેલ્ફિયામાં એક આધુનિક લૅબોરેટરી કેન્દ્રસ્થાને હતી.

વૈજ્ઞાનિકો દાયકાથી માનતા આવતા હતા કે આપણા શરીરમાં જે 37.2 ટ્રિલિયન કોષ રહેલા છે, તે વિભાજન પામતા રહે છે અને પોતાના સ્થાનની પૂર્તિ કરતા રહે છે. જો તક મળે તો તેઓ કાયમ માટે વિભાજન દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે.

ત્યાર બાદ એક અમેરિકન વૈજ્ઞાનિક લિયૉનાર્ડ હૅફ્લિકે એક સંશોધન કર્યું જેણે વિશ્વને ચોંકાવી દીધું.

તેમણે જણાવ્યું કે માનવકોષ માત્ર 40થી 60 વખત જ વિભાજન પામી શકે છે અને ત્યાર પછી તેનું પૂર્વનિર્ધારિત મૃત્યુ થાય છે. આ કટ-ઑફને 'હૅફ્લિક લિમિટ' કહેવામાં આવે છે અને તેના પરથી બે મહત્ત્વનાં પરિણામ પ્રાપ્ત થાય છે.

પ્રથમ, આપણો અત્યારનો જીવનગાળો આપણે જે રીતે જીવીએ છીએ એ માત્ર આપણા ખોરાકના કારણે મર્યાદિત નથી બનતો. તેના બદલે તેની એક બિલ્ટ-ઇન-લિમિટ હોય છે જેમાં આપણે વધુમાં વધુ કેટલું આયુષ્ય ભોગવી શકીએ તે નક્કી હોય છે.

હકીકતમાં, આપણા શરીરમાં રહેલા કોષોને હૅફ્લિક લિમિટ સુધી બેવડાવા દેવામાં આવે તો આપણે સરેરાશ 120 વર્ષ સુધી જીવીએ.

અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય જીવીત રહેનાર વ્યક્તિ જિન કૅલ્મેટ 122 વર્ષ અને 164 દિવસ જિવિત રહ્યા હતા.

બીજું, વૈજ્ઞાનિકો લૅબોરેટરીમાં વિકસાવી શકે તેવા કોષ શોધવાનું કામ મુશ્કેલ છે. ઘણી દવાઓ અને રસીઓ વિકસાવવામાં આ એક આવશ્યક પગલું છે.

તેનું કારણ છે કે વ્યક્તિગત રીતે કોષ નાશવંત હોય છે. તમે તેને લૅબોરેટરીમાં વિકસાવો તો વહેલામોડું તેમાં વિભાજન બંધ થઈ જશે અને તે મૃત્યુ પામશે.

આ એવા કોષની કહાણી છે જેણે આ અવરોધ પાર કરવામાં મદદ કરી હતી. સ્વિડનનાં એક ક્લિનિક ખાતે આ કોષનો ઉદ્ભવ પણ વિવાદાસ્પદ હતો.

કટોકટીની સ્થિતિ

હૅફ્લિકના સંશોધન અગાઉ વૈજ્ઞાનિકોએ નવા પ્રાણીઓમાંથી કોષનો નિરંતર પૂરવઠો મેળવીને અથવા કૅન્સરગ્રસ્ત કોષનો ઉપયોગ કરીને ડિવિઝન લિમિટ મેળવી હતી.

તેનું કારણ છે કે કૅન્સરના કોષ તંદુરસ્ત પેશીઓ કરતાં અલગ વર્તન કરે છે અને હંમેશાં માટે તેમાં વૃદ્ધિ જારી રહે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ એક નવી પદ્ધતિ શોધવી જરૂરી હતી.

1960ના દાયકામાં અમેરિકામાં ઉપયોગમાં લેવાતી પોલિયોની રસીને એક ફટકો પડ્યો હતો. કેટલીક રસીઓ કોષમાં વાઇરલ પાર્ટિકલને વિકસાવીને અને પછી તેને મારીને અથવા નબળા પાડીને વિકસાવવામાં આવે છે જેથી તે કોષ કોઈ બીમારી પેદા ન કરી શકે.

આ નિષ્ક્રિય પાર્ટિકલ્સ ત્યાર પછી સક્રિય તત્ત્વ બને છે જે રોગપ્રતિકારક તંત્રને દિશાનિર્દેશ આપે છે.

દાયકાઓથી પોલિયોની રસી બનાવવા માટે વાનરોની કિડનીમાંથી લેવામાં આવતા કોષનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી જાણવા મળ્યું કે કેટલાક વાનરોને સાઇમિયન વાઇરસ 40 (SV40)નો ચેપ લાગ્યો હતો.

આજે તમામ રસીને બહુ ફિલ્ટર કરવામાં આવે છે અને તેને જે કોષમાંથી વિકસાવવામાં આવી હોય એ કોષ કોઈ મટિરિયલ ધરાવતા હોતા નથી. પરંતુ 1955થી 1963 વચ્ચે લગભગ ત્રણ કરોડ લોકોને એકલા અમેરિકામાં ચેપ લાગ્યો હોવાનું માનવામાં આવે છે.

આ ચેપનું કારણ કદાચ એ હતું કે આ કોષ લૅબોરેટરીના જથ્થામાંથી નહીં પરંતુ વાનરોમાંથી લેવાયેલા તાજા કોષમાંથી વિકસાવાયા હતા.

SV40 એ વાનરોની રિસસ મકાક પ્રજાતિમાં વ્યાપક રીતે જોવા મળતો ચેપ છે.

આ વાઇરસની કોઈ તબીબી અસર હતી કે કેમ તે હજુ ચર્ચાનો વિષય છે. જે લોકોને કદી રસી અપાઈ ન હતી તેમનામાં તે ફેલાતો હતો કે નહીં તે પણ સવાલ છે.

લૅબોરેટરીમાં જાણવા મળ્યું કે આ વાઈરસ કદાચ કૅન્સર પેદા કરતો હતો. આ વાઇરસ અને બ્રેઇન કૅન્સર તથા લિમ્ફોમા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

આમ છતાં કોષના પુરવઠા અંગે નવો વિકલ્પ શોધવાનું અચાનક જરૂરી બની ગયું.

અજ્ઞાત મહિલા

1962માં હૅફ્લિકે વધુ એક સંશોધન કર્યું. શિકાગોસ્થિત ઇલિનોઈસ યુનિવર્સિટી ખાતે બાયૉડેમોગ્રાફી અને જૅરેન્ટોલૉજીના નિષ્ણાત સ્ટુઅર્ટ જે ઑલ્સાન્સ્કી કહે છે કે, "તે ન હોત તો હું કે તમે જિવિત રહ્યા ન હોત."

સ્વિડનમાં એક અજ્ઞાત મહિલાઓ ત્રણ મહિનાના ભ્રૂણનો ગર્ભપાત કરાવ્યો હતો. મૅરેડિથ વૅડમૅન નામના લેખક તેમના પુસ્તક 'ધ વૅક્સિન રેસ : સાયન્સ, પૉલિટિક્સ ઍન્ડ હ્યુમન કૉસ્ટ ઑફ ડિફિટિંગ ડિસિઝ'માં લખે છે તે મુજબ આ ભ્રૂણને બાળી, દફનાવી કે ફેંકી દેવાયું ન હતું.

તેના બદલે તેને લીલા રંગના જંતુમુક્ત કપડામાં વીંટાળીને ઉત્તરપશ્ચિમ સ્ટોકહોમમાં કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોકલાયું હતું.

તે સમયે હેફ્લિક આ સંસ્થા માટે સંસોધન કરવા બહારથી કોષ મગાવતા હતા.

ફિલાડેલ્ફિયા ખાતે વાઇસ્ટાર ઇન્સ્ટિટ્યૂટની લૅબોરેટરીમાં તેમણે 37C (98F) તાપમાને કેટલીક પેશીઓને કાચની બૉટલમાં ઇનક્યુબેટ કરી હતી.

તેમણે કોષને જોડી રાખતા પ્રોટીનને તોડવા માટે તેમાં એક ઍન્ઝાઇમ ઉમેર્યું. આ ઉપરાંત 'ગ્રૉથ મિડિયમ' તરીકે એક દ્રાવણ (સોલ્યુશન) ઉમેર્યું જેમાં વિભાજન માટે જરૂરી પોષક તત્ત્વો હતાં. થોડા દિવસો પછી તેમને કેટલાક નિરંતર કોષ મળ્યા.

તેમાંથી એક કોષ દ્વારા સેલ લાઇન "WI-38"ની રચના થઈ જેનું આખું નામ વાઇસ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ફિટસ 38 હતું.

પછીનાં વર્ષોમાં આ કોષના થીજાવેલા વાયલ્સને સમગ્ર વિશ્વની સેંકડો લૅબોરેટરીઓમાં મોકલવામાં આવ્યા.

WI-38 આજે પૃથ્વી પર સૌથી જૂના સેલ લાઇન્સ પૈકી એક છે. હૅફ્લિકે અગાઉ જણાવ્યું તેમ WI-38એ 1984માં 'WI-38 એ મતદાનની ઉંમરે પહોંચનાર પ્રથમ કલ્ચર્ડ માનવકોષ' હતા.

આજે આ કોષનો ઉપયોગ પોલિયો, ઓરી, અછબડા, કંઠમાળ, રુબેલા, હર્પિઝ ઝોસ્ટર, એડેનોવાઈરસ, હડકવા અને હિપેટાઈટિસ-એની રસી બનાવવા માટે થાય છે.

આ કોષ શા માટે આટલા વિશેષ છે? અને આપણે તેના ઉપયોગને કઈ રીતે યોગ્ય ઠરાવી શકીએ?

કોષનો અમર્યાદિત પુરવઠો

કોષ નાશવંત હોય છે તેવા હૅફ્લિકના સંશોધન પછી તેમને સમજાયું કે કોષનું જેટલી વખત વિભાજન થાય તેટલી વખત કેટલાક કોષને અલગ કાઢીને થીજવી દેવામાં આવે તો કોષનો લગભગ અમર્યાદિત પૂરવઠો મળી શકે જે કુલ લગભગ 10,000,000,000,000,000,000,000 (10 સેક્સટિલિયોન) જેટલો હોય છે.

WI-38 કોષ નાશવંત હોવા છતાં તેમને જ્યારે એકત્ર કરવામાં આવ્યા ત્યારે તે પ્રમાણમાં ઓછી વખત વિભાજિત થયા હતા તેથી તેઓ વિભાજનની 'હૅફ્લિક લિમિટ' સુધી પહોંચે ત્યાં સુધીમાં વધુ વખત વિકસાવી શકાય તેમ હતા.

મોટા ભાગના WI-38 કોષમાં 50 ડિવિઝન અથવા વિભાજન બાકી રહ્યા હોય છે અને દરેક વિભાજન પૂર્ણ થવામાં 24 કલાક લાગે છે.

તેથી તેમાં સતત 50 દિવસ સુધી નિરંતર વૃદ્ધિ શક્ય છે. ત્યાર પછી નવેસરથી શરૂઆત કરવી પડે.

WI-38 આટલા બધા સર્વવ્યાપક છે તેનું વધુ એક કારણ એ છે કે તે સમયે અમેરિકન કાનૂની સિસ્ટમ હેઠળ સજીવની પેટન્ટ મેળવી શકાતી નહોતી. એટલે કે તેના ઉપયોગ પર ક્યારેય નિયંત્રણ લાદી ન શકાયાં. પરિણામે વિશ્વભરના વૈજ્ઞાનિકો તેમના સહયોગીઓમાં આ કોષનું સરળતાથી આદાનપ્રદાન કરતા હતા.

અમેરિકામાં અત્યારે સેંકડો સેલ લાઇન અથવા કોષશ્રેણી ઉપલબ્ધ છે, પરંતુ WI-38 એ સૌથી વધુ ઉપયોગમા લેવાતા કોષ છે.

"MRC-5" એ બીજા આવા કોષ છે. તેનું નામ મેડિકલ રિસર્ચ કાઉન્સિલ પરથી આવ્યું છે જ્યાં તેને એકત્ર કરવામાં આવ્યા હતા.

આ કોષને અન્ય એક ત્રણ મહિનાના ભ્રૂણનાં ફેફસાંમાંથી મેળવવામાં આવ્યા હતા. આ કિસ્સો ઇંગ્લૅન્ડમાં 1966માં 'સાયકિયાટ્રિક કારણો'થી થયેલા એક ગર્ભપાતને લગતો હતો.

WI-38 એ પોલિયો, ઓરી, અછબડા, કંઠમાળ, રુબેલા, હર્પિઝ ઝોસ્ટર, એડેનોવાઈરસ, ,હડકવા અને હિપેટાઇટિસ A સામેની રસી વિકસાવવામાં અગ્રેસર રહ્યા છે.

આ ઉપરાંત શરૂઆતની કેટલીક રસીના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થયો હતો. આજે આ કોષ રુબેલાની રસી બનાવવા માટે વપરાય છે જેમાં મર્ક્સ મીઝલ્સ (ઓરી) કંઠમાળ અને રુબેલા (MMR)- સામેલ છે.

આ ઉપરાંત યુએસ મિલિટરી માટે ટેવા ઍડેનોવાઈરસની રસીમાં તેનો ઉપયોગ થાય છે.

ભ્રૂણને કોષ મેળવવા માટેનો સૌથી શુદ્ધ સ્રોત ગણવામાં આવે છે કારણ કે તેમાં બહારના વિશ્વનો કોઈ વાઈરસ હોવાની શક્યતા નહીંવત હોય છે. તેથી પ્રયોગો માટે તે ઉત્તમ ગણાય છે.

2017માં હૅફ્લિકે ઑલ્શાન્સ્કીને જણાવ્યું કે આ કોષના કારણે કેટલા લોકોના જીવ બચાવી શકાયા હશે તેનો અંદાજ આપવામાં આવે. 1960માં આ કોષ લાઇનની શોધ થઈ ત્યારે વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન કેટલાક ચેપી રોગની તુલના કરીને તેમણે ગણતરી કરી કે WI-38માંથી બનેલી રસીના કારણે લગભગ 4.5 અબજ ચેપ અટકાવી શકાયા હતા.

એટલે કે આ કોષના કારણે લગભગ 1.03 કરોડ લોકોના જીવ બચાવી શકાયા હોવાની શક્યતા છે.

ઑલશાન્સ્કી કહે છે કે, "આ બીમારીઓથી બધા લોકો મૃત્યુ પામે છે એવું નથી. પરંતુ તમે બચી જાવ તો પણ કદાચ વિકલાંગ રહી જાવ તે શક્ય છે. મારા અને મારી પત્નીના એક બહુ નિકટના મિત્ર છે જેમને બાળપણમાં પોલિયો થયો હતો અને હજુ તેની અસર છે."

અમેરિકામાં 1979થી પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી છતાં હજુ મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ તેની અસર હેઠળ જીવે છે.

તેમાં એવા હજારો લોકો છે જેઓ 'પોસ્ટ-પોલિયો સિન્ડ્રોમ'નો ભોગ બન્યા છે જેમાં સ્નાયુ ધીમેધીમે નબળા પડીને સંકોચાય છે.

74 વર્ષના પૉલ ઍલક્ઝાન્ડર આવી એક વ્યક્તિ છે જેઓ ફેફસાંના લકવાથી પીડાય છે. 1952માં તેઓ છ વર્ષના હતા ત્યારે પોલિયો વાઇરસના કારણે તેઓ લકવાગ્રસ્ત થયા હતા.

જોકે, આ કોષ શ્રેણીના ઉદ્ભવ અંગે હજુ વિવાદ ચાલે છે.

કેટલાક લોકોને એ વાત સામે વાંધો છે કે આ કોષ ગર્ભપાત સાથે સંકળાયેલા છે. જે મહિલાના ભ્રૂણમાંથી આ કોષ લેવામાં આવ્યો હતો તેને 'મિસિસ ઍક્સ' તરીકે ઓળખવામાં આવે છે અને તે મહિલાએ આ ભ્રૂણનો ઉપયોગ કરવાની મંજૂરી નહોતી આપી.

હકીકતમાં થોડાં વર્ષો સુધી તો મહિલાને આ વાતની ખબર જ ન હતી. કૅરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની કોઈ વ્યક્તિએ વધુ વિગતવાર તબીબી જાણકારી માટે તેમનો સંપર્ક કર્યો ત્યારે તે મહિલાને ખબર પડી કે તેમના ભ્રૂણમાંથી કોષ લેવામાં આવ્યા છે.

આજે આવી ઘટના બને તેવી શક્યતા બહુ ઓછી છે કારણ કે અમેરિકામાં માનવ પેશીઓ અંગે નિયમન લાગુ થયેલા છે.

અત્યારે આવી રીતે એકત્ર કરવામાં આવેલા કોઈ પણ મટિરિયલ પર સરખો નિયમ લાગુ પડે છે જે 1981માં લાગુ કરવામાં આવેલાં નીતિમત્તાનાં ધોરણો છે.

તેના હેઠળ સંશોધનકર્તાએ ફેડરલ ફંડિંગ મેળવવા માટે નિયમોનું પાલન કરવું પડે છે. તેમાંથી એક નિયમ માહિતગાર સહમતી (ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ)નો પણ છે.

જોકે, આ નિયમ પશ્ચાતવર્તી અસરથી લાગુ નથી થતો. એવાં ઘણાં ઉદાહરણો છે જેમાં પેશીઓની ચોરી કરવામાં આવી હતી અને આજે પણ ઉપયોગમાં લેવાય છે.

સૌથી પહેલાં આ મુદ્દો 2010માં લખાયેલા એક પુસ્તક 'ધ ઇમમોર્ટલ લાઇફ ઑફ હૅનરિટા લૅક્સ' દ્વારા પ્રકાશમાં આવ્યો હતો.

તેમાં એક આફ્રિકન-અમેરિકન મહિલાની વાત છે જેની સર્વાઈકલ ટ્યુમરમાંથી તેની જાણબહાર કોષ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 1951માં સેલ લાઈન 'હૅલા' વિકસાવવામાં આવી હતી.

અત્યાર સુધીમાં આ કોષનો ઉપયોગ 70,000થી વધુ અભ્યાસમાં થયો છે. તેના આધારે જ એવું સાબિત થયું કે મોટા ભાગના સર્વાઇકલ કૅન્સર માટે HPV વાઇરસ જવાબદાર હોય છે.

લૅક્સના વારસદારોને તેમના કોષમાંથી થયેલા સંશોધનોનો ગર્વ છે. પરંતુ કેટલાકની ફરિયાદ છે કે બીજા લોકોને આ કોષમાંથી ફાયદો મળ્યો છે જ્યારે તેમના પરિવારને લાભ નથી થયો.

જિનેટિક માહિતી

ઍફોર્ડેબલ જિનેટિક સિક્વન્સિંગના આગમનની સાથે આ ઍથિકલ ગેરવર્તણૂકે સમસ્યા વધારી છે. માનવ કોષની શૃંખલામાં માનવ ડીએનએ હોય છે અને WI-38 કોષમાં આ ભ્રૂણની માતાના 50 ટકા ડીએનએ હશે. આ રીતે આ સેલ લાઇનથી 'પ્રાઇવસી રિસ્ક' પેદા થતું હોવાનું પણ ઘણા માને છે.

કોઈ વ્યક્તિના જનીન ક્રમ (જિનેટિક સિક્વન્સ) દ્વારા પરિવારમાં બીમારીઓના જોખમ, મૂળ, બુદ્ધિમતા તથા સંભવિત આયુષ્ય વિશે જાણી શકાય છે.

જે કિસ્સામાં માહિતી સાથે સહમતી મેળવવામાં આવી હોય તેમાં પણ માનવ પેશીઓના ઉપયોગ અંગે નીતિમત્તાના અમુક સવાલ પેદા થવાના છે.

કારણ કે જનીન વિષય સામગ્રી મૂળ વ્યક્તિના સ્વજનોને પણ લાગુ પડતી હોય છે.

આ સમસ્યામાંથી બચવાનો એક રસ્તો એ છે કે જનીનને લગતી માહિતીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પરિવારજનોને પણ નિર્ણયમાં સામેલ કરવા.

હૅલા સેલ લાઇન માટે આ અંગે અમુક પ્રયાસ થયા હતા. 2013માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થે લૅક્સના સ્વજનો સાથે સમજૂતી કરીને એક પેનલ રચી હતી જેમાં ત્રણ પરિવારજનોને સામેલ કરાયા હતા.

તેઓ જિનોમને લગતા સંશોધનની વિનંતી પર નિર્ણય લેવાના હતા. ત્યાં સુધીમાં એક જર્મન ટીમે ઇન્ટરનેટ પર જિનેટિકની સમગ્ર સિક્વન્સ પ્રકાશિત કરી દીધી હતી.

આટલા પ્રશ્નો હોવા છતાં, કોષનો ઉપયોગ કરવાના ગેરફાયદા કરતાં તેના ફાયદા ઘણા વધારે છે.

ગર્ભપાતનો વિરોધ કરતાં ઘણાં ધાર્મિક સંગઠનોએ બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે આ રીતે વૅક્સિન તૈયાર કરવાની તરફેણ કરી છે. તેમાં કૅથોલિક ચર્ચનું સમર્થન પણ સામેલ છે. જોકે, તેણે રસી બનાવવા માટે વૈકલ્પિક સ્રોતની જરૂરિયાત વ્યક્ત કરી છે.

અનેક કોષ શ્રેણી (સેલ લાઈન)ના ઉદ્ભવ અને તેના ઉપયોગથી થતા ફાયદા વચ્ચેનું જોડાણ રુબેલાની રસીના વિકાસમાં સૌથી વધારે જોવા મળે છે.

આજે તેને WI-38 કોષ દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ શરૂઆતના દિવસોમાં તેના માટે ગર્ભપાત દ્વારા મળેલા ભ્રૂણ પર ઘણો આધાર રાખવામાં આવ્યો હતો. તેમાંથી કેટલાક કિસ્સામાં તો માતાને આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાના કારણે જ ગર્ભપાત કરવામાં આવ્યો હતો.

ગર્ભાવસ્થામાં રુબેલાના કારણે અનેક પ્રકારની ગંભીર સમસ્યા પેદા થઈ શકે જેમ કે મૃતબાળકનો જન્મ અથવા મિસકેરેજ.

જો મહિલાને પહેલેથી ચેપ લાગ્યો હોય તો તેના વણજન્મેલા બાળકને પણ તે વાઇરસનો ચેપ લાગવાની 90 ટકા શક્યતા રહે છે જેનાથી 'કૉન્જેનિટલ રુબેલા સિન્ડ્રોમ' પેદા થઈ શકે અને મગજને નુકસાનથી લઇને શ્રવણશક્તિ ગુમાવવા સહિતની અસર થઈ શકે છે.

ઑલ્શાન્સ્કી કહે છે, "કોષ લાઇનનો ઉપયોગ ન કરવામાં આવે તો તેનું શું નૈતિક પરિણામ આવે તે પણ વિચારવું જોઈએ. એટલું યાદ રાખો કે કોષની લાઇન અને વાઇરસની રસી વચ્ચે સીધો સંબંધ છે."

ફ્લૅમલનું પુસ્તક છપાયાની ચાર શતાબ્દી બાદ તેમના ચાહકોને કદાચ એ જાણીને નિરાશા થશે કે અમરત્વ પ્રાપ્ત કરવાની વાત તો દૂર રહી, કોઈ વ્યક્તિ 300 વર્ષ જીવીત પણ રહી નથી.

પરંતુ 'હૅફ્લિકની લિમિટ' અત્યારે એક અવરોધરૂપ લાગતી હોવા છતાં વૈજ્ઞાનિકો માટે તે કોઈ મોટી સમસ્યા નથી.

અમરત્વ પ્રાપ્ત કરવાના સંશોધને જેટલા લોકોનું આયુષ્ય વધાર્યું તેના કરતા વધુ લોકોના જીવ કોષના સંશોધન દ્વારા બચાવી શકાયા છે.

(WI-38એ સૌથી જૂની સેલ લાઈન નથી પરંતુ સૌથી જૂની સેલ લાઈન પૈકીની એક છે, તથા આજે કઈ રસીના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે તે સ્પષ્ટ કરવા માટે આ લેખ સુધારવામાં આવ્યો છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો