આયેશાના પતિની રાજસ્થાનના પાલીથી ધરપકડ, અમદાવાદ લવાશે

અમદાવાદમાં આત્મહત્યા કરનાર આયેશાના પતિ આરિફ ખાનની ધરપકડ ગુજરાત પોલીસે રાજસ્થાનના પાલીથી સોમવારે રાત્રે કરી છે એમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.

અમદાવાદના વટવામાં રહેતી આયેશા બાનુએ 25 ફેબ્રુઆરીએ સાજે રિવરફ્રન્ટ ખાતેથી આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

આયેશાએ આત્મહત્યા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો.

સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટના પોલીસ ઇન્સપેક્ટર વીએમ દેસાઈએ કહ્યું, “આરિફ ખાનની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરવામાં આવી છે. પહેલાં ટીમ તેના જાલોર ખાતેના નિવાસ સ્થાને પહોંચી હતી. જ્યાં તે મળ્યો ન હતો. ત્યારબાદ ટૅક્નિકલ એનાલિસીસની મદદથી તે પાલીથી પકડાયો હતો. તેને મંગળવારે અમદાવાદ ટ્રાન્સિટ રિમાન્ડ પર લવાશે.”

સુરત, વડોદરા અને રાજકોટમાં માત્ર 4670 લોકોએ જ રસી લીધી

ગુજરાતના સુરત, વડોદરા અને રાજકોટમાં વૅક્સિનના પહેલા દિવસે નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ ત્રણ શહેરોની ખાનગી હૉસ્પિટલમાં રસી મૂકવાને લઈને કેટલીક સમસ્યાઓ પણ સામે આવી હતી.

વડોદરા શહેરની એક પણ ખાનગી હૉસ્પિટલમાં રસીકરણની કામગીરી નહોતી કરવામાં આવી.

આ ત્રણેય શહેરોના મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે 7.53 લાખ લોકો હાઇરિસ્ક કૅટેગરીમાં હોવાથી પહેલાં રસી મેળવવા પાત્ર છે. જ્યારે પહેલાં દિવસે માત્ર 4670 લોકોએ જ રસી લીધી છે.

રેપના આરોપીને ચીફ જસ્ટિસની બૅન્ચે પુછ્યું, 'તમે આની(પીડિતા) સાથે લગ્ન કરશો?'

સુપ્રીમ કોર્ટમાં એક મહિલાએ મહારાષ્ટ્રના રાજ્ય સરકારના એક કર્મચારી પર લગ્નનો ખોટો વાયદો કરીને રેપ કરવાનો આરોપ મૂક્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આની સુનાવણી દરમિયાન સોમવારે સર્વોચ્ચ ન્યાયાલયે આરોપીને પુછ્યું કે શું તે પીડિતા સાથે લગ્ન કરી શકે છે?

સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધીશની ત્રણ જજની બેન્ચે આરોપીને પુછ્યું, "શું તમે પીડિતા સાથે લગ્ન કરવા ઇચ્છો છો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. જો એવું નહીં કરો તો તમારી નોકરી ચાલી જશે. તમે જેલ જશો. તમે છોકરી સાથે છેડતી કરી છે, તેમની સાથે બળાત્કાર કર્યો છે."

પીડિતાએ આરોપ મૂક્યો હતો કે જ્યારે તેઓ 16 વર્ષનાં હતા ત્યારે તેમની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, જોકે તે સમયે આરોપીના માતાએ બંને વચ્ચે સંબંધ હોવાની અને લગ્ન કરાવવાની વાત કરતા મામલો પૂર્ણ થયો હતો.

જોકે હાલ તે બીજી મહિલા સાથે લગ્ન કરી રહ્યા હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને છોકરા સામે રેપની ફરિયાદ કરવામાં આવી છે.

આરોપી સરકારી નોકરી કરતો હોવાથી તેમણે સુપ્રીમ કોર્ટમાં માગ કરી હતી કે જો તેની ધરપકડ કરવામાં આવશે તો તે નોકરી ગુમાવશે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું, "નાની છોકરીની સાથે છેડતી અને બળાત્કાર કરતા પહેલાં વિચારવું જોઈએ. તમે જાણો છો તમે સરકારી કર્મચારી છો."

સુપ્રીમ કોર્ટે અધિકારીઓને તેમની આગામી ચાર અઠવાડિયા સુધી ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો.

હું લૉકડાઉન લાગુ કરવા માગતો નથી પણ... : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યમાં લૉકડાઉન લગાવવા અંગે કહ્યું કે રાજ્યમાં લૉકડાઉન તો લાગુ કરવા ઇચ્છતો નથી પરંતુ કેટલીક મજબૂરી હોય છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો લોકો લૉકડાઉન ઇચ્છતા નથી તો માસ્ક જરૂર લગાવે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો છે કે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે આકરી નજર રાખવામાં આવી રહી છે. રવિવારે મહારાષ્ટ્રમાં 8 હજારથી વધારે કેસ આવ્યા હતા, જ્યારે 62 દરદીના મૃત્યુ થયા હતા.

બંગાળમાં કૉંગ્રેસના ગઠબંધન સામે કૉંગ્રેસ નેતા આનંદ શર્માની પાર્ટી વિરુદ્ધ ટિપ્પણી

બીબીસી હિંદીના અહેવાલ અનુસાર કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વના નિર્ણયોને લઈને પાર્ટીના બાગી નેતાઓ પાર્ટીના નિર્ણયોની ટીકા કરી રહ્યા છે.

પાર્ટીના બાગી નેતાઓમાંના એક આનંદ શર્માએ પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસના ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ સાથેના ગઠબંધન પર વાંધો ઉઠાવ્યો છે.

આનંદ શર્માએ ટ્વીટ કરીને કહ્યું, “સાંપ્રદાયિક્તાની સામેની લડાઈમાં કૉંગ્રેસ પસંદગીપાત્ર ન થઈ શકે. આપણે સાંપ્રદાયિક્તાના તમામ સ્વરૂપ સામે લડવાનું છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષની ઉપસ્થિતિ અને સમર્થન શરમજનક છે, તેમણે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો જોઈએ.”

શર્માએ બીજા ટ્વીટમાં લખ્યું, “આઈએસેએફ અને એવા બીજા દળની સાથે કૉંગ્રેસનું ગઠબંધન પાર્ટીની મૂળ વિચારધારા, ગાંધીવાદ અને નહેરુવાદી ધર્મનિરપેક્ષતાની સામે છે, જે કૉંગ્રેસ પાર્ટીની આત્મા છે. આ મુદ્દા પર કૉંગ્રેસ કાર્યસમિતિમાં ચર્ચા થવી જોઈતી હતી.”

જોકે પશ્ચિમ બંગાળ પ્રદેશ સમિતિના પ્રમુખ અધીર રંજન ચૌધરીએ કહ્યું, “આનંદ શર્માએ જમીની વાસ્તવિક્તા જાણવા માટે પહેલાં મારી સાથે વાત કરવી જોઈતી હતી. કૉંગ્રેસના સામ્યવાદીની સાથે 92 સીટનું ગઠન કર્યું છે અને બાકી સેક્યુલર પાર્ટીઓ આ મહાગઠબંધનનો ભાગ છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો