ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીનાં પરિણામો પર બીબીસીનું વિશેષ લાઇવ રિપોર્ટિંગ અહીં પૂર્ણ કરીએ છીએ. શુભરાત્રી.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્થાનિકસ્વરાજની ચૂંટણીપરિણામ : ભાજપનો ભવ્ય વિજય, કૉંગ્રેસની હાર બાદ દિગ્ગજોનાં રાજીનામાં
ગુજરાતમાં 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની બેઠકોમાં ભાજપ મોટા વિજય તરફ, જ્યારે કૉંગ્રેસના નેતાઓના ગઢમાં જ 'ગાબડાં' પડ્યાં
લાઇવ કવરેજ
છેલ્લી સ્થિતિ
સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં નગરપાલિકામાં ભાજપે 2085, કૉંગ્રેસે 388, અપક્ષે 172, આપે નવ, બીએસપીએ છ અને અન્યે 24 બેઠકો જીતી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપે 800, કૉંગ્રેસે 169, અપક્ષે ત્રણ, આપે બે, બીએસપીએ એક અને અન્યે ચાર બેઠકો જીતી છે. તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપે કુલ 3352 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કૉંગ્રેસે 1252, અપક્ષે 115, આપે 31, બીએસપીએ ચાર અને અન્યે 16 બેઠકો જીતી છે.
કૉંગ્રેસે ક્યાં ચૂકી?
પરંપરાગત રીતે શહેરી વિસ્તારમાં ભાજપ તો ગ્રામ્ય વિસ્તારને કૉંગ્રેસનો ગઢ માનવામાં આવતો પરંતુ જે રીતે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાથી લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓના વિસ્તારમાં કૉંગ્રેસની હાર પરાજય થઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ કૉંગ્રેસનો આધાર ખસકવા લાગ્યો છે.
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનો આ હાલ દેખાડે છે કે ગુજરાતમાં કૉંગ્રેસ ખતમ થઈ ગઈ છે.” “2015 માં ભાજપને સૌરાષ્ટ્રની 56માંથી 30 વિધાનસભાની બેઠકો મળી હતી. અને મોટાભાગની જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ જેમાં રાજકોટ જિલ્લા પંચાયત પણ સામેલ છે તે કૉંગ્રેસ પાસે હતી.” “કૉંગ્રેસને મળેલી એસફળતા પાછળ ભાજપથી પાટીદારો અને ખેડૂતોની નારાજગીનો મોટો ભાગ હતો. એ સમયે ગ્રામ્ય વિસ્તારો કૉંગ્રેસની સાથે હતા.”
“2015માં મોરબી પાટીદાર આંદોલનમાં મહત્ત્વનું મથક હતું અને ત્યાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને સફળતા મળી હતી. અમરેલી સહિત અન્ય જગ્યાએ પણ આવું જ થયું હતું. જ્યાંજ્યાં પાટીદારોનું પ્રભુત્વ હતું ત્યાં કૉંગ્રેસને સફળતા મળી હતી.”
“2015 માં પાટીદાર આંદોલનનો પ્રભાવ હતો અને હાર્દિક પટેલની લોકપ્રિયતા પણ ચરમ પર હતી. કૉંગ્રેસને ત્યારે આનો ફાયદો મળ્યો હતો પરંતુ આ વખતે ખેડૂતો અને પાટીદારો ભાજપ સાથે છે.”
તેઓ કૉંગ્રેસની ખામી વિશે વાત કરતા કહે છે કે “કૉંગ્રેસમાં સક્ષમ નેતાગીરીનો અભાવ, આંતરિક કંકાસ, નેતાઓ માત્ર ચૂંટણી વખતે દેખાય પછી ભૂલી જાય અને ટિકિટ છેલ્લે સુધી જાહેર નથી થતી, એવી અનેક સમસ્યાઓ છે.”“પરેશ ધાનાણી વિપક્ષના નેતા છે પરંતુ પોતાના ગઢ અમરેલી જિલ્લા પંચાયતમાં પક્ષને જિતાડી ન શકે, અજુન મોઢવાડિયા પણ પોતાના શહેરમાં પાર્ટીને જિતાડી ન શકે તો સમજવું કે પાર્ટી પાસે ચૂંટણીની કોઈ રણનીતિ જ નથી.” “આ કૉંગ્રેસના પતનનાં કારણો છે અને હવે પરિસ્થિતિ એ છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ રહેશે કે નહીં એ સવાલ છે.”
તેમનું કહેવું છે, “કૉંગ્રેસનું જે હદે પતન થયું છે ત્યાંથી પાછાં ઊભા થવું બહુ મશ્કેલ છે.”
હાર્દિક પટેલ પણ મહાનગરપાલિકા ચૂંટણી પછી પોતાની નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓ જ પાર્ટીને ડુબાડી દેવા માટે જવાબદાર છે.
જગદીશ આચાર્યે કહ્યું કે કૉંગ્રેસમાં જે સંસ્કૃતિ છે એ ઇશારો કરે છે કે હાર્દિક પટેલ જેવા નવા નેતાઓને અન્ય નેતાઓનો સાથ નહીં મળ્યો હોય. તેઓ ઉમેરે છે, “તેમના જણાવ્યા અનુસાર પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પાર્ટી તરફ એ રીતે સમર્પિત નથી દેખાતા કે તેઓ નવા નેતાને ટેકો આપીને પાર્ટીને મજબૂત બનાવે. કૉંગ્રેસનો આંતરિક વિખવાદ તેને અસફળ બનાવે છે.”
બ્રેકિંગ, ભાવનગર : ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન એક વ્યક્તિનું કથિત માર મારવાથી મૃત્યુ
ભાવનગરના ઘોઘા તાલુકાના ચાણોદર ગામમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી વિજયસરઘસ દરમિયાન કથિત રીતેે એક વ્યક્તિને માર મારવામાં આવતાં મૃત્યુ થયું છે.
મૃતક દલિત છે અને મૃતકનાં પુત્રી નિર્મલા બહેને બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર નીતિન ગોહિલને જણાવ્યું, "અમે ઘોઘા તાલુકાનું ચાણોદર ગામના છીએ. ગામમાં દલિતનું એક જ ઘર છે. મારા પિતા ઉપર બહુ હુમલા થયા છે."
"કોંગ્રેસના તાલુકા પંચાયત બેઠકના વિજેતા ઉમેદવાર વનરાજજીની જીતનું સરઘસ કાઢ્યું ત્યારે પહેલી વખત તો નીકળી ગયા હતા પરંતુ બીજી વખત પાછા આવ્યા ત્યારે અમારા ડેલા સામે આવ્યા. હું અને મારા પિતા ત્યાં ઊભાં હતાં, એ લોકોએ અમારી પર પથ્થર ફેંકવા લાગ્યા. અમે અંદર આવી ગયા તો એ લોકો અમારી પાછળ ઘરમાં ઘૂસી આવ્યા. એ લોકોના હાથમાં ધારિયાં અને તલવારો હતી. એ લોકોએ મારા પિતાના માથા પર તલવારોના ઘા કર્યા. મને પણ મારી અને ઘર ભાંગી નાખ્યું."
ભાવનગરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જયપાલસિંહ રાઠોડે બીબીસીના સહયોગી જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ મામલો જૂની અદાવતનો હોવાનું બહાર આવ્યું છે.
રાઠોડના કહેવા પ્રમાણે : "ઘોઘાની હિંસા ચૂંટણીસંબંધિત નથી. આ મામલો જૂની અદાવતનો છે. જેમાં જોગાનુજોગ આજે ચૂંટણીપરિણામના દિવસે હિંસા ફાટી નીકળી હતી."
'ગુજરાત ભાજપના વિકાસ અને ગુડ ગવર્નેન્સના ઍજન્ડા સાથે મક્કમતાથી ઊભું છે' - PM મોદી
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજય પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યાં છે.
વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું, "ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનાં પરિણામોથી સ્પષ્ટ છે કે ગુજરાત ભાજપના વિકાસ અને ગુડ ગવર્નેન્સના ઍજન્ડા સાથે ઊભું છે. હું ગુજરાતના લોકોને ભાજપ માટે તેમના અટલ વિશ્વાસ અને પ્રેમ માટે નમન કરું છું."
અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે ત્યારે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું
કૉંગ્રેસના કયાકયા મોટા નેતાઓ એમનાં ‘ઘર’માં જ કૉંગ્રેસને ન જિતાડી શક્યા?
અમિત ચાવડાથી પરેશ ધાનાણી, દિગ્ગજ નેતાઓના વિસ્તારમાં કૉંગ્રેસની હાર સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થઈ રહ્યો છે અને કૉંગ્રેસનો પરાજય થઈ રહ્યો છે.
કૉંગ્રેસના પરાજયમાં મોટા મોટા નેતાઓની પણ હાર થઈ છે. કૉંગ્રેસ ગુજરાત પ્રમુખ અમિત ચાવડાથી લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુધીના અનેક દિગ્ગજોના પોતાના મતવિસ્તારમાં કૉંગ્રેસનો પરાજય થયો છે.
કયા નેતાના વિસ્તારમાં શું થયું જાણો બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય પાસેથી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ આગળ , AAP, AIMIM, બીએસપીનાં ખાતામાં પણ સફળતા
4.20ની સ્થિતિ પ્રમાણે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 1875, કૉંગ્રેસે 339, અપક્ષે 159, આમ આદમી પાર્ટી 09 સીટ પર વિજય મેળવ્યો છે.
જ્યારે બીએસપીએ 2 અને અન્ય પક્ષોએ 24 સીટ પર વિજય મેળવ્યો છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 680, કૉંગ્રેસે 150, અપક્ષે 03 અને આમ આદમી પાર્ટીએ 1 સીટ પર વિજય મેળવ્યો છે. બીએસપી એક અને અન્ય પાર્ટી 4 સીટ પર જીતી છે.
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 2921 સીટ અને કૉંગ્રેસે 1076 સીટ પર જીત મેળવી છે. અપક્ષે 96 સીટ પર જીત મેળવી છે. આમઆદમી પાર્ટી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 27 સીટ જીતી છે. બીએસપી ચાર અને અન્ય પક્ષો 13 સીટ જીત્યા છે.
બ્રેકિંગ, મોડાસા નગરપાલિકામાં અસદુદ્દીન ઔવેસીની પાર્ટી વિપક્ષમાં
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં સાત સીટ જીત્યા પછી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમએ મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં નવ સીટ જીતી છે.
એઆઈએમઆઈએમ ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જે જાણકારીને અસુદુદ્દીન ઔવેસીએ રિટ્વીટ કરી હતી.
ઔવેસીએ લખ્યું હતું કે એમઆઈએમઆઈએમને તેમનો પ્રેમ અને ભરોસો રાખીને મત આશીર્વાદની જેમ આપ્યા છે.
અમે હવે મોડાસામાં મુખ્ય વિરોધ પક્ષ બની ગયા છે અને ઇન્શાઅલાહ અમે અમારો રોલ તાકાતથી નિભાવીશું.
ગુજરાતની ચૂંટણી ટીમને અભિનંદ અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિને પણ અભિનંદન જોકે, ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ હાલ વિગતો દર્શાવતી નથી.
બ્રેકિંગ, હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીના પણ 'ઘર'માં ગાબડું
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના રહેણાંક વિસ્તાર વોર્ડ નંબર 10માં પણ કૉંગ્રેસની હાર થઈ છે.
બીબીસીના સહયોગી ફરહાન કાદરીના જણાવ્યા અનુસાર અમરેલી શહેર સહિત વિપક્ષના નેતા પરેશ ધાનાણીના રહેઠાણ વિસ્તારમાં પણ કૉંગ્રેસનો સફાયો થયો છે.
કૉંગ્રેસના 4 ઉમેદવારમાંથી માત્ર એક જ ઉમેદવારની જીત થઈ છે. જ્યારે ભાજપ બાકીની ત્રણ સીટ પર જીત્યું છે.
પરેશ ધાનાણીના પિતરાઈભાઈ સંદિપ ધાનાણીનો પણ પરાજય થયો.
અમરેલીની બગસરા નગરપાલિકામાં પણ ભાજપનો 20 સીટ પર વિજય થયો છે જ્યારે કૉંગ્રેસનો આઠ સીટ પર વિજય થયો છે.
ભાજપ ભવ્ય વિજય તરફ
સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપ ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યો છે. 31 જિલ્લા પંચાયતોમાંથી એક પણમાં કૉંગ્રેસ આગળ નથી.
તાલુકા પંચાયતોમાં અને નગરપાલિકાઓમાં પણ કૉંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.
બ્રેકિંગ, સાણંદના મહિલા ઉમેદવાર ચૂંટણીજંગ જિત્યા, જીવનનો જંગ હાર્યા
અમદાવાદ જિલ્લાના સાણંદની પીપળ પંચાયતની સીટ પર લીલાબહેન ઠાકોર ચૂંટણીનો જંગ જિત્યા પણ જીવનનો જંગ હારી ગયાં.
એમણે ભાજપમાંથી ટિકિટ માંગી હતી, પણ દાવેદારી ન સ્વીકારાતાં લીલાબહેન અપક્ષ ચૂંટણી લડ્યાં હતાં.
લીલાબહેનના પતિ વિક્રમ ભાઈએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું કે સોમવારે રાત્રે તેમનું અવસાન થયું હતું, જેના કારણે વિજય છતાં સમર્થકોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.
બ્રેકિંગ, નગરપાલિકામાં ભાજપે જીતી 1347 સીટ
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 1347, કૉંગ્રેસે 250, અપક્ષે 93, અન્યોએ 11, આપે ત્રણ તથા બસપાએ બે બેઠક જીતી છે.
જિલ્લા પંચાયતમાં ભાજપે 468, કૉંગ્રેસે 99, અપક્ષ-અન્યોએ બે-બે તથા આપ-બસપાએ એક-એક બેઠકો જીતી છે.
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે બે હજારનો આંક (2030 બેઠક) પાર કરી લીધો છે. કૉંગ્રેસ 785, અપક્ષ 69, આપ-19, અન્યોએ 10 તથા બસપાએ પાંચ બેઠક જીતી છે.
બ્રેકિંગ, જયશંકરની ચૂંટણી અંગે સુપ્રીમમાં સુનાવણી મોકૂફ
જયશંકરની ચૂંટણી અંગે સુપ્રીમમાં સુનાવણી મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતે વિદેશ મંત્રી એસ. જયશંકરની રાજ્યસભામાં ચૂંટણીને પડકારતી અરજી ઉપર સુનાવણી મોકૂફ રાખી છે.
જયશંકરના વકીલ કોવિડ-19ને કારણે બીમાર હોય તેઓ અદાલતની કાર્યવાહીમાં હાજર રહી શકે તેમ ન હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
ચૂંટણીપંચે પેટાચૂંટણી માટે અલગ-અલગથી જાહેરનામા બહાર પાડ્યા હતા, જેના કારણે ભાજપના બંને ઉમેદવાર (જયશંકર અને જુગલજી ઠાકોર)નો વિજય સરળ બન્યો હતો.
કૉંગ્રેસે અલગ-અલગથી જાહેરનામાને બહાર પાડવાને હાઈકોર્ટમાં પડકારી હતી, જ્યાં અરજી કાઢી નખાતા સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે.
બ્રેકિંગ, 6 જિલ્લા પંચાયતમાં ભાજપે મેળવી બહુમતી માટેની જરૂરી બેઠક
બપોરે બે વાગ્યા સુધીમાં જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ, ગીરસોમનાથ અને મહીસાગર જિલ્લા પંચાયત ઉપર ભાજપે બહુમતી માટે જરૂરી બેઠક મેળવી લીધી છે. આ જિલ્લાઓમાં હજુ મતગણતરી ચાલુ છે.
નગરપાલિકાઓમાં ભાજપે કુલ 1173, કૉંગ્રેસે 213, અપક્ષે 73, અન્યોએ 10 તથા આપ-બસપાએ બે-બે બેઠકો જીતી છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 399, કૉંગ્રેસે 87, અપક્ષે બે, અન્યોએ બે તથા આપે એક બેઠક ઉપર વિજય મેળવ્યો છે.
તાલુકા પંચાયતમાં ભાજપે 1609, કૉંગ્રેસે 617, અપક્ષે 51, આપે 16, અન્યોએ છ તથા બસપાએ પાંચ બેઠક ઉપર વિજય મેળવ્યો છે.
બ્રેકિંગ, હાર્દિક પટેલના 'ઘર'માં કૉંગ્રેસનો પરાજય
અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકાના ચૂંટણીપરિણામ ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે ચિંતાજનક સમાચાર લઈને આવ્યા છે.
અહીંની 36 બેઠકમાંથી 16 ઉપર ભાજપના ઉમેદવાર વિજયી થયા છે.
18 બેઠકના પરિણામ જાહેર થવાના બાકી છે. અહીં અપક્ષોએ છ બેઠક જીતી છે.
કૉંગ્રેસે અહીં જીતી શકે તેવા અપક્ષ ઉમેદવારોને ટેકો આપવાનું વલણ દાખવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાર્દિક પટેલ બીજા નંબરના વૉર્ડમાં મતદાર તરીકે નોંધાયેલા છે, જેમાં ચારમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપનો તથા એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
બ્રેકિંગ, ભાજપ ભવ્ય જીત તરફ, કમલમ ખાતે શું છે માહોલ?
સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કાર્યકરો અને સમર્થકોમાં ઉજવણી શરૂ થઈ છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ કમલમ પહોંચ્યા છે.
બીબીસી સંવાદદાતા સાગર પટેલ ભાજપના કાર્યાલય કમલમથી
બ્રેકિંગ, બપોરે 1.15 કલાકે : 31જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસનું મોટા પાયે ધોવાણ
બપોરે 1.15 કલાકેની સ્થિતિ મુજબ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓમાં ભાજપ મોટો વિજય મેળવવા જઈ રહ્યો છે.
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 901, કૉંગ્રેસે 176, અપક્ષે 51, આપે એક તથા અન્યોએ સાત બેઠક ઉપર વિજય મેળવ્યો છે.
જિલ્લા પંચાયતમાં ભાજપે 306, કૉંગ્રેસે 69 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. આ સિવાય અપક્ષ-આપ-બસપા તથા અન્યોને એક-એક બેઠક ઉપર વિજય મળ્યો છે.
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 1360, કૉંગ્રેસે 503, અપક્ષે 40, આપે 13, બસપાએ ચાર તથા અન્યોએ પાંચ બેઠક ઉપર વિજય મેળવ્યો છે.
ધારાસભ્યના પુત્રનો પરાજય
જામનગરથી બીબીસીના સ્થાનિક સહયોગી દર્શન ઠક્કર જણાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા હેઠળ આવતી વડત્રા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભારે રસાકસીના અંતે કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમના પુત્ર કરણનો પરાજય થયો છે.
ભાજપના ઉમેદવાર અનિલ ચાવડા અહીંથી વિજેતા જાહેર થયા છે.
ઉલ્લેખનીય છે કે કરણએ જામનગરની બેઠક ઉપરથી ભાજપના સંસદસભ્ય પૂનમ માડમના પિત્રાઈ ભાઈ થાય છે.
કરણના પિતા પણ સંસદમાં જામનગરની બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
બ્રેકિંગ, સુરેન્દ્રનગરના લિંબડીમાં બે જૂથ વચ્ચે મારામારી
બીબીસીના સ્થાનિક સહયોગી સચીન પીઠવા જણાવે છે કે, સુરેન્દ્રનગર જિલ્લાની લિંબડી મૉડલ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્રની બહાર બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. 1
વૉર્ડ નંબર છના પરિણામ જાહેર થવા મુદ્દે મારામારી થતાં બે કારને નુકસાન પહોંચ્યું હતું.
દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલામાં ભાજપના ઉમેદવારને ઈજા થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ. ડીવાય.એસ.પી. તથા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે છે.