ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના કપડાં અંગે હોબાળો કેમ થયો?

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સામાન્ય રીતે તમે વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાત ઍસેમ્બલી કે કે સ્વર્ણિમ ગુજરાત સંકુલમાં આંટો મારો એટલે તમને મંત્રીઓ જ નહીં, ધારાસભ્યો પણ પેન્ટ-શર્ટ અથવા તો ઝબ્બા-લેંઘા કે કુર્તા-પાયજામામાં જોવા મળે.

જોકે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત વિધાનસભામાં આ પરિવર્તનની ચર્ચા ચાલી છે અને તેના કેન્દ્રમાં છે સોમનાથની બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે.

ગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના મતે, ગૃહની ગરિમા જળવાય તેવા કપડાં પહેરીને ધારાસભ્યોએ આવવું જોઈએ.

સામે પક્ષે ચુડાસમાનું કહેવું છે કે તેઓ કૉંગ્રેસ પાર્ટીના હોવાથી તેમને 'ટાર્ગેટ' કરવામાં આવે છે, અને શાસકપક્ષના ધારાસભ્યો કે પ્રધાનોને ટોકવામાં નથી આવતા.

પહેરવેશ મુદ્દે સોમવારની ચર્ચામાં મુખ્ય મંત્રી તથા નાયબમુખ્ય મંત્રીએ પણ ઝંપલાવ્યું હતું.

ટીશર્ટ, ટીકા અને ટિપ્પણી

મળતી માહિતી પ્રમાણે, સોમવારે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે સોમનાથની બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા રાઉન્ડનેકનું કાળા રંગનું ટીશર્ટ પહેરીને આવ્યા હતા.

આ ટીશર્ટ ઉપર Free Spirit એવું લખેલું હતું. અંગ્રેજીમાં Spiritનો મતલબ 'શરાબ' તથા 'જુસ્સો' એવો પણ થાય છે.

એ સમયે ગૃહના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગૃહની ગરિમા જળવાય તે રીતના કપડાં પહેરીને આવવા માટે ચુડાસમાને જણાવ્યું હતું અને ટીશર્ટ પહેરીને ગૃહની કાર્યવાહીમાં ન બેસવા માટે જણાવ્યું હતું.

ચુડાસમાએ બીબીસી ગુજરાતીના સહયોગી જયદીપ વસંત સાથે ફોન ઉપર વાત કરતા જણાવ્યું, "મેં અધ્યક્ષશ્રીને જણાવ્યું હતું કે 'બંધારણે શું ખાવું-પહેરવું તેના બંધારણી અધિકાર આપેલાં છે. જો આપને કશું અયોગ્ય લાગતું હોય તો આ વિશેના નિયમ બનાવો.' શાસક પક્ષના મંત્રીઓ પણ ટીશર્ટ પહેરીને આવે છે તથા આજે પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પહેરીને આવ્યા છે."

"આપ એમને કશું કહેતા નથી. મને લાગે છે હું કૉંગ્રેસનો છું એટલે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ મારું અને કોળી સમાજનું અપમાન છે."

ચુડાસમાના કહેવા પ્રમાણે, તેઓ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ધારાસભ્ય છે અને અગાઉ પણ આવી રીતે ટીશર્ટ-જીન્સ પહેરીને ગૃહમાં આવ્યા છે, પરંતુ ત્યારે તેમને કશું કહેવામાં નહોતું આવ્યું.

કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ ચુડાસમાના સૂરમાં સૂર પુરાવ્યો હતો, જેના કારણે ગૃહમાં શાસક તથા વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી અને હોબાળો થયો હતો.

ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટ પ્રમાણે, આ તકે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જો ધારાસભ્ય બહાર ન નીકળે તો તેમને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ તકે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ચર્ચામાં ઝંપલાવ્યું હતું અને ધારાસભ્યે 'ગરિમાપૂર્ણ' કપડાં પહેરીને આવવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.

અગાઉ પણ ચર્ચા

આ પહેલાં ગતસપ્તાહે પણ વિમલ ચુડાસમાના પહેરવેશ વિશે ગૃહમાં ચર્ચા થઈ હતી.

ત્યારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી કે 'સાડા છ કરોડમાંથી આપણે 182 ચૂંટાઈને આવીએ છીએ. આપણે ગૃહની ગરિમા જળવાય તેવા કપડાં પહેરવા જોઈએ.'

એ સમયે પણ ચુડાસમાએ વિરોધ નોંધાવ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે ગુજરાત સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યો પણ આ પ્રકારના કપડાં પહેરીને આવે છે.

તેમની આ ટિપ્પણી રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાના સંદર્ભમાં હતી, જેમણે અગાઉ ટીશર્ટ પહેરીને ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.

ત્યારે અધ્યક્ષે કહ્યું હતું કે 'તમારા મારફતે મેં તમામને સંદેશો આપ્યો છે એવું સમજજો. '

ઉલ્લેખનીય છે કે ચુડાસમાએ ભાજપના પૂર્વ મંત્રી અને દિગ્ગજ નેતા જશાભાઈ બારડને 20 હજાર કરતાં વધુ મતે પરાજય આપીને 'જાયન્ટ કિલર' તરીકે સાબિત થયા હતા.

શું કહે છે નિયમો?

હોદ્દાના રુએ વિધાનસભાના અધ્યક્ષ ગૃહમાં સર્વોચ્ચ હોય છે. તેઓ ગૃહની કાર્યવાહી સારી રીતે ચાલી શકે તે માટે જવાબદાર હોય છે.

વિધાનસભામાં કેવા કપડાં પહેરવા કે નહીં, તે અંગે સ્પષ્ટ નિયમો નથી. અધ્યક્ષ આ માટે નિયમો કે આચારસંહિતા ઘડી શકે છે અને સમયાંતરે તેમાં સુધાર કરતાં હોય છે.

સામાન્ય રીતે ગુજરાતના પુરુષ ધારાસભ્યો કુર્તા-પાયજામા, શર્ટ-પેન્ટ કે પોતાના વિસ્તારનો પરંપરાગત પોષાક પહેરતા હોય છે. જ્યારે મહિલા ધારાસભ્યો પંજાબી ડ્રેસ કે સાડી પસંદ કરતા હોય છે.

હાલમાં વડોદરાની રાવપુરા બેઠક ઉપરથી ભાજપના બીજી ટર્મના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી આ હોદા ઉપર છે. તેઓ વ્યવસાયે વકીલ હોય નજીકના મિત્રોમાં 'રાજુભાઈ વકીલ'ના નામથી ઓળખાય છે. કૉંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભો ન રાખતા રાજેન્દ્ર ત્રિવેદીની બિનહરીફ વરણી થઈ હતી.

ચુડાસમાનું કહેવું છે કે 'આ 21મી સદી છે, જો યુવાનો જીન્સ અને ટી-શર્ટ નહીં પહેરે તો કોણ પહેરશે? આ અંગે કોઈ સ્પષ્ટતા નથી.'

નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે ગૃહમાં કહ્યું હતું કે, 'અમુક બાબતો વણલખી હોય, જેને સમજવાની હોય. ઇંગ્લૅન્ડમાં બંધારણ પણ વણલખ્યું છે.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો