You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ગુજરાતી ખેડૂત જે ઘાસમાંથી તેલ કાઢી કમાય છે લાખો રૂપિયા
આપણા પૈકીના મોટાભાગના માને છે કે ખાતર-પાણી અને પારાવાર મહેનત વિના ખેતી થઈ જ ન શકે અને પાકનું વાવેતર તો વર્ષમાં બેથી ત્રણ વખત કરવું પડે, પણ સૌરાષ્ટ્રના એક ખેડૂત એવા ઘાસનું વાવેતર કરી રહ્યા છે, જેના માટે ખાતર-પાણી અને બહુ બધી મહેનત અનિવાર્ય નથી.
આ વાત આશ્ચર્યજનક ભલે લાગતી હોય, પણ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામના ખેડૂત અંકિતભાઈ ઓછી મહેનતે, ઓછા પાણીએ અને સારું વળતર આપે એવી સુગંધી ઘાસની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશના કન્નોજમાં ફ્લૅવર્સ ઍન્ડ ફ્રેગ્રન્સ ડૅવલપમેન્ટનો અભ્યાસ કર્યા બાદ અંકિતભાઈ તેમના ખેતરમાં પામરોઝા નામના સુગંધી ઘાસની ખેતી કરીને મબલક પાક લણી રહ્યા છે.
એક વરસ વરસાદ ન પડે તો પણ ચિંતા નહીં
"મારું લક્ષ્ય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ વિનાની ખેતી કરવાનું હતું," એમ જણાવતાં અંકિતભાઈ કહે છે, "ઍરોમેટિક પ્લાન્ટ્સની ખેતી મારા વિચારને અનુરૂપ છે."
"હું તેમાં જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી. હકીકતમાં આને ઓર્ગેનિક ખેતી કહી શકાય."
"એક પ્રયોગ તરીકે આ ખેતીની શરૂઆત કરી હતી, પણ જેમજેમ આગળ વધતા ગયા તેમતેમ આ ખેતી બીજી ખેતીની સરખામણીએ વધારે સારી લાગવા માંડી."
અંકિતભાઈના જણાવ્યા મુજબ, આ ખેતીમાં એક વરસ વરસાદ ન પડે તો પણ બીજા વર્ષે પાકની ચિંતા કરવી પડતી નથી.
પાણીના અભાવે સૂકાઈ ગયેલું ઘાસ બીજા વર્ષે વરસાદ પડશે કે તરત ફરી ફૂટી નીકળશે. તેને ફરી વાવવાની ચિંતા પણ કરવી પડતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘાસની ખાસીયત એ છે કે તે ચાર જ મહિનામાં ઊગી જાય છે. પછી તેને કાપી, તેનું પ્રોસેસિંગ કરીને ખાસ પ્રકારની મશીનરી વડે તેલ કાઢવામાં આવે છે.
પર્ફ્યુમ, આયુર્વેદિક દવાઓ, કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સ, સુગંધિત સાબુ, સૅનેટાઈઝર વગેરેમાં આ તેલ ઉપયોગમાં લેવામાં આવે છે. આ કામગીરીમાં સરકાર ખેડૂતોને વિવિધ સબસિડી પણ આપે છે.
એવું ઘાસ જેને કોઈ નુકસાન પહોંચતું નથી
સુગંધી ઘાસના વાવેતરના સાહસની શરૂઆતની વાત કરતાં અંકિતભાઈ કહે છે, "આ સાહસમાં અમારે માત્ર પ્લાન્ટનો આઠથી દસ લાખ રૂપિયા ખર્ચ થયો હતો."
"વાવેતર વખતે એક વિઘા જમીનમાં આ ઘાસનું બે કિલો બિયારણ જોઈએ. એ બિયારણનો કિલોનો ભાવ 1300થી 1500 રૂપિયા હોય છે."
"વાવેતર સમયે માત્ર એક વખત બિયારણનો ખર્ચ થાય છે. એક જ વખત બિયારણ વાવીને પાંચ વર્ષ સુધી ઉત્પાદન લઈ શકાય છે. અમે દસ એકરમાં પાક લઈએ છીએ. આ પાકમાં એક એકરે એક લાખ રૂપિયાની કમાણી અમને થાય છે. આર્થિક દૃષ્ટિએ આ ઘણો સારો પાક છે."
અંકિતભાઈના જણાવ્યા મુજબ, આ તેલની બજારકિંમત અત્યારે ઘણી ઘટી ગઈ છે. હાલ 1,500થી 3,500 રૂપિયા સુધીનો આ તેલનો ભાવ હોય છે. તેમાં વેલ્યુ એડિશન કરીને માલ બજારમાં મૂકો એટલો વધારે ફાયદો થાય છે.
આ ઘાસની બીજી કેટલીક ખૂબીની વાત કરતાં અંકિતભાઈ કહે છે, "આ ઘાસને કોઈ પ્રાણી કે પક્ષી નુકસાન પહોંચાડી શકતાં નથી."
"એ ઉપરાંત આ ખેતરની સાથે તેની આજુબાજુના ખેતરમાં પણ માખી-મચ્છર કે જીવાત થતાં નથી."
અંકિતભાઈ ઉમેરે છે કે "એકવાર આ ઘાસનું વાવેતર કરી દો પછી પાંચ વર્ષ સુધી બીજું વાવેતર કરવાની જરૂર પડતી નથી. દર ત્રણથી ચાર મહિના આ ઘાસનો પાક માવજત મુજબ તૈયાર થતો રહે છે. ત્રણ-ચાર મહિના ઘાસનું કટિંગ કરવાનું હોય છે."
લાખોનું રોકાણ કરતાં પહેલાં કેટલીક માહિતી મેળવવી જરૂરી
જોકે, આ ઘાસની ખેતી બહુ કડાકૂટવાળી નથી, પણ આ સાહસમાં ઝંપલાવતાં પહેલાં કેટલીક મહત્વની માહિતી મેળવવી અનિવાર્ય છે.
તેની વાત કરતાં અંકિતભાઈ કહે છે, "બન્ને બાજુનો અભ્યાસ કરવો પડે. ઘાસને કેવી રીતે ઉગાડવું, તેની માવજત કેવી રીતે કરવી, પાકનું વિશ્લેષણ કેવી રીતે કરવું. તેલ કઈ રીતે કાઢવું એ જાણવું પડે."
અંકિતભાઈ ભારપૂર્વક કહે છે, "આ પાક બીજી ખેતપેદાશો જેવો નથી."
"બીજો પાક યાર્ડમાં જઈને મૂકી આવો એટલે વેચાય જાય, પણ આ તેલમાં એવું નથી." "સુગંધી તેલના બિઝનેસ માટે તમારી પાસે પ્રોપર ચેનલ હોય એ જરૂરી છે. આમાં સારી કમાણી કરવા હોય તો સારા વેપારી શોધી, સારા ભાવે વેચવું પડે."
એટલે આ પ્રકારની ખેતીમાં ઝંપલાવતા પહેલાં તેની ખેતી કેવી રીતે કરવી તેની માહિતી સાથે-સાથે તેલના પ્લાન્ટનો ખર્ચ, તેનું વેચાણ કેવી રીતે કરવું, કેવા પ્રકારનું તેલ બનાવવું વગેરેની માહિતી હોવી જરૂરી છે.
માહિતીના અભાવે કદાચ ખેતીમાં નુકસાન થાય એવી પણ સંભાવના રહેલી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો