કચ્છ : એ મહિલા સરપંચ જેમણે ગુજરાતના ગામને 'સ્માર્ટ સિટી' જેવી સુવિધાઓ આપી

    • લેેખક, પ્રશાંત ગુપ્તા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કચ્છ, પોતાની ભાતીગળ સંસ્કૃતિ અને ભૌગોલિક સૌંદર્યને કારણે વિખ્યાત છે. ભુજનું કુકમા ગામ ગુજરાતના આ જિલ્લાની ખ્યાતિમાં વધારો કરે છે.

મહિલાઓના વિકાસ અને મહિલાઓમાં નવો આત્મવિશ્વાસ જાગૃત કરવાના ધ્યેય સાથે ગુજરાતનું આ ગામ સરાહનીય કાર્ય કરી રહ્યું છે. આ દિશામાં ગામના પ્રયત્નની નોંધ માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ રહી છે.

ભારતનાં ગામોની જે છબિ આપણા મનમાં છે, તેનાથી આ ગામ તદ્દન વિપરીત છે. આ ગામ શાળા, દવાખાનાં, બૅંકો અને પોસ્ટઑફિસની સુવિધાથી સજ્જ છે. પહેલી નજરે મોટાં શહેરોમાં જોવા મળતી તમામ સવલતો આ ગામમાં ગ્રામવાસીઓને પૂરી પાડવામાં આવે છે.

આ ગામની સમૃદ્ધિ અને સુખાકારીનો શ્રેય ગામનાં મહિલા સરપંચ કંકુબહેન વણકરને જાય છે. તેઓ અનુસૂચિત જાતિની બેઠક પરથી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેમના પરિશ્રમ અને મજબૂત ઇરાદાના કારણે ગામ વિકાસના માર્ગે ગતિમાન થયું છે.

મહિલા સશક્તિકરણના ક્ષેત્રે નવીન પ્રયત્નો

તેઓ ગામમાં રહેલી સુવિધાઓ વિશે માહિતી આપતાં કહે છે, “ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પ્રાથમિક આરોગ્યકેન્દ્ર, બૅંકો અને પોસ્ટઑફિસ પણ છે.”

તેઓ ગામના સફળ સંચાલન અંગેના સિક્રેટ વિશે વાત કરતાં કહે છે, “જેવી રીતે પહેલાં હું મારા ઘરમાં બધા સભ્યોની જરૂરિયાતને ધ્યાને લઈને ઘરનું સંચાલન કરતી હવે તેવી જ રીતે ગામના રહેવાસીઓની ઇચ્છા મુજબ ગામનું સંચાલન કરું છું."

તેમના નેતૃત્વની ખાસ વાત એ છે કે તેઓ મહિલા સશક્તિકરણ પર ખૂબ ભાર મૂકે છે. તેઓ સમયાંતરે મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામસભાનું પણ આયોજન કરે છે.

તેઓ જણાવે છે, “ગામની દરેક મહિલા ગ્રામપંચાયત સુધી આવે છે અને તેમને મળતા અધિકારો અંગે માહિતી આપવામાં આવે છે."

"ગ્રામસભાને વધુ મજબૂત બનાવવા માટે અમે ગામમાં સ્ત્રીઓની વૉર્ડ મિટિંગ રાખીએ છીએ. અમે બહેનોને સમજાવીએ છીએ, જેથી તેઓ ગ્રામસભામાં હાજર રહીને તેમની સમસ્યાઓ અને મુદ્દા રજૂ કરે."

"આમ ધીરે-ધીરે બહેનો ગ્રામસભામાં આવતાં થયાં અને મુક્ત મને તેમની સમસ્યાઓ કહેતાં થયાં."

મહિલા સશક્તિકરણ માટે કંકુબહેનનો દૃઢ નિશ્ચય તેમના શબ્દો દ્વારા સમજી શકાય છે

તેઓ કહે છે કે "બહેનોમાં એ વિશ્વાસ જાગૃત કરવાની જરૂર છે કે આપણે જો પુરુષને જન્મ આપી શકીએ તો ગમે કરી શકીએ છીએ."

તેજસ્વી વિદ્યાર્થિનીઓનાં નામ પર શેરીઓનાં નામ

કંકુબહેન ભણવામાં ખૂબ હોશિયાર હતાં, પરંતુ ઘરની આર્થિક સ્થિતિને કારણે તેઓ વધુ ભણી શક્યાં ન હતાં.

આ જ કારણે સરપંચ બન્યાં બાદ તેમણે નિર્ણય લીધો કે ગામની એક પણ દીકરી અભ્યાસથી વંચિત ન રહેવી જોઈએ.

આ માટે તેમણે ગામની દીકરીઓ સાથે ગ્રામસભા યોજી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું શરૂ કર્યું.

ગામમાં વિદ્યાર્થિનીઓને વધુ ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગામમાં શેરીઓનાં નામ પણ તેજસ્વી વિદ્યાર્થિનીઓનાં નામ પરથી રાખવાની પહેલ કરી છે.

તેઓ આ પ્રયત્નો માટેની પ્રેરણા અંગે વાત કરતાં કહે છે, “જ્યારે મારું ભણતર હું પૂરું ન કરી શકી ત્યારે મને લાગ્યું મારા ગામની કોઈ પણ દીકરીનું ભણવાનું સ્વપ્ન અધૂરું ન રહેવું જોઈએ."

"તે માટે અમે ખાસ ગ્રામસભા ભરી હતી. જેમાં ઘણી બધી મહિલાઓ હાજર રહી હતી. તેમજ આ હેતુસર કિશોરીઓની ગ્રામસભા પણ બોલાવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે દરેક શેરીનું નામ તેજસ્વી વિદ્યાર્થિનીઓનાં નામ પર મૂકવું જેથી તેમને ભણવાની પ્રેરણા મળે.”

તેઓ કહે છે કે, “વિદ્યાર્થિનીઓનો ડ્રૉપઆઉટ રેશિયોનાં કારણોની તપાસ કરાઈ ત્યારે ખબર પડી કે શાળા અને ઘર વચ્ચેના અંતરને કારણે ઘણી વિદ્યાર્થિનીઓ શાળાએ આવી શકતી નહોતી."

"તેમની પાસે સાધન ન હોવાથી શાળાએ આવવામાં તકલીફ થતી હતી. આ સમસ્યાના નિવારણ માટે પંચાયતે બાળકો માટે વાહનવ્યવહારની સગવડ પૂરી પાડવાનું નક્કી કર્યું. જેનાથી ઘણી બધી વિદ્યાર્થિનીઓનો અભ્યાસ ફરીથી શરૂ થઈ શક્યો છે.”

કંકુબહેન કહે છે, “પ્રાઇવેટ સ્કૂલોમાં મળતી આધુનિક સુવિધાઓ ગામની પ્રાથમિક શાળામાં મળી રહે તે માટે અમે ગામની શાળામાં કંપની સાથે સંકલન સાધીને 15 કૉમ્પ્યુટર મુકાવ્યાં છે."

"જેથી પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને પણ કૉમ્પ્યુટરનું નવીનતમ જ્ઞાન મળી શકે. આ હેતુ માટે પંચાયતે સ્વખર્ચે કૉમ્પ્યુટરના શિક્ષક પણ શાળામાં નીમ્યા છે.”

રાષ્ટ્રપતિ ઍવૉર્ડથી સન્માનિત થઈ ચૂક્યાં છે કંકુબહેન

જ્યારે કંકુબહેન સરપંચ નહોતાં ત્યારે તેઓ કપડાં વણવાનું કામ કરતાં હતાં. આ દરમિયાન તેમણે પોતાની મહેનત અને સૂઝબૂઝથી એવી સાડી બનાવી કે જેની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ. જે માટે તેમને ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

તેઓ પોતાની આ સિદ્ધિ વિશે વાત કરતાં કહે છે, “હું પૂરું ભણી તો ન શકી પણ પહેલાંથી મારા મનમાં કંઈક કરી બતાવવાની ધગશ હતી. તેથી મેં મારું ધ્યાન વણાટકામમાં લગાવ્યું."

"11 મહિના સુધી મહેનત કરીને મેં દોઢ લાખની કિંમતવાળી સાડી બનાવી હતી. જેની અદ્ભુત કારીગરીને ધ્યાને લઈને મને વર્ષ 2011માં રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો."

કંકુબહેનની મહેનત અને દૃઢ નિશ્ચયને કારણે કુકમા ગામ પ્રગતિના પંથે સતત આગળ વધી રહ્યું છે. જેની નોંધ લેતાં ગામને દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અપાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો