કોરોના વાઇરસ : સુરતના અબ્દુલભાઈ, જે કોરોનાના હિન્દુ મૃતકોની અંતિમવિધિ કરે છે

    • લેેખક, શૈલી ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

કોરોના વાઇરસની મહામારી સામે આખા વિશ્વમાં લોકો લડી રહ્યા છે. ડૉક્ટર, નર્સ, પોલીસ કર્મચારીઓ મુખ્ય ભૂમિકામાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે શિક્ષકો, સમાજસેવીઓ પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક સેવાધર્મી વ્યક્તિ ઘણા પરિવારો માટે સહારો બની છે.

સુરતના અબ્દુલ મલબારી કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના લોકોની અંતિમવિધિ કરે છે.

કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિઓના પરિવારજનો જ્યારે સંક્રમણના ભયથી મૃતદેહની નજીક પણ નથી જઈ શકતાં ત્યારે અબ્દુલભાઈ આ કામ કરે છે.

ત્રીસ વર્ષથી ચાલતો સેવાયજ્ઞ

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં 51 વર્ષીય અબ્દુલભાઈએ કહ્યું, "અમે છેલ્લા ત્રીસેક વર્ષથી બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરીએ છીએ."

"જ્યારે કોરોના વાઇરસના કેસ વધવા લાગ્યા ત્યારે અમારા અનુભવના કારણે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ અમારો સંપર્ક કર્યો."

"તેમણે પૂછ્યું કે આ મહામારીથી દુનિયાભરમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં છે, સુરતમાં પણ શક્યતાઓ છે, આવા દર્દીઓના મૃતદેહને તેમના પરિવારને સોંપી શકાય નહીં."

અબ્દુલભાઈ કહે છે, "તેમણે અમને પૂછ્યું કે શું અમે આ મૃતદેહોને સ્મશાનઘાટ કે કબરસ્તાન લઈ જઈ અંતિમવિધિ કરવામાં તેમની મદદ કરી શકીએ, અને મેં હા પાડી."

"આ માટે અમે અમારી ટીમના 20 સભ્યોનાં નામ આપ્યાં છે, જે અલગ-અલગ સમયે આ કામ માટે સેવા આપે છે. ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે અમને ડેમોસ્ટ્રેશન પણ કરી બતાવ્યું કે મૃતદેહોને કઈ રીતે પ્લાસ્ટિકમાં કવર કરવાના, કઈ રીતે કિટ પહેરાવાની, કઈ રીતે પોતાને કવર કરવાના."

આ વિશે વાત કરતાં અબ્દુલભાઈએ જણાવ્યું કે "અમને સુરત સિવિલ હૉસ્પિટલના આરએમઓ ડૉ. ચોક્સી તરફથી હૉસ્પિટલ જવાનું કહેવામાં આવે તો અમે ત્યાં પહોંચી જઈએ છીએ."

અમને પોતે કીટ પહેરીએ છીએ, બોડી પેક કરીએ છીએ અમને મૃતકના ધર્મ મુજબ તેમની અંતિમ વિધિ કરીએ છીએ.'

કેવી રીતે કરે છે પોતાની સુરક્ષા?

કોરોના વાઇરસથી સંક્રમિતોના મૃતદેહોના અંતિમસંસ્કાર કરતી વખતે ઘણું ધ્યાન રાખવાનું હોય છે અને સંક્રમિત ન થવાય એની પણ કાળજી રાખવાની હોય છે.

આ માટે અબ્દુલભાઈ અને તેમની ટીમના સભ્યો કઈ રીતે સુરક્ષિત રહે છે, તે વિશે જણાવતાં અબ્દુલભાઈ કહે છે:

"અમે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના નિર્દેશોનું પાલન કરીએ છીએ, અમે પોતે પણ બૉડીસૂટ માસ્ક, ગ્લવ્ઝ પહેરીએ છીએ."

"મૃતદેહ પર જે અધિકૃત કૅમિકલનો છંટકાવ કરવામાં આવે છે અને પછી પ્લાસ્ટિકમાં સંપૂર્ણપણે વીંટાળવામાં આવે છે, પછી અંતિમવિધિ થાય છે."

"અમારી પાસે પાંચ ગાડીઓ છે, જેમાંથી બે ગાડી માત્ર કોરોનાના દર્દીઓ માટે રાખવામાં આવી છે. જે નિયમિત રીતે સેનેટાઇઝ પણ થતી રહે છે."

તેઓ કહે છે, "અમારી સંસ્થા, એક્તા ટ્રસ્ટ, આ કામ ત્રણ દાયકાથી કરી રહી છે. દિવસમાં ઓછામાં ઓછા 12થી 13 મૃતદેહો બિનવારસી હાલતમાં સુરત અને તેની આજુ-બાજુનાં ગામોમાંથી મળે છે."

"જેમાં પાણીમાં કહોવાયેલા મૃતદેહો, ટ્રેનના ટ્રૅક પર કપાયેલી લાશ કે કૂવામાં કે ઘરમાં ફાંસો ખાધેલી પણ લાશો હોય છે. આવી ડિકમ્પૉઝડ લાશો અમે રોજ લાવીએ છીએ."

"સામાન્ય સંજોગોમાં પણ બિનવારસી હાલતમાં મળેલી લાશોની અંતિમક્રિયા વખતે અમે માસ્ક, હાથમોજાં વગેરે પહેરીને જ કામ કરીએ છીએ."

અબ્દુલભાઈ ઉમેરે છે, "આ કામમાં સરકારનો સહયોગ પણ પૂરતો મળી રહે છે. સબ ઇન્સ્પેક્ટરની ટીમ, ફાયરની ટીમ, સેનેટાઇઝ કરનારી ટીમ આ કામમાં અમારી સાથે જ હોય છે."

મૃતકના પરિવારજનોની વેદના

મૃતકના પરિવારો સાથેના અનુભવ કહેતા અબ્દુલભાઈ જણાવે છે, "જ્યારે કોરોના વાઇરસથી કોઈ વ્યક્તિ સંક્રમિત હોય ત્યારે તેમના પરિવારને પણ ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવે છે. તેમને યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હૉસ્ટેલમાં રાખવામાં આવે છે."

"તેમને 14 દિવસ સુધી ત્યાં રાખવામાં આવે છે અને તેમના પણ ટેસ્ટ કરવામાં આવે છે. જો કોરોના વાઇરસથી સંક્રમિત દર્દી સારવાર દરમિયાન મૃત્યુ પામે તો તેમના પરિવારજનો અંતિમવિધિ નથી કરી શકતાં."

આ વિશે વાત કરતાં અબ્દુલભાઈ જણાવે છે, "પરિવારની ઇચ્છા અંતિમ દર્શનની હોય તે સ્વાભાવિક છે, પણ આ કેસમાં તે શક્ય નથી."

"પરિવારજનો ખૂબ રડે છે, મૃતકને જોવાની વાત કરે છે. ત્યારે અમે તેમને સમજાવીએ છીએ અને વિશ્વાસ અપાવીએ છીએ કે તેમના ધર્મ અનુસાર જ અંતિમવિધિ કરીશું."

"ઘણી વાર દૂરના સ્વજનો વિનંતી કરે કે તેમને એક અંતરેથી વિધિ જોવા દેવામાં આવે. એવા કેસમાં અમે તેમને અલગ ગાડીમાં સ્મશાન કે કબરસ્તાન પાસે લઈ જઈ દૂર ઊભા રહેવા કહીએ છીએ."

'અમે પણ પરિવારથી દૂર રહીએ છીએ'

અબ્દુલભાઈના પરિવારને જ્યારે આ વિશે જાણ થઈ ત્યારે શું થયું એ વિશે વાત કરતાં અબ્દુલભાઈ કહે છે કે "પરિવારે તો એક જ વાત કહી કે પોતાનું ધ્યાન રાખજો. અમે હૉસ્પિટલના કોરોના વિભાગમાં હોઈએ ત્યારે જ અમારી પાસે કિટ હોય છે. અંતિમવિધિ પછી અમે કિટ કાઢી નાખીએ છીએ."

"ડ્યુટી બાદ ગરમ પાણીથી હાથ-પગ ધોઈને ચોખ્ખાં કપડાં પહેરીએ છીએ. આ કામ કરીએ ત્યારે પરિવારથી દૂર રહીએ છીએ. જેથી તેમને ચેપ ન લાગે અને તેઓ સુરક્ષિત રહે."

"જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી પરિવારને નહીં મળી શકાય. અમારી ઑફિસમાં જ ગોઠવણ કરી રાખી છે, જ્યાં બધા આરામ કરી શકીએ છીએ."

સરકારની આર્થિક સહાય વિશે વાત કરતાં અબ્દુલભાઈ કહે છે કે "સરકાર શરૂઆતથી જ સહકાર આપવા તૈયાર છે પણ સંસ્થાના સભ્યો અને શહેરના લોકો પાસેથી મળતા દાનથી પૂરતી મદદ મળે છે આથી કોઈ તકલીફ પડતી નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો