ગુજરાત ચૂંટણી : સી આર પાટીલની એ પાંચ રણનીતિ જેણે ભાજપનો ડંકો વગાડ્યો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાલમાં ભાજપને જે મોટી સફળતા મળી છે એ ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીની પાંચ સૂત્રી ફૉર્મ્યુલાની કમાલ છે એવું રાજકીય વિશ્લેષકો માને છે.

2017ની વિધાનસભા ચૂંટણી બાદ નબળી પડેલી ભાજપને વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત અપાવ્યા પછી સી.આર પાટીલની ફૉર્મ્યુલા મિની વિધાનસભા ચૂંટણીની જેમ જોવાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપને તારી ગઈ.

ગુજરાતમાં છ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણાં ભાજપે મોટો વિજય નોંધાવ્યો ત્યારે કૉંગ્રેસનું ધોવાણ થયું હતું. જોકે ગુજરાતના રાજકારણમાં બે નવી પાર્ટીઓનું ખાતું ખુલી ગયું જેમાં એક આમ આદમી પાર્ટી અને બીજી અસદુદ્દીન ઓવૈસીની AIMIM છે.

તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને જાણીતા સેફોલોજિસ્ટ એમ.આઈ. ખાને કહે છે કે "ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં ભાજપનો દેખાવ ઘણો નબળો હતો, ભાજપને વિધાનસભાની 99 બેઠકો મળી હતી. ત્યારબાદ ભાજપને બેઠો કરવા માટે ત્રણ વર્ષમાં કૉંગ્રેસના સક્ષમ ધારાસભ્યો અને નેતાઓને ભાજપમાં લવાયા પરંતુ 2019માં છ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કૉંગ્રેસ બે બેઠકો જીત્યું. ભાજપને છાપ સુધારવાની જરૂર હતી. આ સંજોગોમાં તેનો ગઢ ગણાતા ગુજરાતમાં બીજીવાર સૌરાષ્ટ્રના ન હોય એવા દક્ષિણ ગુજરાતના નેતાને સુકાન આપવાનું પસંદ કર્યું."

ખાન કહે છે, "પાટીલને જયારે પ્રદેશ પ્રમુખ બનાવ્યા ત્યારે કોરોનાકાળ હતો. ગુજરાતમાં કોરોના મહામારી તેના ચરમ પર હતી. ભાજપની સરકાર સામે પરપ્રાંતીઓની હિજરત અને કામ-ધંધા પર પડેલી અસરો જેવા ચિંતાના વિષયો હતા. આ સમયે પાટીલે પોતાની એક રણનીતિ ઊભી કરી, ઘરમાં બેઠેલા ભાજપના કાર્યકરોને બહાર કાઢવા માટે પેજ સમિતિ અને પેજ પ્રમુખો બનાવ્યા, જેમાં મુખ્ય મંત્રી સહિતના નેતાઓને આવરી લીધા જેથી કાર્યકર્તાઓની પણ એક જવાબદારી બની ગઈ."

પેજ સમિતિની સ્ટ્રૅટેજી

જાણીતા રાજકીય વિશ્લેષક વજુભાઈ પરસાણા કહે છે, "પાટીલ મરાઠી હોવા છતાં એમને પ્રદેશ પ્રમુખ બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે પાટીલે પોતાની લોકસભાની ચૂંટણીમાં પેજ કમિટી અને પેજ પ્રમુખો બનાવી જંગી બહુમતી મેળવી હતી અને આ સ્ટ્રેટેજીનો પ્રયોગ તેમણે નરેન્દ્ર મોદીના ચૂટંણી વિસ્તાર વારાણસીમાં પણ કર્યો હતો. તેઓ આમાં સફળ પણ થયા હતા."

તેઓ આગળ કહે છે, "પેજ કમિટીમાં જે સભ્યો બનાવ્યા એમને ઓળખપત્ર આપવામાં આવ્યા જેનાં કારણે કાર્યકરોને લાગ્યું કે તેઓ મહત્ત્વપૂર્ણ છે. ચૂંટણીમાં એમને માત્ર 30 મતદાતાઓને સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી.

"કૉર્પોરેટરો અને ધારાસભ્યોને એ પેજ સમિતિના પ્રમુખ બનાવ્યા જેથી એમની જવાબદારી હેઠળ આવતા લોકોની સમસ્યાનો ઝડપી નિકાલ થાય અને કાર્યકર્તાઓ પણ સક્રિય થાય એટલે ભાજપ તરફ સમર્પિત મતદાતાઓને તેઓ મતદાન કરાવી શકે."

અલગ પાર્ટીની છાપ

ભાજપ હંમેશાથી પાર્ટી વિધ અ ડિફરન્સ તરીકે પોતાની છાપ રજૂ કરતી આવી છે. ભાજપના નેતાઓ જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે, કૉંગ્રેસમાં વંશવાદ અને અમુક નેતાઓના હાથમાં પાર્ટીની સત્તા સીમિત થઈ જવાના આરોપ લગાવતા આવ્યા છે.

વિશ્લેષકો માને છે કે પાર્ટીને ચૂંટણીમાં તેનો ફાયદો પણ મળ્યો છે.

જાણીતા સેફોલોજિસ્ટ ડો. વિનોદ અગ્રવાલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "1995માં ભાજપ બીજા પક્ષથી અલગ છે એ છાપ ઊભી કરવામાં સફળ રહ્યો કારણ કે આ ચૂંટણીમાં ત્રણ ટર્મ જીતેલા ઉમેદવાર અને 60 વર્ષથી વધુના ઉમેદવારોને દૂર રખાયા હતા જેને કારણે ઍન્ટી ઈન્કમ્બન્સીની સામે ટકી શકાય."

"બીજું મહત્વનું પાસું ભાજપ માટે એ રહ્યું કે કૉંગ્રેસ પાસે કોઈ ચહેરો ન હતો અને કોંગ્રેસની છબિ ત્રણ વર્ષમાં એવી થઈ ગઈ હતી કે મતદાર જો કૉંગ્રેસને મત આપે તો એ ચૂંટાઈને ભાજપમાં જાય તો એનો વોટ એળે જાય."

"આ કારણે કૉંગ્રેસનો પરંપરાગત વોટર બહાર ન આવ્યો અને ભાજપની પેજ કમિટીના લોકો એમનાં મતદારોને મતદાન માટે બહાર લાવી શક્યા."

ડૉક્ટર અગ્રવાલ કહે છે કે આ ઉપરાંત એમની પ્રચારની પદ્ધતિ આ વખતે અલગ હતી. સોશિયલ મીડિયાના ઉપયોગ માટે અલગ ટીમ રખાઈ હતી, ડેટા ઍનાલિસિસની ટીમ અલગ હતી, જેથી જે વિસ્તારમાંથી કૉંગ્રેસને વોટ ગયો હોય એ વિસ્તારમાં વધુ તાકાતથી પેજ સમિતિના સભ્યો કામ કરતા હતા.

"મીડિયામાં ટી.વી. ડિબેટથી લઈને અખબારમાં પ્રસિદ્ધિ માટેની પ્રેસનોટ તૈયાર કરવા માટેની ટીમ અલગ બનાવી હતી. એની સામે કૉંગ્રેસ આ રણનીતિમાં થાપ ખાઈ ગયું હતું."

સાઇકોલૉજિકલ નર્વ વૉર

રાજકીય વિશ્લેષક વજુ પરસાણા આ ચૂંટણીમાં થયેલી સાયકોલૉજીકલ નર્વવૉરની વાત કરતા કહે છે, "આ વખતે ભાજપે મુખ્યત્વે કૉંગ્રેસના ધારાસભ્યોના સગા કે મોટાં નેતાઓનાં સગા-સંબંધીઓને હરાવવામાં વધુ તાકાત વાપરી હતી એટલે એ નેતા એમના નજીકના સગાની સીટ બચાવવામાં લાગેલા રહે અને બીજે ધ્યાન ન આપી શકે."

જોકે, કૉંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ એ વાતથી ઇન્કાર કરે છે કે કૉંગ્રેસ પાસે કાર્યકરો નહોતા. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાસે કાર્યકરો નહોતા એવું નથી પણ અમારી એમને મોબિલાઇઝ કરવાની પદ્ધતિમાં કદાચ ખામી રહી ગઈ હોય."

ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરીને ઉમેદવારોને ડરાવી ધમકાવીને રાખવાનો આરોપ લગાવતા તેઓ કહે છે,"આ ઉપરાંત અમને ઘણાં નેતાઓને ગુમાવવાની ખોટ પડી છે આ અંગે અમારે પણ આત્મમંથન કરવાની જરૂર છે 2017માં અમારી તરફ વાળેલો વોટર પરત ગયો એના કારણો જોવા પડશે."

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળવા અને કૉંગ્રેસના ધોવાણની વાત કરતાં તેઓ ભાજપ ઉપર "સત્તાના દુરુપયોગ અને ઈવીએમમાં ગરબડ"નો આરોપ લગાવે છે.

તેઓ કહે છે, "ભાજપને આ જીત સત્તાનો દુરુપયોગ અને ઈવીએમની ગરબડીને કારણે મળી છે. અમારી પાસે પુરાવા છે જેને અમે કોર્ટમાં રજૂ કરીશું." જોકે, આવા આરોપ અગાઉ પણ થઈ ચૂકયા છે હજી કંઈ પુરવાર થયું નથી.

હાલની ચૂંટણી હાર બાદ કૉંગ્રેસના નેતાઓ કહે છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે પાર્ટી અત્યારથી કવાયત શરૂ કરશે.

આઈટી સેલ અને સોશિયલ મીડિયાની ભૂમિકા

ભાજપે આ વખતના ચૂંટણીપ્રચારની પદ્ધતિમાં ફેરફારો કર્યા હતા. સોશિયલ મીડિયા અને ઑનલાઇન ડેટાનો સહારો લઈને ભાજપે પ્રભાવી રણનીતિ બનાવી હોવાનું કહેવાય છે.

ભાજપ મીડિયા સેલના પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, પહેલા જે કામ માત્ર આઈ.ટી.સેલ કરતુ હતું એને અમે ત્રણ ભાગોમાં વહેંચી દીધું હતું.

"સોશિયલ મીડિયાનું કામ અલગ લોકો જોતા હતા. ડેટા ઍનાલિસિસ અને પ્રચાર પ્રસારની ટીમ અલગ બનાવી હતી જેથી લોકો સુધી પહોંચી શકાય."

"અમે નવા કાર્યકર્તાને તક મળે એ માટે ત્રણ ટર્મ અને 60 વર્ષના લોકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો જેને કારણે જુના કાર્યકર્તા સક્રિય થયા. જ્ઞાતિગત સમીકરણોને બાજુએ મૂકી જીતના સમીકરણને ધ્યાનમાં રાખ્યા હતા."

"પેજ કમિટીના સભ્યની તમામ તકલીફ દૂર કરવાનો પ્રયાસ કર્યો જેથી ભાજપના કાર્યકર્તા સરકારી યોજનાઓનો લાભ લોકોને અપાવી શકે અને મતદાતાને બહાર લાવી શકે. આ અમારી જીતના પાંચ મંત્રો હતા. જેને કારણે 2015 કરતા ઓછું મતદાન થયા પછી આ પાંચ મંત્રોના પંચામૃતથી અમે જીત્યા છીએ."

યજ્ઞેશ દવે ભાજપે જાતિગત સમીકરણો બાજુમાં રાખી જીતના સમીકરણો ધ્યાનમાં લીધા હતા. જોકે, ભાજપે ધાર્મિક સમીકરણો તો ધ્યાનમાં રાખ્યા જ તેમ વર્તાય છે. ચૂંટણી અગાઉ કથિત લવ જેહાદના કાયદાની વાત અનેકવાર કરવામાં આવી. અમદાવાદમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહોતી આપવામાં આવી જ્યારે ભરૂચમાં ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો