વડોદરામાં એક જ પરિવારના 6 સભ્યોનો 'સામૂહિક આપઘાતનો પ્રયાસ', 3નાં મોત, 3 ગંભીર

વડોદરા શહેરમાં એક જ પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર છે. જેમાં ત્રણ સભ્યોનાં મોત અને અન્ય ત્રણની હાલત ગંભીર હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે.

બીબીસીના સહયોગી અને સ્થાનિક પત્રકાર રાજીવ પરમારે બીબીસીને જણાવ્યું, "શહેરના સમા રોડમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં એક જ પરિવારના સભ્યોએ આપઘાત(નો પ્રયાસ) કર્યો છે. જોકે તેમાં ત્રણનાં મોત થયા છે, જ્યારે ત્રણ બચી ગયા છે."

રાજીવ પરમારે બીબીસીને જણાવ્યું, "જે ત્રણ સભ્યો બચી ગયા છે, તેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત પણ ગંભીર છે. જોકે મૃતકોમાં પરિવારનું બાળક પણ સામેલ છે."

"પોલીસે આ મામલે પૂછપરછ અને તપાસ આદરી છે. ફૉરેન્સિકની ટીમ પણ બોલાવાઈ છે. પોલીસે પ્રાથમિક ધોરણે તપાસ હાથ ધરી છે. અને પોલીસે પરિવારે આ કૃત્ય કેમ કર્યું તે મામલે હાલ કોઈ નક્કર સત્તાવાર પુષ્ટિ નથી કરી."

દરમિયાન, વડોદરાના એસીપી ભરત રાઠોડ અનુસાર પરિવાર આર્થિક મામલે સમસ્યા અનુભવતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. પરંતુ તેમણે ઉમેર્યું કે આ માત્ર પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. વધુ વિગતો અને બાબત તપાસ થતાં જ જાણવા મળી શકશે.

નોંધ - આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો