You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ‘પોલીસની હાજરીમાં જ દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટની હત્યા’નો મામલો શું છે?
- લેેખક, રૉકસી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
એક તરફ જ્યારે સમગ્ર ગુજરાત નજર સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના પરિણામો પર હતી, ત્યારે ભાવનગરના એક નાનકડા એવા સાનોદર ગામમાં એક દલિત પરિવાર પર હુમલો થયો હતો. પરિવારનો આરોપ છે કે, હુમલો કરનારા લોકો કૉંગ્રેસના ઉમેદવારની જીતનાં વિજય સરઘસમાંથી આવ્યાં હતા અને 'અમરાભાઈ બોરીચા' નામની એક વ્યકિતની તલવારના ઘા ઝીંકીને કથિતરૂપે હત્યા કરી દીધી હતી. બોરીચાનો પરિવાર આ ગામમાં એક માત્ર દલિત પરિવાર છે.
આ લખાય રહ્યું છે ત્યારે ભાવનગરની સર ટી હૉસ્પિટલની બહાર, દલિત આગેવાનો તેમજ બોરીચાના પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે કે, ક્યારે સરકારી તંત્ર તેમની માંગણી પુરી કરે જેથી તેઓ અમરાભાઈના મૃતદેહની અંતિમક્રિયા કરી શકે.
દલિત આગેવાનો તેમજ પરિવારજનોની માંગણી છે કે જેમની સામે હત્યાની ફરિયાદ થઈ છે તે 10 લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને પોતાની ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ સબ- ઇન્સ્પેક્ટર પી. આર. સોલંકીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે ત્યારબાદ જ તેઓ મૃતદેહ સ્વીકારશે.
જો કે આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ, (ભાવનગર રૅન્જના આઈજીપી) અશોક યાદવ સાથે વાત કરી તો તેમણે કહ્યું, "પોલીસની કામગીરી ચાલી રહી છે. અને પોલીસની ટીમ આરોપીઓની ધરપકડ કરવા માટે તેમની શોધખોળ કરી રહી છે."
જો કે બીજી તરફ દલિત આગેવાન અરવિંદ મકવાણાનો આક્ષેપ છે કે, કથિત હત્યાના "આરોપીઓ પોતોના ઘરે કે પરિવારજનોને ઘરે જઈને સહેલાઈથી મળી શકે છે, પરંતુ પોલીસ તેમની ધરપકડ કરતી નથી."
પોલીસની સુરક્ષા હતી છતાં હુમલો?
પોલીસ ફરીયાદમાં નોંધાયું છે કે તારીખ 2-1-2021ના રોજથી અમરાભાઇની સુરક્ષા માટે ગુજરાત ગ્રામ રક્ષક દળ(જીઆરડી)ના બે કર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે આ પોલીસકર્મીઓની હાજરીમાં તેમની પર ઘાતક હુમલો થયો છે, તેવું ફરીયાદી નીર્મળા બોરીચા(25)એ પોતાની ફરીયાદમાં લખાવ્યું છે.
તેમણે પોતાની ફરીયાદમાં લખાવ્યું છે કે અનેક વખત હથિયારધારી પોલીસકર્મીઓની માંગણી કરવા છતાંય તેમના પિતાને એ પ્રકારની પોલીસ સુરક્ષા વ્યવસ્થા નહોતી આપવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવી રીતે બની ઘટના?
ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના પરિણામો સમયે જ્યારે કૉંગ્રેસના સાનોદર ગામના ઉમેદવાર જીતી ચૂક્યા હતા, ત્યારે તે ઉમેદવાર અને તેમના સમર્થકો વિજય રેલી કાઢીને બોરીચાના ઘર પાસેથી નીકળ્યાં હતા.
ફરિયાદ મુજબ તે સમયે તે સરઘસમાંથી કેટલાક લોકો બહાર આવીને તલવાર, લોખંડની પાઈપ વગેરે જેવા હથિયારો લઈને તેમના ઘરમાં ઘૂસીને તેમના પર અને તેમની દીકરી નીર્મળાબેન પર હુમલો કર્યોં હતો.
નિર્મળાબેને પોતાની પોલીસ ફરીયાદમાં કહે છે કે, "આ ઘટના મંગળવારે લગભગરે સાંજે 4.30 વાગ્યાની છે, જ્યારે તેઓ પોતાના પિતા સાથે ઘરમા જ હતા. જો કે ત્યારબાદ પોલીસ બંદોબસ્તના જવાનોએ અને બીજા લોકોએ પોલીસને જાણ કરી હતી, અને 108માં બોરીચાને હૉસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ ડૉક્ટર્સે અડધે રસ્તે જ તેમને મૃત જાહેર કરી દીધા હતા. હાલમાં તેમનો મૃતદેહ સર ટી હૉસ્પિટલમાં રખાઈ છે."
'આરટીઆઈ કરીને ગ્રામ વિકાસની યોજનાઓ વિશે જાણકારી માગતા હતા'
બોરીચાના પરિવારજનોનું કહેવું છે કે તેઓ ઘણી બાબતે આરટીઆઈ કરતા હતાં.
જેમાં મુખ્યત્ત્વે 'નરેગા યોજના'ની કામગીરી, ગામ વિકાસના કામો વગેરેની માહિતી માંગતા રહેતા હતા. જો કે આ ઉપરાંત પણ તેમણે સરકારી તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થાય તેવી અરજીઓ કરેલી છે. જો કે હાલમાં તેમની કોઈ અરજી પડતર નથી.
ગુજરાતમાં આરટીઆઈઍક્ટિવિસ્ટની સુરક્ષા કેવી છે?
'કૉમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઇનિશ્યટિવ' સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે ગુજરાતમાં હજી સુધી કુલ 12 આરટીઆઈ ઍક્ટિવિસ્ટની હત્યાઓ ચૂકી છે. બોરીચા આ મામલે 13મી વ્યક્તિ છે.
દેશભરમાં 89 આરટીઆઈ ઍક્ટિવિસ્ટની હત્યા થઈ ચૂકી છે. વળી ગુજરાતમાં 17 આરટીઆઈ ઍક્ટિવિસ્ટ પર જીવલેણ હુમલા પણ થયા છે, જયારે દેશભરમાં આવા કિસ્સાઓની સંખ્યા 173 છે. આરટીઆઈ ઍક્ટિવિસ્ટને ધમકી આપવી, ખોટી રીતે હેરાન કરવાના ગુજરાતમાં 17 બનાવો નોંધાયા છે, જ્યારે દેશભરમાં આવા બનાવોની સંખ્યા 185 છે.
યાદી : ચીરાગ પટેલ (માર્ચ 2019), નાનજી સોંદરવા (માર્ચ 2018), રાજેસ સાવલીયા (જુલાઈ 2017), કરશન આલા (જાન્યુઆરી 2016), રતનસીંહ ચૌધરી (ઓક્ટોબર 2015), શૈલેશ કાંતિલાલ (જુન 2015), અમીત કપાસીયા (ડીસેમ્બર 2011), જયેશ બારોટ (નવેમ્બર 2011), યોગેશ શેખર (નવેમ્બર 2011) , નદીમ શૈયદ (નવેમ્બર 2011), અમીત ચાવડા (જુલાઈ 2010), વીશ્રામ ડોડીયા (ફેબ્રુઆરી 2010) (મૃતક કાર્યકર્તાનું નામ અને ઘટનાનું વર્ષ-મહિનો)
ગુજરાતમાં કેવી રીતે બદલાઈ આરટીઆઈની સ્થિતિ?
આરટીઆઈ ઍક્ટિવિસ્ટ પંકિત જોગ પ્રમાણે ગુજરાતમાં આરટીઆઈનાં કાયદાનું ખોટુ અર્થઘટન કરીને માહિતી અટકાવી દેવામાં આવે છે. જો કે હજી સુધી આ કાયદામાં એક જ વખત ફેરફાર થયો છે, પરંતુ સરકારી અધિકારીઓ માહિતી આપવા માટે નકારત્મક વલણ અપનાવતા હોય છે.
તેમનું કહેવું છે કે, "મોટાભાગની અરજીઓમાં એવી માહિતી માંગવામાં આવતી હોય છે જે માહિતી સરકારે સામેથી જ જાહેર કરવાની હોય છે. પરંતુ તે માહિતી જાહેર ન થતા, તેની અરજીઓ થાય છે, અને તે અરજીઓનો નિકાલ કરતી વખતે જે તે સરકારી દફ્તર માત્ર એક કે બીજા કારણસર તે માહિતી અટકાવી દેતું હોય છે."
તેમનું માનવું છે કે, "મોટાભાગની અરજીઓમાં જવાબ મળતો હોય છે કે આર્થિક હિત અથવા કોઈ વ્યક્તિની અંગત માહિતી હોવાને કારણે માહિતી આપી શકાતી નથી."
પોલીસની પ્રતિક્રિયા
આ આખી ઘટનાનાં સંદર્ભમાં જ્યારે બીબીસી ગુજરાતીએ ભાવનગર રેન્જ આઈજી અશોક યાદવ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "આ ઘટનાની તપાસ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, એસસી-એસટી સેલને સોંપવામાં આવી છે."
જો કે તપાસ ચાલું છે, તેવી વાત કરીને મોટાભાગના પોલીસ અધિકારીઓએ જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી અશોક યાદવે આ મામલે કહ્યું હતું, "પોલીસ હાલમાં આરોપીઓને પકડવા માટે સક્રિય છે. તેમણે એમ પણ કહ્યું કે તપાસનાં અંતે જો પીએસઆઈ પી. આર. સોલંકીની બેદરકારી સામે આવશે તો, તેમની સામે પણ પગલા લેવામાં આવશે, પરંતુ હાલમાં ચૂંટણીની આચારસંહિતાને પગલે તેમની બદલી નહીં થઈ શકશે."
જો કે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. મકવાણા સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું હતું, "પોલીસની હાજરીમાં આ બનાવ બન્યો છે, અને તે દિશામાં પણ જે તે તપાસ અધિકારી તપાસ કરશે જ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો