You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત યુનિવર્સિટીએ મુસ્લિમ વિદ્યાર્થિનીને નાગરિકતા સાબિત કરવા કેમ કહ્યું? શું છે મામલો?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
“હું પાછલાં આઠ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિની છું. તેમની પાસે મારી ઓળખના તમામ પુરાવાઓ હશે જ. તેમ છતાં જ્યારે મેં માહિતીના અધિકાર અંતર્ગત અરજી કરી ત્યારે મને માહિતી આપવાને સ્થાને યુનિવર્સિટીએ મારી પાસેથી મારી નાગરિકતા સાબિત કરવા માટેના પુરાવા માગવામાં આવ્યા. જ્યારે મારે તો માત્ર મારા સીધા પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ મેળવવો હતો.”
“મારી પાસેથી હું ભારતની નાગરિક છું કે કેમ? એ સાબિત કરવા માટે પુરાવા માગવામાં આવ્યા જ્યારે માહિતીના અધિકારના કાયદામાં આવી કોઈ પણ જોગવાઈ નથી. મારે તો માત્ર મારા આંતરિક પરીક્ષાના ગુણ અને મારી ઉત્તરવહીની ફોટોકૉપી જોઈતી હતી. તેના સ્થાને મને આવો જવાબ મળ્યો છે. આ વાતથી હું દુ:ખી છું. યુનિવર્સિટીનો આ જવાબ બિલકુલ અનઅપેક્ષિત હતો.”
આ કહેવું છે યુવાન વકીલ તનાઝ નાગોરીનું. તનાઝે માહિતી અધિકારના કાયદા અંતર્ગત કરેલી અરજીના જવાબમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમની નાગરિકતા પુરવાર કરવાનું જણાવાતાં મામલો સ્થાનિક મીડિયામાં છવાઈ ગયો છે.
આટલું જ નહીં આ મામલાની નોંધ લેતાં ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ આ મામલે મુખ્ય મંત્રીને રજૂઆત કરતો પત્ર લખ્યો છે.
જોકે, ગુજરાત યુનિવર્સિટી આ મામલાને ધર્મ સાથે જોડીને જોવાતો હોવાનું કહે છે.
આ સમગ્ર મામલા વિશે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ મામલા સાથે સંકળાયેલી વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
આ સંપૂર્ણ બનાવ વિશે વાત કરતાં તનાઝ નાગોરી કહે છે કે, “મેં યુનિવર્સિટી અને મારી કૉલેજમાં આંતરિક પરીક્ષાના ગુણ અને મારી ઉત્તરવહીની કૉપી માગવા માટે માહિતી અધિકાર અંતર્ગત ઑક્ટોબર માસમાં અરજી કરી હતી.”
આ અરજી કરવાનું કારણ જણાવતાં તેઓ આગળ કહે છે કે, “મને એવું લાગતું હતું કે કૉલેજ તરફથી યુનિવર્સિટીને મોકલાયેલા આંતરિક ગુણો અને યુનિવર્સિટીએ માર્કશીટમાં દર્શાવેલ આંતરિક ગુણોમાં સમાનતા જળવાઈ નથી. કંઈક ફેરફાર થયો છે. તેથી મેં શંકા દૂર કરવા માટે મારી કૉલેજ અને યુનિવર્સિટી બંનેમાં માહિતી અધિકારના કાયદા અંતર્ગત અરજી કરી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અરજીના જવાબો વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “આ અરજી અંગે મને મારી કૉલેજ તરફથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો. તેમજ યુનિવર્સિટી તરફથી તો માહિતી આપવા માટે મારી નાગરિકતા પુરવાર કરાવવાનું જણાવવામાં આવ્યું. હું બંને જવાબોથી સંતુષ્ટ નથી.”
નોંધનીય છે કે તનાજ નાગોરી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 68મા પદવીદાન સમારોહમાં એલએલ.બી અભ્યાસક્રમમાં ચાર સુવર્ણ ચંદ્રકથી સન્માનિત થઈ ચૂક્યાં છે.
‘સમગ્ર બાબત ગેરબંધારણીય અને આશ્ચર્યજનક’
આ સમગ્ર મામલો અમદાવાદ જિલ્લાના દરિયાપુર વિધાનસભા બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના ધ્યાને આવતાં તેમણે યુનિવર્સિટી વતી આવો જવાબ આપનાર અને નાગરિકતાના પુરાવા માગનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતો પત્ર મુખ્ય મંત્રીને લખ્યો છે.
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે, “વિદ્યાર્થિની જન્મથી જ ભારતીય નાગરિક છે અને RTIના કાયદામાં ભારતીય નાગરિતા પુરવાર કર્યા પછી જ માહિતી આપી શકાય એવી કોઈ જોગવાઈ ન હોવા છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેણીને અગમ્ય કારણોસર માહિતી અપાઈ નથી. આ બાબત ગેરબંધારણીય અને આશ્ચર્ચજનક છે.”
ગ્યાસુદ્દીન શેખે આ પત્રમાં મુખ્ય મંત્રીને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરી ફોજદારી રાહે પગલાં લેવાની માગણી કરી છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત યુનિવર્સિટીના આ જવાબ અંગે તનાઝ નાગોરી હાઇકોર્ટના શરણે જવાનો નિર્ધાર બીબીસી સાથેની વાતચીતમાં વ્યક્ત કરી ચૂક્યાં છે.
શું કહે છે કાયદો?
પર્યાવરણમિત્ર સંસ્થાના નિયામક અને RTI ઍક્ટિવિસ્ટ મહેશ પંડ્યા RTI ઍક્ટ અંતર્ગત માહિતી પૂરી પાડવા માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા નાગરિકતાના પુરાવાની માગણીને માહિતી આપવામાં વિલંબ કરવાની એક રીત ગણાવે છે.
તેઓ કહે છે કે, “યુનિવર્સિટીના જવાબ પરથી બે બાબતો સ્પષ્ટ છે. એક એ કે યુનિવર્સિટીને જવાબ માહિતી અધિકાર અંતર્ગત મળેલ અરજીનો જવાબ આપવામાં કોઈ રસ નથી. તેમાં તેઓ વિલંબ કરવા માગે છે અને બીજી બાબત એ કે યુનિવર્સિટીએ કોઈ હિંદુનામવાળા વિદ્યાર્થીઓ આ અરજી કરી હોત તો તેમણે તેને નાગરિકતા પુરવાર કરવાનું ન જણાવ્યું હોત. આ વિદ્યાર્થિની મુસ્લિમ હતાં તેથી તેમની સાથે આવું થયું છે.”
RTIના કાયદા અંતર્ગત માહિતી મેળવવા માટે નાગરિકતા પુરવાર કરવાની વાત અંગે જણાવતાં તેઓ કહે છે કે, “માહિતી અધિકારના કાયદામાં કે ગુજરાત સરકારે તે અંગે ઘડેલા નિયમોમાં માહિતી આપવા બદલ અરજદારે પોતાની નાગરિકતા સાબિત કરવાની કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. માહિતી અધિકારીએ અરજદારને પોતાની નાગરિકતા સાબિત કરવાના પુરાવા રજૂ કરવા કહ્યું હોય તેવી કદાચ આ દેશની પ્રથમ ઘટના છે, અગાઉ ક્યારેય આવું બન્યું નથી.”
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક પરેશ પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “RTIના નિયમ પ્રમાણે આધારકાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવાં ફોટો આઇડી સાથેના પુરાવા હોય એમને જ માહિતી આપી શકાય. જેથી અન્ય વ્યક્તિની માહિતી બીજી વ્યક્તિને ન જાય. અને આ સરકારી નિયમ છે. જે અનુસાર એમના આ પુરાવા અરજી સાથે નહીં હોવાથી અમે વિગતો માગી હતી. જેથી કોઈએ તેમની ઓળખનો દુરુપયોગ નથી કર્યો એ જાણી શકાય. આ સમગ્ર મામલાને ધર્મ સાથે સાંકળવો યોગ્ય નથી.”