You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત બજેટ 2021-22 : નાણાં મંત્રી નીતિન પટેલ બજેટમાં જાહેર કરી એ મેટ્રોલાઇટ અને મેટ્રોનિયો શું છે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
બુધવારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા નાણાં મંત્રી નીતિન પટેલે રૂ. બે લાખ 27 હજાર 29 કરોડનું અત્યારસુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું હતું.
જેમાં તેમણે અમદાવાદ-ગાંધીનગર અને સુરતના મેટ્રોકામો માટે રૂ. 568 કરોડની ફાળવણી કરી હતી.
આ સાથે વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રોલાઇટ કે મેટ્રોનિયો જેવી સુવિધા માટે જોગવાઈ કરી હતી, જે ધ્યાનાકાર્ષક રહી હતી.
મેટ્રોલાઇટ તથા મેટ્રોનિયોએ શહેરીવિસ્તારમાં સસ્તી અને સુવિધાયુક્ત પરિવહનસેવા માટેના નવા માધ્યમ છે.
આ અમલી જાહેરાતને પગલે જૂનાગઢ મહાનગરપાલિકાને બાદ કરતા તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશન એક યા બીજી મેટ્રો સુવિધાથી સજ્જ થશે.
આ પહેલાં કેન્દ્રીય નાણાં મત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કરતી વખતે દેશના ટિયર-ટુ શહેરોમાં મેટ્રોલાઇટ તથા મેટ્રોનિયોની સુવિધાને વિસ્તારવાની વાત કહી હતી. કેન્દ્ર સરકારના શહેરીવિકાસ મંત્રાલય દ્વારા ગત વર્ષે તેના માનક નક્કી કરવામાં આવ્યા હતા.
શું છે મેટ્રો લાઇટ ?
સરળ શબ્દોમાં કહીએ તો મેટ્રોલાઇટ એ 'ટ્રામવ્યવસ્થા કરતાં ઊંચી અને મેટ્રોવ્યવસ્થા કરતાં નીચી' છે.
જે શહેરોમાં મેટ્રો જેટલો ટ્રાફિક નથી થતો, ત્યાં તથા હાલમાં જ્યાં મેટ્રોસુવિધા ચાલુ છે, ત્યાં 'પૂરકસેવા' તરીકે મેટ્રોલાઇટ (લાઇટ અર્બન રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ) દોડાવવાની સરકારની યોજના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં રસ્તા ઉપર નિર્ધારિત ટ્રૅક ઉપર પાટા પાથરવામાં આવશે, જેની ઉપર આ કૉચ દોડશે. ફૅન્સિંગ કે દીવાલ દ્વારા આ ટ્રૅકને સામાન્ય રસ્તાના ટ્રાફિકથી અલગ કરવામાં આવે છે. કોઈ વાહન તેમાં ન પ્રવેશે તે માટે માર્શલ ગોઠવવા તથા નુકસાન કરનારને દંડ કરવાની ભલામણ કરવામાં આવી છે.
તેમાં એકબીજા સાથે જોડાયેલા ત્રણ કૉચ હશે, જેને મુસાફરોના ટ્રાફિક મુજબ જરૂર પડ્યે વધારી શકાશે. આ કૉચ સ્ટેનલેસસ્ટીલ કે ઍલ્યુમિનિયમના બનેલા હશે.
ત્રણ કૉચમાં સરેરાશ 300 મુસાફર સવારી કરી શકશે અને તેની મહત્ત્મ ઝડપ 60 કિલોમીટર પ્રતિકલાકની હશે.
કૉચને વીજપુરવઠો મળી રહે તે માટે ટ્રૅકની ઉપર (જરૂર જણાય ત્યાં નીચે ટ્રૅકની વચ્ચે) વાયર નાખવામાં આવશે. આ સિવાય ટૂંકા પટ્ટામાં આ પ્રકારની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તો બૅટરી વ્યવસ્થા પણ હશે.
એક પ્લૅટફૉર્મથી બીજા પ્લૅટફૉર્મ પર જવા માટે સબ-વે કે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. તેમાં રેલવેની જેમ ટ્રેનની અંદર કે પ્લૅટફૉર્મ ઉપર ટિકિટચેકર નહીં હોય, પરંતુ નેશનલ કૉમન મૉબિલિટી કાર્ડ કે અન્ય નિર્ધારિત ટિકિટવ્યવસ્થાથી ભાડું ચૂકવવાનું રહેશે.
કૉચમાં કે સ્ટેશન પર ટિકિટ વૅલિડેટર (ટિકિટની ખરાઈ કરવા માટેની ઇલેક્ટ્રૉનિક વ્યવસ્થા) લગાડવામાં આવશે. જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય તો ભારે દંડ કરવાની ભલામણ કરવામાં આવી છે.
આ સિવાય કૉચ અને પ્લૅટફૉર્મ ઉપર મેટ્રોના આગમન-નિર્ગમન, સ્ટેશન, આગામી સ્ટેશન તથા આપાતકાલીન જાહેરાત સંબંધિત ઍનાઉન્સમૅન્ટ તથા ડિસ્પ્લે વ્યવસ્થા હશે.
કૉલમ્બિયામાં કાર્યરત રબરટાયર મેટ્રો
મેટ્રોલાઇટમાં પ્લૅટફૉર્મ સ્ક્રિનડૉર (મેટ્રોટ્રેનના આગમન સાથે ખૂલે અને બંધ થાય તેવા દરવાજા), ડૉરફ્રૅમ મૅટલ ડિટૅક્ટર કે સામાનની તપાસ માટે ઍક્સ-રે મશીન નહીં હોય.
મેટ્રોની સરખામણીમાં મેટ્રોલાઇટ સેવા શરૂ કરવાનો, તેને ચલાવવાનો તથા તેની જાળવણીનો ખર્ચ ઓછો (લગભગ અડધો) આવે છે.
જે શહેરો (કે ઉપનગરીય વિસ્તારમાં) બેથી 15 હજાર મુસાફરનો PHPDT (પિક અવર પિક ડાયરેક્શન ટ્રાફિક) હોય ત્યાં આ પ્રકારની વ્યવસ્થા અપનાવવાની ભલામણ કરવામાં આવી છે. PHPDT એટલે કાર્યસ્થળે જવાના કે પરત ફરવાના સમયે કલાક દરમિયાન કોઈ એક દિશામાંથી થતો મહત્તમ ટ્રાફિક.
દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા દ્વારિકા અને કીર્તિનગર સ્ટેશનની વચ્ચે મેટ્રોલાઇટ સેવા શરૂ કરવાની યોજના ઘડી હતી, પરંતુ કોરોનાકાળ દરમિયાન લૉકડાઉનને કારણે થયેલા આર્થિકનુકસાનને પગલે બોર્ડે 'મેટ્રોનિયો' સેવા તરફ નજર દોડાવી હોવાના અહેવાલ છે.
શું છે મેટ્રો નિયો?
જે શહેરો કે ઉપનગરીય વિસ્તારોમાં આઠ હજાર કે તેથી ઓછાનો મુસાફરોનો PHPDT હોય, ત્યાં આ પ્રકારની વ્યવસ્થાની ભલામણ કરવામાં આવી છે.
મેટ્રોનિયો માટે કોઈ સામાન્ય રસ્તા જેવા જ ડામરના રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. પરંતુ ફૅન્સિંગ કે દીવાલ દ્વારા તેને સામાન્ય રસ્તાથી અલગ કરવામાં આવશે.
આ પ્રકારની પરિવહનવ્યવસ્થામાં 12 મીટરનો એક, તથા બે પરસ્પર જોડાયેલા કૉચ જેની લંબાઈ 18 મીટર હોય અથવા તો ત્રણ 24 મીટરના પરસ્પર જોડાયેલા ત્રણ કૉચ રહેશે.
આ કૉચ સ્ટેનલેસ સ્ટીલ કે ઍલ્યુમિનિયમના બનેલા હશે, તેના ટાયર રબરના હશે તથા તેનું સરેરાશ આયુષ્ય 30 વર્ષ અંદાજવામાં આવ્યું છે. લંબાઈના આધારે 70, 180 કે 240 પૅસેન્જરને વહન કરવાની ક્ષમતા હશે.
મેટ્રોનિયોના કૉચ ઑવરહેડ પૉઝિટિવ તથા નૅગેટિવ એમ બંને વાયરમાંથી વીજળી મેળવશે. છતાં જરૂર પડ્યે તે પોતાની બૅટરી સિસ્ટમ ઉપર ઓછામાં ઓછા 20 કિલોમીટરના પરિવહનની ક્ષમતા ધરાવતા હશે.
મેટ્રોલાઇટની જેમ જ નિયોમાં પણ બે કૉચ એકબીજા સાથે ટકરાય ન જાય તથા તેની સ્પીડ ઉપર મર્યાદા લાદતી વ્યવસ્થા સજ્જ હશે. જેની ઉપર સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી નજર રાખવામાં આવશે.
સ્ટેશન પર પૅસેન્જર ઇન્ફ્મેશન સિસ્ટમ, ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સી.સી.ટીવી.), ઑટોમૅટિક ટિકિટ વૅન્ડિંગ મશીન, વૅલ્યૂ ઍડ મશીન અને ટિકિટ વૅલિડેટર હશે, પરંતુ સામાન ચેક કરવા માટે ઍક્સરે મશીન, કૉચના આગમન-નિર્ગમન સમયે આપોઆપો ખૂલે તથા બંધ થાય તેવા દરવાજા તથા મૅટલ ડિટેક્ટર ડૉર ફ્રૅમ તથા ઑટોમૅટેડ ફૅર કલેક્શન સિસ્ટમ નહીં હોય.
આ વચ્ચે ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશનના મૅનેજિંગ ડાયરેક્ટર એસ. એસ. રાઠોડે બીબીસી ગુજરાતીના સહયોગી જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું :
"આજે નાણા મંત્રીએ બજેટમાં આ વિશે જાહેરાત કરી છે અને આર્થિક જોગવાઈ કરી છે. વિધાનસભા બજેટને મંજૂર કરે અને અમને ફંડ મળશે એટલે અમે આ દિશામાં આગળ વધીશું."
"વિભાગીય આંતરિક ચર્ચા કરીશું અને પછી સરવે સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તકે કંઈપણ કહેવું વહેલું ગણાશે."
નીતિન પટેલે વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેટ્રોલાઇટ કે મેટ્રોનિયોને માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરી હોવાની જાહેરાત છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર તથા સુરત મેટ્રોનું નિર્માણકાર્ય જી.એમ.આર.સી.ને હસ્તક છે.
વળી મુસાફરોની સંખ્યાને ધ્યાને લેતા પરિવહનક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે વડોદરા તથા રાજકોટમાં મેટ્રોલાઇટ જ્યારે જામનગર અને ભાવનગરમાં મેટ્રોનિયોની સુવિધા ઊભી કરવાની જરૂર રહેશે.
મેટ્રો વિશે જાણવા જેવું
ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કાર્યરત છે.
સુરતમાં 40 કિલોમીટરના બે કૉરિડૉર પ્રસ્તાવિત છે.
દેશની પ્રથમ મેટ્રોનિયો વ્યવસ્થા મહારાષ્ટ્રના નાસિકમાં નિર્માણાધીન છે.
દેશમાં 702 કિલોમીટરની પરંપરાગત મેટ્રો કાર્યરત છે.
દેશના 27 શહેરોમાં 1016 કિલોમીટરની મેટ્રો કે રેલ રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ નિર્માણાધીન છે.
દેશની પહેલી મેટ્રો કોલક્તામાં 1984થી કાર્યરત છે.
દિલ્હી મેટ્રો નોઇડા (યુપી) અને ગુરુગ્રામ (હરિયાણા) સહિત નેશનલ કૅપિટલ રિજનમાં સેવારત છે.
દિલ્હી મેટ્રોની લંબાઈ 389 કિલોમીટર તથા 100 કિમી જેટલા નિર્માણાધીન છે.
દેશની એકમાત્ર મોનોરેલ (19 કિમી) મુંબઈમાં કાર્યરત છે.
15 હજાર કરતાં વધુની PHPDTમાં મેટ્રોટ્રેનની હિમાયત છે.
બ્રિટનમાં તથા દક્ષિણ કોરિયામાં રબર-ટાયર મેટ્રોસેવા કાર્યરત છે.
ફેબ્રુઆરી-1873થી કોલકત્તામાં ટ્રામસેવા (38 કિમી) ચાલે છે, જે દેશની આ પ્રકારની એકમાત્ર હયાત સેવા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો