You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૉંગ્સબર્ડ : એ પંખી જે પોતાનું ‘ગીત ભૂલી ગયું’ છે અને હવે વિજ્ઞાનીઓ એને ગાતાં શીખવે છે
- લેેખક, વિક્ટૉરિયા ગીલ
- પદ, સાયન્સ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો; શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?... ગુજરાતી ભાષાના જાણીતા કવિ કલાપીનું આ કાવ્ય તમે પ્રાથમિક શાળામાં ભણ્યા જ હશો.
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ કલાપી હતું અને કલાપી શબ્દનો અર્થ મોર થાય છે. એ કવિતામાં કવિએ પંખીઓને સુખે ચણવાની અને ગીત ગાવાની અરજ કરી હતી પણ કોઈ પંખી ગાવાનું જ વીસરી જાય કે પોતાનું ગીત ભૂલી જાય એવું કલ્પી શકો છો? આવું ખરેખર થઈ રહ્યું છે.
સૉંગ્સબર્ડ તરીકે ઓળખાતું એક દુર્લભ પક્ષી લુપ્ત થવાના જોખમનો સામનો કરી રહ્યું છે અને સાથે સાથે તે કલરવ કરવાનું ભૂલી રહ્યું હોવાનું વૈજ્ઞાનિકોનું કહેવું છે.
જેનું અંગ્રેજી નામ રિજન્ટ હનીઇટર છે તે પંખી દક્ષિણ-પૂર્વીય ઑસ્ટ્રેલિયામાંથી લુપ્ત થઈ રહ્યું છે. તેને હવે લુપ્ત થઈ રહેલી પ્રજાતિની યાદીમાં મૂકવામાં આવ્યું છે. વિશ્વમાં આવાં માત્ર 300 પક્ષીઓ જ બચ્યાં છે.
ડૉ. રોસ ક્રૅટ્સ કહે છે, "આ પક્ષીઓને અન્ય હનીઇટર્સ સાથે રહી તેમની પાસેથી કલરવ કરવાનું શીખવાનું વાતાવરણ જ નથી મળી રહ્યું."
'યુકે રૉયલ સોસાયટી જર્નલ પ્રૉસિડિંગ્સ બી'માં તેમનું આ સંશોધન પ્રકાશિત થયું છે.
ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી - કૅનબરામાં 'ડિફિકલ્ટ બર્ડ રિસર્ચ ગ્રૂપ'ના સભ્ય ડૉ. ક્રૅટ્સ હવે આ પક્ષીઓને તેમની પ્રજાતિના હનીઇટર્સના કલરવના રેકૉર્ડિંગની મદદથી કલરવ કરવાનું શીખવી રહ્યા છે.
'ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે'
સંશોધકોએ રિજન્ટ હનીઇટરના કલરવનો અભ્યાસ નહોતો કર્યો પણ તેમણે પક્ષીઓને શોધવા માટે કમર કસી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. ક્રૅટ્સ કહે છે, "આ પ્રજાતિ ઘણી દુર્લભ છે અને તેઓ ખૂબ જ મોટા વિસ્તારમાં રહે છે. યુકે કરતાં પણ 10 ગણા મોટા વિસ્તારમાં રહે છે. આ કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે."
આ મુશ્કેલ કામમાં તેમણે જે પક્ષીઓ વિચિત્ર રીતે કલરવ કરતા તેની નોંધ લીધી.
તેમણે એ વાતને યાદ કરતા કહ્યું, "તેઓ રિજન્ટ હનીઇટરની જેમ કલરવ નહોતા કરતા. તેઓ કોઈ બીજી પ્રજાતિની જેમ કલરવ કરતા હતા."
સૉંગબર્ડ જે રીતે મનુષ્ય બોલવાનું શીખે છે એ જ રીતે કલરવ કરવાનું શીખે છે.
ડૉ. ક્રૅટ્સ કહે છે, "પક્ષી જ્યારે જન્મે છે પછી તેણે માળામાંથી બહાર નીકળી બહારની દુનિયામાં જઈને અન્ય સૉંગબર્ડ પક્ષીઓ સાથે રહીને તેઓ કઈ રીતે કલરવ કરે છે તે શીખવાનું હોય છે. આવું તેમણે વારંવાર કરવાનું હોય છે."
પણ રિજન્ટ હનીઇટરે તેમનો 90 ટકાથી વધુનો વસવાટ ગુમાવી દીધો છે. હવે આટલી ઓછી સંખ્યામાં પક્ષીઓ અન્ય પાસેથી આ બાબત શીખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
ડૉ. ક્રૅટ્સ કહે છે, "આથી તેઓ અન્ય પ્રજાતિનાં પક્ષીઓ પાસેથી કલરવ કરવાનું શીખી લેતા હોય છે."
સંશોધનમાં બહાર આવ્યું છે કે રિજન્ટ હનીઇટરની 12 ટકા વસ્તી એ કુદરતી કલરવ કરવાનું ભૂલી ગઈ છે.
પક્ષીને કલરવ કરવાનું શીખવવાનો પ્રયાસ
પક્ષીઓના સંવર્ધનની આશા સાથે વૈજ્ઞાનિકો રિજન્ટ હનીઇટર્સના કલરવના રેકૉર્ડિંગની મદદથી આ પક્ષીઓને કલરવ કરતા શીખવાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેઓ પોતાનો કલરવ શીખી શકે.
ડૉ. ક્રૅટ્સ કહે છે, "જો નર પક્ષી વિચિત્ર રીતે કલરવ કરે છે, તો માદા પક્ષી તેની સાથે સહવાસ નહીં કરે. આથી અમને આશા છે કે જો તેઓ એવું બધું સાંભળશે જે તેમણે સાંભળવું જોઈએ, તો તેઓ જરૂરથી કલરવ કરવાનું શીખી લેશે."
વળી વૈજ્ઞાનિકોએ ઉમેર્યું કે પ્રજાતિના સંવર્ધન માટે આ પક્ષીઓનાં સાંસ્કૃતિક પાસાંને પણ ધ્યાને લેવાં પડશે અને વન્યક્ષેત્રમાં તેમને જીવવા માટે જરૂરી તેમનાં વર્તનો મામલે પણ ધ્યાન રાખવું પડશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો