કોરોના લૉકડાઉન : અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરત સહિત ગુજરાતના મહાનગરોમાં શાળા-કૉલેજો બંધ, ફરીથી પાબંદીઓની નોબત કેમ આવી?

દેશમાં દિવસેદિવસે કોરોના વાઇરસના કેસમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે દેશમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સાત હજાર નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં બુધવારે 1122 નવા કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે આ કેસની સંખ્યા 954 કેસ હતી.

કોરોનાના કેસ વધતા ગુજરાતનાં મહાનગરો- અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતમાં શાળા-કૉલેજોને બંધ કરાઈ છે અને પરીક્ષાઓ પણ રદ કરાઈ છે.

ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને ધ્યાનમાં રાખીને રાજ્યનાં ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો જે સમયે 12થી 6નો હતો તેના સ્થાને 10થી 6નો કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદમાં મોડી રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ ટાર્ન્સપૉર્ટ સર્વિસ (એએમટીએસ) અને બીઆરટીએસની બસની પરિવહન વ્યવસ્થાને અટકાવી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા બાગ-બગીચાઓ, કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણીસંગ્રહાયલય વગેરેને બંધ કરી દેવામાં આવ્યાં છે.

અમદાવાદમાં આવેલા તમામ જિમ્નેશિયમ, સ્પૉર્ટ્સ ક્લબ, ગેમિંગ ઝોન વગેરે બંધ કરવાની જાહેરાત કરી છે.

વિજય રૂપાણીએ કોરોના અને લૉકડાઉન અંગે શું કહ્યું?

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા ફરીથી લૉકડાઉનની ચર્ચા થઈ રહી છે ત્યારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેવી શક્યતા નથી એમ કહ્યું હતું. જોકે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત આઠ મહાનગરોમાં શાળા-કૉલેજો બંધ કરવાના અને પરીક્ષાઓ પણ મોકૂફ રાખવાના નિર્ણયની ગુરુવારે જાહેરાત કરી છે.

બુધવારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો કૉન્ફરન્સ બાદ રાજ્યના અધિકારીઓ સાથે મીટિંગ કરીને નિર્ણયો કર્યા હતા.

રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપવામાં આવી હતી.

કોરોના વૅક્સિનેશનની કામગીરીને રાત્રે નવ વાગ્યા સુધી કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવાનું કહ્યું હતું. ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ચુસ્તપણે થાય તેની જાહેરાત કરી હતી.

ગુજરાત અને દેશભરમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારની તૈયારી અંગે ગાંધીનગરમાં પત્રકારપરિષદમાં માહિતી આપી હતી.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં કોરોના વાઇરસના કેસો ઘટતા લોકો બેફિકરા થઈ ગયા હતા અને કોરોના સંબંધિત આદેશોનું પાલન કરવામાં ઢીલાશ વર્તવા લાગ્યા હતા.

જોકે, હવે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ઢીલાશ નહીં ચાલે એવું તેમણે જણાવ્યું.

કોરોના વાઇરસના સંક્રમણને કાબૂ કરવા માટે રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની વાત કરતાં રૂપાણીએ કહ્યું, "રાજ્યમાં દરરોજ દોઢ લાખ લોકોનું રસીકરણ થઈ રહ્યું છે, જેને ત્રણ લાખ સુધી પહોંચાડવા સૂચના અપાઈ છે."

રાજ્યમાં પહેલાંની માફક જ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોરોના વાઇરસના કુલ કેસો કરતાં પાંચ ગણી વધુ પથારીઓ તૈયાર રાખવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.

હાલ રાજ્યમાં કોરોના વાઇસના દરદીઓ માટે છ હજાર પથારીઓ તૈયાર હોવાની તેમણે માહિતી આપી છે.

ગુજરાત અને દેશમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે ફરીથી લૉકડાઉન લાગુ કરી શકાય એવી આશંકાને ફગાવી દેતાં તેમણે ગુજરાતમાં લૉકડાઉન લાદવાની સરકારની કોઈ ઇચ્છા ન હોવાનું જણાવ્યું છે.

રૂપાણીએ કહ્યું, "લૉકડાઉનની અત્યારે કોઈ વાત નથી. ભૂતકાળમાં આપણે આ બધી પરિસ્થિતિ વચ્ચેથી નીકળ્યા છે અને લૉકડાઉન કર્યું નથી એટલે એ અંગેનો કોઈ ભય ન રાખવો."

ગુજરાતમાં કોરોના વાઇરસની શું છે સ્થિતિ?

ગુજરાતમાં બુધવારે 1122 નવા કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે આ કેસની સંખ્યા 954 કેસ હતી.

4 માર્ચે ગુજરાતમાં 480 કેસ નોંધાયા હતા. 17 માર્ચે આ કેસની સંખ્યા 1122એ પહોંચી છે.

ગુજરાતનાં મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સૌથી વધારે અસરગ્રસ્ત શહેરો છે.

સુરતમાં ગુરુવારે 353 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 271 નવા કેસ નોંધાયા હતા. વડોદરામાં 114 અને રાજકોટમાં 112 કેસ નોંધાયા હતા.

સુરત શહેરમાં પણ કોરોના વાઇરસના વધેલા કેસને ધ્યાનમાં રાખીને અમદાવાદની જેમ જ બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય, જિમનેશિયમ હૉલ, પબ્લિક ટ્રાન્સપૉર્ટની બસ વગેરેને બંધ કરવાનો આદેશ આપ્યો છે.

સુરતમાં બહારથી આવતા તમામ વ્યક્તિને સાત દિવસ હોમ ક્વૉરેન્ટીન થવાનો અને ઘરમાં કોઈ સંક્રમિત ન થાય માટે હોમ આઇસોલેશનનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

'ભારત સરકારે વહેલી તકે 70 ટકા લોકોનું રસીકરણ કરવું જોઈએ'

રસીકરણ ચાલી રહ્યું છે તેમ છતાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. તો શું આ ગંભીર પરિસ્થિતિ છે?

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન (એએમએ)ના પ્રવક્તા ડૉક્ટર મુકેશ માહેશ્વરીએ બીબીસીને જણાવ્યું કે "કોરોના વાઇરસ સામે વૅક્સિનની અસરકારકતા 70 અથવા 80 ટકા છે."

"એટલે જો 100 લોકોને વૅક્સિન આપવામાં આવે તો 70 અથવા 80 લોકોને કોરોના વાઇરસનો ચેપ નહીં લાગે પરંતુ બાકીના લોકોને ચેપ લાગી શકે છે."

તેઓ કહે છે કે, "આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી છે કે 70 ટકા લોકોને વૅક્સિન આપવામાં આવે. જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની છે. આ પરિસ્થિતિને ટાળવા માટે ભારત સરકારે વહેલી તકે 70 ટકા લોકોનું રસીકરણ કરવું જોઈએ."

પરંતુ શું ડોઝ લીધા બાદ ફરીથી સંક્રમિત થઈ જવું ગંભીર પરિસ્થિતિ કહેવાય?

ડૉ. મુકેશ માહેશ્વરી કહે છે, "વૅક્સિન લીધા પછી પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે પણ વ્યક્તિને એકદમ હળવાં લક્ષણો હશે."

"વ્યકિતને માત્ર ક્વૉરેન્ટીન કરવાની હોય છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. ત્રીજો સૌથી મોટો લાભ એ છે કે કોરોના વાઇરસના સંક્રમણને વધતું અટકાવી શકાય છે."

તેઓ કહે છે કે વૅક્સિન લીધા બાદ હળવાં લક્ષણો આવતા હોય જે એટલું જોખમકારક નથી. વાઇરસના કારણે કોઈનું મૃત્યુ થવાની શક્યતા એકદમ ઘટી જાય. હજુ સુધી કોરોના વાઇરસનું જોખમ ગયું નથી અને એટલા માટે રસીકરણ બહુ જરૂરી છે.

માહેશ્વરી કહે છે કે "કોરોના વાઇરસનો રિપ્રોડક્શન નંબર 1 છે, જેને અંગ્રેજીમાં (R01) કહેવાય છે. આ નંબર સૂચવે છે કે વાઇરસ કેટલા ટકા વસ્તીમાં ચેપ ફેલાવી શકે છે."

"તેની ગણતરી કરવાની પદ્ધતિ છે : 1ના આંકને 3 વડે ભાગવાથી અને બાદમાં 3ના આંકથી ગુણાકાર કરવામાં આવે છે. તેનો અર્થ થયો કે કોરોના વાઇરસ 70 ટકા વસ્તીમાં અસર કરી શકે છે."

ઇન્ડિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિએટ પ્રોફેસર ડૉ. અનીશ સિન્હા કહે છે કે "બીજો ડોઝ લીધાના 14 દિવસ બાદ ઍન્ટિબૉડી થાય છે અને જો કોઈ કારણસર શરીરમાં ઍન્ટિબૉડી ડેવલપ થયા ન હોય તો વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. આ જરાય પણ ચિંતા કરવા જેવી સ્થિતિ ન કહી શકાય."

તેઓ કહે છે કે કોઈ પણ વૅક્સિન 100 ટકા રક્ષણની ખાતરી આપી નથી અને કોઈ પણ વૅક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આને કોરોના વાઇરસની 'બીજી લહેર' ગણાવી હતી. નરેન્દ્ર મોદીએ આ મીટિંગમાં કહ્યું હતું કે દેશના સિત્તેર જિલ્લાઓમાં તો છેલ્લાં કેટલાંક અઠવાડિયાંઓમાં આ વૃદ્ધિ 150 ટકા કરતાં પણ વધારે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે "જો આપણે આ વધી રહેલી મહામારીને અહીં જ નહીં રોકીએ તો આ દેશવ્યાપી આઉટબ્રેક સ્થિતિ પણ બની શકે છે. આપણે કોરોનાની આ વધી રહેલી 'બીજી લહેર'ને તાત્કાલિક રોકવી પડશે અને તેના તેની માટે આપણે ઝડપી અને નિર્ણયાત્મક પગલાંઓ ભરવાં પડશે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "માઇક્રો કન્ટેઇન્મેન્ટ બનાવવામાં ઢીલાશ રાખવામાં ન આવે. 'ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ'ની પદ્ધતિને વધારવી પડશે."

આ ઉપરાંત ઍન્ટિજન ટેસ્ટના સ્થાને આરટીપીસીઆર ટેસ્ટ પર ધ્યાન આપવાનું કહ્યું છે.

દેશમાં કોરોનાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના નવા 35,871 કેસ નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,741 લોકોને સાજા થયા છે અને 172 લોકોનાં મૃત્યુ થયાં છે.

દેશમાં બુધવારે સવારે 28,903 કેસ નોંધાયા હતા, જે ગુરુવારે વધીને 35,871એ પહોંચ્યા છે.

દેશનાં ચાર રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને ગુજરાતમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.

શુક્રવાર સવારે પ્રકાશિત થયેલા આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં 23,179, કેરળમાં 2098, પંજાબમાં 2013, કર્ણાટકમાં 1275 અને ગુજરાતમાં 1122 કેસ નોંધાયા છે.

દેશમાં હાલ સુધીમાં કોરોના વાઇરસના 1,14,74,605 કેસ નોંધાયા છે. જ્યારે 1,10,63,025 દરદીઓ સાજા થયા છે. જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા 2,53,364એ પહોંચી છે. તો મૃતકાંક 1,59,216 પર પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં કેવી છે સ્થિતિ?

દેશમાં હાલ જો કોઈ રાજ્ય કોરોના વાઇરસનું એપી સેન્ટર હોય તો તે ગુજરાતનું પડોશી રાજ્ય મહારાષ્ટ્ર છે. દેશમાં છેલ્લા કેટલાય દિવસથી જ્યાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં આખા દેશમાં જે 35,971 કેસ નોંધાયા હતા, તેમાંથી 23,179 કેસ તો મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ પૂણે અને નાગપુર જિલ્લામાં નોંધાયા છે. નાગપુરમાં એક અઠવાડિયાનું લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. 4745 નવા કેસ પૂણેમાં નોંધાયા હતા.

પૂણે શહેરમાં રાત્રી 11થી 6નો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ધા જિલ્લામાં રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

નાસિકમાં રાત્રીના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ કર્યો છે. જ્યારે કોઈ કાર્યક્રમમા 25થી 30 વ્યક્તિ જ બોલાવી શકાશે.

નાંદેદમાં પણ 21 માર્ચ સુધી રાત્રીના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરાઈ છે.

શું દેશમાં ફરી લૉકડાઉન લાગી શકશે?

હાલ દેશમાં એક ચિંતા વ્યાપેલી છે કે શું ફરીથી લૉકડાઉન લાગુ કરવામાં આવશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મુખ્ય મંત્રીઓ સાથે કરેલી મુલાકાત દરમિયાન આપેલા ભાષણમાં પણ લૉકડાઉનનો ખાસ ઉલ્લેખ નહોતો કર્યો.

વડા પ્રધાને ટેસ્ટિંગ વધારવા, માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વધારવા, દરદીઓને ટ્રેક કરવા, આરટીપીસીઆર ટેસ્ટ વધારવા પર ભાર મૂક્યો હતો. જોકે લૉકડાઉન અંગે કોઈ ચર્ચા કરી ન હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મીટિંગ બાદ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સિનિયર અધિકારીઓ સાથે જે ચર્ચા કર્યા પછી પ્રેસ નોટ જાહેર કરી હતી, તેમાં પણ લૉકડાઉનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેમાં પણ ટેસ્ટિંગ વધારવા, માઇક્રો કન્ટેઇમેન્ટ વધારવા માટેની વાત કરવામાં આવી હતી.

હાઇકોર્ટે પણ આપી હતી લૉકડાઉનની ચેતવણી

રાજ્યમાં 13 માર્ચે 710 નવા કેસ નોંધાયા હતા તે દરમિયાન કોરોનાની નવી સંભવિત લહેરની ગુજરાત હાઈકોર્ટે પણ નોંધ લેવી પડી હતી.

કોર્ટે તે સમયે રાજ્ય સરકારને આ અંગે ટકોર કરી હતી અને નજીકના ભવિષ્યમાં ખરાબ સ્થિતિ પેદા થશે તેવી અપેક્ષા રાખીને પગલાં લેવાં જણાવ્યું હતું.

હાઈકોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું કે કોરોનાની સ્થિતિ ફરીથી વણસી શકે છે અને રાજ્ય સરકારે તેનો સામનો કરવા સજ્જ રહેવું પડશે.

કોર્ટે પૂરતા પ્રમાણમાં કોવિડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલોની વ્યવસ્થા કરવા અને પૂરતી સંખ્યામાં પથારીઓ ઉપલબ્ધ કરાવવા પણ જણાવ્યું હતું.

લોકોની બેદરકારીને પણ કોર્ટે ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે આવી જ રીતે કેસ વધતા રહેશે તો ફરીથી લૉકડાઉન લાવવું પડે તેવી સ્થિતિ પેદા થઈ શકે છે.

કોર્ટે નિરીક્ષણ કર્યું હતું, "થોડી રાહત મળી હોય તેવું લાગતું હતું અને ગુજરાતનાં મોટાં શહેરોમાં સ્થિતિ સુધરી હોય તેમ જણાતું હતું, ત્યારે જ જુદા-જુદા સ્તરે યોજાયેલી ચૂંટણી તથા લોકોની લાપરવાહીએ સ્થિતિ બગાડી દીધી. તેના કારણે ફરીથી ચિંતાજનક સ્થિતિ પેદા થઈ છે."

કોર્ટે જાહેર સમારંભોમાં લોકોની સંખ્યાને નિયંત્રિત કરવા પણ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો