You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : મહારાષ્ટ્ર-ગુજરાત સહિત ભારતમાં મહામારી વકરી, નરેન્દ્ર મોદીએ ચેતવણી આપી એ 'બીજી લહેર' શું છે?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વર્ષ 2019ના ડિસેમ્બરમાં કોરોના વાઇરસની બીમારીના કેસો સૌપ્રથમ ચીનના વુહાનમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી વર્ષ 2020ના જાન્યુઆરીમાં ભારતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.
સરકારના આંકડા મુજબ આજે માર્ચ-2021માં ભારતમાં કુલ 2.34 લાખ ઍક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 1.59 લાખ મૃત્યુ થઈ ચૂક્યા છે. બીજી તરફ રિકવરી રેટ 96.56 ટકા રહ્યો છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં અને ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. જોકે સૌથી અગત્યની વાત એ જોવા મળી છે કે બાળકો પણ સંક્રમિત થતા જોવા મળ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે તો મહારાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 23 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.
આ અગાઉ બુધવારે દિવસ દરમિયાન સમગ્ર સ્થિતિને પગલે વડા પ્રધાન મોદીએ રાજ્યોના પ્રધાનો સાથે બેઠક કરી હતી. જેમાં દેશમાં કોરોનાની બીજી લહેર (સેકન્ડ પીક) માટે સચેત રહેવા કહેવાયું છે.
વડા પ્રધાને કૉન્ફરન્સમાં કહ્યું, "સફળતા બેદરકારીમાં તબદીલ ન થવી જોઈએ. રસીનો બગાડ પણ થઈ રહ્યો છે એવું જાણવા મળ્યું છે. આપણે આ બધી બાબતોમાં કાળજી રાખવી પડશે"
પીએમ મોદીએ ગ્રામીણ વિસ્તારોમાં કેસો ન વધે તે વિશે પણ સચેત રહેવા માટે કહ્યું હતું.
અત્રે નોંધવું કે દેશના 70 જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સપ્તાહોમાં કેસોમાં 150 ટકાનો વધારો નોંધાયો છે.
શું છે કોરોનાની 'બીજી લહેર'?
આથી એ વાત મહત્ત્વની છે કે પીએમ મોદીએ કોરોનાની બીજી લહેર વિશે સચેત રહેવા કહ્યું તે 'સેકન્ડ પીક' શું છે? અને તે શું સૂચવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતો અનુસાર સામાન્યપણે કોઈ પણ મહામારીની બીજી લહેરને તેનો સંક્રમણ સંબંધિત ફેલાવો, સંક્રમણનો દર અને મૃત્યુના દર સાથે સાંકળીને વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
જ્યારે કેસોની સંખ્યા કાબૂમાં હોય છે, ત્યારે તે ગ્રાફમાં એક સીધી દિશામાં આગળ વધે છે, પરંતુ કેસની સંખ્યા એકાએક વધવા લાગતા ગ્રાફ ઊંચો જવા લાગે છે અને પછી તે ફરીથી નીચે આવે છે. જેથી એક 'આકાર' બને છે જેનું ચિત્રણ પીક તરીકે ઓળખાય છે.
બીબીસીએ આ બાબતને વધુ સરળતાથી સમજવાની પણ કોશિશ કરી.
સુરતના અર્બન હૅલ્થ અને ક્લાઇમેટ રેસિલિયન્સ સેન્ટર ઑફ ઍક્સલન્સના ટેકનિકલ ડિરેક્ટર ડૉ. વિકાસ દેસાઈ આ વિશે કહે છે કે, સામાન્ય શબ્દોમાં એમ કહી શકાય કે એકાએક પૉઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળવા લાગે એટલે તેને બીજી લહેરના સંકેત તરીકે જોઈ શકાય છે.
તેઓ કહે છે કે, સાથે સાથે હૉસ્પિટલમાં દર્દીઓની દાખલ સંખ્યા અને 'વિરુલન્સ' એટલે કે રોગની ગંભીરતા ઉપરાંત તે શરીરના અવયવો પર કેવી અસર કરી રહ્યો છે તે તમામ પરિબળોને ધ્યાને લઈને જે સ્થિતિ જોવા મળે તેને વાઇરસ(મહામારી)ની નવી લહેર સાથે સાંકળી શકાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સુરતમાં 1994માં પ્લેગની બીમારી ફેલાઈ હતી એ સમયે રોગને કાબૂમાં લેવા જે કામગીરી થઈ હતી તેમાં પણ ડૉ. વિકાસનું યોગદાન રહ્યું હતું.
વાઇરસ અને બીજી લહેર વિશે તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "'સેકન્ડ પીક' એટલે બીજી લહેર કહી શકાય. બીમારી(ડિસીઝ)માં પરિવર્તન આવવાની એક હિસ્ટ્રી હોય છે. અન્ય દેશોમાં બીજી લહેર આવી ચૂકી છે. મેલેરિયામાં પણ દર 8 વર્ષે આવું કંઈક જોવા મળે છે. વાઇરસ સતત બદલાતો રહે છે. તેની પ્રકૃતિ અને સ્વરૂપો બદલતો રહે છે. "
"આપણે ત્યાં પણ હવે આફ્રિકન સ્ટ્રેઇન, યુરોપિયન સ્ટ્રેઇનની હાજરી હોવાના અહેવાલ જોવા મળ્યા છે. એક અંતરાલ પછી કેસોમાં ઉછાળો આવે છે જે સંક્રમણની તીવ્રતા દર્શાવે છે. જેને પીક આવી એમ કહેવામાં આવતું હોય છે."
વળી બીજી લહેર આવી છે કે નથી તે મામલે હજુ સુધી સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાં કોરોનાની બીજી લહેરને શરૂ થતાં પહેલાં જ રોકી દેવાની જરૂર છે.
બીજી લહેર પડકારજનક?
દરમિયાન બીબીસી સાથેની વાતચીતમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું,"આ તબક્કો પડકારજનક છે. કારણ કે બાળકો પણ સંક્રમિત થયા છે. જોકે અમે સ્કૂલ-કૉલેજોને હવે ઑનલાઇન શિક્ષણ ચલાવવા જ તાકીદ કરી દીધી છે. બીજી તરફ આખાને આખા પરિવારો સંક્રમિત થયા હોય એવું પણ ધ્યાને આવ્યું છે."
"ઉપરાંત આફ્રિકન સ્ટ્રેઇન ઝડપથી ફેલાય છે અને સંક્રમિત કરી રહ્યો છે. જોકે યુકેનો સ્ટ્રેઇન નબળો લાગી રહ્યો છે. પૉઝિટિવ રેટ વધી રહ્યો હોવાથી સ્થિતિ પડકારજનક લાગે છે. જોકે જનતાએ પણ ઘણી બાબતોમાં ઢીલ રાખી છે. ઘણા લોકો માસ્ક વગર જ ફરતા જોવા મળ્યા છે. આ સારી વાત નથી."
વરિષ્ઠ આઈએએસ અધિકારી બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું, "મહારાષ્ટ્રમાં કેસો વધ્યા છે. આવી સ્થિતિને જોતા સુરતમાં બહારથી આવતા લોકોને 7 દિવસ ઘરમાં જ ક્વૉરેન્ટિન રહેવા પણ કહેવાયું છે. અને શહેરમાં સીટીબસોને કેટલાક રૂટો પર બંધ કરી દેવાઈ છે."
બીજી લહેરના પડકાર વિશે જણાવતા કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું કે પૉઝિટિવ કેસોનો જે રેટ છે તે પડકારજનક લાગી રહ્યો છે અને ફરી મોટાપાયે જનતાને નિયમોનું પાલન કરાવવું પણ એક પડકાર છે.
તેમણે કહ્યું, "જનતા હવે અતિ-આત્મવિશ્વાસમાં છે. કોવિડની માર્ગદર્શિકા મામલે વધુ ગંભીર નથી જણાઈ. તેમની ઢીલ પણ અમારા માટે એક પડકાર છે. આથી મોટા સ્તરે ફરીથી તેમને જાગૃત કરવા પડશે. આમ તમામ સાવચેતીઓને ફરીથી અનુસરવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. અમારું તંત્ર ખડેપગે છે."
શું કોરોનાની બીજી લહેર ગંભીર સ્થિતિ હોવાનો પુરાવો છે?
જો કોરોના વાઇરસની બીજી લહેર આવી હોય તો એને ગંભીર સ્થિતિ ગણવી કે નહીં? આ સવાલના જવાબમાં ડૉ. વિકાસ કહે છે કે શરૂઆતમાં H1N1 મામલે પણ આવું જ હતું. પણ પછી તે ધીમો પડ્યો અથવા તો તેમાં બદલાવ આવ્યો હતો.
તેમણે કહ્યું, "આમ કેસો વધી રહ્યા છે પરંતુ બીજી તરફ રસીકરણ પણ ચાલી રહ્યું છે. એટલે અન્ય અગમચેતીના પગલાં લઈને ભાવિ સ્થિતિનો સામનો કરી શકાય છે. વળી આ નવો વાઇરસ છે એટલે ધ્યાન તો રાખવું જ પડશે."
કેસોની સંખ્યાની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધુ કેસો નોંધાયા હતા જ્યારે ગુજરાતમાં લગભગ 1000 જેટલા કેસો નોંધાયા હતા. સુરત-અમદાવાદમાં સૌથી વધુ 200થી વધુ કેસો નોંધાયા હતા.
વળી અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાર મહાનગરો, સુરત-અમદાવાદ, વડોદરા, રાજકોટમાં રાત્રી કરફ્યૂ લંબાવાયો છે. શાળા-કૉલેજોને ફરી ઑનલાઇન શિક્ષણ ચલાવવા માટે તાકીદ કરાઈ છે.
તદુપરાંત રાત્રે 10 વાગ્યા પછી તમામ ખાણીપીણીની દુકાનો, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાઓ બંધ કરી દેવા આદેશ આપી દેવાયા છે. 31 માર્ચ સુધી રાત્રી કરફ્યૂ લંબાવવામાં આવ્યો છે.
એટલું જ નહીં બાગ-બગીચા પણ બંધ કરી દેવાયા છે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્કના નિયમોનું કડકપણે પાલન કરાવવા તંત્રએ કમરકસી છે.
જોકે, ચિંતાજનક બાબત એ જોવા મળી છે કે સ્કૂલમાં બાળકો-શિક્ષકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા. ઉપરાંત હજુ સુધી બાળકો માટે કોરોનાની રસી મામલે કોઈ પરિણામ ન આવ્યા હોઈ વાલીઓમાં ચિંતા હતી.
મહારાષ્ટ્રના નાગપુરમાં પણ આંશિક લૉકડાઉન કરાતાં ગતવર્ષના લૉકડાઉનની યાદો તાજી ગઈ હતી. જોકે હાલ સરકારે ભૂતકાળની જેમ સંપૂર્ણ કડક નિયંત્રણનો નથી લાદ્યાં.
બીજી લહેર ચિંતાજનક?
દરમિયાન કોરોનાની 'બીજી લહેર'નો અર્થ શું કાઢવો અને તેને કઈ રીતે જોવી એ વિશે બીબીસીએ રાજ્યમાં કોવિડ-19ની ટાસ્ક ફોર્સના સભ્ય રહેનારા અને ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ'ના ડિરેક્ટર દિલીપ માવળંકર સાથે પણ વાતચીત કરી.
દિલીપ માવળંકરે જણાવ્યું, "કમ્યૂનિટી ટ્રાન્સમિશનની સ્થિતિ પ્રવર્તમાન છે. જોકે જ્યાં સુધી ગુજરાતમાં કેસોની વાત છે તો, મહાનગરોમાં પ્રમાણ વધુ છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઓછું છે. રાજ્યોમાં પહેલાથી આવો જ ટ્ર્રૅન્ડ રહ્યો છે."
"આથી કયાં વયજૂથમાં કેટલું સંક્રમણ છે, તેમની ટ્રાવેલ હિસ્ટ્રી શું છે અને ક્યાંથી તેમને ચેપ લાગ્યો એ બધું જાણવું જરૂરી છે. વળી કયો સ્ટ્રેઇન છે એ પણ જાણવું પડે. કેમ કે આનાથી ક્યાં કયું સ્ટ્રેઇન છે તે જાણવા મળશે. આનાથી સંક્રમણની સ્થિતિ વિશે વધુ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે."
તેમણે કહ્યું કે "મહારાષ્ટ્રમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ કેસોનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. પણ ગુજરાતમાં આવું નથી. જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટીની વાત છે, તો સીરો સરવે અનુસાર માત્ર 20 ટકામાં જ ઇમ્યુનિટી જોવા મળી છે અને 80 ટકા હજુ પણ સંક્રમિત થઈ શકે છે. પણ એક વાત એ પણ છે કે હજુ સુધી મૃત્યુદર વધ્યો નથી."
"બીજી તરફ રસીકરણ પણ ચાલી રહ્યું છે એટલે તેની પણ હકારાત્મક અસર જોવા મળી શકે છે. જોકે દેશમાં જે 50 જેટલા જિલ્લાઓમાં વધુ સંક્રમણ ફેલાયું છે, ત્યાં મોટાભાગની જનતાને રસી મૂકી દેવાની જરૂર છે. અને જ્યાં સંક્રમણ ઓછું હોય ત્યાં રસીકરણ હાલ ન કરવું જોઈએ. આ બાબત પણ એક વિકલ્પ તરીકે અજમાવી શકાય છે."
જ્યાં સુધી કોરોનાની બીજી લહેરની વાત છે તો, "લૉકડાઉન પછી નિયમોમાં છુટ અપાઈ અને જનતાએ ઢીલ રાખી. એટલે તેના કારણે પણ સંક્રમણના ફેલાવામાં અસર જોવા મળી છે. જોકે આ સમયે કેસો વધવાની અપેક્ષા નહોતી પણ વધ્યા છે."
આ સમગ્ર બાબતો પરથી એક ચિત્ર ઉપસે છે કે દેશમાં અને રાજ્યોમાં સંક્રમણ વધ્યું છે. અને તેને કાબૂમાં લેવા માટે તંત્રે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
હાલની કોવિડ-19ની સ્થિતિ મામલે બીબીસીએ એક અન્ય નિષ્ણાત સાથે વાત કરી. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનનાં ગુજરાત પ્રકરણનાં ઉપ-પ્રમુખ પારૂલ વડગામાનું કહેવું છે કે સંક્રમણમાં વધારો થયો હોય એવું લાગી રહ્યું છે.
સુરત નવી સિવિલ હૉસ્પિટલમાં સેવા આપી રહેલાં ડૉ. પારૂલ વડગામાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મહારાષ્ટ્રમાં કેસો વધ્યા છે એની અસર સુરત જેવા શહેરમાં પણ જોવા મળી છે. ખરેખર મહારાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાં થતી અવરજવરનું પ્રમાણ હવે વધ્યું હોવાથી સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. આમ સંક્રમણ વધવા માટે જવાબદાર પરિબળોમાં આ પણ એક કારણ હોઈ શકે છે."
જોકે તેમનું પણ કહેવું છે કે સંક્રમણ વધ્યું છે પણ મૃત્યુદરમાં કોઈ વધારો નથી થયો.
ઉલ્લેખનીય છે કે સુરતમાં કોવિડ-19ની હાલની સ્થિતિને ધ્યાને લઈને બહારથી આવતી વ્યક્તિઓને 7 દિવસ સુધી હોમ ક્વૉરેન્ટીન રહેવા માટે કહેવાયું છે.
વળી નિષ્ણાતો અનુસાર કોરોના વાઇરસના તબક્કા અને તેનો પીક બંને વચ્ચે ભેદ છે.
શું છે કોરોના વાઇરસના તબક્કા?
કોરોના વાઇરસના સંક્રમણના સામાન્ય રીતે ત્રીજા તબક્કાને ઘણો આકરો ગણવામાં આવે છે. મહામારીમાં આ ચારેય તબક્કાને આ રીતે સમજવામાં આવે છે.
તબક્કો 1 (Stage 1) : આયાત કરેલા કેસ
આ એવી કૅટેગરી છે જેમાં જે દેશમાં કોરોના વાઇરસ છે તે દેશમાં એક અથવા વધુ સંપર્ક થયો હોય જેને કારણે ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિનું દેશમાં આગમન.
તબક્કો 2 (Stage 2) :
બીજા તબક્કામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી સ્થાનિક સ્તરે આ મહામારી પ્રસરે છે.
તબક્કો 3 (Stage 3) :
ત્રીજો તબક્કો અતિ મહત્વનો છે. કોરોનાનો પ્રસાર ધરાવતા દેશનો પ્રવાસ ન કર્યો હોય અથવા કોરોના ધરાવતી વ્યક્તિના સંપર્કમાં ન આવી હોય તેવી વ્યક્તિને જ્યારે કોરોનાનું નિદાન થાય તો એને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન અથવા ત્રીજો તબક્કો કહે છે.
તબક્કો 4 (Stage 4) :
આ તબક્કો એવો છે જેમાં ધીરે ધીરે સંક્રમિત થયેલા લોકો આ રોગમાંથી બહાર આવતા જાય છે. ચીન ચોથા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેને કારણે હવે કોરોના વાઇરસનાં કિસ્સાની સંખ્યા ચીનમાં એક આંકડા ઉપર આવી ગઈ છે. જોકે, ચીનમાંથી આવતી માહિતી સરકારી મીડિયા પર આધારિત વધારે છે એટલે ત્યાં ખરેખર શું સ્થિતિ છે એ ખાતરીપૂર્વક કહી ન શકાય.
દુનિયાની વાત કરીએ તો 17.3.2021 સુધી વિશ્વમાં કુલ કેસ 12 કરોડથી પણ વધારે નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 26 લાખથી વધુ મોત નોંધાયા છે. કેસોની સંખ્યાની દૃષ્ટિએ અમેરિકા મોખરે છે, પછી બ્રાઝિલ છે અને ત્યાર બાદ ભારતનો ક્રમ આવે છે.
કોરોના વાઇરસની બીજી લહેરની સ્થિતિ અને અન્ય બાબતો મામલે વધુ જાણકારી માટે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો પણ સંપર્ક કરવાનો બીબીસીએ પ્રયાસ કર્યો કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો