કોરોના વાઇરસ : મહારાષ્ટ્ર પ્રતિકલાકે એક હજાર કેસ અને ત્રણથી વધારે મૃત્યુ, ગુજરાતમાં શું છે પરિસ્થિતિ?

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો ફરી વિસ્ફોટ થયો છે તો ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંના આરોગ્ય વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 23 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના 23,179 નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઇરસને લીધે 84 મૃત્યુ થયાં છે અને 9,138 લોકોને ડિસચાર્જ કરવામાં આવ્યા છે.

હાલ રાજ્યમાં 23,70,507 કુલ કેસ છે અને ઍક્ટિવ કેસ 1,52,760 છે અને કુલ મૃતાંક 53,080 થયો છે.

ગુજરાતમાં કેસમાં વધારો, પાબંદીઓ લાગુ કરાઈ

ગુજરાતમાં એક દિવસમાં નોંધાતા નવા કેસોનો આંકડો એક હજારને પાર પહોંચી ગયો છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં રાજ્યના ચાર શહેરો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો ત્યાર પછી અમદાવાદમાં નવા માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના મહામારીને જોતાં 60 માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. હવે 35 નવા વિસ્તારોને માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા 18 માર્ચથી નવો હુકમ જાહેર થાય ત્યાર સુધી બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, પ્રાણીસંગ્રહાલય બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રજોક્ટ અંતર્ગત આવતા બાગ-બગીચા, ઉસ્માનપુરા સહિત અન્ય સ્થળોને પણ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

ગુજરાતમાં 17 માર્ચ સાંજ સુધીની માહિતી મુજબ 24 કલાકમાં 1,122 નવા કેસ નોંધાયા છે, 775 દર્દીઓ સાજા થયાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ લોકોનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણના કુલ બે લાખ 81 હજાર 173 કેસ છે જેમાંથી 5,310 ઍક્ટિવ કેસ છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપેલી માહિતી મુજબ 16 માર્ચે ગુજરાતમાં 954 નવા કેસ નોંધાયા હતા અને 703 દર્દીઓ સાજા થયા છે.

આની પહેલાં ગુજરાતના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો હતો.

બાકી રાજ્યોમાં શું છે પરિસ્થિતિ?

ત્યારે પંજાબમાં કોરોના સંક્રમણના 2,039 નવા કેસ સામે આવ્યા છે અને 1,274 લોકો સાજા થયાં છે. પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 35 મૃત્યુ થયાં છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધતા નાગપુર, નાસિક સહિત સાત જિલ્લાઓમાં લૉકડાઉન લગાવવું પડ્યું હતું. કર્ણાટકમાં કોરોનાના 1,275 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 28903 નવા કોરોના વાઇરસના કેસ આવ્યા છે, જ્યારે 17741 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે 188 લોકોનાં મૃત્યુ થયાં છે.

બુધવારે દેશમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થયો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે મિટિંગ કરી હતી.

આ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાને મુખ્ય મંત્રીઓ સાથે કોરોના રોકવાની સાથે રસીકરણની યોજના પર પણ વાત કરી હતી.

તેમણે કહ્યું, "કોરોનાની સામે દેશની લડાઈને એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે. ભારતના લોકોએ કોરોના વાઇરસનો જે પ્રકારે સામનો કર્યો છે, તેને લોકો ઉદાહરણની જેમ રજૂ કરે છે. આજે દેશમાં 96 ટકાથી વધારે લોકો રિકવર થઈ ચૂક્યા છે. મૃત્યુદરની બાબતમાં પણ ભારતની સ્થિતિ સારી છે. કેટલાંક રાજ્યોમાં કેસની સંખ્યા વધી રહી છે. દેશના 70 જિલ્લામાં આ વધારો 150 ટકાથી પણ વધારે છે. આપણે કોરોનાની વધી રહેલી આ બીજી પીકને તરત રોકવી પડશે અને જલદી નિર્ણાયાત્મક પગલાં ભરવા પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો