You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિન : ભારતના કોરોના રસીકરણ કાર્યક્રમની આખી ABCD
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં 16 જાન્યુઆરીથી કોવિડ-19ની રસીકરણ કામગીરી શરૂ થવાની છે. આરોગ્યમંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રાથમિકતાના ધોરણે સૌથી પહેલા ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને રસી આપવામાં આવશે. ભારતમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને લગભગ દોઢ લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
ભારતમાં સૌથી પહેલા કોવિડ-19ની રસી કોને મળશે?
નક્કી થયેલા પ્રૉટોકૉલ પ્રમાણે સૌથી પહેલા કોવિડ-19ની રસી હેલ્થકેર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવશે. તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને ભેગી કરીને આ આંકડો 80 લાખથી એક કરોડનો હોવાનો અંદાજ છે.
ત્યારપછી લગભગ બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે રાજ્યના પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો, સેના, સેનિટાઈઝેશન કામદારોને રસી આપવામાં આવશે.
ત્યારબાદ 50 વર્ષથી વધારે ઉંમરના લોકો અને પહેલેથી કોઈ બીમારીનો સામનો કરતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી અપાશે. ભારતમાં આવા લોકોની સંખ્યા 27 કરોડ જેટલી છે.
50 વર્ષથી ઓછી વયના લોકોમાં એવા લોકો પણ રસીકરણ અભિયાનમાં સામેલ થશે, જેમનામાં કોરોનાનાં લક્ષણ જોવાં મળ્યાં હોય.
કોવિડ-19નું સંક્રમણ વધારે હોય તેવાં ક્ષેત્રોને પ્રાથમિકતા અપાશે.
આ બધી પ્રાથમિકતાની યાદીમાં આવતા લોકોને કોરોના-19ની રસી અપાઈ જાય ત્યારપછી જ બાકીના લોકોનો વારો આવશે.
ભારતમાં કોવિડ-19ની કઈ રસીને માન્યતા મળી?
ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ-19ના ઇલાજ માટે બે રસીઓના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ બે રસીઓ છેઃ કોવિશિલ્ડ અને કૉવેક્સિન.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને 'સ્વદેશી રસી' પણ કહેવામાં આવે છે.
કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે. આરોગ્યમંત્રાલયે જણાવ્યું કે અત્યારે કોવિશિલ્ડની રસીની 110 લાખ (1.1 કરોડ) શીશી ખરીદવામાં આવી રહી છે.
બીજી તરફ કૉવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR)ની સાથે મળીને કરી રહી છે. સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કૉવેક્સિનની કુલ 55 લાખ રસી ખરીદવામાં આવી રહી છે.
ભારતમાં કૉવેક્સિન અને કોવિશિલ્ડ ક્યારથી મળવા લાગશે?
ભારતમાં કોરોના વાઇરસ સામે રક્ષણ માટે 130 કરોડ લોકોને રસી આપવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. રસી આપવાની પ્રથમ ડ્રાય રન બીજી જાન્યુઆરીએ અને બીજી ડ્રાય રન શુક્રવારે એટલે કે 8 જાન્યુઆરીએ થઈ ચૂકી છે. તેના હેઠળ દેશના તમામ જિલ્લામાં રસીકરણનો પૂર્વાભ્યાસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
સરકારની જુલાઈ 2021 સુધીમાં 30 કરોડો લોકોને કોવિડની રસી આપવાની યોજના છે અને તેને વિશ્વનું 'સૌથી મોટું રસીકરણ અભિયાન' પણ કહેવામાં આવે છે.
કોવિડ-19ની રસી અપાવવા માટે નોંધણી કઈ રીતે કરાવવી?
કોવિડ-19ની રસી માટે બધા લોકોએ ભારત સરકારના કો-વિન ઍપ (CoWIN App) પર પોતાની નોંધણી કરાવવી પડશે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે પહેલેથી નોંધણી કરાવ્યા વગર કોઈને રસી નહીં અપાય.
આ ઍપ પર નોંધણી કરાવ્યા પછી તમારા મોબાઇલ ફોન પર એક મૅસેજ આવશે, જેમાં રસી લેવાનો સમય, તારીખ અને રસીકરણ કેન્દ્રની બધી વિગત આપેલી હશે.
નોંધણી માટે તમારે પોતાનો કોઈ ફોટો આઈડી પણ નોંધાવવો પડશે. તેમાં આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપૉર્ટ, મનરેગા જોબકાર્ડ, બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ ખાતાની પાસબુક, MP/MLA/MLCએ આપેલું કોઈ ઓળખપત્ર અથવા પેન્શનકાર્ડ અથવા ઍમ્પ્લૉયર દ્વારા અપાયેલું ઓળખપત્ર કે મતદાર ઓળખપત્ર પણ જમા કરાવી શકો છો.
એક મહત્ત્વની વાત એ છે કે જે આઈડી નોંધણી વખતે આપ્યું હશે તેના આધારે જ રસીકરણ થશે. બીજું કોઈ આઈડી નહીં ચાલે.
રસીકરણ બે તબક્કામાં થવાનું છે. તેથી આગામી તારીખની જાણ પણ એસએમએસ દ્વારા કરવામાં આવશે. આ ઍપ વિશે મહત્ત્વની વાત એ છે કે સરકારે હજુ સુધી આ સરકારી ઍપને ડાઉનલોડ કરવા માટે નથી જણાવ્યું. એટલે કે આરોગ્યમંત્રાલય પાસેથી મળેલી માહિતી પ્રમાણે CoWin ઍપ લોકોના સેલ્ફ રજિસ્ટ્રેશન માટે હાલમાં ઉપલબ્ધ નથી.
સરકાર ટૂંક સમયમાં તેને સાર્વજનિક કરવા માટે કામ કરી રહી છે.
શું કોવિડ-19ની રસી મફતમાં મળશે?
કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને એક સપ્તાહ અગાઉ જ લોકોને રસીવિરોધી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોનાની રસી બધાને મફત આપવામાં આવશે. જોકે ત્યારપછી રસીની કિંમત કે તે મફત મળવા અંગે કોઈ સરકારી નિવેદન આવ્યું નથી.
આ અગાઉ કોવિશિલ્ડ રસીના ભાવ વિશે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે ભારતમાં રસીનો એક ડોઝ ભારત સરકારને 200થી 300 રૂપિયામાં પડશે.
એટલે કે કોવિશિલ્ડ રસી ભારત સરકારને રસી લગભગ એ જ ભાવે આપી રહી છે (3 ડૉલર પ્રતિ ડોઝ) જે ભાવે તેની સહયોગી કંપની ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા આંતરરાષ્ટ્રીય બજારમાં રસી આપી રહી છે.
ભારતમાં ખાનગી હૉસ્પિટલોમાં પણ કોરોનાની રસી મળી શકે તે માટે આયોજન થઈ રહ્યું છે. પરંતુ ત્યાં તેનો ભાવ બમણો હોઈ શકે છે.
ભારત બાયૉટેકે કહ્યું છે કે તે 16.5 લાખ રસી મફતમાં પૂરી પાડશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, "બીબીઆઈએલ કૉવેક્સિનની 16.5 લાખ રસી ભારત સરકારને એક વિશેષ સંકેત તરીકે નિઃશુલ્ક પૂરી પાડશે."
આરોગ્યમંત્રાલયે આગળ જણાવ્યું કે 38.5 લાખ રસી માટે ભારત બાયૉટેક કેન્દ્ર સરકાર પાસેથી રસી દીઠ 295 રૂપિયા લઈ રહી છે. કુલ ખરીદી 55 લાખ રસીની છે તેથી રસીદીઠ ભાવ ઘટીને 206 રૂપિયા થઈ જાય છે.
અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વૅક્સિન બનાવવામાં અગ્રણી રહેલી ફાઇઝર કંપનીના સીઈઓએ થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે, "અમારી રસીના ભાવ ત્રણ શ્રેણીમાં રહેશે. વિકસિત દેશો માટે, મધ્યમ આવક ધરાવતા દેશો માટે અને ઓછી આવક ધરાવતા દેશો માટે અલગઅલગ ભાવ હશે."
શું કોવિડ-19ની રસી સુરક્ષિત છે?
મોટા ભાગના નિષ્ણાતોનો અભિપ્રાય છે કે કોરોના સામે લડવા માટે અત્યાર સુધીમાં તે રસીઓ તૈયાર થઈ તે બધાના સુરક્ષા રિપોર્ટ સારા છે. શક્ય છે કે રસીકરણ પછી સામાન્ય તાવ આવે અથવા માથામાં દુખાવો થાય કે રસી જ્યાં લીધી હોય તે જગ્યાએ દુખાવો થાય.
ડૉક્ટરોનું કહેવું છે કે કોઈ રસી 50 ટકા સુધી પણ અસરકારક હોય તો તેને સફળ રસીની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
ડૉક્ટરો જણાવે છે કે રસી અપાવ્યા પછી વ્યક્તિની તબિયતમાં થતા મામૂલી ફેરફાર પર પણ નજર રાખવી પડશે. કોઈ પણ અસર દેખાય તો તરત ડૉક્ટરને તેની જાણ કરવાની રહેશે.
શું કોવિડ-19ની રસી બાળકો માટે સુરક્ષિત છે?
ભારત બાયૉટેકની કોરોના રસી કૉવેક્સિન 12 વર્ષથી વધારે ઉંમરનાં બાળકોને ઇમરજન્સીમાં આપવાની મંજૂરી મળી ગઈ છે. સાથેસાથે ભારતીય ડ્રગ કન્ટ્રોલર જનરલે 18 વર્ષથી ઓછી વયના ટીનેજર્સ પર આ રસીના ક્લિનિકલ પરીક્ષણો કરવાની પણ મંજૂરી આપી છે. તેના હેઠળ જે બાળકોને આ રસી આપવામાં આવશે. તેમની તબિયત પર સતત દેખરેખ રાખવામાં આવશે.
કોવિશિલ્ડ અને કૉવેક્સિન કેવી અસર કરશે?
ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને ભારત અગાઉ બ્રિટન, આર્જેન્ટિના અને અલ સાલ્વાડોરમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે.
આ રસી કૉમન કોલ્ડ એડેનેવાયરસમાંથી વિકસાવવામાં આવી છે. ચિમ્પાન્ઝીને સંક્રમિત કરતા આ વાઇરસમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેથી તે માનવીને સંક્રમિત કરી ન શકે. સાથેસાથે આ રસીનું 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા 23,745 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે.
જ્યારે કૉવેક્સિનને ભારતીય ચિકિત્સા પરિષદ (આઈએમસીઆર) અને હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેકે સંયુક્ત રીતે વિકસાવી છે.
તેને બનાવવા માટે મૃત કોરોના વાઇરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તે લોકોને નુકસાન ન પહોંચાડે.
નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે આ રસી શરીરમાં પ્રવેશ્યા બાદ કોરોનાના ચેપ વિરુદ્ધ ઍન્ટીબોડી પેદા કરે છે. આ રસીની અસર થવા માટે તેના બે ડોઝ લેવા જરૂરી છે.
કૉવેક્સિનને મળેલી મંજૂરી સામે કેમ સવાલ પેદા થયા?
કૉવેક્સિનને અપાયેલી મંજૂરી અંગે ઘણો વિવાદ પેદા થયો છે. આ રસીની અસરકારકતા અંગે સવાલ કરવામાં આવ્યા છે.
ભારત બાયૉટેકે બનાવેલી કૉવેક્સિનના ત્રીજા તબક્કાના પરીક્ષણ હજુ ચાલે છે. તેની અસરકારકતાનો ડેટા હજુ સુધી ઉપલબ્ધ નથી. એવો સવાલ પણ પૂછવામાં આવે છે કે કઈ રસી કેટલી અસરકારક છે.
ભારત બાયૉટેકના એમડી કૃષ્ણા પલ્લાએ પોતાની રસી અંગે એક પત્રકારપરિષદ કરી હતી, જેમાં તેમણે ભાવનાત્મક થઈને અનેક દલીલો દ્વારા પોતાની રસીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું, "કોઈ કંપનીએ અમારી રસીને (કૉવેક્સિનને) પાણી સાથે સરખાવી છે. તે કારણથી મારે જણાવવું પડી રહ્યું છે. હું થોડી નારાજગી સાથે બોલું તો મને માફ કરજો."
"આ બધાથી દુખ થાય છે. એક વૈજ્ઞાનિકને દુખ થાય છે જે 24 કલાક કામ કરે છે, કારણ કે લોકો તેમની ટીકા કરે છે. તે પણ તે લોકોના સ્વાર્થી કારણોથી. તેનાથી દુખ થાય છે."
ઘણા વૈજ્ઞાનિકોએ કૉવેક્સિનને મંજૂરી આપવાની પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવીને કહ્યું કે "તે નિયમનકારના માપદંડોમાં જ ઉત્તીર્ણ થતી નથી."
જોકે આરોગ્યમંત્રી હર્ષવર્ધને કૉવેક્સિનના નિર્માણને "રસીની સુરક્ષા માટે એક સમજી વિચારીને લેવાયેલું પગલું" ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, "જે વ્યક્તિને આ રસી અપાશે તેને ટ્રેક અને મૉનિટર કરવામાં આવશે અને તેનું મેડિકલ ફૉલોઅપ પણ કરવામાં આવશે."
દિલ્હીની એઈમ્સ હૉસ્પિટલના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ "કૉવેક્સિનને મળેલી મંજૂરીને એક બૅકઅપ" ગણાવ્યું છે.
ભારતમાં કોવિડ-19 રસીને કઈ રીતે સંગ્રહિત અને વિતરણ કરાશે?
સરકારની યોજના પ્રમાણે રસીને સૌથી પહેલા ઉત્પાદકો પાસેથી ચાર મોટા કૉલ્ડ સ્ટોરેજ કેન્દ્રો (કરનાલ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા) સુધી પહોંચાડવામાં આવશે. ત્યાંથી તેને રાજ્ય સંચાલિત 37 સ્ટોર્સ પર મોકલવામાં આવશે.
સમાચાર એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ આ રસીકરણ અભિયાન માટે સરકારે દેશભરમાં લગભગ 29 હજાર કૉલ્ડ સ્ટોર તૈયાર કર્યાં છે.
ત્યારપછી વૅક્સિનને જિલ્લાસ્તરના સ્ટોર સુધી મોકલવામાં આવશે. શહેરથી લઈને ગામડાં સુધી રસીકરણ પ્રક્રિયાને પૂરી કરવાના હેતુથી લગભગ સાડા ચાર લાખ કર્મચારીઓને તાલીમ અપાઈ રહી હોવાનું જણાવાયું છે.
ભારત અને વિશ્વભરમાં કોવિડ-19ની બીજી કઈ રસીઓ વિકસાવાઈ રહી છે?
કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે ગયા વર્ષે ડિસેમ્બરમાં માહિતી આપી હતી કે તે સમયે દેશમાં આઠ કોરોના રસી વિકસાવાઈ રહી હતી જે ક્લિનિકલ ટ્રાયલના જુદાજુદા સ્તર પર હતી.
કોવિશિલ્ડ અને કૉવેક્સિન ઉપરાંત બીજી રસીઓ આ મુજબ છે:
ZyCoV-D - કેડિલા હેલ્થકેરની આ રસી ડીએનએ પ્લૅટફોર્મ પર બનાવાઈ રહી છે. તેના માટે કેડિલાએ બાયૉટેક્નોલૉજી વિભાગ સાથે સહયોગ કર્યો છે. તેના ત્રીજા તબક્કા માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે.
સ્પુતનિક-વી - આ રસીનું નિર્માણ રશિયાની ગેમાલાયા નેશનલ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે, જે હ્યુમન એડેનોવાયરસ પ્લૅટફોર્મ પર બની રહી છે. તેનું મોટા પાયે ઉત્પાદન હૈદરાબાદની ડૉક્ટર રેડ્ડીઝ લૅબમાં થઈ રહ્યું છે. આ રસી ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી ચૂકી છે.
અમેરિકાની એમઆઈટીએ બનાવેલી પ્રોટીન એન્ટિજન બેઝ્ડ વૅક્સિનનું ઉત્પાદન હૈદરાબાદની બાયૉલૉજિકલ ઈ લિમિટેડ કરી રહી છે. તેના પ્રથમ અને બીજા તબક્કાના માનવ ક્લિનિકલ પરીક્ષણ શરૂ થઈ ગયાં છે.
HGCO 19 - અમેરિકાની એચડીટીની એમઆરએનએ આધારિત આ રસીનું ઉત્પાદન પૂણેમાં જિનોવા નામની કંપની કરી રહી છે. આ રસી માટે પ્રાણીઓ પરના પ્રયોગો પૂરા થઈ ગયા છે. ટૂંક સમયમાં તેના પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણ શરૂ થશે.
અમેરિકાની ઓરોવેક્સિનની સાથે મળીને ભારતની ઓરોબિંદો ફાર્મા એક રસી વિકસાવી રહી છે જે હાલમાં પ્રિ-ડેવલપમૅન્ટ તબક્કામાં છે.
રસી કેવી રીતે બને અને તેને કોણ મંજૂરી આપે?
રસીના ઉત્પાદનક્ષેત્રે ભારત પાવરહાઉસ ગણાય છે. દુનિયાભરની 60 ટકા રસીઓ ભારતમાં ઉત્પાદિત થાય છે.
વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં ચાલે છે. તેના હેઠળ દર વર્ષે 5.5 કરોડ મહિલાઓ અને નવજાત શિશુઓને 39 કરોડ રસી આપવામાં આવે છે.
સૌથી પહેલા કોઈ પણ રસીના પરીક્ષણ પ્રયોગશાળામાં થાય છે. ત્યારપછી પ્રાણીઓ પર તેના પરીક્ષણ કરવામાં આવે છે.
ત્યારપછી જુદાજુદા તબક્કામાં માનવી પર તેના પરીક્ષણ થાય છે. ત્યારબાદ રસી સુરક્ષિત છે કે નહીં, તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ કેટલી વધી, તે પ્રાયોગિક રીતે કામ કરે છે કે નહીં વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે.
સૌથી વધુ આ ત્રણ રસીઓનું ઉત્પાદન થાય છેઃ
લાઇવ વૅક્સિન, નિષ્ક્રિય રસી અને જનીન આધારિત રસી શું છે?
લાઇવ વૅક્સિન
લાઇવ વૅક્સિનની શરૂઆત એક વાઇરસથી થાય છે પરંતુ તે વાઇરસ હાનિકારક હોતા નથી. તેનાથી બીમારી નથી થતી. પરંતુ શરીરની કોષિકાઓ સાથે પોતાની સંખ્યાને વધારે છે. તેનાથી શરીરનું રોગપ્રતિકારક તંત્ર સક્રિય થઈ જાય છે.
આ પ્રકારની રસીમાં બીમારીના વાઇરસ સાથે બંધ બેસે તેવા જિનેટિક કોડ અને એવા પ્રકારના પ્રોટીન વાઇરસ હોય છે જે શરીરને નુકસાન નથી પહોંચાડતા.
કોઈ વ્યક્તિને જ્યારે આ પ્રકારની રસી આપવામાં આવે તો આ 'સારા' વાઇરસના કારણે તે 'ખરાબ' વાઇરસનો મુકાબલો કરવાની ક્ષમતા પેદા કરે છે. આવામાં કોઈ ખરાબ વાઇરસ શરીરમાં પ્રવેશે તો શરીરની રોગપ્રતિકારક શક્તિના કારણે આવા વાઇરસ કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી.
નિષ્ક્રિય રસી
આ પ્રકારની રસીમાં ઘણા બધા વાઇરલ પ્રોટીન અને નિષ્ક્રિય વાઇરસ હોય છે. બીમાર કરનારા વાઇરસને પેથોજન અથવા રોગજનક કહેવામાં આવે છે.
નિષ્ક્રિય રસીમાં મૃત પેથોજન હોય છે. આવા મૃત રોગજનકો શરીરમાં પ્રવેશીને પોતાની સંખ્યા નથી વધારી શકતા, પરંતુ શરીર તેને બાહ્ય આક્રમણ જ માને છે તથા તેની વિરુદ્ધ શરીરમાં ઍન્ટીબોડી વિકસિત થવા લાગે છે.
નિષ્ક્રિય અથવા ઇનઍક્ટિવેટેડ વાઇરસથી બીમારીનો કોઈ ખતરો હોતો નથી. તેથી શરીરમાં વિકસેલા ઍન્ટીબોડીમાં અસલ વાઇરસ પ્રવેશે તો પણ બીમારી પેદા કરી શકતા નથી. આ બહુ વિશ્વસનીય રીત ગણવામાં આવે છે.
જનીન આધારિત રસી
નિષ્ક્રિય રસીની સરખામણીમાં જનીન આધારિત રસીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું ઉત્પાદન ઝડપથી કરી શકાય છે. કોરોના વાઇરસની રસીના કરોડો ડોઝની એકસાથે જરૂર પડશે. જનીન આધારિત રસીમાં કોરોના વાઇરસના ડીએનએ અથવા એમ-આરએનએની સંપૂર્ણ જિનેટિક સંરચના હાજર હશે.
આ પેથોજનમાંથી જિનેટિક માહિતીની મહત્ત્વની સંરચનાઓ નેનોપાર્ટિકલ્સમાં પેક કરીને કોષિકાઓ સુધી પહોંચાડવામાં આવેછે. તે શરીર માટે હાનિકારક હોતા નથી. આ જિનેટિક માહિતી જ્યારે કોષિકાઓને મળે ત્યારે તે શરીરના રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરી દે છે, જેથી બીમારીને ખતમ કરી શકાય છે.
ભારતમાં કોઈ પણ રસીનું નિર્માણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત માપદંડ પ્રમાણે થાય છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા નામની સરકારી સંસ્થા તેના તમામ તબક્કાની સમીક્ષા કરે છે.
ડીજીસીઆઈ લીલી ઝંડી આપે ત્યારપછી જ કોઈ પણ રસીના જથ્થાબંધ ઉત્પાદનની મંજૂરી મળે છે. ગુણવત્તા નિયંત્રણ એટલે કે ક્વૉલિટી કન્ટ્રોલને ધ્યાનમાં રાખીને રસીના જથ્થાબંધ ઉત્પાદનના માપદંડ નક્કી કરવામાં આવે છે અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે વૈજ્ઞાનિકો અને નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે તેની ચકાસણી થતી રહે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો