કોરોના વૅક્સિન: શું ધનિક દેશો કોવિડ વૅક્સિનની સંગ્રહખોરી કરી રહ્યા છે?

ધનિક દેશો કોવિડ વૅક્સિનની સંગ્રહખોરી કરી રહ્યા છે અને તેના કારણે ગરીબ દેશોને આ વૅક્સિન મેળવવામાં તકલીફ થશે, એ નક્કી છે. કેટલીક આંદોલનકારી સંસ્થાઓના એક ગઠબંધને આ ચેતવણી ઉચ્ચારી છે.

પીપલ્સ વૅક્સિન અલાયન્સનું કહેવું છે ઓછી આવકવાળા લગભગ 70 દેશોમાં દર દસ લોકોમાંથી માત્ર એકને જ આ વૅક્સિન મળી શકશે.

આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાએ એ વાતનો વાયદો કર્યો છે કે તેમની વૅક્સિનનો માત્ર 64 ટકા ડોઝ જ વિકાસશીલ દેશોને અપાશે.

એ અંગે કોશિશ થઈ રહી છે કે આ વૅક્સિનને સમગ્ર દુનિયામાં ભેદભાવ વગર વિતરિત કરાય.

આ બાદ તેમની પાસેથી એ વાતનો સંકલ્પ લેવામાં આવ્યો છે કે કોવૅક્સ નામની આ વૅક્સિન લેવા માટે કરાર કરનારા 92 દેશોમાં વૅક્સિનના 70 કરોડ ડોઝ વિતરિત કરવામાં આવશે.

પરંતુ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, ઑક્સફૅમ અને ગ્લોબલ જસ્ટિસ નાઉ જેવાં સંગઠનોનું કહેવું છે કે આ યોજનાને લાગુ કરાશે તો પણ તે પર્યાપ્ત ઉપાય નહીં નીવડે.

આ સંગઠનોનું કહેવું છે કે દવા કંપનીઓએ પોતાની ટૅક્નૉલૉજીની આપલે કરવી જોઈએ જેથી મોટા પ્રમાણમાં વૅક્સિન તૈયાર કરી શકાય.

ધનિક દેશોએ વસતી કરતાં ત્રણ ગણા ડોઝની વ્યવસ્થા કરી

આ સંગઠનોનાં વિશ્લેષણોમાં કહેવાયે છે કે ધનિક દેશોએ પોતાની સંપૂર્ણ વસતીને વૅક્સિનના ડોઝ આપવા માટે પર્યાપ્ત ડોઝ એકઠા કરી લીધા છે.

તેમનું કહેવું છે કે જો તમામ વૅક્સિનને મંજૂરી મળી જાય છે તો આ ધનિક દેશો પાસે પોતાની વસતીની સરખામણીએ ત્રણ ગણા ડોઝ હશે.

ઉદાહરણ તરીકે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે કૅનેડાએ પોતાના દરેક નાગરિકને આપવા માટે પાંચ ગણા કરતાં વધુ ડોઝ ઑર્ડર કરી દીધા છે.

ભલે ધનિક દેશોની વસતી વિશ્વની કુલ વસતીના માત્ર 14 ટકા હોય, પરંતુ આ તમામ ભરોસાપાત્ર વૅક્સિનનો 53 ટકા ભાગ ખરીદી ચૂક્યા છે.

ઑક્સફૅમનાં હેલ્થ પૉલિસી મૅનેજર અન્ના મૅરિયટ જણાવે છે કે, “કોઈને ય જીવન બચાવનારી વૅક્સિનને હાંસલ કરવાથી તેના દેશ કે તેની પાસે રહેલી રકમના કારણે રોકવો ન જોઈએ.”

તેઓ કહે છે કે, “પરંતુ જ્યાં સુધી પરિસ્થિતિમાં મોટો ફેરફાર ન થાય, ત્યાં સુધી વિશ્વ ભરના અબજો લોકોને આવનારાં ઘણાં વર્ષો સુદી કોવિડ-19ની કોઈ સુરક્ષિત અને પ્રભાવી વૅક્સિન મળવું શક્ય નહીં હોય.”

ટૅક્નૉલૉજી શૅર કરે ફાર્મા કંપનીઓ

પીપલ્સ વૅક્સિન અલાયન્સ કોવિડ-19 વૅક્સિન પર કામ કરી રહેલી તમામ ફાર્મા કંપનીઓનું આહ્વાન કરી રહી છે કે તેઓ સામે ચાલીને પોતાની ટૅક્નૉલૉજી અને ઇંટલેક્ચુઅલ પ્રૉપર્ટી શૅર કરે જેથી આ દવાના અબજો ડોઝ તૈયાર કરી શકાય અને તે દરેક જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી પહોંચાડી શકાય.

સંગઠનનું કહેવું છે કે આવું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મદદતી કરી શકાય છે.

ઑક્સફોર્ડ યુનિવર્સિટીની વૅક્સિન બનાવનાર કંપની એસ્ટ્રાજેનેકાએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે તે વિકાસશીલ દેશોને નફા વગર આ રસી પૂરી પાડશે.

તે બીજી વૅક્સિનોની સરખામણીએ સસ્તી છે અને તેને ફ્રિજના તાપમાને સ્ટોર કરી શકાય છે. આ કારણે તેને સમગ્ર દુનિયામાં વિતરિત કરવાનું કામ સરળ બની જશે.

પરંતુ, આંદોલનકારીઓનું કહેવું છે કે માત્ર એક કંપની પોતાના દમ પર સમગ્ર વિશ્વને રસી પૂરી નહીં પાડી શકે.

ફાઇઝર-બાયોનટૅક વૅક્સિનને બ્રિટનમાં મંજૂરી મળી ચૂકી છે અને આ અઠવાડિયે જ સૌથી વધારે જોખમ હેઠળ રહેલ વ્યક્તિઓને તેની રસી મૂકવામાં આવી છે.

તેને જલદી જ અમેરિકા અને યુરોપમાં મંજૂરી મળી શકે છે. મૉડર્ના અને ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની બે અન્ય રસીઓ ઘણા દેશોમાં મંજૂરી મળવાની રાહ જોઈ રહી છે.

રશિયન વૅક્સિન સ્પુતનિકે પણ હકારાત્મક ટ્રાયલ પરિણામોની જાહેરાત કરી છે અને ચાર અન્ય વૅક્સિન અંતિમ ચરણના ક્લિનિકલ ટ્રાયલ્સવાળા તબક્કામાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો