કોરોના વાઇરસ : બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના નવા વૅરિઅન્ટ્સથી ડરવાની કેટલી જરૂર?

    • લેેખક, મિશેલ રૉબર્ટ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

કોરોના વાઇરસના એવા નવા વૅરિઅન્ટ્સ સામે આવી રહ્યા જે મૂળ વાઇરસની સરખામણીએ વધુ ચેપી છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું છે કે આ વાતના અમુક પુરાવા છે કે દેશમાં પ્રભાવી થઈ રહેલા વૅરિઅન્ટ કદાચ ઊંચા મૃત્યદરવાળા છે.

વૈજ્ઞાનિક આ બદલાયેલાં કોરોના વાઇરસનાં સ્વરૂપોના અધ્યયનમાં લાગી ગયા છે અને એ વાતનો અંદાજ લગાવી રહ્યા છે કે તે કેટલા ખતરનાક છે.

આ નવા વૅરિઅન્ટ્સ શું છે?

નિષ્ણાતો હાલ કોરોના વાઇરસની ઓછી સંખ્યામાં નવા વૅરિઅન્ટ પર ફોકસ કરી રહ્યા છે. જે પૈકી કેટલાક આ છે:

  • યુ. કે. વૅરિઅન્ટ જે બ્રિટનના મોટા ભાગના વિસ્તારો સિવાય વિશ્વના 50 કરતાં વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
  • દક્ષિણ આફ્રિકાનો વૅરિઅન્ટ જે યુ. કે. સહિત વિશ્વના ઓછામાં ઓછા 20 અન્ય દેશોમાં મળી આવ્યો છે.
  • બ્રાઝિલનો વૅરિઅન્ટ.

વાઇરસના નવા વૅરિઅન્ટ વિકસિત થાય એ વાત કોઈ નવી નથી. તમામ વાઇરસ મ્યૂટેટ થાય છે અને ફેલાવા અને આગળ વધવા માટે ઘણી નવી કૉપીઓ બનાવે છે.

કોરોના વાઇરસના હજારો અલગ-અલગ વર્ઝન કે વૅરિએન્ટ અત્યારે ફેલાઈ રહ્યા છે.

તે પૈકી મોટા ભાગના ફેરફાર મોટી અસર ઉપજાવનારા નથી. કેટલાક વૅરિઅન્ટ્સ તો વાઇરસના જીવિત રહેવા માટે નુકસાનદાયક છે. પરંતુ કેટલાક વૅરિઅન્ટ્સ વધુ સંક્રામક અને ખતરનાક પણ છે.

કયા નવા વૅરિઅન્ટ્સ વધુ ખતરનાક છે?

હાલ આ પૈકી કોઈ વૅરિઅન્ટના કારણે વધુ ગંભીર બીમારી થતી હોવાના કોઈ પુરાવા નથી.

પહેલાના મૂળ વર્ઝનની જેમ જ આ વૅરિઅન્ટ્સ પણ મોટી ઉંમરના લોકો કે પહેલાંથી બીમારી સામે ઝઝૂમતા લોકો માટે વધુ જોખમકારક છે.

નવા યુ. કે. વૅરિઅન્ટ વિશે કેટલાંક સંશોધનોમાં કહેવાયું છે કે તેના કારણે મૃત્યુ થવાનો ખતરો વધુ છે.

જોકે, બ્રિટનમાં નિષ્ણાતોનું કહેવું છે કે આ વાતના પુરાવા વધુ મજબૂત નથી અને તે વિશે હાલ ડેટા પણ હજુ સુધી અનિશ્ચિત છે.

હાથ ધોવાથી, અન્ય લોકોથી અંતર જાળવી રાખવું અને ચહેરાને ઢાંકીને રાખવા જેવા ઉપાયોથી સંક્રમણને રોકવામાં નિશ્ચિતપણે મદદ મળશે.

કારણ કે નવા વૅરિઅન્ટ્સમાં સરળતાથી ફેલાવવાની ક્ષમતા દેખાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં લોકોએ વધુ સાવચેત રેહવાની જરૂર છે.

વાઇરસમાં શું ફેરફાર થઈ રહ્યા છે?

બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના વૅરિઅન્ટ ઘણા વધુ સંક્રામક હોઈ શકે છે કે પોતાના પાછલા વર્ઝનની સરખામણીએ ઝડપથી ફેલાતા હોઈ શકે છે.

તે બધાના સ્પાઇક પ્રોટિનમાં ફેરફાર થયા છે. તે વાઇરસનો એક ભાગ હોય છે જે માનવીય કોશિકાઓ સાથે જોડાય છે.

તેના પરિણામસ્વરૂપે વૅરિઅન્ટ્સ કોશિકાઓને સંક્રમિત કરવામાં અને પ્રસરવામાં વધુ સક્રિય થઈ ગયા છે.

વિશેષજ્ઞ માને છે કે બ્રિટન કે ‘કેંટ’ સ્ટ્રેન સપ્ટેમ્બરમાં સામે આવ્યો હતો અને તે 70 ટકા વધુ સંક્રામક છે.

જોકે, પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડના હાલના સંશોધનમાં તેનું પ્રમાણ 30થી 50 ટકા રાખવામાં આવ્યું છે.

આ વૅરિઅન્ટના કારણે જ હાલ બ્રિટનમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે.

તેમજ દક્ષિણ આફ્રિકાવાળો વૅરિઅન્ટ ઑક્ટોબર માસમાં સામે આવ્યો હતો અને તેમાં બ્રિટનના વૅરિઅન્ટની સરખામણીએ સ્પાઇક પ્રોટિનમાં ઘણા વધુ મહત્ત્વના સંભવિત ફેરફારો જોવા મળ્યા છે.

તેમાં બ્રિટનની જેવો જ એક મ્યુટેશન અને સાથે જ બે અન્ય મ્યુટેશન પણ છે. તે અંગે વૈજ્ઞાનિકોનું માનવું છે કે વૅક્સિન પ્રભાવી ક્ષમતામાં વધુ દખલ કરી શકે છે.

તે પૈકી એક એન્ટિબૉડીવાળી ઇમ્યુન સિસ્ટમનો ભાગ બનવામાં વાઇરસને સફળ બનાવે છે. અમુક રિસર્ચથી આ વાતની ખબર પડી છે.

બ્રિટને દક્ષિણ આફ્રિકાથી સીધી ફ્લાઇટ પર બૅન લાદી દીધો છે અને દક્ષિણ આફ્રિકા જનાર વિમાન પર પણ પાબંદી લગાવી દેવાઈ છે.

દક્ષિણ આફ્રિકાની હાલમાં યાત્રા કરવાવાળા કે તેના સંપર્કમાં આવનારાને તરત ક્વોરૅન્ટિન થવા માટે કહેવામાં આવે છે.

બ્રાઝિલનો વૅરિઅન્ટ જુલાઈમાં સામે આવ્યો હતો અને તેના સ્પાઇક પ્રોટિનમાં ત્રણ મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યા છે. તેના કારણે તે દક્ષિણ આફ્રિકાવાળા વૅરિઅન્ટ જેવો લાગી રહ્યો છે.

બ્રિટન સરકારે આ કારણે દક્ષિણ અમેરિકા અને પોર્ટુગલથી આવતી ફ્લાઇટ્સ પર બૅન લાદી દીધો છે.

શું વૅક્સિન કામ કરશે?

આ અંગે માહિતી મેળવવા માટે અધ્યયન થઈ રહ્યાં છે અને પ્રારંભિક પરિણામો પરથી એ ખબર પડી છે કે ફાઇઝરની વૅક્સિન નવા યુ. કે. વૅરિઅન્ટ સામે સુરક્ષા આપવામાં સફળ છે.

હાલની વૅક્સિનો પાછલા વૅરિઅન્ટ્સની આસપાસ તૈયાર કરાયા હતા. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે નવા વૅરિઅન્ટ સામે પણ અસરકારક હોવી જોઈએ. જોકે આવું ન પણ બની શકે.

વૅક્સિન શરીરને વાઇરસના ઘણા ભાગો પર હુમલો કરવા માટે તૈયાર કરે છે, જોકે, તેમા સ્પાઇક પ્રોટિનના માત્ર આ ભાગો જ સામેલ નહીં હોય.

ભવિષ્યમાં એવા પણ કેટલાક વૅરિઅન્ટ્સ સામે આવી શકે છે જે વધુ અલગ હોય. નિષ્ણાતોનું કહેવું છે કે વૅક્સિનને અઠવાડિયાં કે મહિનાઓની અંદર ફરીથી ડિઝાઇન કરવાની જરૂર પડી શકે છે.

ફ્લૂ વૅક્સિનમાં દર વર્ષે શૉટ અપાય છે જેથી ફ્લૂ વાઇરસમાં થતા ફેરફારોનો સામનો કરી શકાય. આવું જ કંઈક કોરોના વાઇરસની વૅક્સિન સાથે પણ કરવું પડી શકે છે.

શું કરાઈ રહ્યું છે?

કોરોનાના વધુ વૅરિઅન્ટ્સ સામે આવશે.

સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિક સચેત છે અને મહત્ત્વના વૅરિઅન્ટનું ગહન અધ્યયન અને મૉનિટરિંગ કરી રહ્યા છે.

બ્રિટનના વૅક્સિન ડેવલપમૅન્ટ મિનિસ્ટરનું કહેવું છે કે જરૂર પડ્યે વૅક્સિનનો વધુ એક જથ્થો ઉત્પાદિત કરવા માટેના ઉપાય કરાઈ રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો