કોવિડ-19 : કોરોના વાઇરસને કાબૂમાં લેવામાં સરકારથી શું ચૂક રહી ગઈ?

    • લેેખક, દિપલકુમાર શાહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોના વાઇરસની મહામારીને પગલે 19 માર્ચ, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને 22 માર્ચ, 2020 રવિવાર દરમિયાન સવારથી સાંજ સુધી- એક દિવસ માટે જનતા કર્ફ્યુ પાળવા જાહેરાત કરી હતી.

આજે એ વાતને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આજે માર્ચ મહિનામાં 2021માં ગુજરાત સહિત કેટલાક અન્ય રાજ્યોમાં રાત્રી કર્ફ્યુ છે, અને કેસ ફરી વધી રહ્યા છે. જેથી ફરી સ્કૂલ-કૉલેજો અને અન્ય જગ્યાઓ બંધ કરવામાં આવી છે. નિષ્ણાતો અનુસાર માહોલ આંશિક લૉકડાઉન જેવો જ છે.

નિષ્ણાતો કહે છે કે સરવાળે જોઈએ તો, આપણે ફરી ત્યાં જ આવીને ઊભા છીએ, જ્યાંથી શરૂઆત કરી હતી.

જોકે એ સમયે જે મૃત્યુદર હતો તે આજે નથી. પણ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે તો ખબર પડે કે છેલ્લા એક વર્ષમાં જે પરિણામ દેખાઈ રહ્યું છે તે ચિંતાજનક છે.

આરોગ્ય નિષ્ણાત હોય કે પબ્લિક પૉલિસીના વિશ્લેષકો હોય, તેમનું એક નિરીક્ષણ રહ્યું છે કે કોવિડ-19ને કાબૂમાં લેવા માટે જરૂરી મૅનેજમૅન્ટમાં ચૂક રહી ગઈ છે. આથી જે સ્થિતિની અપેક્ષા રાખી હતી એ સ્થિતિ આજે જોવા મળી રહી નથી.

વિશ્વ આરોગ્ય સંગઠને માર્ચ, 2020માં કોરોનાની બીમારીને એક વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. ભારતની વાત કરીએ તો ભારતમાં 30મી જાન્યુઆરીએ પહેલો કેસ નોંધાયો હતો. જેમાં કેરળની એક યુવતી પૉઝિટિવ આવી હતી. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી ચીનની હતી.

15 માર્ચ, 2020ના રોજ ભારતમાં કુલ 100 કેસ હતા અને આ એ જ દિવસે ભારતમાં કોવિડથી પહેલું મોત થયું હતું.

પરંતુ મહિને દર મહિને ત્યારપછી કેસ ડબલ થવાનો દર પહેલા કરતાં વધવા લાગ્યો છે.

પીએમ મોદીએ જ્યારે 24 માર્ચે પહેલા લૉકડાઉનની જાહેરાત કરી હતી, ત્યારે કહ્યું હતું કે માત્ર 21 દિવસની વાત છે અને જો ભારત આ 21 દિવસ સંભાળી લેશે તો સમસ્યા ગંભીર નહીં બને.

એક વર્ષ પછી કેવી સ્થિતિ છે?

નિષ્ણાતો અનુસાર આજે એક વર્ષ પછી પરિસ્થિતિમાં ખાસ કોઈ નક્કર બાબત નથી જોવા મળી રહી. કેમ કે ભારતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે અને ગુજરાતમાં પણ મહાનગરોમાં શાળા-કૉલેજોના શિક્ષણ ઑનલાઇન કરી રાત્રી કર્ફ્યુની અવધિ વધારવામાં આવી છે.

ઉપરાંત વાઇરસને કાબૂમાં લેવા ફરી કેટલાંક નિયંત્રણો જનતા પર લાદવામાં આવ્યા છે.

કોરોના વાઇરસની બીમારી વૈશ્વિક મહામારી જાહેર થઈ ત્યારે તે એક નવા પ્રકારની બીમારી હતી, તેની કોઈ સારવાર નહોતી અને સ્વાસ્થ્ય સેવાઓ પર પણ દબાણ હતું. જેથી લૉકડાઉન લાગુ કરાયું હતું.

પણ હાલ એક વર્ષ પછી દેશભરમાં વૅક્સિનેશન ચાલી રહ્યું છે, કોરોનાની કેટલીક સારવાર પણ કારગત નીવડી છે તથા એક અનુભવ પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે.

ઉપરાંત પહેલાની સરખામણીએ સંસાધનો પણ સારાં છે અને વ્યૂહરચના માટેનો અવકાશ પણ છે. છતાં એક વર્ષ પછી ફરીથી આપણે એવી જ સ્થિતિમાં કેમ આવી રહ્યા છીએ એ જરૂરી સવાલ છે.

વડા પ્રધાન ખુદે કોરોનાની બીજી લહેર મામલે સચેત રહેવા તાકીદ કરી છે. મુખ્ય મંત્રી રૂપાણીએ પણ નવાં પગલાં જાહેર કર્યાં છે.

મૅનેજમૅન્ટ અને આંકડાકીય પારદર્શિતા

આ સમગ્ર બાબતોને ધ્યાને લઈ બીબીસીએ એ જાણવાની કોશિશ કરી કે કોરોના મામલે આજે જે પણ પરિસ્થિતિ ઊભી થઈ છે તેની પાછળ કયાં કારણો જવાબદાર હોઈ શકે? આખરે કોનાથી શું ચૂક રહી ગઈ છે?

આ મામલે બીબીસીએ આરોગ્ય અને પબ્લિક પૉલિસી નિષ્ણાતો સાથે વાત કરી. જેમાં દિલ્હી સરકારની હૉસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર મેડિકલ ઑફિસર ડૉ. કૃષિત પટેલે બીબીસી સાથે વાતચીત કરી.

ડૉ. કૃષિત પટેલે બીબીસીને જણાવ્યું, "કોરોના વાઇરસની મહામારીને કાબૂમાં લેવા માટે મૅનેજમૅન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પારદર્શિતા મહત્ત્વના પુરવાર થયા છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ઘણો ભાર મુકાયો છે. વળી માત્ર રૅપિડ ટેસ્ટ નહીં પણ આરટીપીસીઆર ટેસ્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે."

"તમે જ્યારે ટેસ્ટિંગ વધુ કરો તો સંક્રમણ કેટલું છે તેની જાણકારી સમયસર મળી જાય છે. જ્યારે ટેસ્ટિંગ પૂરતા પ્રમાણમાં ન કરવામાં આવે તો, સાચું ચિત્ર નથી જોવા મળતું."

તેઓ કહે છે, "વળી જ્યાં સુધી આંકડાઓ મામલે પારદર્શિતાની વાત છે તો, વાઇરસને આનાથી કોઈ ફરક નથી પડતો. આંકડા છુપાવવામાં આવે કે ચોક્કસાઈપૂર્વક જાળવવામાં આવે, વાઇરસ તો એનું કામ એની રીતે કરવાનો જ છે."

"પીપીઈ કીટ, ઓક્સિજન પલ્સ મીટર, ઓક્સિજન સપૉર્ટ, હૉસ્પિટલમાં પથારીઓ, વૅન્ટિલેટરથી લઈને તબીબોના રહેવાની વ્યવસ્થા આ બધું જ કોવિડ મૅનેજમૅન્ટનો જ ભાગ છે. જો આમાં સમસ્યા સર્જાય તો પછી તેની અસર જોવા મળે છે."

"મૅનેજમૅન્ટની સાથે સાથે માઇક્રો મૅનેજમૅન્ટ પર પણ ભાર મૂકવો પડે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એટલે અહીં પણ માઇક્રો મૅનેજમૅન્ટ પર ભાર મુકાઈ રહ્યો છે."

"દિલ્હીની વાત કરીએ તો આ પહેલું રાજ્ય હતું જેણે સૌપ્રથમ હોમ-આઇસોલેશનની શરૂઆત કરી હતી. કેમ કે હેતુ એ હતો કે જેમને બેડની જરૂર હોય તેમને જ હૉસ્પિટલમાં રાખવામાં આવે. એટલે ઉપલબ્ધ સંસાધનોનો અસરકાર ઉપયોગ સ્વાસ્થ્ય સેવાઓ પરનું ભારણ ઘટાડે છે. આ બાબત ભવિષ્યમાં ઘણી હકારાત્મક પુરવાર થાય છે."

ડૉ. કૃષિત પટેલ કહે છે, "દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી માળખાગત ટેકો મળ્યો હતો એટલે સંકલન પણ યોગ્ય રહ્યું હતું. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં ટેસ્ટિંગ મામલે- ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં આરટીપીસીઆર ટેસ્ટ મામલે પડકારજનક સ્થિતિ રહી હોય એવું લાગી રહ્યું છે."

"કેમ કે, જો કેસ રિપોર્ટ જ નહીં થાય તો સંક્રમણ કેવું અને કેટલું છે તે ખ્યાલ જ નહીં આવે. એટલે તંત્રને પણ મુશ્કેલી પડે છે. પણ કેસ વધી રહ્યા છે એટલે એનો અર્થ કે હવે ટેસ્ટિંગ પણ વધી રહ્યું છે."

'જનતા હવે ઢીલ રાખી રહી છે'

અત્રે નોંધવું કે ડૉ. કૃષિત પટેલે કોરોના વાઇરસની મહામારીને સમજવા અને તેનાં કેટલાંક પાસાંઓને આવરી લેતું એક પુસ્તક તૈયાર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

ડૉ. કૃષિત વધુમાં ઉમેરે છે, "વાઇરસનું મ્યૂટેશન પણ ખૂબ જ નિર્ણાયક રહ્યું છે. આફ્રિકન, ઇટાલિયન, યુરોપિયન સ્ટ્રેઇનની હાજરી એક મોટો પડકાર ઊભો કરે છે. જોકે અમે સ્ટ્રેઇન મુજબ આઇસોલેશન વૉર્ડ રાખ્યા છે, જેથી ખબર પડે કે કયો સ્ટ્રેઇન કેવી રીતે અસર છોડી રહ્યો છે. અને તેની સ્થિતિની પણ જાણકારી મેળવવામાં મદદ મળે છે."

"બીજી તરફ જનતાની વાત કરીએ તો જનતામાં પણ હવે પહેલા જેવી શિસ્ત નથી જણાતી. માસ્ક હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ, જનતા હવે ઢીલ રાખતી થઈ ગઈ છે. વૅક્સિન હોવાથી તેમને એવું લાગે છે કે હવે ડરવાની કોઈ જ જરૂર નથી."

"પરંતુ વૅક્સિન બીજા ડોઝના 28 દિવસ પછી એ એકદમ બરોબર અસરકારક બને છે. એટલે એ પહેલા જો સાવચેતી ન રાખવામાં આવે તો સંક્રમણ લાગી શકે છે. વળી રસી 70થી 80 ટકા જ સુરક્ષા આપે છે. એટલે તેમાં પણ 20-30 ટકા ચાન્સ છે કે તમને ચેપ લાગી શકે છે."

સરકાર કે જનતા - કોણ જવાબદાર?

ઉપરાંત અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સચિવ ડૉ. ધીરેન મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "બંને પક્ષે ચૂક રહી ગઈ છે. સરકાર પક્ષે પણ અને જનતા પક્ષે પણ. કેમ કે સમારોહ અને લગ્નોમાં જનતા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતી નથી જોવા મળતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવે છે."

તેમણે વધુમાં ઉમેર્યું, "સરકાર ઘણી વાર આંખા આડા કાન કરતી હોય એવું પણ લાગી રહ્યું છે. ક્રિકેટ મૅચ માટે રેકૉર્ડ કરવા સ્ટેડિયમમાં સંખ્યાબંધ પ્રેક્ષકો ભરી દીધા અને પછી હવે કડક પગલાં ભરવાની વાત કહે છે."

"એટલે અતિશય પ્રમાણમાં ટોળું ભેગું થાય તો સ્વાભાવિક છે કે સંક્રમણ ફેલાય. એટલે આ મેળાવડા બંધ કરવા અને માસ્ક ફરજિયાત પહેરવું જ એ બાબત પર તો ધ્યાન આપવું જ પડશે. આ મામલે તો ચૂક રહી જ છે."

"ઉપરાંત જ્યાં સુધી કોરોનાની ગાઇડલાઇનની વાત છે તો, સરકારે પણ મૉનિટરિંગ રાખવું પડે કે લગ્ન સમારોહ માટે જે ગાઇડલાઇન બનાવી તેનો અમલ થઈ રહ્યો છે કે નહીં."

"બીજી તરફ લોકોએ પણ સમજવું પડશે કે તેમની પોતાની સુરક્ષા માટે તેમણે ખુદ સાવચેતી રાખવાની છે. આ શિસ્ત લાવવુ જ પડશે. પણ જનતા સામે ઉદાહરણ સરકારે પૂરું પાડવું પડશે."

"ચૂંટણીઓની રેલી મામલે જે દૃશ્યો જોવાં મળ્યાં એ વિશે કંઈ કહેવા જેવું નથી. એટલે બંને પક્ષોએ હવે જવાબદારીને સમજીને આગળ વધવું પડશે."

'વૅક્સિનેશન મામલે સ્ટ્રૅટજી બદલવી જોઈએ'

દરમિયાન પબ્લિક પૉલિસી મામલેના એક નિષ્ણાતે નામ ન જણાવવાની શરતે બીબીસીને જણાવ્યું કે, "જે રીતે વૅક્સિનનું મૅનેજમૅન્ટ થઈ રહ્યું છે એમાં ફેરફાર કરવાની જરૂર છે."

તેમણે બીબીસીને કહ્યું, "સ્કૂલ ખૂલી જતાં બાળકો અને મહિલાઓ બહાર નીકળવાં લાગ્યાં અને તેને લીધે તેઓ સંક્રમિત થવા લાગ્યા. પહેલા એવું હતું કે મહિલાઓનું પ્રમાણ સંક્રમણ મામલે ઓછું હતું પરંતુ હવે તે વધુ છે."

"ઉપરાંત ટેસ્ટિંગમાં પણ કચાસ જોવા મળી છે. પૂરતા પ્રમાણમાં ટેસ્ટ નથી કરવામાં આવતા અને સૌથી અગત્યની બાબત એ છે કે રૅપિડ ટેસ્ટ પર વધુ મદાર છે, જ્યારે એની જગ્યાએ આરટીપીસીઆર ટેસ્ટ પર વધુ ભાર મૂકવાની જરૂર છે."

"ઉપરાંત દેશમાં જેટલા જિલ્લાઓમાં વધુ કેસો છે ત્યાં વૅક્સિનેશનને તમામ લોકો માટે ખુલ્લું મૂકી દેવું જોઈએ."

આ સમગ્ર મામલે બીબીસીએ ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી હતી. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

સરકાર-વિપક્ષ આમનેસામને

વળી વિપક્ષનું કહેવું છે કે સરકારે એકાએક લૉકડાઉન જાહેર કર્યું અને તે નિષ્ફળ રહ્યું છે. તથા સરકાર કોવિડ-19ને કાબૂમાં કરવામાં પણ સફળ નથી રહી.

બીજી તરફ વડા પ્રધાન સહિત સરકાર અને ભાજપનું કહેવું રહ્યું છે કે લૉકડાઉનને કારણે તૈયારીઓ કરવામાં મદદ મળી અને તેનાથી સંખ્યાબંધ મોત ટાળવામાં મદદ મળી છે.

જોકે રસપ્રદ વાત એ રહી છે કે યુકે, ઇટાલી, યુએસમાં લૉકડાઉન ખૂલ્યા પછી કેસમાં થતો વધારો તીવ્ર નથી રહ્યો. જ્યારે ભારતમાં લૉકડાઉન ખૂલ્યું પછી કેસમાં વધારો સતત થતો જ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મહાનગરોમાં કોરોનાના કેસ વધ્યા છે. તથા ભારતમાં કુલ કેસનો આંકડો પણ ફરીથી વધ્યો છે. જેને પગલે સરકારે કેટલાંક પગલાં જાહેર કર્યાં છે. આથી ફરીથી કોરોનાના કેસની સ્થિતિનો મામલો ગરમાયો છે.

ઑગસ્ટ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાની યોજના

કેટલાક નિષ્ણાતો માને છે કે સાઉથ આફ્રિકા, બ્રાઝિલ અને યુકેમાં વાઇરસના નવા વેરિયન્ટ બહાર આવી રહ્યા છે તે ચિંતાનું મુખ્ય કારણ છે.

ભારતમાં મોટી સંખ્યામાં લોકો હજુ પણ કોરોનાના સંસર્ગમાં આવ્યા નથી, તેથી કોઈ પ્રભાવશાળી સ્ટ્રેઇન સરળતાથી એવા વિસ્તારમાં પહોંચી શકે છે જ્યાં હજુ સુધી ચેપનું પ્રમાણ ઓછું છે અને તેના કારણે રોગચાળો વિસ્તરી શકે છે.

જાન્યુઆરીના અંત સુધીમાં ભારતમાં યુકે વેરિયન્ટના 160થી વધારે કેસ નોંધાયા હતા. બીજા વેરિયન્ટ ભારતમાં પહેલેથી પ્રસરી ગયા છે કે નહીં તે જાણી શકાયું નથી. ભારતમાં કોરોનાના ઘરઆંગણાના વેરિયન્ટ હોય તેવી પણ શક્યતા છે.

ભારતે અત્યારે તેના રસીકરણના કામમાં વેગ લાવવાની જરૂર છે. એક મહિનાની અંદર દેશમાં લગભગ 60 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

ભારત ઑગસ્ટ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાની યોજના ધરાવે છે, જેથી બીજી વેવના કારણે મોટા પાયે રોગચાળો ન ફેલાય.

ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ લોકોને હજુ પણ વધારે પડતા આત્મવિશ્વાસમાં ન આવી જવા અને સામાજિક અંતર જાળવવા, ભીડવાળી જગ્યાએ ન જવા અને ફેસ માસ્ક પહેરવાની સલાહ આપી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો