You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ વૅક્સિન મહિલાની પ્રજનનશક્તિને નુકસાન કરે છે એ વાત કેટલી સાચી છે?
- લેેખક, રેચલ સ્રેઅર
- પદ, બીબીસી રિયાલિટી ચૅક
નિષ્ણાતોના મતે સોશિયલ મીડિયા પર કોરોનાની રસીની સ્ત્રીના ગર્ભધારણ કરવાની ક્ષમતા પર વિપરીત અસર પડવાની વાત નિરાધાર છે.
સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટોમાં એવો ખોટો દાવો કરાયો છે કે કોરોના સામે રક્ષણ આપતી Pfizer વૅક્સિન સ્ત્રીઓને વંધ્યા બનાવી શકે છે. તેમજ તેમના શરીરની પ્રણાલીને જ ગર્ભાવસ્થા દરમિયાન મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા અંગ એવા ‘પ્લેસેન્ટા’ને નુકસાન કરવા પ્રેરે છે.
રોયલ કૉલેજ ઑફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ ઍન્ડ ગાયનેકોલોજિસ્ટ્સનાં પ્રવક્તા અને કિંગ્સ કૉલેજ લંડનનાં પ્રોફેસર લુસી ચૅપલે આ વિશે કહ્યું કે, “’એવું કોઈ બુદ્ધિગમ્ય જૈવિક તંત્ર’ નથી જેના થકી વૅક્સિન કોઈની ગર્ભધારણ કરવાની ક્ષમતા પર અસર કરી શકે.”
વૅક્સિન કઈ રીતે કામ કરે છે?
વૅક્સિન તમારા શરીરને એક બ્લુપ્રિન્ટ થકી સંદેશો મોકલીને કામ કરે છે. જે થકી શરીરમાં કોરોના વાઇરસના બિનનુકસાનકર્તા નાના સ્પાઇક બને છે.
જે તમારી રોગપ્રતિકારક શક્તિને ઍક્શન મોડમાં આવવાનો સંકેત આપે છે. જેથી તમારું શરીર વાઇરસ સામે લડતા ઍન્ટિબોડી અને શ્વેતકણો બનાવે છે. જે ભવિષ્યમાં પણ આ વાઇરસને ઓળખી શકે છે.
તે તમને વાઇરસથી સંક્રમિત કરતી નથી, તેમજ તેની પાસે તમારી જેનેટિક ઇન્ફૉર્મેશનને અસર કરવાની કોઈ સુવિધા હોતી નથી.
વૅક્સિન દ્વારા શરીરમાં બનતા ‘મૅસેન્જર પાર્ટિકલ’ ખૂબ જ ઓછું જીવે છે અને સંદેશો વહન કરતાંની સાથે જ તે નાશ પામે છે. આ જ કારણ છે કે Pfizer વૅક્સિનને આટલી કાળજી સાથે સ્ટોર કરવાની હોય છે કારણ કે આ જેનેટિક મટિરિયલ અલગ પડી જાય છે અને સરળતાથી બિનકાર્યક્ષમ બની જાય છે.
યુનિવર્સિટી ઑફ લીડ્સનાં વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર નિકોલા સ્ટોનહાઉસ કહે છે કે, “રસીકરણની પ્રજનનશક્તિ પર કોઈ અસર પડે તેનો કોઈ સંભવિત રસ્તો તેમને દેખાતો નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુરાવા શું કહે છે?
યુ. કે. સરકાર દ્વારા અગાઉ બહાર પડાયેલી માર્ગદર્શિકા બતાવી કેટલાક લોકોએ ઑનલાઇન Pfizer વૅક્સિન અંગે શંકા ઉત્પન્ન કરી હતી. આ માર્ગદર્શિકામાં જણાવાયેલ હતું કે Pfizer વૅક્સિનની પ્રજનનશક્તિ પર અસર પડે છે કે કેમ તે અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. જોકે, આ માર્ગદર્શિકા અપડેટ કરીને આ અંગેની આશંકા પર પૂર્ણવિરામ મૂકી દેવાયું છે. હવે માર્ગદર્શિકામાં લખાયું છે કે પ્રાણીઓ પર થયેલાં પરીક્ષણોથી ખબર પડી છે કે પ્રજનનક્ષમતા પર આ રસીની કોઈ ખરાબ અસર થતી નથી.
અહીં મોટા ભાગની સમસ્યા વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા શબ્દપ્રયોગ અને આપણા દૈનિક જીવનમાં તેના અર્થ સમજવાના આધારે સર્જાઈ છે.
જ્યારે વૈજ્ઞાનિકો એવું કહે છે કે “એ વાતના કોઈ પુરાવા નથી” તો તેઓ એવું કહેવા માગે છે કે આ વૅક્સિન પર લાંબા ગાળાનો કોઈ અભ્યાસ કરાયેલ નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે એ વાતમાં કોઈ તથ્ય નથી કે આપણે અંધારામાં ગોળીબાર કરીએ છીએ.
પ્રોફેસર ચૅપલ જણાવે છે કે, ફ્લુ સામે રક્ષણ આપતી ઘણી નોન-લાઇવ વાઇરસ વૅક્સિનની ગર્ભ ધારણ કરવાની ક્ષમતા પર કોઈ અસર થતી નથી તેમજ તે પ્રેગનન્સી સમયે લેવી પણ હિતાવહ હોવાના ઘણા પુરાવા છે.
પ્રોફેસર સ્ટોનહાઉસ કોરોના વાઇરસની વધુ એક ભયાનક અસર તરફ ધ્યાન દોરતાં જણાવે છે કે, “કોવિડ-19 વાઇરસની વાત કરીએ તો આ વાઇરસનો ચેપ લાગ્યા બાદ ગર્ભધારણ સંબંધિત સમસ્યા થવાની વધુ આશંકા છે. ના કે તેની રસીના કારણે.”
‘પ્લૅસેન્ટા અંગેના ખોટા દાવા’
કેટલીક અફવાઓમાં દાવો કરાયો છે કે આ રસીની રોગપ્રતિકારક ક્ષમતા પર અસર પડી શકે છે કારણ કે તેમાં પ્લૅસેન્ટા રચવા માટે ઉપયોગી એવા પ્રોટીન હોય છે. સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટોમાં દાવો કરાયો છે કે આના કારણે આપણું શરીર પ્લૅસેન્ટા પર હુમલો કરી શકે છે.
આ વાત ખરી નથી. જોકે, વૅક્સિનમાં પ્લૅસેન્ટાના સર્જન માટે ઉપયોગી પ્રોટીન જેવા થોડા મળતા આવતા પ્રોટીન હોય છે પરંતુ આ સામ્યતા આપણા શરીરને પ્લૅસેન્ટા પર હુમલો કરવા પ્રેરવા માટે પૂરતી નથી.
વૅક્સિન વાઇરસના સ્પાઇકના કેટલાક વિશિષ્ટ ભાગોના આધારે બનાવવામાં આવે છે, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે આપણું શરીર માત્ર તેને જ ઓળખી શકે.
પ્રોફેસર ચૅપલ આ અંગે વાત કરતાં કહે છે કે, રસીમાં રહેલા પ્રોટીન પ્લૅસેન્ટાની રચનામાં ઉપયોગી પ્રોટીન સાથે મળતા આવે છે તે વાત એટલી મહત્ત્વની નથી. કારણ કે કુદરતમાં ઘણા એકસમાન પ્રકારના પ્રોટીન રહેલા છે. દરેક પ્રોટીનને તેની ચોક્કસ લંબાઈ અને સિક્વન્સ વિશિષ્ટ બનાવે છે.
ઇંગ્લૅન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર જોનાથન વૅન ટામે બીબીસીના એક દર્શકના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “મેં ક્યારેય એવી વૅક્સિન વિશે નથી સાંભળ્યું જે ગર્ભધારણની ક્ષમતા પર અસર કરતી હોય.”
તેઓ આ વાતને “એક ગભરાવનારી કહાણીથી વધુ કશું નથી માનતા.”
ગર્ભાવસ્થા દરમિયાન શું?
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને સ્વાભાવિકપણે ખૂબ ચિંતિત હોય છે.
આ કારણે જ પ્રેગનન્સી દરમિયાન મહિલાઓને અપાતી સારવાર અંગે ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે.
આ જ કારણ છે કે કોવિડ વૅક્સિનની વાત હોય કે બીજી કોઈ વૅક્સિન, સગર્ભા સ્ત્રીઓને સામાન્ય રીતે ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ કરવામાં આવતી નથી.
વૅક્સિન હાનિકારક ડ્રગ કરતાં ઘણી અલગ હોવા છતાં મોટા ભાગની સ્વાસ્થ્ય સેવાઓ આ અવસ્થાને લઈને ઘણી સચેત હોય છે.
જ્યાં સુધી સગર્ભા સ્ત્રીઓને કોવિડ-19નો અસામાન્ય ખતરો ન હોય ત્યાં સુધી તેમને રસી આપવાની ભલામણ કરવામાં આવતી નથી.
યુ. કે.ની સરકારનું કહેવું છે : “વૅક્સિનનું ગર્ભાવસ્થા દરમિયાન ટેસ્ટિંગ હજુ થયું નથી. તેથી જ્યાં સુધી વધુ માહિતી ન ઉપલબ્ધ થાય. સગર્ભા સ્ત્રીઓને સામાન્ય રીતે રસી અપાવવી જોઈએ નહીં.”
હેલ્થકૅરમાં અન્ય તમામ વસ્તુઓની જેમ જુદાં જુદાં જોખમો વચ્ચે સંતુલન સ્થાપવાનું તત્ત્વ હોય છે.
સામાન્ય પેઇનકિલરના કારણે પણ અલ્સર કે ઇન્ટરનલ બ્લિડિંગ જેવી સમસ્યા સર્જાવાનું જોખમ રહેલું હોય છે. પરંતુ તેની સાથે સંકળાયેલું જોખમ એટલા ઓછા લોકો માટે હોય છે કે તે તેના ફાયદાઓની સાપેક્ષે ઘણું વામણું કહી શકાય.
તેથી જીવન સામે જોખમ ઊભું કરનાર બીમારી સામે રક્ષણ આપતા રસીકરણની બાબતમાં પણ આ વાત યોગ્ય ઠરે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો