You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત, કૅપિટલ હિલ હિંસા ભડકાવવાના આરોપમાંથી મુક્ત કઈ રીતે થયા?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સેનેટે 6 જાન્યુઆરીએ કૅપિટલમાં હિલમાં થયેલી હિંસાને ભડકાવવાના આરોપમાંથી મુક્ત કરી દીધા છે.
આ પહેલાં સેનેટે શનિવારે પાંચમા દિવસે ટ્રમ્પ સામે બીજી વખત લવાયેલા મહાભિયોગના પ્રસ્તાવ પર સુનાવણી પૂર્ણ કરીને મતદાન કર્યું હતું.
મતદાનમાં 57 સેનેટરોએ તેમને દોષી ગણ્યા, જ્યારે 43 સેનેટરોના મતે તેઓ દોષી નથી.
એવામાં ટ્રમ્પને દોષી ઠેરવવા માટે આવશ્યક બે તૃતીયાંશ એટલે કે 67 વોટની જરૂર હતી, જે મળી શક્યા નથી.
શનિવારે ડેમોક્રેટ્સે પોતાનો પક્ષ મૂક્યા બાદ ટ્રમ્પના બતાવમાં દલીલ સાંભળવા માટે બે કલાકનો સમય નક્કી કર્યો હતો, જે બાદ સેનેટમાં મતદાન થયું હતું.
ટ્રમ્પના વકીલ માઇકલ વૉન ડેર વીને તેમના બચાવમાં કહ્યું કે કૉંગ્રેસ પર હુમલો સુનિયોજિત હતો અને એ માટે પહેલાંથી યોજના બનાવાઈ હતી, આ ઘટનાને ટ્રમ્પના ભાષણ સાથે જોડીને ન જોવું જોઈએ.
તેમણે પોતાની આખરી દલીલમાં કહ્યું કે અભિયોજન પક્ષ જે મામલો લાવ્યો છે, તેનો કોઈ કાનૂની આધાર નથી.
તેમણે કહ્યું કે સેનેટે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને સુનાવણી જલદીથી ખતમ કરવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પના બચાવમાં કેવી દલીલો થઈ?
ડોનાલ્ડ ટ્રમ્પના બચાવમાં તેમના વકીલોએ ડૅમોક્રૅટિક પાર્ટીના સભ્યોના શબ્દોનો જ તેમની વિરુદ્ધ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ટ્રમ્પની લીગલ ટીમે લીડ ઇમ્પિચમૅન્ટ મૅનેજર જેમી રસ્કિન સહિત હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યોની એ જૂની વીડિયો ક્લિપ રજૂ કરી, જેમાં તેઓ પહેલાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોનો વિરોધ કરતાં દેખાઈ રહ્યા હતા.
ટ્રમ્પના વકીલોએ પૂછ્યું, જો ડૅમોક્રૅટ્સ ચૂંટણીનાં પરિણામોને પડકારી શકે, તો ટ્રમ્પ કેમ નહીં?
વીડિયો ક્લિપમાં ડૅમોક્રૅટ્સનાં નિવેદનો બાદ એ ફૂટેજ દેખાડવામાં આવ્યાં, જેમાં પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાની ઝલક હતી.
ટ્રમ્પના વકીલ માઇકલ વેન દ બ્લીને ધ્યાન અપાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડનના ચૂંટણીઅભિયાનનો નારો 'અ બૅટલ ફૉર ધ સોલ ઑફ અમેરિકા' (અમેરિકાના આત્મા માટે એક યુદ્ધ) હતો.
બ્લીને કહ્યું કે તેઓ એવું નથી ઇચ્છતા કે ડૅમોક્રૅટ્સને સજા મળે બલકે તેઓ તો એ જણાવવા માગે છે કે આવી નિવેદનબાજી અમેરિકાના રાજકારણનો ભાગ રહી છે.
તેમણે કહ્યું કે બની શકે કે આ રાજકીય કટુતા ઓછી કરવા માટેનો સમય હોય પરંતુ ટ્રમ્પના ભાષણને મહાભિયોગ અને દોષી જાહેર કરવાનો આધાર બિલકુલ ન બનાવી શકાય.
વકીલ ડેવિડ સ્કૂને ટ્રમ્પના વર્ષ 2017માં વર્જીનિયામાં વંશીય શ્રેષ્ઠતાવાદી (શ્વેત શ્રેષ્ઠ છે)ની રેલીના હિંસક થયા બાદનું એક નિવેદન ચલાવ્યું હતું.
આ નિવેદનમાં ટ્રમ્પે કહ્યું હતું કે 'બંને પક્ષોમાં સારા લોકો છે.' ટ્રમ્પના આ નિવેદનની ઘણી ટીકા થઈ હતી.
સ્કૂને કહ્યું કે અસલિયતમાં ટ્રમ્પે આ નિવેદન હિંસા થઈ તેની એક રાત્રિ અગાઉ થયેલા શાંતિપૂર્ણ પ્રદર્શન માટે આપ્યું હતું. જોકે તેમણે એ જ રાત્રે બનેલી એ ઘટનાનો ઉલ્લેખ ન કર્યો, જેમાં મશાલો લઈને કેટલાંક સમૂહોએ 'જ્યૂઝ વિલ નૉટ રિપ્લેસ અસ' (યહૂદી અમારી જગ્યા ન લઈ શકે)ના નારા લગાવ્યા હતા.
મામલાની કાર્યવાહીને લાઇવ જોનારા પત્રકારો પ્રમાણે ડેવિડ સ્કૂન જ્યારે દલીલો મૂકી રહ્યા હતા, ત્યારે એવી ઘણી તકો સર્જાઈ જ્યારે ડૅમોકૅટિક પાર્ટીના સભ્યોએ તેમને સંદેહભરી નજરે જોયા હોય.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો