'વિજય રૂપાણી ગુજરાતના કોઈ એક ગામને અસ્પૃશ્યતામુક્ત કરી બતાવે'- મેવાણી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન કરે છે. દલિતો, બેરોજગારો અને એ ઉપરાંત અને સ્થાનિક તથા રાષ્ટ્રીય મુદ્દે તેઓ સતત સરકારની ટીકા કરતા રહે છે.

બીબીસી સાથેની વાતચીતમાં જિગ્નેશ મેવાણીએ વર્તમાન ગુજરાત સરકાર, ભાજપ અને દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે વાત કરી હતી. આ ઉપરાંત એમના મતવિસ્તાર વડગામ બેઠક અંગે પણ પણ વાત કરી હતી. મેવાણીએ સરકાર પર કેટલાક આરોપો પણ લગાવ્યા હતા.

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની જિગ્નેશ મેવાણી સાથેની મુલાકાત.

સવાલઃ તમે હંમેશાં સરકાર અને ભાજપનો વિરોધ કરતા હોવ છો પણ ધારાસભ્ય તરીકે કેટલાંક કામ સરકાર સાથે સંકલન સાધીને કરવા પડે છે. તમે કેવી રીતે કરો છો?

જવાબઃ સામાન્ય રીતે લોકોની ઈમ્પ્રેશન એવી છે કે તમે વિપક્ષમાં હોવ એટલે કામ તો તમારા સત્તાધારી પક્ષના માણસ જેટલા નહીં જ થવાના અને એ એકદમ પાક્કી વાત છે. પણ તમને જો લડતા આવડતું હોય, સરકારને ઝૂકાવતાં આવડતું હોય અને બ્યૂરોક્રેટસનો કાન આમળતા આવડતું હોય તો તમારાં ઘણાં બધાં કામ થાય. બીજું કે તમારી નિસબત સાચી અને ઊંડી હોય અને તમે ખંતપૂર્વક લાગેલા રહ્યા હોય તો સત્તાધારી પક્ષની અંદર પણ કેટલાક માણસો હોય, જેમનું હૃદય પરિવર્તન થાય.

સવાલઃ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આંબેડકરના સપનાનું ભારત બની રહ્યું છે. તમે આ અંગે શું કહો છો?

જવાબઃ બીજેપીનો જન્મ આર.એસ.એસ.માંથી થયો છે. અનેક વખત એમના દસ્તાવેજોમાં, પબ્લિક સ્પીચમાં અને જાહેર મંચ ઉપર કહી ચૂક્યા છે કે અમારે ડૉ. આંબેડકરનું બંધારણ નહીં પણ મનુસ્મૃતિ જોઈએ છે. એ કૅમ્પનો કોઈ માણસ આવીને કહે કે અમે આંબેડકરના સપનાનું ભારત બનાવીશું. વૉટ એ જોક.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો અસ્પૃશ્યતા નાબૂદી માટેના અભિયાનનો જે પરિપત્ર હતો એ પરિપત્ર જ આખો રદ કરી નાખ્યો છે. એનો મતલબ એમ કે ગુજરાતમાં અસ્પૃશ્યતા જીવતી રહે એમ સરકાર ઇચ્છે છે.

ગુજરાતની વિધાનસભામાં હું ત્રણ વાર બોલ્યો છું કે માનનીય વિજયભાઈ રૂપાણી તમારી પસંદગીનું કોઈ એક ગામ તમે અસ્પૃશ્યતામુક્ત કરી બતાવો, હું તમારી જોડે રહીશ. એટલું પણ કરવા તૈયાર નથી.

સવાલઃ અલ્પેશ ઠાકોર પહેલાં તમારી સાથે હતા અને હવે ભાજપમાં છે. આ વિશે શું કહેવા માગો છો?

જવાબઃ આજે પણ અલ્પેશભાઈનું સ્વાગત છે. એ ખોટી જગ્યાએ છે. ત્યાંથી મુક્ત થઈ જાઓ.

સવાલઃ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં તમે અલ્પેશ ઠાકોરને સમર્થન આપ્યું હતું અને એમણે પણ તમારા માટે પ્રચાર કર્યો હતો. હવે તેઓ તમારા માટે પ્રચાર ન કરી શકે તો એ વોટની ખોટ તમને નડશે? ઠાકોર સમાજના મત તમને મળશે?

જવાબઃ મને એવું લાગે છે કે અલ્પેશભાઈ મારું સીધી રીતે સમર્થન કરી શકે કે ન કરી શકે. પણ હું જે પ્રમાણેનો માણસ છું, જે પ્રમાણે ગ્રાસરૂટ લેવલ પર વંચિત વર્ગો માટે કામ કરું છું, ડેફિનેટલી એ કોઈ પણ જગ્યાએ હોય અને અને કોઈ પણ પાર્ટીમાં હોય એમની સહાનભૂતિ મારી સાથે રહેવાની જ. તેમજ ઠાકોર સમુદાય એ સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે અને ખેતમજૂર છે. આખા લૉકડાઉનમાં હજારો ઠાકોર પરિવારોને મનરેગામાં જે લાભ મળ્યો, તેઓ મને નહીં ભૂલે.

સવાલઃ શા માટે રામદાસ આઠવલે અથવા માયાવતી તમને સપોર્ટ નથી કરતા અથવા તમે એ લોકોને સપોર્ટ નથી કરતા?

જવાબઃ રામવિલાસ પાસવાનજી તો આપણી વચ્ચે નથી રહ્યા પણ એમના દીકરા ચિરાગ છે. એમની પાર્ટીનું ગઠબંધન એનડીએ સાથે છે અને હું એમની સામેના કૅમ્પમાં ઊભો છું. અમારી વચ્ચે ક્યાંથી મેળ થાય?

સવાલ : પણ તમે તો અનેક મુદ્દાઓ પર કોમન ગ્રાઉન્ડની વાત કરો છો તો પણ?

જવાબ : સહમત. આ મુદ્દે કોમન ગ્રાઉન્ડ ઊભું કરવા હું તૈયાર છું, એ શરતે કે બીજેપીનો સાથે છોડે. જેઓ આટલી એન્ટી દલિત માનસિકતા સાથે ચાલે છે, એમના સપોર્ટની શી જરૂર છે.

સવાલઃ તમે વિધાનસભામાં ઊહાપોહ તો ખૂબ મચાવો છો પરંતુ તમે પૂછેલા કેટલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું?

જવાબઃ વિધાનસભામાં વિપક્ષ દ્વારા પૂછાતા પ્રશ્નો અને એમની રજૂઆતોને આ સરકાર ગંભીરતાથી નથી લેતી. કેમ કે 25 વર્ષથી ભાજપમાં એક પ્રકારનું અભિમાન આવી ગયું છે કે ચૂંટણી રાજનીતિમાં એમને એવી ગેમ સેટ કરતા આવડે છે કે વિપક્ષ ગમે તેટલા ધમપછાડા મારે તેમનાં કામો નહીં કરીશું અને છતાં પણ જીતીશું.પ્રજાને ધર્મનું અફીણ જે પીવડાવ્યું છે એના કારણે તેમનામાં અભિમાન આવી ગયું છે કે ચૂંટણી વખતે અમે બધું મૅનેજ કરી લઈશું, વિપક્ષને બોલવા દો. આ અભિગમ ન હોવો જોઈએ. કોઈ પણ સત્તાધારી વિપક્ષને આ પ્રમાણે અવગણતું હોય એ છેલ્લાં 50 વર્ષમાં જોવા નથી મળ્યું.

સવાલઃ તમે કહો છે કે સરકારમાં ખામી છે. તો બે દાયકાથી ભાજપ ગુજરાતમાં કેમ ચૂંટાય છે?

જવાબઃ ઈલેકટોરલ પૉલિટિક્સનું ગ્રામર આપણા દેશમાં એવું છે કે બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર પોતે પણ ચૂંટણી હારી ગયા હતા. એમને પશ્ચિમ બંગાળથી રાજ્યસભામાં મોકલવા પડ્યા હતા. ભાજપે જે કૌભાંડો અને સ્કેમ્સ કર્યાં છે અને ધર્મના નામે જે ડિવિઝન ઊભું કર્યું છે, એને પારખીને અમને સાઈડમાં કરવા માટે જે ચેતના પ્રજામાં જાગૃત થવી હોવી જોઈએ, મને લાગે છે કે ક્યાંકને ક્યાંક એમાં વિપક્ષ તરીકે અમે કાચા પડીએ છીએ. ભાજપ પાસે જે પ્રોપેગેન્ડા મશીન છે, એની કોઈ સરખામણી નથી. એની ભૂરકીમાં પ્રજા આવી ગઈ છે.

સવાલઃ તમારા વિશે એક છાપ એ છે કે તમે ઍરોગેન્ટ છો. શું કહેવું છે?

જવાબઃ હું બોલવામાં આકરો છું, કઠોર છું, પણ ઍરોગન્ટ નથી. ભાજપ સાથે ગમે તેટલા મતભેદો હોય પણ હું સંવાદ કરી શકું છું. હું મીડિયામાં એકથી અનેક વખત નાનાં-મોટાં નિવેદનો માટે બિન્દાસ માફી માગી શકું છું. હું સૉરી કહી શકું, ભૂલનો સ્વીકાર કરી શકું છું. અમુક વાઇરલ થયેલા ઑડિયો અને વીડિયો માટે માફી માગી છે.

સવાલઃ તમે કોઈ પાર્ટીમાં કેમ જોડાતા નથી?

જવાબઃ હું અપક્ષ તરીકે મારી જગ્યાને બહુ માણી રહ્યો છે. જે મુદ્દાઓની રજૂઆત કરવાની તક મને વિધાનસભામાં નથી મળતી તે મને રોડ પર અને મીડિયામાં કરતા આવડે છે.

સવાલઃ તમે ચૂંટાયા બાદ વડગામની કેટલી વખત મુલાકાત લીધી છે?

જવાબઃ 12-15 ગામોને બાદ કરતાં લગભગ મતવિસ્તારનો 90 ટકા એરિયા અમે ત્રણ વખત કવર કર્યો છે. અમે એવો ઉપક્રમ રાખ્યો છે કે લોકો અમારી ઑફિસ આવે એના બદલે 5-6 લોકો જે અમારી ઑફિસમાં કામ કરે છે એ આખી ઑફિસ લઈને ગામડામાં જઈએ છીએ.

સવાલઃ એવા કયા કામો છે જે નથી થયાં?

જવાબ : એક પુસ્તકાલય-કમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસીની તૈયારી કરી શકાય એવું પુસ્તકાલય બનાવવા માગું છે, જે હું કરી શક્યો નથી. જોકે પુસ્તકાલય માટે સારી એવી જમીન ખરીદવી પડે અને મારી પાસે એટલાં સંસાધનો નથી. સરકારી ઉપક્રમે ચાલતું આવે છે પણ એમાં મને બહુ રસ નથી પડતો.

સવાલ:કૃષિકાયદાથી ખેડૂતોને શું નુકસાન છે?

જવાબ : સૌથી મોટી એપીએમસી અને મંડીમાં, ત્યાં જે ભ્રષ્ટાચાર છે એેને દૂર કરવાની જરૂર છે, પરંતુ તેની જગ્યાએ સમગ્ર સ્ટ્રક્ચર હટાવીને તેને સંપૂર્ણ કૉર્પોરેટને માફક આવે એવી ડિઝાઇન તૈયાર કરાઈ છે.

આ ડિઝાઇન ખેડૂતો સમજી ગયા છે અને એટલા માટે રોડ પર છે. જ્યાં સુધી ખેડૂતોને પોતાનું નુકસાન ન દેખાય ત્યાં સુધી તેઓ રોડ પર નહીં આવે. આટલા લાખો માણસો બેઠા હોય. કંઈક તો કારણ હશે ને.

સવાલઃ સચીન અને અક્ષય કુમાર સૅલિબ્રેટીનાં ટ્વિટ વિશે શું કહેશો?

જવાબઃ એકદમ સરકારી ટ્વિટ છે. સચીન તેંડુલકર તમને એક સાદો સવાલ. છેલ્લાં 25-30 વર્ષમાં ભારતમાં 3.40 લાખ ખેડૂતોએ આપધાત કર્યો છે, એ માટે તમે ક્યારેય ટ્વિટ કર્યાં છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો