કોરોના વૅક્સિન : રાજ્યો અને કેન્દ્ર વચ્ચે રસીકરણને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે?

ભારતમાં કોરોનાની રસીની અછત વર્તાઈ રહી છે? શું બધી ઉંમરના લોકો માટે રસી મૂકવાની પરવાનગી મળવી જોઈએ ? શું ભારતમાં રસીને લઈને રાજકારણ રમાઈ રહ્યું છે?

દેશમાં કોરોનાની બે રસીનું મોટા પાયે ઉત્પાદન ચાલી રહ્યું છે છતાં કેન્દ્ર સરકાર સામે આવા કેટલાક સવાલો ઊભા છે?

દુનિયાના મોટા રસીઉત્પાદકોમાં સામેલ ભારતે જાન્યુઆરીમાં દુનિયાનું સૌથી મોટો રસીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.

એટલું જ નહીં વિશ્વના અનેક દેશોને રસી પહોંચાડવાનું ગૌરવ પણ ભારતની સરકાર લઈ રહી છે કે કોરોનાની વૈશ્વિક મહામારી સામેની લડતમાં ભારત પોતાની જ નહીં પરંતુ વિદેશના લોકોના પડખે પણ ઊભું રહ્યું છે.

શું ભારતમાં કોરોનાની રસીની અછત છે?

ભારતમાં કોરોના સંક્રમણના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. દરરોજ નવાનવા રૅકોર્ડ સર્જાઈ રહ્યા છે.

ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના નવા 1,26,789 કેસ નોંધાયા છે.

આ દરમિયાન 60 હજાર લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 685 લોકોનાં કોવિડ-19થી મૃત્યુ થયાં છે.

આ જોતાં કેન્દ્ર સરકારે ગત દિવસોમાં કોરોનાની રસનીના નિકાસ પર અસ્થાયી રોક લગાવી હતી. ત્યારે પ્રશ્ન એ ઊભા થઈ રહ્યા છે કે 'દેશમાં જ કોરોનાની રસીની કમી થઈ રહી છે?'

આ પ્રશ્ન એટલે પણ થાય કારણ કે અનેક રાજ્યો કોરોનાની રસીના ડોઝ ઓછા પડવા અને રસી મુકાવવા માટે વયસીમા 18 વર્ષ કરવાની વાત કહી રહ્યા છે.

સામે કેન્દ્ર સરકારનો દાવો છે કે વિશ્વમાં ભારતે દૈનિક રસીકરણ સરેરાશમાં અમેરિકાને પણ પાછળ મૂકી દીધું છે.

મહારાષ્ટ્ર સાથે વિવાદ

દેશમાં મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ છે.

ત્યારે મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રસીનો સ્ટૉક ખતમ થવાના આરે છે.

કેન્દ્ર સરકારના આંકડા મુજબ દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 89,49,560 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ રાજ્યમાં દરરોજ ચાર લાખથી વધારે લોકોને રસી અપાઈ રહી છે.

અખબાર મુજબ બુધવારે રાજેશ ટોપોએ કહ્યું હતું કે રાજ્યની પાસે કોવિડ-19 રસીની લગભગ 14 લાખ ડોઝ વધ્યા છે જે હાલમાં જે ગતિએ રસી અપાઈ રહી છે તેને જોતાં માત્ર ત્રણ દિવસ સુધી ચાલશે.

તેમણે કહ્યું કે આને કારણે કેટલાંક રસીકરણકેન્દ્રો બંધ કરવા પડશે અને ત્યાંથી રસી લેવા આવેલા લોકોને પાછા ફરવું પડશે.

તેમણે કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રને રસીની આપૂર્તિમાં પ્રાથમિકતા આપવાનું નિવેદન કર્યું છે.

તેમનો મત છે કે રાજ્યમાં મૃતકોની સંખ્યા 50 હજારને પાર કરી ગઈ છે એટલે રાજ્યને રસીની આપૂર્તિમાં પ્રાથમિકતા મળવી જોઈએ.

આ દરમિયાન તેમણે કહ્યું કે સંક્રમિત થનારા લોકોમાં મોટા ભાગના 25થી 40 વર્ષની વયના છે.

બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક નવા કેસોની સંખ્યા 59,907 થઈ હતી અને 24 કલાકમાં 322 મૃત્યુ નોંધાયાં હતાં.

એકલા પૂણેમાં બુધવારે 10 હજારથી વધારે નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રની પરિસ્થિતિ દેખીતી રીતે વધારે ચિંતાજનક છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર પોતે આ પરિસ્થિતિ માટે જવાબદાર છે અને પોતાની નિષ્ફળતા પરથી ધ્યાન હઠાવવા માટે આવાં નિવેદનો આપી રહી છે.

જોકે એનસીપીના પ્રમુખ અને ભારતના રાજકારણમાં વરિષ્ઠ ગણાતા શરદ પવારે ગુરુવારે કહ્યું કે કેન્દ્રની સરકારે રાજ્ય સરકારને કોરોનાની લડતમાં સહયોગ કર્યો છે અને આ મહામારી સામે લડવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે રહીને કામ કરવું પડશે.

દિલ્હી સરકાર સાથે વિવાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પત્ર લખીને 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો માટે કોરોનાની રસી આપવાનું શરૂ કરવા માટે કહ્યું હતું.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પત્ર લખીને 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો માટે કોરોનાની રસી આપવાનું શરૂ કરવા માટે કહ્યું હતું.

આ અંગે વાત કરતા દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે મુખ્ય મંત્રીએ બધા માટે રસીકરણ કાર્યક્રમને ખોલી દેવા અંગે પત્ર લખ્યો હતો.

"અમે બે વિનંતી કરી હતી જેમાં બધા વયસ્કોને રસી મૂકવાની પરવાનગી આપવાની વિનંતી કરી હતી. બીજું, માત્ર આરોગ્યકેન્દ્રો પર નહીં પરંતુ કૅમ્પ્સમાં પણ રસી મૂકવાની પરવાગની આપવા માટે કહ્યું હતું."

આ પહેલાં કેન્દ્ર સરકારે દિલ્હીની સરકારને પત્ર લખીને 45થી ઓછી ઉંમરના લોકોને રસી મૂકાવવા અંગેની ફરિયાદો પર ધ્યાન આપવા કહ્યું હતું.

'ધ હિંદુ' અખબારના અહેવાલ મુજબ વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ( વિમહન્સ) સહિત અન્ય સ્વાસ્થ્યસંસ્થાનોમાં 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોની ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થ વર્કર તરીકે રસી આપવા માટે નોંધણી કરવાની આવી રહી હોવાનું કેન્દ્ર સરકારના સચિવ રાજેશ ભૂષણે પત્ર લખ્યો હતો.

જોકે દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે કહ્યું કે દિલ્હીમાં રસીકરણ કાર્યક્રમ સારી રીતે ચાલી રહ્યો છે.

"રસીના થોડા ડોઝ અમને ગઈકાલે મળ્યા હતા અને 4-5 દિવસ સુધી રસીકરણ ચાલી શકે એટલા ડોઝ દિલ્હી પાસે છે."

છત્તીસગઢ અને હરિયાણાએ પણ રસીના ડોઝની કમી વિશે ફરિયાદો કરી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા હતા.

આઉટલુક ઇન્ડિયાના એક અહેવાલ મુજબ છત્તીસગઢ સરકારે સોમવારે કહ્યું હતું કે રાજ્ય પાસે 20-30 હજાર ડોઝ જ છે જોકે ત્યાર બાદ રાજ્યના આરોગ્યમંત્રીએ ટીએસ સિંહ દેવે કહ્યું હતું કે રાજ્યને 3,25,000 જેટલા ડોઝ મળ્યા હતા

ઓડિશામાં બંધ 50 ટકા રસીકરણકેન્દ્રો બંધ કરવાં પડ્યાં?

ઓડિશામાં પણ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ઓડિશાની સરકારે 700 જેટલા રસીકરણકેન્દ્રો પર રસીની અછતને કારણે રસીકરણ બંધ કરવું પડ્યું છે.

ઓડિશા સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 25 લાખ કોવિશિલ્ડ ડોઝની માગ કરી છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનને પત્ર લખીને ઓડિશાના આરોગ્ય તથા પરિવારકલ્યાણમંત્રી એ.કે. દાસે કહ્યું, "રસીની અછતને કારણે, અમારે 1400 રસીકરણકેન્દ્રોમાંથી 700 કેન્દ્રો બંધ કરવા પડ્યાં છે. માત્ર 755 રસીકરણકેન્દ્ર અત્યારે ચાલુ છે."

રસી રાજકારણનો આરોપ

કોરોનાની રસી મૂકવાને લઈને વયસીમા ઘટાડવા અને રસીની કમીને લઈને વિપક્ષ અને સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બધાને કોરોનાની રસી મૂકવા માટેની પરવાનગી મળે તેવી માગ કરી હતી.

તેમણે કહ્યું હતું કે 'બધાને સુરક્ષિત જીવન જીવવાનો અવસર મળવો જોઈએ.'

પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દર સિંહ, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત , મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તથા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ બધાને રસી મૂકવાની પરવાનગી આપવાની માગ કરી છે.

જોકે, કેન્દ્ર સરકાર બધાને રસી આપવા માટે તૈયાર નથી.

કેન્દ્ર આરોગ્યમંત્રાલયનું કહેવું છે કે ભારતે અમેરિકાને પણ કોરોનાના રસીકરણમાં પાછળ મૂકી દીધું છે અને ભારત કોરોનાની રસી મૂકવાના દૈનિક દરમાં સૌથી આગળ છે.

આંકડા પર નજર કરીએ તો દેશમાં હાલ સુધી 9,01,98,673 લોકોને કોરોનાની રસી મૂકી દેવાઈ છે. તેમાં પણ સૌથી વધારે રસીકરણ મહારાષ્ટ્રમાં થયું છે.

મહારાષ્ટ્ર સરકારના આરોગ્યમંત્રી રાજેશ ટોપેના એ નિવેદનને કેન્દ્રીય આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને એમ કહીને નકારવાનો પ્રયાસ કર્યો કે આવા નિવેદન ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

તેમણે કહ્યું, "હાલના દિવસોમાં કેટલીક રાજ્ય સરકારો તરફથી કોરોના મહામારીને લઈને ગેરજવાબદારીપૂર્વક વાતો સાંભળી છે. કેટલીય રાજ્ય સરકારો પોતાને ત્યાં મહામારીને નિયંત્રણમાં રાખવાના ઉપાયો નથી કરી શકી અને આવાં નિવેદનો લોકોનું ધ્યાન ભટકાવવા અને ભય ફેલાવવાનું કામ કરે છે."

તેમણે કહ્યું કે રસીકરણ-અભિયાનની આખી રૂપરેખા રાજ્યો સાથે વાત કરીને તૈયાર થઈ છે.

તેમણે રસીકરણ માટે વયસીમા 18 વર્ષની કરવાની રાજ્યોની માગને નકારતાં કહ્યું કે જ્યારે રાજ્યો આવું કહે છે ત્યારે એમ માનવું જોઈએ કે આનાથી વધારે વયના લોકોને રસી અપાઈ ગઈ હશે.

જોકે, આંકડા બીજું કંઈક સૂચવે છે. સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ ત્યારે કેન્દ્ર આરોગ્યમંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે 'રસી તેમના માટે નથી જેમને જોઈએ છે, પરંતુ તેમના માટે છે જેમના માટે જરૂરી છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો