ભારતમાં કોરોના વાઇરસનો કેર : 'પાર્ટી કરતાં પહેલાં ICUના કર્મચારીઓ વિશે વિચારજો'

    • લેેખક, વિકાસ પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી

જાન્યુઆરીના મધ્યમાં ડૉ. લાન્સલોટ પિન્ટોને લાગ્યું કે લગભગ એક વર્ષ સુધી સતત વ્યસ્ત રહ્યા બાદ હવે કદાચ તેઓ પોતાના પરિવાર સાથે થોડો સમય વીતાવી શકશે.

ડૉ. પિન્ટો એક પલ્મોનોલોજિસ્ટ છે અને મુંબઈની એક હૉસ્પિટલમાં કામ કરે છે. વર્ષ 2020 દરમિયાન કોવિડના કેસ સતત વધતા જતા હતા ત્યારે તેમનું આખું વર્ષ આ કેસનો સામનો કરવામાં વીતી ગયું હતું.

જાન્યુઆરીમાં દૈનિક કેસની સંખ્યા ઘટવા લાગી અને ભારતમાં દૈનિક ઇન્ફેક્શનની સંખ્યા 20,000થી પણ નીચે પહોંચી ગઈ. ગયા સપ્ટેમ્બરમાં દૈનિક 90,000 કેસ નોંધાતા હતા. ડૉ. પિન્ટોને જાન્યુઆરીમાં રાહતનો અનુભવ થયો હતો.

પરંતુ માર્ચ આવતા સુધીમાં સ્થિતિ ફરીથી બદલાઈ ગઈ અને કોવિડના કેસમાં તીવ્ર ઉછાળો નોંધાવા લાગ્યો. 4 એપ્રિલે ભારતે દૈનિક એક લાખ નવા કેસનો આંકડો વટાવ્યો હતો.

રોગચાળો શરૂ થયા પછી પહેલી વખત એક દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હતા. આ એક લાખથી વધુ કેસ પૈકી અડધા કરતાં વધારે કન્ફર્મ્ડ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા હતા.

તબીબો માનસિક રીતે તૈયાર નથી?

હવે ડૉ. પિન્ટોનો ફોન દર થોડી મિનિટે રણકતો રહે છે. કોવિડના દર્દીઓને દાખલ કરવા માટે તેમની પાસે દર્દીઓનાં સ્વજનોનાં ફોન આવતા રહે છે. તેઓ કહે છે, "અમે પહેલેથી દબાઈ ગયા છીએ. મારી હૉસ્પિટલમાં તમામ કોવિડ-19 પથારીઓ ભરાઈ ગઈ છે."

તેઓ કહે છે, તેઓ શાંત રહેવાનો પ્રયાસ કરે છે કારણ કે "તેમાં લોકોનો વાંક નથી."

"પરિવારમાં કોઈ બીમાર સભ્ય માટે પથારીની જરૂર પડે ત્યારે તમે ગમે તેની પાસે મદદ માગે તે સ્વાભાવિક છે."

તેઓ કહે છે કે તેમની હૉસ્પિટલમાં તેમની ટીમ સેકન્ડ વેવનો સામનો કરવા માટે શારીરિક રીતે વધુ સજ્જ છે.

તેઓ કહે છે કે હૉસ્પિટલમાં મોટા ભાગના લોકોએ રસી મૂકાવી દીધી છે અને સારવારનો પ્રોટોકોલ પણ સુધારવામાં આવ્યો છે.

પરંતુ અત્યારે કોઈ "માનસિક રીતે તૈયાર નથી".

તેઓ કહે છે, "અમારાથી થાય તે બધું અમે કરીએ છીએ. પરંતુ અમારી પાસે ગયા વર્ષ જેટલી માનસિક શક્તિ નથી."

ભારતની રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. ગુરુગ્રામ (દિલ્હીનું સબર્બ) ખાતે આર્ટેમિસ હૉસ્પિટલમાં ક્રિટિકલ કેરના હેડ ડૉ. રેશ્મા તિવારી બાસુ જણાવે છે કે, હૉસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા દરરોજ વધતી જાય છે.

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી રોજના 3500 કેસ નોંધાઈ રહ્યા છે. ડૉ. બાસુ કહે છે, "મુંબઈમાં જે થઈ રહ્યું છે તે આખરે દિલ્હીમાં પણ થશે."

સ્વાસ્થ્યકર્મીઓ દબાણમાં?

દિલ્હીની કેટલીક ખાનગી હૉસ્પિટલો પહેલેથી ફૂલ થઈ ગઈ છે. મારા એક સ્વજને રવિવારે ચાર જુદી જુદી પ્રાઇવેટ હૉસ્પિટલમાં પૂછપરછ કરી પરંતુ તેમને ક્યાંય પ્રવેશ ન મળ્યો. બધી જગ્યાએથી એક જ જવાબ મળ્યો કે બધી પથારીઓ ફૂલ છે.

ડૉ. બાસુ કહે છે કે આ વધારો અનપેક્ષિત ન હતો. પરંતુ લોકો ભૂલી ગયા કે રોગચાળો હજુ સમાપ્ત નથી થયો, તે બાબત તેમને પરેશાન કરે છે.

તેઓ કહે છે, "કેસમાં આવેલા ઉછાળાના કારણે હેલ્થકેર વર્કર્સ પર દબાણ વધી ગયું છે."

હૉસ્પિટલની બહાર દિલ્હી જેવા શહેરમાં જીવન રાબેતા મુજબ ચાલતું હોય તેમ લાગે છે. રેસ્ટોરાં અને નાઇટ ક્લબ્સમાં ભારે ભીડ છે, બજારો ખુલ્લાં છે અને ત્યાં ભીડ જોવા મળે છે. બહુ ઓછા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે અને માસ્ક પહેરે છે.

તેના કારણે મેદાંતા હૉસ્પિટલના ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટના ચૅરમૅન ડૉ. યતીન મહેતા નારાજ છે. તેઓ કહે છે કે ભારતને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે તક મળી હતી તે ગુમાવી દીધી છે.

તેઓ કહે છે, "કેસ ઓછા હતા તે સમયગાળાનો ઉપયોગ કરીને આપણે સેફ્ટી પ્રોટોકોલને મજબૂત બનાવવાની જરૂર હતી. આપણે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારવાની અને રસીકરણમાં વેગ લાવવાની જરૂર હતી." પરંતુ એવું નથી થયું. હવે ભારતમાં સેકન્ડ વેવ શરૂ થયો છે અને તે વધુ જીવલેણ હોય તેમ લાગે છે.

ફેબ્રુઆરી અગાઉ ડૉ. મહેતા તેમના પરિવારજનો સાથે થોડો વધારે સમય વિતાવી શકતા હતા. તેમને પત્ની, બે પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્રોને મળવાનું ગમતું હતું. પરંતુ હવે તેમનો ફોન સતત વાગતો રહે છે. તેમણે અમારા ઇન્ટરવ્યૂ વખતે પણ કેટલાક કોલના જવાબ આપવા પડ્યા હતા.

તેઓ કહે છે, લોકોએ યાદ રાખવાની જરૂર છે કે હેલ્થકેર પ્રોફેશનલ્સ થાકી ગયા છે અને તેમની ક્ષમતાની હદ સુધી જઈને કામ કરી રહ્યા છે.

તેઓ કહે છે, "આવું ક્યાં સુધી ચાલતું રહેશે તે મને ખબર નથી. અમે અમારાથી થાય તે બધુ કરીશું. પરંતુ સેકન્ડ વેવમાં અમારી સહનશક્તિની કસોટી થવાની છે."

અહીં માત્ર શારીરિક થાકની વાત નથી. ડૉ. મહેતાને સમગ્ર દેશમાં ડૉક્ટરોના માનસિક આરોગ્યની પણ ચિંતા છે.

તેઓ કહે છે, "તમે કોઈ પણ કામ કરતા હોવ. માત્ર એટલું વિચારો કે 24 કલાક, સપ્તાહના સાતેય દિવસ અને સામાન્ય કરતા 100 ગણા વધારે પ્રેશર હેઠળ કામ કરવું પડે તો શું થાય. અત્યારે દરેક ડૉક્ટર, નર્સ, હેલ્થકેર વર્કરની આવી જ હાલત છે."

તબીબો, સ્વાસ્થ્યકર્મીઓ થાકી ગયા છે?

અન્ય ડૉક્ટરો પણ એ બાબતે સહમત થાય છે કે હેલ્થકેર વ્યાવસાયિકોની માનસિક તંદુરસ્તીની નીતિનિર્ધારકોએ ચિંતા કરવી જોઈએ. ડૉ. બાસુ કહે છે કે થાક, તણાવ અને માનસિક આરોગ્ય એ એવા વિષયો છે જેના વિશે અત્યારે ડૉક્ટરો ચર્ચા પણ કરી શકે તેમ નથી.

"આપણે સીધે સીધું કૂદી પડવાનું છે અને મહામારીનો સામનો કરવાનો છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે અમારી કોઈ સમસ્યા નથી."

અનેક ડૉક્ટરો કહે છે કે અત્યારની કોરોના પિક વધારે થકવી નાખનારી છે કારણ કે "તેનો કોઈ અંત નથી દેખાતો."

ડૉ. પિન્ટો કહે છે કે રોગચાળાની શરૂઆતના મહિનાઓમાં લોકોને ભય હતો, પરંતુ સંખ્યા ઘટાડવા પર ફોકસ કરવામાં આવ્યું તેના કારણે ભય જતો રહ્યો હતો.

નવેમ્બરમાં પણ કેસ વધ્યા હતા, પરંતુ કેટલીક રસીઓ આવવાની તૈયારીમાં હતી અને હેલ્થકેર વર્કર્સને લાગ્યું કે હવે સમસ્યાઓનો અંત નજીકમાં છે. હવે અત્યારની પિકને કારણે તે આશા પણ રહી નથી.

ડૉ. પિન્ટો કહે છે, "આ એક યુદ્ધ લડવા સમાન છે જેનો અંત ક્યારે આવશે તે કોઈ નથી જાણતું."

રસીકરણના કારણે આશા પેદા થઈ છે કારણ કે 8 કરોડથી વધારે ડોઝ અત્યાર સુધીમાં અપાઈ ગયા છે. મોટા ભાગે ફ્રન્ટલાઇન કામદારોને તથા 60 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ છે. હવે 45 વર્ષથી વધુ વયના લોકોને પણ રસી ઉપલબ્ધ છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે રસીકરણની ઝડપ વધારવી જરૂરી છે.

માત્ર ડૉક્ટરો જ નહીં, નર્સ અને વોર્ડબોય્ઝ પણ થાકેલાં અને વધુ પડતા કામના બોજથી દબાયેલા છે.

તબીબોનું શું કહેવું છે?

તેમણે પીપીઈ કિટ પહેરીને લાંબા સમય સુધી કામ કરવું પડે છે, સાથે સાથે ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓની સારવાર પણ કરવી પડે છે.

કેરળમાં અર્નાકુલમ મેડિકલ કૉલેજ ખાતે નર્સ વિદ્યા વિજયન કહે છે, "લોકોએ જાતે પોતાના માટે સમસ્યા પેદા કરી છે."

તેઓ કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં લોકો બેદરકાર થઈ ગયા હતા.

હાલમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે તેમાંથી એક કેરળ પણ છે. રાજ્યમાં મોટી રેલીઓ યોજાઈ રહી છે, પરંતુ લોકો કે રાજકારણીઓ તેમાં સુરક્ષાના કોઈ પ્રોટોકોલનું પાલન કરતા નથી.

કેરળનું આરોગ્ય તંત્ર તેની કામગીરી માટે વખણાય છે, પરંતુ વિજયનને લાગે છે કે વધારે પડતા કામના બોજથી આરોગ્ય તંત્ર ધ્વસ્ત થઈ જશે.

તેઓ કહે છે, "અમે છેલ્લા એક વર્ષથી સતત પ્રેશર હેઠળ કામ કરીએ છીએ. જાન્યુઆરીમાં થોડી રાહત મળી હતી, પરંતુ તે તક ચૂકી જવાઈ હોય તેમ લાગે છે."

"હવે મને લાગે છે કે અમે ફરીથી યુદ્ધ લડી રહ્યા છીએ, પરંતુ અમારી શક્તિ ઘટી ગઈ છે. અમે હાર નહીં માનીએ. લોકોને મારી એટલી જ સલાહ છે કે બહાર પાર્ટી કરવા જતા પહેલાં આઇસીયુમાં કામ કરતા અમારા જેવો લોકોનો વિચાર કરો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો