You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મારવા સુલેહદોરઃ સુએઝ નહેર બ્લૉક કરવા બદલ મને જવાબદાર ગણવામાં આવી
- લેેખક, જોશુઆ ચીટમ
- પદ, બીબીસી ન્યૂઝ
ગયા મહિને મારવા સુલેહદોરને એક અજબ પ્રકારનો અનુભવ થયો.
વિવિધ મીડિયામાં એવી ખબર ફેલાયેલી હતી કે 'એવરગિવન' નામનું એક જહાજ સુએઝ નહેરમાં ફસાઈ ગયું છે, જેના કારણે વિશ્વના સૌથી વધુ વ્યસ્ત વ્યાપારિક માર્ગમાં અવરોધ પેદા થયો છે અને ઘણા જહાજ ટ્રાફિક જામમાં ફસાયા છે.
મારવાએ પોતાનો ફોન જોયો તો તેમને જાણવા મળ્યું કે ઇન્ટરનેટ પર એવી અફવા ફેલાયેલી છે કે નહેર બંધ થવા માટે તેઓ જવાબદાર છે.
ઇજિપ્તના પ્રથમ મહિલા જહાજ કૅપ્ટન મારવા કહે છે. "આવા સમાચારો વાંચીને મને આંચકો લાગ્યો."
જે સમયે સુએઝ નહેરના જળમાર્ગમાં અવરોધ પેદા થયો હતો ત્યારે સુલેહદોર ત્યાંથી સેંકડો માઈલ દૂર એલેક્ઝાન્ડ્રિયામાં "નાઇડા ફોર" નામના જહાજમાં ફર્સ્ટ મેટ કામ કરી રહ્યાં હતાં.
ઇજિપ્તની મેરીટાઈમ સેફ્ટી ઑથૉરિટીનું આ જહાજ રાતા સમુદ્રમાં આવેલી એક દીવાદાંડી સુધી આવશ્યક સામાન પહોંચાડે છે.
આરબ લીગ (કેટલાક આરબ દેશોએ વર્ષ 1945માં મળીને આ પ્રાદેશિક સંગઠન બનાવ્યું હતું) દ્વારા સંચાલિત યુનિવર્સિટીમાં આરબ એકૅડેમી ઑફ સાયન્સ, ટેકનૉલૉજી એન્ડ મેરીટાઈમ ટ્રાન્સપોર્ટ (AASTMT) ના વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે પણ આ જહાજનો ઉપયોગ થાય છે.
ઇન્ટરનેટ પર ફેલાયેલા અહેવાલમાં 'એવરગિવન' જહાજ સુએઝ નહેરમાં ફસાયું તેમાં મારવા સુલેહદોની ભૂમિકા હતી તેવા સ્ક્રીનશૉટ શેર કરવામાં આવતા હતા. આ સમાચાર કદાચ આરબ ન્યૂઝ નામની એક ન્યૂઝ વેબસાઈટમાં છપાયા હતા. તેમાં જણાવાયું હતું કે સુએઝ નહેરમાં થયેલી આ ઘટના સાથે તેઓ સંકળાયેલાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અહેવાલમાં મારવાની એક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને એડિટ કરવામાં આવી હતી.
આ તસવીર 22 માર્ચે આરબ ન્યૂઝના જ એક અહેવાલમાં પ્રકાશિત થઈ હતી. મારવા ઇજિપ્તનાં પ્રથમ મહિલા જહાજ કૅપ્ટન બન્યા તે અંગેનો આ અહેવાલ હતો. મારવાની બનાવટી તસવીરને અનેક વખત ટ્વીટર અને ફેસબૂક પર શેર કરવામાં આવી છે.
'કદાચ મહિલા હોવાના કારણે નિશાન બનાવાઈ'
'એવરગિવન' જહાજ ફસાયું તે વિશે ખોટી માહિતી ફેલાવવા માટે તેમના નામે કેટલાક બનાવટી ટ્વીટર એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યા હતા.
29 વર્ષના મારવા સુલેહદોરે બીબીસીને જણાવ્યું કે આવી અફવા કોણે અને શા માટે ફેલાવી તે વાતનો તેમને કોઈ ખ્યાલ નથી.
તેઓ કહે છે, "મને લાગે છે કે મને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવી છે કારણ કે આ ક્ષેત્રમાં હું એક સફળ મહિલા છું અને હું ઇજિપ્તની છું. પરંતુ હું ચોક્કસપણે ન કહી શકું કે આવું શા માટે થયું હશે."
ઐતિહાસિક રીતે પુરુષપ્રધાન ઉદ્યોગોમાં મારવાએ પડકારનો સામનો કરવો પડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઑર્ગેનાઇઝેશનના વર્તમાન આંકડા જોવામાં આવે તો જહાજો પર કામ કરનારાં લોકોમાં માત્ર બે ટકા જ મહિલાઓ છે.
મારવા કહે છે કે તેમને હંમેશા સમુદ્ર પ્રત્યે લગાવ હતો. તેમના ભાઈએ AASTMTમાં એડમિશન લીધું, તો તેમને પણ મર્ચન્ટ નેવીમાં જવાની પ્રેરણા મળી. પરંતુ તે સમયે AASTMTમાં માત્ર પુરુષોને જ પ્રવેશ અપાતો હતો.
આમ છતાં મારવાએ પ્રવેશ માટે અરજી કરી. ઇજિપ્તના રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકની સમીક્ષા પછી તેમને તેમાં પ્રવેશ મળ્યો.
રાષ્ટ્રપતિએ સન્માનિત કર્યા હતા
સુલેહદોર કહે છે કે અભ્યાસ દરમિયાન તેમણે લગભગ દરેક તબક્કે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કહે છે, "મારી સાથે અભ્યાસ કરનારામાં મોટા ભાગે મોટી ઉંમરના પુરુષો હતા જેઓ અલગ અલગ વિચાર ધરાવતા હતા. તેથી વાતચીત કરવા માટે સમાન વિચારોવાળી વ્યક્તિ શોધવી મુશ્કેલ હતી. પોતાની માનસિક તંદુરસ્તી જાળવવા માટે આ બધામાંથી એકલા હાથે પસાર થવું મોટો પડકાર હતો."
તેઓ કહે છે, "આપણા સમાજમાં આજે પણ લોકો એ વાત સ્વીકારવા તૈયાર નથી કે મહિલાઓ પોતાનાં પરિવારથી દૂર સમુદ્રમાં એકલી કામ કરી શકે છે. પરંતુ તમે જ્યારે તમને ગમતું કામ કરો ત્યારે તેના માટે બીજા કોઈની મંજૂરી લેવાની જરૂર નથી હોતી."
પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ મારવાએ જહાજમાં ફર્સ્ટ મેટ તરીકે કામ કર્યું. વર્ષ 2015માં પહોળી કરાયેલી સુએઝ નહેરમાં પ્રથમ વખત "આઇડા-ફોર" જહાજ ઉતારવામાં આવ્યું ત્યારે મારવાને તેના કૅપ્ટન બનાવાયાં હતાં.
તે સમયે તેઓ ઇજિપ્તનાં સૌથી નાની વયના અને પ્રથમ મહિલા કૅપ્ટન હતા, જેમણે સુએઝ નહેર પાર કરી હતી. વર્ષ 2017માં ઇજિપ્તમાં મહિલા દિવસના સમારોહમાં રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ-સીસીએ તેમને સન્માનિત કર્યાં હતાં.
જ્યારે સુએઝ નહેર બ્લૉક થયા પછી તેમના નામની અફવા ઊડી ત્યારે તેમને ભય લાગ્યો કે તેનાથી તેમના કામ પર અસર પડી શકે છે.
તેઓ કહે છે, "આ બનાવટી અહેવાલ અંગ્રેજીમાં હતા. તેથી અનેક દેશોમાં તાત્કાલિક આ સમાચાર ફેલાઈ ગયા. મેં આ સમાચારનો રદીયો આપવા ઘણા પ્રયાસ કર્યાં કારણ કે તેનાથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી હતી. આ અફવાના કારણે આ મુકામ સુધી પહોંચવા માટે મેં અત્યાર સુધી જે મહેનત કરી હતી તેના પર પાણી ફરી વળતું હતું."
જોકે, સુલેહદોર કહે છે કે તેમને જે પ્રકારની પ્રતિક્રિયા મળી તેનાથી તેમનો ઉત્સાહ વધ્યો છે. તેઓ કહે છે, "આ બનાવટી સમાચારવાળા લેખમાં ઘણી કૉમેન્ટ હતી જે નૅગેટિવ હતી. પરંતુ ઘણા સામાન્ય લોકો અને મારી સાથે કામ કરનારા લોકોએ તેમાં સકારાત્મક કૉમેન્ટ પણ લખી હતી."
"મેં એવી ટિપ્પણી પર જ ધ્યાન આપ્યું જે મારો ઉત્સાહ વધારતી હતી. મને જે પ્રેમ મળી રહ્યો હતો તેણે મારો ગુસ્સો ખતમ કરી દીધો અને મને લાગ્યું કે હું લોકોની આભારી છું. એ વાત પણ સાચી છે કે હવે મને અગાઉ કરતા વધુ લોકો ઓળખે છે."
કૅપ્ટનની ફૂલ રૅન્ક મેળવવા માટે મારવા સુલેહદોર આગામી મહિને ફાઈનલ પરીક્ષા આપવાનાં છે.
તેમને આશા છે કે તેઓ આ ઉદ્યોગમાં મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની રહેશે.
તેઓ કહે છે, "જે મહિલાઓ આ ઉદ્યોગમાં આવવા માંગે છે તેમને હું જણાવવા માગું છું કે તમે જે કામ કરવા માંગો છો તેના માટે લડતા ગભરાશો નહીં. નકારાત્મક વિચારોને ક્યારેય તમારા પર હાવી થવા ન દો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો