પાંચ કારણ : ભારતમાં કોરોના વાઇરસના કેસ આટલા બધા કેમ વધી ગયા?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના સંક્રમણના 96,982 નવા કેસ નોંધાયા છે. કોરોના મહામારીના આંકડામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો ગણાવાય છે. આરોગ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 446 દર્દીનાં મૃત્યુ થયાં છે.

આ આંકડા વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે મંગળવારે ભારતના આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન 11 રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે એક બેઠક કરી હતી. રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિનું આકલન કર્યું હતું. મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યોમાં આરોગ્ય મંત્રાલયની ટીમ મોકલવાનો નિર્ણય લેવાયો છે.

પરંતુ આવું શા માટે થઈ રહ્યું છે?

સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં આખરે એવું શું થયું જેના કારણે કોરોનાના કેસ આટલી ઝડપથી વધવા લાગ્યા?

હવે તો કોરોનાની રસી પણ આવી ગઈ છે અને આવી સ્થિતિમાં કેસ ઘટવા જોઈએ. તો પછી કેસ વધી કેમ રહ્યા છે?

પ્રથમ કારણઃ કોરોનાથી બચી ગયેલા લોકોની સંખ્યા ઘણી મોટી

ડૉક્ટર શાહીદ જમીલ દેશના જાણીતા વાઇરોલૉજિસ્ટ છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "કોવિડ 19ના દર્દીની સંખ્યામાં ભારે ઉછાળો ત્યારે જોવા મળ્યો છે જ્યારે મોટા પ્રમાણમાં લોકોને કોવિડનો ચેપ નથી લાગ્યો. દેશમાં અત્યાર સુધી થયેલા સીરો સરવેમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગના લોકો હજુ સુધી કોવિડ-19ના ચેપથી બચેલા હતાં.''

''આ લોકોને ચેપ લાગ્યો ન હતો. ઉદાહરણ તરીકે મુંબઈના પ્રાઈવેટ ઍપાર્ટમૅન્ટમાં રહેતા લોકોમાં હવે વધુ કેસ નોંધાય છે. લોકો ખાનગી હૉસ્પિટલોમાં વધારે ભરતી થાય છે. સરકારી હૉસ્પિટલોમાં પથારી હજુ પણ ખાલી છે. તે દર્શાવે છે કે ભારતમાં ખતરાના સકંજામાં આવી શકે તેમ હતા તેવા લોકો મોટી સંખ્યામાં છે. કોરોનાની બીજી લહેરમાં આ લોકો જ ફસાઈ ગયા છે."

સફદરજંગ હૉસ્પિટલમાં કૉમ્યુનિટી મેડિસિનના હેડ ડૉક્ટર જુગલ કિશોર સીરો સર્વે દ્વારા આ વાતને સમજાવે છે.

તેઓ કહે છે, "જે જગ્યાએ સીરો સર્વે થયો, ત્યાં દરેક વિસ્તારમાં જુદાજુદા આંકડા મળ્યા હતા. એટલે કે ક્યાંક 50 ટકા લોકોને કોવિડ થયો હતો, તો ક્યાંક 20 ટકા અથવા 30 ટકાને કોવિડ થયો હતો. ગામડાંમાં તેનું પ્રમાણ થોડું ઓછું હતું. લોકોને બચાવવા માટે સરકારે તેમને ઘરમાં રાખ્યા, બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકાયો. પરંતુ હજુ સુધી બચી ગયા તેનો અર્થ એવો નથી કે હવે આગળ કોવિડ-19 નહીં થાય.

''ઇન્ફેક્શન કંટ્રોલ ત્યારે થશે જ્યારે બધાના શરીરમાં ઍન્ટીબૉડી વિકસી જાય. હર્ડ ઇમ્યુનિટી ત્યારે જ કામ કરી શકે જ્યારે 60થી 70 ટકા લોકોના શરીરમાં ઍન્ટીબૉડી વિકસે અને બાકીના 40થી 30 ટકા લોકો પોતાની જગ્યા પર રહે. પરંતુ બાકીના 40થી 30 ટકા લોકો સફર કરવા લાગ્યા, લોકો એકબીજાને મળવા લાગ્યા તો હર્ડ ઇમ્યુનિટીનું કંઈ કરી ન શકાય. સીરો સરવે ખરો હતો. પરંતુ સમસ્યા આ 40થી 30 ટકા લોકોના કારણે છે, જેઓ અત્યાર સુધી બચી રહ્યા હતા અને હવે લોકોમાં ભળી રહ્યા છે."

બીજું કારણ - લોકો બેદરકાર બન્યાં

કોવિડ-19 ઍપ્રોપ્રિયેટ વર્તણૂકનો અર્થ થાય છે વારંવાર સાબુથી હાથ ધોવા, બે ગજનું અંતર રાખવું અને માસ્ક પહેરવો.

વૅક્સિન આવ્યા પછી લોકોએ વૅક્સિન લીધી હોય કે ન લીધી હોય, પરંતુ બધા એવું માની બેઠા છે કે હવે માસ્ક પહેરવાની, બે ગજનું અંતર રાખવાની અને વારંવાર હાથ ધોવાની જરૂર નથી.

બજારો ખૂલી ગયાં છે, પાંચ રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે, કુંભમેળો ચાલે છે, લોકો નોકરી પર જઈ રહ્યા છે.

ચૂંટણીવાળા વિસ્તારોની તસવીરો પરથી ખબર પડે છે કે લોકોએ કોવિડ-19 વિરુદ્ધ સાવધાની રાખવાનું બંધ કરી દીધું છે. તેમાં નેતાઓ પણ સામેલ છે. તેથી આ કારણોથી વાઈરસ ફરીથી આક્રમક બન્યો છે.

ડૉક્ટર જુગલ કિશોર કહે છે, "આ પ્રકારની બીમારીમાં દર્દીઓની સંખ્યામાં વધારો બે બાબતો પર આધારિત હોય છે.

1. સામાન્ય માનવી આ સ્થિતિમાં પોતાના બચાવ માટે પોતાના વર્તનમાં કેવો ફેરફાર કરે છે અને

2. વાઈરસના વ્યવહારમાં કેવી તબ્દીલી આવે છે."

"લોકો પોતાના વ્યવહારમાં તબ્દીલી લાવી શકે છે. શરૂઆતમાં લોકોએ કેટલાક ફેરફાર અપનાવ્યા હતા. તેઓ માસ્ક પહેરતા હતા, ઘરમાંથી ઓછું બહાર નીકળતા હતા, નિયમિત હાથ ધોતા હતા. હવે તેમણે આ બધું છોડી દીધું છે."

ત્રીજું કારણ - ઝડપથી વધતા મામલામાં મ્યુટેન્ટની ભૂમિકા

ડૉક્ટર જુગલે જણાવ્યા પ્રમાણે વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનું એક કારણ છે વાઇરસની વર્તણૂકમાં ફેરફાર.

વાઇરસમાં જે બદલાવ આવ્યો છે તેને મ્યુટેન્ટ કહેવાય છે. તેનાથી તે ઝડપથી ફેલાવા માટે સક્ષમ બન્યો છે.

આ અંગે મોટા અભ્યાસ ભલે ન થયા હોય પરંતુ કેટલાક નાના જીનોમિક સ્ટડી થયા છે. તે મુજબ ભારતમાં યુકે સ્ટ્રેન અને દક્ષિણ આફ્રિકાનો સ્ટ્રેન આવી ચુક્યો છે. મહારાષ્ટ્રના સૅમ્પલમાં આ ઉપરાંત બીજું એક મ્યુટેશન પણ મળ્યું છે, જેનો અભ્યાસ કરવાનો બાકી છે.

સરકારે સ્વયં સ્વીકાર્યું છે કે પંજાબમાં જેટલા મામલા બહાર આવ્યા છે જેમાં મ્યૂટેન્ટ વાઈરસ પણ છે. યુકે વૅરિઅન્ટ અત્યંત ઝડપથી સંક્રમણ ફેલાવે છે.

ચોથું કારણ -Rનંબર વધી રહ્યા છે

ડૉક્ટર ટી જૅકોબ જૉન ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ વેલ્લોરમાં વાઇરોલૉજીના રિટાયર્ડ પ્રોફેસર છે.

તેઓ કહે છે, કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે ઘણું અંતર છે, જે સ્પષ્ટ જોઈ શકાય છે.

"પહેલી લહેરમાં કોરોનાના મામલા લૉકડાઉન અને લોકોની ઘર વાપસી છતાં ધીમી ગતિએ દર અઠવાડિયે વધતા ગયા હતા. પરંતુ આ વખતનો ગ્રાફ જુઓ તો કેસ બહુ ઝડપથી વધ્યા છે. એટલે કે સંક્રમણનો દર જેને R નંબર પણ કહે છે, તે ઝડપથી વધ્યો છે."

"R નંબર વાઇરસના રિપ્રોડક્ટિવ નંબરને દર્શાવે છે. ડૉક્ટર જૉન મુજબ પ્રથમ લહેર વખતે આર નંબર 2થી 3 વચ્ચે હતો. બીજી લહેરમાં તે 3થી 4 વચ્ચે થઈ ગયો છે. તે એ વાતનું સૂચક છે કે બીજી લહેરનો વાઇરસ ગયા વર્ષના વાઇરસ કરતા અલગ છે.

તેઓ આગળ જણાવે છે, "કોરોનાની પહેલી લહેરના આંકડાના આધારે એક અનુમાન લગાવવામાં આવે છે કે તે લહેરમાં 60 ટકા લોકોને આ બીમારી થઈ હતી અને 40 ટકા લોકો બચી ગયા હતા. તે 40 ટકા લોકોને બીજી લહેરમાં કોરોના થઈ રહ્યો છે તેથી મામલા ઝડપથી વધ્યા છે. પિક-પણ ઝડપથી આવશે અને ગ્રાફ નીચે જશે ત્યારે અત્યંત ઝડપથી નીચે જશે. અત્યારે તો આ માત્ર અનુમાન છે. "

પરંતુ શું આ આધારે એવું કહી શકાય કે નવા મામલામાં નવેસરથી ઇન્ફેક્શનના મામલા નથી? અને માત્ર બચી ગયેલા લોકોને જ કોરોના થાય છે?

આ અંગે ડૉક્ટર જૉન કહે છે કે આ વિશે વિસ્તૃત અભ્યાસની જરૂર છે. ત્યારે જ નક્કર રીતે કંઈ કહી શકાય.

પાંચમું કારણ - શહેરોમાં લોકો પરત આવી રહ્યા છે

કેટલાક નિષ્ણાતો માને છે કે લોકો શહેર તરફ મોટી સંખ્યામાં પાછા આવી રહ્યા છે. તેનાથી પણ કોરોનાનો પ્રસાર વધ્યો છે. ડૉક્ટર જુગલ પણ આવું જ માને છે.

તેઓ કહે છે કે દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ એવાં રાજ્યો છે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો લૉકડાઉન વખતે પોતાના વતન જતા રહ્યા હતા. બધું ખુલ્લી ગયા પછી લોકો વૅક્સિનના કારણે ફરી શહેર તરફ જઈ રહ્યા છે. શહેરોમાં કોરોના વકરવાનું એક કારણ આ પણ હોઈ શકે.

તો શું બીજી લહેર સામે ભારત સરકાર પહેલાંની જેમ જ લાચાર છે? કોરોનાના વધા કેસને કઈ રીતે અટકાવવા? શું ફરીથી લૉકડાઉન લાદવું એ તેનો ઉપાય છે?

અમે ત્રણેય જાણકાર ડૉક્ટરોને આ સવાલ કર્યો.

રસીકરણની સ્ટ્રેટેજીમાં ફેરફાર

ડૉક્ટર જમીલ કહે છે, આનો સામનો કરવા માટે ભારત સરકારે વૅક્સિનેશનની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવો પડશે.

ભારતમાં માત્ર 4.8 ટકા વસતીને વૅક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે અને ફક્ત 0.7 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે.

હજુ પણ ભારત પોતાના ટાર્ગેટથી ઘણું પાછળ છે. આ કારણથી જ ભારતમાં વૅક્સિનની અસર જનસંખ્યા પર દેખાતી નથી.

આના સમર્થનમાં તેઓ કહે છે, 'ઇઝરાયલમાં 65 વર્ષથી વધારે ઉંમરના 75 ટકાથી 80 ટકા લોકોએ કોરોનાની રસી મૂકાવી છે. આ કારણથી આ ઉંમરના લોકોમાં હ\સ્પિટલમાં ભરતી થવાની વાત હોય કે પછી સિરિયસ ઇન્ફેક્શનની વાત હોય, આવા મામલા નહીંવત છે.'

તેથી તેમનું માનવું છે કે સરકારે વૅક્સિનેશનની રણનીતિમાં ફેરફાર કરવો પડશે.

"મહારાષ્ટ્રમાં જે થઈ રહ્યું છે તે નાગાલેન્ડમાં નથી થઈ રહ્યું. મહારાષ્ટ્રમાં માત્ર 45 વર્ષથી વધુ વયના લોકોને વૅક્સિન લગાવવાથી કોઈ ફાયદો નહીં થાય. મહારાષ્ટ્ર અને પંજાબમાં જ્યાં મામલા વધારે વધી ગયા છે ત્યાં બધા માટે વૅક્સિનેશન ચાલુ કરી દેવું જોઈએ."

જોકે, તેઓ કહે છે કે આ માટે રસીની સપ્લાય પણ જોવી પડશે. કેવી રીતે મોટી સંખ્યામાં રસી મૂકી શકાય તેની રણનીતિ ઘડવી પડશે.

પરંતુ શું ભારતે બીજા દેશોને વૅક્સિન આપવાનું બંધ કરી દેવું જોઈએ?

આ અંગે ડૉક્ટર જુગલ કહે છે કે આ નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. પરંતુ બધા લોકો માટે રસી આપવાની વાત પર તેઓ કહે છે કે 45 વર્ષથી વધુ વયના લોકો માટે જ ભારત સરકાર પોતાનું લક્ષ્ય પૂરું કરી શકી નથી. તેથી બધા માટે ખોલવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે.

બધા શક્તિશાળી લોકો પહેલાં રસી મૂકાવી શકે છે અને જરૂરિયાતમંદ લોકો પાછળ રહી જશે. તેથી ઉંમરના હિસાબે ટાર્ગેટ રાખવો વધુ યોગ્ય છે.

આંશિક લોકડાઉન જ લાદવું પડશે?

24 માર્ચ 2020ના રોજ ભારતમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ થયું હતું ત્યારે ભારતમાં કોરોનાના કુલ 500 દર્દી પણ નહોતા.

આ રણનીતિની ઘણી ટીકા થઈ. ત્યાર પછી લૉકડાઉનની તરફેણમાં દલીલો કરવામાં આવી.

આનો હેતું કોરોના વાઇરસની 'ચેઇન ઑફ ટ્રાન્સમિશન' તોડવાનો છે. આ ઉપરાંત લૉકડાઉનથી હેલ્થ સિસ્ટમને વાઇરસનો સામનો કરવા માટે સજ્જ કરી શકાય છે. આજે પણ ભારતના કેટલાંક રાજ્યોના કેટલાંક શહેરોમાં આંશિક લૉકડાઉનના નામે અમુક નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. શું આ યોગ્ય રણનીતિ છે?

આ સવાલ અંગે ડૉક્ટર જમીલ જણાવે છે કે મહારાષ્ટ્ર અથવા દેશનાં કેટલાંક શહેરોમાં જે લૉકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ અથવા બીજાં પ્રકારનાં નિયંત્રણો છે, તેનો હેતુ છે લોકો કાયદાનું પાલન કરે.

લોકોએ જરૂરિયાત વખતે જ ઘરમાંથી બહાર નીકળવું જોઈએ, કામકાજ વગર માત્ર મોજમસ્તી માટે બહાર ન નીકળો. માસ્ક પહેરો અને બે ગજની દૂરીનું પાલન કરો.

તેથી આંશિક રીતે મામલા ઝડપથી વધી રહ્યા છે ત્યાં કેટલીક પાબંદીઓ લાગુ કરવી પડશે.

ગયા વર્ષે દેશમાં પૂર્ણ લૉકડાઉન લાદવામાં આવ્યું હતું, તેવું લૉકડાઉન અત્યારે લાદવાથી કોઈ ફાયદો નહીં થાય.

સરકારે જે રીતે નિયંત્રણો લાદીને કેસની સંખ્યા મર્યાદિત કરવા પ્રયાસ કરવો જોઈએ, જે રીતે અગાઉ કન્ટેનમૅન્ટ ઝોન બનાવવાની રણનીતિ અપનાવાઈ હતી.

આંશિક પાબંદીઓની વાત પર ડૉક્ટર જમીલની વાત સાથે ડોક્ટર જુગલ પણ સહમત છે.

તેઓ પણ માઇક્રો લેવલ એટલે કે નાના સ્તરે નિયંત્રણોની વાત કરે છે.

ડૉક્ટર જૉન પણ કહે છે કે જંગલમાં આગ લાગે ત્યારે આખા જંગલમાં પાણી ફેંકવું ન જોઈએ. જ્યાં આગ વધારે ફેલાયેલી હોય ત્યાં જ આગને નિયંત્રણમાં લેવી જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો