ભારતમાં કોવિશિલ્ડ રસીને લઈને આરોગ્ય મંત્રાલયે શું સૂચન કર્યું?

ભારતમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે અને દેશભરમાં કોરોનાના નવા નોંધાઈ રહેલા કેસનો આંકડો એક લાખ સુધી પહોંચવા લાગ્યો છે.

દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસોને જોતાં રસીકરણના કાર્યક્રમને વેગ આપવામાં આવી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કોરોનાની રસી 24 કલાક આપવાનો નિર્ણય લેવાયો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ અનુસાર મંગળવારથી દિલ્હીની 34 સરકારી હૉસ્પિટલોમાં 68 રસીકરણનાં કેન્દ્રો પર 24 કલાક સુધી રસી આપવામાં આવશે.

આ દરમિયાન કોવિશિલ્ડની રસી મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બે ડોઝ વચ્ચ 6થી 8 સપ્તાહનું અંતર રાખવાનું સૂચન આપ્યું છે.

આરોગ્ય મંત્રાલયના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર જણાવાયું છે, "જો તમે કોવિશિલ્ડ રસી લઈ રહ્યા છો તો કોરોના વિરુદ્ધ ઉત્તમ રક્ષણ માટે એ સલાહભર્યું રહેશે કે બીજા ડોઝનો સમયગાળો 6થી 8 સપ્તાહનો રાખવામાં આવે."

નોંધનીય છે કે આ પહેલાં કોરોના વાઇરસના બે ડોઝ વચ્ચે 28 દિવસનો સમયગાળો નક્કી કરાયો હતો. જોકે, બાદમાં એને આરોગ્ય મંત્રાલય દ્વારા વધારી દેવાયો હતો.

ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 96,982 કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 96,982 નવા કેસ સામે આવ્યા છે.

આ સાથે જ દેશમાં કોરોનાના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,26,86,049 થઈ ગઈ છે.

દેશમાં છેલ્લા એક દિવસમાં કોરોનાને લીધે 446 મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 1,65,547 પર પહોંચી ગયો છે.

દેશમાં હવે સક્રિય કેસની કુલ સંખ્યા 7,88,223 છે અને ચેપ લાગ્યા બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,17,32,279 છે.

તો ભારતમાં અત્યાર સુધીમાં કુલ 8,31,10,926 લોકોને કોરોના વાઇરસની રસી આપવામાં આવી છે.

ગુજરાતમાં એક દિવસમાં 3 હજારથી વધુ કેસ, 15નાં મોત

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 3160 નવા કેસ નોંધાયા છે.

તેમજ રાજ્યમાં કોરોનાને લીધે 15 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

તો છેલ્લા 24 કલાકમાં કુલ 2028 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.52 ટકા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4581 પર પહોંચ્યો છે અને હાલમાં કેસ 16252 સક્રિય છે.

નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે

ભારતનાં ઘણાં રાજ્યોમાં ફરી વાર કોરોનાનું સંક્રમણ વધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠ એપ્રિલે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે સમીક્ષાબેઠક કરશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશભરમાં એક દિવસમાં કોરોના વાઇરસના કેસ એક લાખને પાર કરી ગયા છે, આથી નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે.

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે છેલ્લે મુખ્ય મંત્રીઓ સાથે વાત કરી હતી.

એ વાતચીતમાં વડા પ્રધાને કેટલાક દેશના વિસ્તારમાં સંક્રમણ વધતા ચિંતા વ્યક્ત કરી હતી અને મહામારીની બીજી લહેરને રોકવા માટે નિર્ણાયક પગલાં માટે આહ્વાન પણ કર્યું હતું.

સોમવારે દેશમાં કોરોના વાઇરસના 103,558 નવા કેસ સામે આવ્યા છે.

આ પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો નિયમો સરળ બનાવી દેવામાં આવે તો દિલ્હીમાં ત્રણ મહિનામાં તેમની સરકાર બધા લોકોને કોરોનાની રસી આપી શકે છે.

એક દિવસમાં એક લાખ કરતાં વધુ કેસ

સોમવાર એટલે કે 5 એપ્રિલે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 1,03,558 કેસ નોંધાયા.

કોરોના મહામારીના આંકડાઓમાં હાલના મહિનામાં કમી આવ્યા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે.

મંત્રાલય અનુસાર, આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો હવે 1,25,89,067 થઈ ગયો. તો કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા હવે 1,65,101 થઈ ગઈ છે.

આ માહિતીમાં મંગળવારના કોરોના કેસ ઉમેરવાના બાકી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો