કોરોના વાઇરસનો 'ડબલ મ્યુટેન્ટ' સ્ટ્રેન કેટલો જોખમી અને ચિંતાજનક છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતમાં એકત્ર કરવામાં આવેલા સૅમ્પલ્સમાંથી કોરોનાવાઈરસનો એક નવો 'ડબલ મ્યુટેન્ટ' મળી આવ્યો છે.

એક જ વાઇરસમાં બે મ્યુટેન્ટ સાથે હોય તેવું આ સ્વરૂપ વધારે ચેપી છે કે કેમ અને તેના પર વૅક્સિનનો ઓછો પ્રભાવ છે કે કેમ તેની ચકાસણી વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

ડબલ મ્યુટેશનના કેસોની વાત કરીએ તો ટેસ્ટ કરાયેલા નમૂનાઓ પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રના નમૂનાઓમાં ડબલ મ્યુટેન્ટના કેસો જોવા મળ્યા હતા. જ્યારે દિલ્હી અને ગુજરાતમાં પણ અનુક્રમે નવ અને ત્રણ ડબલ મ્યુટેન્ટના કિસ્સા જોવા મળ્યા હતા.

હવે જ્યારે ગુજરાતમાં પણ ડબલ મ્યુટેન્ટના કેસો આવ્યા હોવાની વાતની કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારી દ્વારા પુષ્ટિ કરાઈ છે અને ગુજરાતમાં જ્યારે પાછલા અમુક દિવસથી કોરોનાના કેસોમાં સતત ઉછાળો દેખાઈ રહ્યો છે તેવી પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું આ ડબલ મ્યુટેન્ટ ગુજરાત માટે હાલની પરિસ્થિતિમાં કેટલું ખતરનાક છે તે જાણવા માટે અને ડબલ મ્યુટેન્ટ વિશે વધુ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાત તબીબ મુકેશ મહેશ્વરી સાથે વાતચીત કરી હતી.

ગુજરાતના કોરોનાના ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટના જોખમ અંગે અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ડૉ. મુકેશ મહેશ્વરીએ બીબીસી ગુજરાતના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું કે, "આના કારણે ડાયગ્નોસિસમાં તકલીફ વધી શકે કેમ કે S કે N જીન પર જો તમે એન્ટીબૉડી બનાવ્યા હોય, તેના આઘાપાછા થવાથી સેન્સિટિવિટી ઘટી જાય છે. બીજું એ કે ચેપ ફેલાવવાની વાઇરસની શક્તિ વધી જાય છે. અને ત્રીજું આ બધાં કારણોથી મૃત્યુદર પણ વધી શકે.''

ગુજરાતમાં 'ડબલ મ્યુટેન્ટ' ને લીધે ખતરો કેટલો વધ્યો?

ગુજરાતમાં આ મ્યુટેન્ટ વૅરિએન્ટની સ્થિતિ અંગે ડૉ. મહેશ્વરીએ જણાવ્યું કે, ''સુરતમાં કોરોનાના કેસોમાં મળેલી સ્પાઇક મુંબઈ તરફ થતી અવર-જવરના કારણે આવી એની પૂરી શક્યતાઓ છે. હાલ એક ટકાથી પણ ઓછું જિનોમિક સિક્વન્સિંગ થઈ રહ્યું છે. જો આ ટકાવારી વધારવામાં આવે તો હજી વધારે વૅરિએન્ટ મળવાની પૂરી શક્યતાઓ છે."

"આ પહેલાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે આપણે પાંચ ટકા જેટલું જિનોમિક સિક્વન્સિંગ કરવું જોઈએ. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન એક ટકાથી પણ ઓછું સિક્વન્સિંગ થયું છે. "

"આરટીપીસીઆર ટેસ્ટ પણ ઓછામાં ઓછા 70 ટકા થવા જરૂરી છે. જેથી વધું માહિતી મેળવી શકાય."

તેમણે આગળ જણાવ્યું હતું કે, "હાલ ડબલ મ્યુટેશનના બે વૅરિએન્ટ જોવા મળ્યા છે. આવા દર્દી આઇસોલેટ કરી વૅરિએન્ટ ની વધારે તપાસ કરવી જરૂરી છે. તેની ઇન્ફેક્ટિવિટી કેટલી વધારે છે, તે કેટલો વધારે જોખમી છે, તેના પર રસી કેટલી અસરકારક છે, આ બધાં પાસાં પર તપાસ થવી જરૂરી છે.''

મ્યુટેશન અને વૅરિએન્ટ અંગે વધારે સમજાવતાં ડૉ.મહેશ્વરીએ જણાવ્યું કે, ''વાઇરસ જ્યારે આપણા શરીરમાં આવે ત્યારે તે રેપ્લીકેટ થવાનો એટલે કે ડબલ થવાનો પ્રયત્ન કરે. વાઇરસ પાસે પોતાનું કોઈ મગજ ન હોવાથી તે આ પ્રક્રિયામાં કંઈક મિસ કરી દે છે. જેને મ્યુટેશન કહેવાય. આવાં સેંકડો મ્યુટેશન થાય ત્યારે ઓરિજનલ વાઇરસ જુદો પડી જાય છે. અને આપણને એક નવો વૅરિએન્ટ મળે છે."

"અત્યાર સુધી ભારતમાં આવા 771 વૅરિએન્ટ જોવા મળ્યા છે જેમાંથી ચાર-પાંચ જ ચિંતાજનક છે. જો કે ડબલ મ્યુટેશનના કિસ્સાઓ પહેલીવાર સામે આવ્યા છે. આ પહેલાં નાગપુરમાં જોવા મળ્યું હતું પણ તે અંગે વધારે કોઈ જાણકારી નથી.''

આ 'ડબલ મ્યુટેન્ટ' વૅરિએન્ટ છે શું?

અન્ય વાઇરસોની માફક કોરોના વાઈરસ પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો જાય છે તેમ તેમાં નાના ફેરફાર થતા રહે છે.

એ પૈકીનાં મોટાભાગનાં મ્યુટેશન અસંગત છે અને વાઇરસની પ્રકૃતિને બદલતાં નથી.

જોકે, એ પૈકીનાં કેટલાંક મ્યુટેશન, વાઇરસ માનવશરીરમાં પ્રવેશવા માટે જે સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરે છે તેમાં ફેરફાર કરે છે. આ સ્વરૂપ વધારે ચેપી હોઈ શકે છે. તે રોગને વધારે ગંભીર બનાવી શકે છે અને વૅક્સિન બેઅસર બનાવી શકે છે.

કોવિડ-19 માટે કારણભૂત SARS-Cov2 જેવા શ્વસનતંત્રની સમસ્યા ઊભી કરતા વાઇરસો સામે, આપણા શરીરને એન્ટીબૉડી સર્જવા ઉત્તેજિત કરીને વૅક્સિન આપણું રક્ષણ કરે છે.

તેમાં 'ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબૉડી' શ્રેષ્ઠ હોય છે, કારણ કે તે વાઇરસને માનવકોષોમાં પ્રવેશતાં અટકાવે છે.

સરકારના જણાવ્યા મુજબ, "ડિસેમ્બર-2020ની સરખામણીએ મહારાષ્ટ્રના હાલના સૅમ્પલ્સનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે અહીં E484Q અને L452R મ્યુટેશનના સૅમ્પલ્સના કેટલાક હિસ્સામાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે."

"આ પ્રકારનાં મ્યુટેશન સંક્રામક હોય છે અને રોગપ્રતિકારક તંત્ર પર હુમલો કરતાં હોય છે," એમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અમેરિકાના શ્રેવેપોર્ટસ્થિત લાઉઝિયાના સ્ટૅટ યુનિવર્સિટી હેલ્થ સાયન્સીસ સેન્ટરના વાયરોલૉજિસ્ટ ડો. જેરેમી કામિલ જણાવે છે કે E484Q સ્વરૂપ E484K વૅરિએન્ટ જેવું જ છે, જે મ્યુટેશન B.1.351 (દક્ષિણ આફ્રિકા) અને P.1 (બ્રાઝિલ) વૅરિએન્ટમાં જોવા મળ્યું હતું તથા અનેક વખત પોતાની રીતે ઉદભવ્યું હતું.

વાઇરસના જૂથ કે વંશમાં પૂરતા પ્રમાણમાં મ્યુટેશન થાય તો વાઇરસ અલગ રીતે વર્તવા લાગે અને તે કથિત 'ચિંતાકારક સ્વરૂપ' બની શકે.

ડૉ. કામિલે બીબીસી સંવાદદાતા સૌતિક બિસ્વાસને જણાવ્યું હતું કે ભારતમાં જેનું "ડબલ મ્યુટેશન" જોવા મળ્યું છે તે L452R મ્યુટેશન તરફ અમેરિકામાં સંશોધકોનું ધ્યાન સૌપ્રથમ B.1.427/B.1.429 સ્વરૂપના એક હિસ્સા તરીકે આકર્ષાયું હતું. તેને ઘણીવાર "કેલિફોર્નિયા વૅરિએન્ટ" પણ કહેવામાં આવે છે.

આવાં "ડબલ મ્યુટેન્ટ" જૂજ હોય છે?

ના. એવું નથી, એમ ડૉ. કામિલ જણાવ્યું હતું.

ડો. કામિલ અમેરિકામાં વિકસી રહેલા નોવેલ કોરોનાવાઈરસના સાત વંશ વિશેના એક અભ્યાસપત્રના સહ-લેખક પણ છે.

તેમણે કહ્યું હતું, "મુદ્દો સ્પાઇક જીન સુધી મર્યાદિત રાખીએ તો પણ એક જ સમયે એક કરતાં વધુ મ્યુટેશન જોવા મળે એ અત્યંત સામાન્ય છે."

ડૉ. કામિલે બીબીસી સંવાદદાતા સૌતિક બિશ્વાસને જણાવ્યું કે, "અગાઉ રોગચાળામાં મોટાભાગના સ્પાઇક જીન્સનું એક જ મ્યુટેશન D614G હતું. હવે તે પ્રબળ અને સર્વત્ર છે. તેથી આપણને અન્ય મ્યુટેશન તેની ઉપર દેખાય છે."

ઑપન શૅરિંગ ડેટાબેઝ GISAIDમાં, ભારતમાં જોવા મળેલાં E484Q અને L452R બન્ને મ્યુટેશન હોય તેવા 43 વાઇરસની યાદી બનાવવામાં આવી છે.

ડૉ. કામિલે જણાવ્યું હતું કે બ્રિટનમાં માર્ચ મહિનામાં એકત્ર કરાયેલા એક વાઇરસના નમૂનામાં નવ સ્પાઇક મ્યુટેશન જોવા મળ્યાં હતાં. "આ તો બહુ મોટું પ્રમાણ ગણાય. ભારતીય વૅરિએન્ટમાં ખરેખર માત્ર બે જ સ્પાઈક મ્યુટેશન છે?" એવો સવાલ ડૉ. કામિલે કર્યો હતો.

ભારતીય સંશોધકો તેમના ડેટા GISAID પર અપલોડ કરશે પછી વિશ્વના વિજ્ઞાનીઓ એ નક્કી કરી શકશે કે આ "ડબલ મ્યુટેન્ટ" બ્રિટનમાં મળેલા સ્વરૂપ જેવું જ છે કે કેમ? બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં બહાર આવેલી K417N/T, E484K અને N501Y મ્યુટેશનની ત્રિપુટીની માફક ભારતમાં મ્યુટેશન્શનું આ મિશ્રણ સ્વતંત્ર રીતે ઊભરી આવ્યું છે કે કેમ?

નવા સ્વરૂપથી આપણે કેટલા ચિંતિત થવું જોઈએ?

સ્પાઇક જીનમાંનું મ્યુટેશન લોકોને ચેપ લગાવવાની વાઇરસની ક્ષમતા વધારે છે અથવા ન્યૂટ્રલાઇઝિંગ એન્ટીબૉડીના પહેરામાંથી છટકી જવામાં વાઇરસને મદદ કરે છે.

તેનો અર્થ એ થયો કે જો વાઈરસ "યોગ્ય રીતે" વિકસે તો કોવિડ-19માંથી સાજી થયેલી વ્યક્તિને ફરી ચેપ લગાવી શકે.

અલબત્ત, વિજ્ઞાનીઓ કહે છે કે આવા ચેપની માત્રા, વૅક્સિન લીધી હોય તેવા લોકોની અથવા કોવિડ-19માંથી સાજા થયેલા લોકોની સરખામણીએ, ઘણી ઓછી હશે.

ડૉ. કામિલના જણાવ્યા મુજબ, વાઇરસ ખુદના પ્રસાર માટે રીઈન્ફેક્શનનો ઉપયોગ કરી શકે તો તે હર્ડ ઇમ્યુનિટીને પણ ભેદી શકે. (સમુદાયનો મોટો હિસ્સો રસીકરણ દ્વારા અથવા રોગના વ્યાપક ફેલાવા સામે રોગ પ્રતિકારક ક્ષમતા કેળવે ત્યારે હર્ડ ઇમ્યુનિટી સર્જાતી હોય છે)

આ કારણે મોટાભાગના "નિર્બળ" લોકોને ગંભીર બીમારી થવાનું જોખમ સર્જાય છે, કારણ કે વાયરસ હર્ડ ઇમ્યુનિટીને ભેદીને તેમના સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં હોય છે.

તેમના જણાવ્યા મુજબ, કેટલાક અન્ય વૅરિએન્ટથી વિપરીત ભારતનું નવું ડબલ વૅરિએન્ટ વધારે ઘાતક કે વધારે ચેપી હોય તેવી શક્યતા નથી, પણ તેની ખાતરી માટે વધારે ડેટા જરૂરી છે.

વૅરિએન્ટ ગુજરાત સહિત ભારતમાં કોવિડના બીજા તબક્કાનું કારણ છે?

હૈદરાબાદસ્થિત સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયોલૉજી (સીસીએમબી)ના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રાએ મને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 20 ટકા કેસમાં આ "ડબલ વૅરિએન્ટ" જોવા મળ્યો હતો, જેને નોંધાયેલા કેસમાં મોટો વધારો ગણવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે "આ વૅરિએન્ટ ભારતમાં ઇન્ફેક્શનના બીજા તબક્કાનું મુખ્ય કારણ હોવાની શંકા છે, પણ હું તેની સાથે સહમત નથી, કારણ કે બાકીના 80 ટકા સૅમ્પલમાં અમને આ મ્યુટેન્ટનું મિશ્રણ જોવા મળ્યું નથી. મહારાષ્ટ્રમાંથી એકત્ર કરવામાં આવેલા હજારો સૅમ્પલ્સ પૈકીના માત્ર 230 કેસમાં જ આ મ્યુટેન્ટ સંકળાયેલું છે."

B.1.1.7 તરીકે પણ ઓળખાતા યુ. કે. અથવા કેન્ટ વૅરિએન્ટ વધારે ચિંતાજનક છે. હાલ બ્રિટનમાં તેનો પ્રસાર વ્યાપક છે અને એ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે. ભારતમાં એકત્ર કરાયેલા 10,787 સૅમ્પલ પૈકીના 736માં આ વૅરિએન્ટ જોવા મળ્યો છે.

ડૉ. કામિલના જણાવ્યા મુજબ, આ વૅરિએન્ટ "બીજા તીવ્ર તબક્કા"માં યોગદાન આપે એવી શક્યતા વધારે છે. (અભ્યાસના તારણ અનુસાર, તેની પ્રસારક્ષમતા 50 ટકા વધારે છે અને એ 60 ટકા વધારે ઘાતક છે. વાઇરસના આગલા સંસ્કરણથી થયેલા પ્રત્યેક મૃત્યુ સામે આ સંસ્કરણમાં તે પ્રમાણ 1.6નું છે)

ડૉ. કામિલે કહ્યું હતું કે, "મોટાભાગે માણસોનું વર્તન જ બીજા તબક્કાનું ચાલકબળ હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો