You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળ ચૂંટણી : અમિત શાહ ‘વાણિયા’ હોવાથી બંગાળમાં ભાજપ ચૂંટણીનાં વચનો પૂરાં કરી બતાવશે?
- લેેખક, પ્રભાકરમણી તિવારી
- પદ, કોલકાતાથી બીબીસી ગુજરાતી માટે
'ખેલા હોબે' એટલે કે જંગ થશે, એવા નારા વચ્ચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં બન્ને મજબૂત દાવેદાર - તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ પોતપોતાના ચૂંટણીઢંઢેરા બહાર પાડી દીધા છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ ચૂંટણીઢંઢેરાઓમાં જે પ્રકારનાં અને જેટલાં વચનો આપવામાં આવ્યાં છે એ પૈકીના અડધાનો અમલ થશે તો પણ પશ્ચિમ બંગાળ વાસ્તવમાં 'સોનાર બાંગ્લા' બની જશે.
બન્ને પક્ષોના ચૂંટણીઢંઢેરામાં ઘણી સમાનતા છે. તેથી ટીએમસીએ બીજેપી પર તેના ચૂંટણીઢંઢેરાની નકલ કરવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ, ભાજપ તેના ચૂંટણીઢંઢેરાને 'સંકલ્પ' ગણાવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે ટીએમસીએ તેના ચૂંટણીઢંઢેરામાં 10 મુખ્ય વચન આપ્યાં છે, જ્યારે બીજેપીએ તેનાથી એક ડગલું આગળ વધીને એક ડઝન વચન આપ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કોલકાતામાં ભાજપનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો, જ્યારે ટીએમસીએ કોલકાતા સહિતના પશ્ચિમ બંગાળનાં તમામ અખબારોમાં પહેલા પાને પક્ષના
ચૂંટણીઢંઢેરામાંના મુખ્ય 10 વચનની જાહેરાત પ્રકાશિત કરાવી હતી. એ જાહેરાત તમામ ભાષામાં છે.
મહિલા મતદાતાઓ કેન્દ્રસ્થાને
બન્ને પક્ષોના ચૂંટણીઢંઢેરામાં સૌથી વધુ ધ્યાન મહિલા મતદાતાઓ પર આપવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે.
એ સિવાય, બહારનો પક્ષ હોવાના આરોપનો સામનો કરી રહેલા ભાજપે નોબેલ તથા ઑસ્કર ઍવૉર્ડની માફક ક્રમશઃ ગુરુદેવ ટાગોર તથા ફિલ્મસર્જક સત્યજિત રેના નામે ઍવૉ શરૂ કરવા પર, ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ઍઈમ્સની સ્થાપના પર અને રોજગારના સર્જન પર વિશેષ ભાર મૂક્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યમાં મહિલા મતદારોની સંખ્યા 49 ટકાથી વધારે છે. તેથી સત્તાની દોડમાં સામેલ કોઈ પણ પક્ષ મહિલાઓની અવગણનાનું જોખમ લઈ શકે નહીં.
પક્ષનો ચૂંટણીઢંઢેરો બહાર પાડતી વખતે અમિત શાહે ખુદને 'વાણિયા' ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે ભાજપે જેટલાં વચન આપ્યાં છે તેના અમલ માટે જરૂરી ધનની વ્યવસ્થાની યોજના બનાવી લેવામાં આવી છે.
અલબત, રાજકીય નિરિક્ષકો માને છે કે એ જાહેરાતોના અમલ માટે, હાલ રાજ્ય સરકાર પર જે મોટું કેન્દ્રીય દેવું છે તેને સંપૂર્ણપણે માફ કરવું પડશે.
ટીએમસી અને બીજેપીના ચૂંટણીઢંઢેરામાં શું છે?
તેમાં મહિલાઓ સિવાય સમાજના તમામ વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બેરોજગારી અને વિકાસ જેવા જ્વલંત મુદ્દાઓને પણ અગ્રતા આપવામાં આવી છે.
દાખલા તરીકે ટીએમસીએ લઘુતમ આવકયોજના હેઠળ સામાન્ય વર્ગના પરિવારોનાં મુખ્ય મહિલાને માસિક 500 રૂપિયા અને આદિવાસી તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પરિવારોને માસિક 1,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ટીએમસીએ તમામ વિધવાઓને 1,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવાની વાત કરી છે ત્યારે ભાજપે દરેક પરિવારના એક સભ્યને રોજગારનું વચન આપ્યું છે.
'કન્યાશ્રી' અને 'રૂપશ્રી' જેવી ટીએમસીની યોજનાઓ સામે ભાજપે 18 વર્ષની થયેલી છોકરીને એકસાથે બે લાખ રૂપિયા તથા સરકારી નોકરીમાં 33 ટકા અનામતનું, પોસ્ટ ગ્રૅજ્યુએશન સુધી મફત અભ્યાસનું અને મફત પરિવહનની સુવિધાનું વચન આપ્યું છે.
ભાજપે વિધવા ભથ્થાંની રકમ 3,000 રૂપિયા કરવાની જાહેરાત પણ કરી છે.
મમતા બેનરજીએ કહ્યું હતું કે ટીએમસી ફરી સત્તા પર આવશે પછી લોકોએ રૅશન લેવા માટે સસ્તા અનાજની દુકાને નહીં જવું પડે. તેમને ઘરે બેઠાં મફત રૅશન મળી જશે.
બીજેપીનાં વચન
ભાજપે રાશનમાં એક રૂપિયે કિલો ચોખા અથવા ઘઉં ઉપરાંત 30 રૂપિયે કિલો દાળ, ત્રણ રૂપિયે કિલો મીઠું અને પાંચ રૂપિયે કિલો ખાંડ આપવાનું વચન આપ્યું છે.
ભાજપે એવું વચન પણ આપ્યું છે કે તે સત્તા પર આવશે તો સરકારી કર્મચારીઓ માટે સાતમા પગારપંચની ભલામણોનો અમલ કરશે, શિક્ષકોનો પગાર વધારશે અને શ્રમિકોને વર્ષમાં કમસેકમ 200 દિવસ કામ આપશે.
રાજ્યમાં ચાના બગીચાના મજૂરોના મહત્વને ધ્યાનમાં રાખીને ભાજપે લઘુતમ દૈનિક મજૂરી 350 રૂપિયા કરવાનું વચન પણ આપ્યું છે. હાલ લઘુતમ દૈનિક વેચન 176 રૂપિયા છે.
ટીએમસીએ ઓછી આવક ધરાવતા લોકોના વર્ગ માટે રાજ્યનાં 50 શહેરોમાં 2,500 'મા કૅન્ટિન' મારફત પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે ત્યારે ભાજપે રાજ્યમાં તમામ સ્થળે 'અન્નપૂર્ણા કૅન્ટિન' મારફત દિવસમાં ત્રણ વખત પાંચ-પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે.
પશ્ચિમ બંગાળમાં સત્તાનો રસ્તો ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થતો હોવાનું માનવામાં આવે છે. એ વાત બન્ને પક્ષોએ બરાબર ધ્યાનમાં રાખી છે.
ટીએમસીએ લઘુતમ જમીન માલિકીનો હક્ક ધરાવતા ખેડૂતોને પણ વર્ષમાં 10,000 રૂપિયાની સહાયનું વચન આપ્યું છે ત્યારે બીજેપીએ રાજ્યના 75 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના નિધિ હેઠળ વર્ષમાં કૂલ 10,000 રૂપિયાની સહાયનું વચન આપ્યું છે. આ પ્રમાણ હાલ વાર્ષિક 6,000 રૂપિયા છે.
માછીમારોથી માંડીને વિદ્યાર્થીઓ સુધી
વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના બાકી 18,000 રૂપિયા એમનાં ખાતાંમાં એકસાથે જમા કરાવવામાં આવશે. એ સિવાય માછીમારોને વાર્ષિક 6,000 રૂપિયા સહાય પેટે આપવામાં આવશે.
ટીએમસીએ શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને ક્રૅડિટકાર્ડ આપવાની વાત કહી છે. આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે માત્ર ચાર ટકા વ્યાજના દરે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે.
ટીએમસીના આ વચનના જવાબમાં બીજેપીએ પહેલા ધોરણથી માસ્ટર્સ સુધી મફત શિક્ષણ ઉપરાંત મફત પરિવહન આપવાની સુવિધાની જાહેરાત કરી છે.
ટીએમસીએ રાજ્યના તમામ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજો તથા સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલો શરૂ કરવાની અને ડૉક્ટરો, નર્સો તથા આરોગ્યકર્મચારીઓની સંખ્યા બમણી કરવાનું વચન આપ્યું છે.
તેની સામે ભાજપે જંગલમહલ, ઉત્તર બંગાળ અને સુંદરવન પ્રદેશોમાં ત્રણ ઍઈમ્સ સ્થાપવા ઉપરાંત આયુષ્માન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાના આરોગ્યવીમા અને સ્વાસ્થ્યના આધારભૂત માળખાને મજબૂત કરવા માટે 10,000 કરોડ રૂપિયાનું ભંડોળ રચવાનું વચન આપ્યું છે.
રાજ્યના તમામ લોકોને મકાન ઉપલબ્ધ કરાવવા માટે મમતા બેનરજીએ 'સોનાર બાડી' યોજના હેઠળ ઓછી કિંમતના પાંચ લાખ મકાનોના નિર્માણ અને 'બાંગ્લા આવાસ' યોજના હેઠળ 25 લાખ પાકાં મકાનો બનાવવાનું વચન આપ્યું છે. એ તમામ ઘરોમાં વીજળી તથા પીવાના પાણીનો પૂરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે.
બીજી તરફ ભાજપે એક ડગલું આગળ વધીને તમામ જરૂરતમંદ પરિવારોને શૌચાલય તથા પીવાના પાણીની સુવિધા સાથેના પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાનું અને 200 યુનિટ સુધી વીજળી મફત પૂરી પાડવાનું વચન આપ્યું છે.
એ ઉપરાંત દરેક ઘરમાં 24 કલાક પાણીનો પૂરવઠા મળતો રહે એ માટે 10,000 કરોડ રૂપિયા ખર્ચવાની વાત પણ કહેવામાં આવી છે.
પૈસા ક્યાંથી આવશે?
રાજકીય નિરિક્ષકો એવો સવાલ કરી રહ્યા છે કે બીજેપી તેના ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનની પૂર્તિ માટેનાં નાણાં ક્યાંથી લાવશે?
અમિત શાહે ચૂંટણી ઢંઢેરો બહાર પાડતી વખતે જ કહ્યું હતું કે "હું વાણિયો છું. તેથી પૈસા ક્યાંથી આવશે એ મેં પહેલેથી જ વિચારી રાખ્યું છે."
જોકે, રાજકીય વિશ્લેષક પ્રોફેસર સમીરન પાલ કહે છે, "આ વચનોના અમલ માટે તોતિંગ કેન્દ્રીય કરજ માફ કરવું પડશે. કમસેકમ વ્યાજ માફ કરવાની માગણી ટીએમસી સરકાર લાંબા સમયથી કરતી રહી છે, પણ કેન્દ્રએ તેના પર ધ્યાન આપ્યું નથી."
પ્રદેશ ભાજપના પ્રવક્તા શમીક ભટ્ટાચાર્ય કહે છે, "રાજ્ય સરકાર પોતાની મહેસુલી આવક વધારીને જ વિકાસ યોજનાનો અમલ કરશે."
પ્રદેશ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે, "અમે લાંબો વિચાર તથા ધનની વ્યવસ્થા કર્યા બાદ જ આ મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યા છે. અમે સત્તા પર આવીશું પછી તેનો અક્ષરસઃ અમલ કરવામાં આવશે."
નકલનો આરોપ
ટીએમસીએ તેના ચૂંટણીઢંઢેરાની નકલ કરવાનો આક્ષેપ ભાજપ પર કર્યો છે.
ટીએમસીના સંસદસભ્ય તથા પ્રવક્તા સૌગત રાય કહે છે, "ભાજપે ટીએમસીના ચૂંટણીઢંઢેરાની નકલ કરી છે. ભાજપના વચનની કિંમત શું? ભાજપે દરેક નાગરિકનાં ખાતાંમાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું હતું. તેનું શું થયું? વર્ષમાં બે કરોડ નોકરીનું વચન આપ્યું હતું. તેનું શું થયું?"
સૌગત રાયે આક્ષેપ કર્યો હતો કે "ભાજેપ મહિલઓના વિકાસના ખોટા વાયદા કર્યા છે. ભાજપશાસિત રાજ્યોમાં મહિલાઓ પર અત્યાચારની સૌથી વધુ ઘટનાઓ બને છે."
તેઓ સવાલ કરે છે કે ભાજપે તેના શાસન હેઠળનાં રાજ્યોમાં વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ તથા પરિવહનની વ્યવસ્થા કેમ કરી નથી? ભાજપે પહેલાં આસામ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશને સોનાનાં રાજ્ય કરી દેખાડે, એમ તેમણે જણાવ્યું હતું.
મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ કહ્યું હતું કે જે પક્ષ પાસે પશ્ચિમ બંગાળની કૂલ 294 બેઠકો માટે પૂરતા ઉમેદવારો નથી, એ પક્ષ 'સોનાર બાંગ્લા' બનાવવાનાં ખોટાં સપના દેખાડી રહ્યો છે.
વરિષ્ઠ પત્રકાર પુલકેશ ઘોષ કહે છે, "ટીએમસી અને ભાજપે તેમના ચૂંટણીઢંઢેરાઓમાં જે વચનો આપ્યાં છે એ પૈકીના અડધાનો અમલ થશે તો પણ બંગાળની સિકલ બદલાઈ જશે, પણ સત્તા પર આવ્યા પછી તમામ રાજકીય પક્ષો તેમના ચૂંટણીઢંઢેરામાંના વચનોને મોટા ભાગે ભૂલી જતા હોય છે. આ વખતે પણ એવું તો નહીં થાયને?"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો