ગુજરાતમાં કોરોના સંક્રમણ મહાનગરપાલિકાની ચૂંટણીના એક મહિના બાદ પાંચ ગણું કઈ રીતે વધ્યું?

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતનાં મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 23 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. મહાનગરોમાં યોજાયેલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીના મતદાનની તારીખ 21 ફેબ્રુઆરી અને મતગણતરીની તારીખ 23 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.

જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને એની મતગણતરી 2 માર્ચે યોજવામાં આવી હતી.

ગુજરાતમાં જે દિવસે ચૂંટણી જાહેર થઈ એટલે કે 23 જાન્યુઆરીએ રાજ્યમાં 423 કેસ નોંધાયા હતા અને એક દરદીનું મૃત્યુ થયું હતું અને તેના બે મહિના પછી ગુજરાતમાં 23 માર્ચે એક દિવસની અંદર નોંધાયેલા કેસોનો આંકડો 1700ને પાર પહોંચી ગયો.

એ દિવસે અમદાવાદમાં 509, સુરતમાં 577, વડોદરામાં 162 અને રાજકોટમાં કોરોના વાઇરસના 140 કેસ નોંધાયા હતા.

મહાનગરપાલિકાઓનીચૂંટણીનું મતદાન 21 ફેબ્રુઆરીએ થયું હતું અને તે દિવસે રાજ્યમાં કોરોના વાઇરસના માત્ર નવા 283 કેસ જ નોંધાયા હતા. જ્યારે એક મહિના બાદ 21 માર્ચે રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં ભારે વધારો નોંધાતા 1580 કેસ આવ્યા હતા.

21 માર્ચે અમદાવાદમાં 451, સુરતમાં 510, વડોદરામાં 132, રાજકોટમાં 130 નવા કેસ નોંધાયા હતા.

જે દિવસ મતગણતરી યોજાઈ હતી એટલે કે 23 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોરોના વાઇરસના 348 કેસ નોંધાયા હતા. જ્યારે એના એક મહિના બાદ એટલે કે 23મી માર્ચે ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 1730 કેસ નોંધાયા હતા અને ચાર દરદીઓનાં મૃત્યુ થયાં હતાં.

ગુજરાતમાં કેટલા કેસ વધ્યા?

ગુજરાતમાં જે દિવસે ચૂંટણી જાહેર થઈ એટલે કે 23 જાન્યુઆરીએ રાજ્યમાં 423 કેસ નોંધાયા હતા અને કોરોનાના એક દરદીનું મૃત્યુ થયું હતું.

એ દિવસે અમદાવાદમાં 85, વડોદરાએ સુરતમાં 92 કેસ નોંધાયામાં 87 અને રાજકોટમાં 59 કેસ નોંધાયા હતા.

રાજ્યનાં મહાનગરોમાં ચૂંટણીના ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી હતી. 6 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોરોના વાઇરસના 252 કેસ નોંધાયા હતા જ્યારે 401 લોકોને રજા આપવામાં આવી હતી.

એ દિવસે સૌથી વધારે 81 કેસ વડોદરામાં નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં 41, રાજકોટમાં 33 અને સુરતમાં 31 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા.

23 ફેબ્રુઆરીએ જ્યારે રાજ્યના મહાનગરોમાં ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે ગુજરાતના બનાસકાંઠા, બોટાદ, દાહોદ, ડાંગ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાં એક પણ કેસ નોંધાયો નહોતો.

એ દિવસે એટલે કે 23 ફેબ્રુઆરીએ અમદાવાદમાં 74, વડોદરામાં 76, સુરતમાં 66 અને રાજકોટમાં 52 કેસ નોંધાયા હતા.

ચૂંટણી પૂર્ણ થયાના એક મહિના પછી 24 માર્ચે ગુજરાતમાં કોરોના વાઇરસના 1790 કેસ થયા અણે કેટલાય દિવસો બાદ રાજ્યમાં આઠ દરદીઓનાં મૃત્યુ થયાં.

એ દિવસે એટલે કે 24 માર્ચે સુરતમાં 582, અમદાવાદમાં 514, વડોદરામાં 165 અને રાજકોટમાં 164 કેસ નોધાયા.

એ રીતે જોઈએ કુલ 1790 કેસમાંથી 1425 કેસ ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધાયા છે.

એ દિવસે રાજ્યનો એક પણ જિલ્લો એવો નહોતો કે જ્યાં કોરોના વાઇરસના કેસ નોંધાયો ન હોય.

ચૂંટણી બાદ કેસ વધવા અંગે ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી

ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બીજા અઠવાડિયે કોરોના વાઇરસના કેસમાં એકદમ વધારો જોવા મળ્યો હતો.

ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાં સુધીમાં રાજ્યમાં ચૂંટણીપ્રચાર ધમધમવા લાગ્યો હતો. આ પહેલાં પણ અનેક સ્થળે રેલીઓ થઈ હતી.

આ સમયે રાજ્યના અનેક ડૉક્ટરોએ કોરોના વાઇરસના કેસ વધશે એવી ચિંતાઓ વ્યક્ત કરી હતી.

14મી ફેબ્રુઆરી, રવિવારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી વડોદરામાં એક સભામાં ભાષણ આપતી વખતે બ્લડ પ્રેશર લો થઈ જતાં સ્ટેજ પર ઢળી પડ્યા હતા. એ બાદ મુખ્ય મંત્રીનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું.

એ દિવસે રાજ્યમાં વધી રહેલાં કોરોના વાઇરસના કેસને ધ્યાનમાં લઈને બીબીસી ગુજરાતીએ ડૉક્ટરો સાથે વાત કરી હતી. જેમાં ચૂંટણીના પ્રચારમાં ફરી રહેલા લોકો અને વધી રહેલા કોરોના વાઇરસના કેસ પર ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી.

એ સમયે 'ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન'ની ગુજરાત પાંખના પૂર્વ પ્રમુખ ડૉ. બિપિન પટેલે કહ્યું કે, "કોઈ પણ પક્ષની સભા થાય અને વિશ્વ આરોગ્ય સંગઠનની ગાઇડલાઇનનું પાલન ન થાય તો કોરોનાનો ફેલાવો થવાની સંભાવના ચોક્કસ રહેલી છે."

તેમણે વધુમાં કહ્યું કે સંબંધિત સ્થળોએ લોકો માસ્ક પહેરતા નથી અને તેમના મેળાવડા પણ થાય છે તો આવી સ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી શકે છે.

બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના મીડિયા કન્વીનર ડૉ. મુકેશ મહેશ્વરીને પુછ્યું હતું કે જો તાવવાળી વ્યક્તિ આવી રેલીમાં હોય તો શું થાય?

તેમણે કહ્યું, "ફ્લૂની સિઝન છે. તેમાં તમને ઇન્ફ્લુએન્ઝા, સ્વાઇન ફ્લૂ અને કોરોના એમ ત્રણ રોગ થઈ શકે છે. વળી, દિવસે ગરમી અને રાત્રે ઠંડી, આમ આવી ડબલ ઋતુ શરદી-ખાસીને આમંત્રણ આપે છે. આવી કોઈ વ્યક્તિ કોરોના ફેલાવો શકે છે."

બીબીસી ગુજરાતીના ફેસબુક લાઇવમાં અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ડૉક્ટર કમલેશે પણ કહ્યું, "હાલ ચૂંટણી છે અને તેમાં જે પ્રકારે છૂટછાટ લેવામાં આવી રહી છે. તેના કારણે ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓએ જે સ્થિતિને કાબૂમાં કરી છે તે કાબૂ બહાર જઈ શકે છે. તેમની મહેનત એળે જઈ શકે છે."

ડૉ. મહેશ્વરીએ જણાવ્યું હતું કે લોકોએ ચૂંટણીપ્રચાર હોય કે કોઈ અન્ય જગ્યા હોય પણ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાની જરૂર છે.

આ ઉપરાંત કોઈને થોડાં પણ લક્ષણો જણાય તો તેમણે બહાર ન જવું જોઈએ અને કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ એવી સલાહ પણ તેમણે આપી હતી.

ચૂંટણીના એક મહિના પછી કોરોનાનાફેલાવા પર રાજકીય પક્ષોએ શું કહે છે?

ગુજરાતમાં ચૂંટણીના એક મહિના પછી કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે, ત્યારે અમે રાજકીય પક્ષોને સવાલ કર્યા હતા કે રાજ્યમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ અંગે તેમનું શું કહેવું છે?

ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાજકીય પક્ષોના નેતાઓએ મોટીમોટી રેલીઓનું આયોજન કર્યું હતું.

અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનિષ સિસોદિયા અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ગુજરાતના વિવિધ જિલ્લામાં રેલીઓ યોજી હતી.

ગુજરાતમાં એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઔવેસીએ પણ અમદાવાદ, ગોધરા ઉપરાંત પણ બીજી જગ્યાએ રેલીઓ કરી હતી.

સુરતમાં આમ આદમી પાર્ટીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ અંગે વાત કરતાં આમ આદમી પાર્ટીનાં પ્રવક્તા તુલી બેનરજી ચૂંટણીના સમયને ખોટો ગણાવે છે.

તેઓ કહે છે, "સરકારે આ સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનવાની જરૂર ન હતી. સરકારે હજુ બે મહિના ચૂંટણી ટાળવાની જરૂરિયાત હતી."

તુલી બેનરજી સરકારને જવાબદાર ગણતાં કહે છે, "કોઈપણ રાજકીય પક્ષ ચૂંટણીમાં પ્રચાર કરશે. હાલ ગાંધીનગરમાં સરકાર ચૂંટણી યોજી રહી છે."

"સરકારે સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં લોકોને આવવા દીધા. સરકારે દિવાળી પહેલાં પણ નિયંત્રણો હઠાવ્યાં હતાં માટે ત્યારે પણ સ્થિતિ બગડી હતી. સરકાર યોગ્ય નિર્ણય કરતી નથી."

અસદુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સાબીરભાઈ કાબલીવાલા પણ આ મામલે સરકારને જવાબદાર ઠેરવે છે.

તેઓ કહે છે, "આ પહેલાં સરકારે ટ્રમ્પનો કાર્યક્રમ કર્યો તેના કારણે કોરોના વાઇરસ ફેલાયો. આ પછી હમણાં ક્રિકેટ મૅચ રમાઈ ત્યારે પણ સરકારે કોરોનાની ચિંતા ન કરી."

તેઓ પણ આમ આદમી પાર્ટીના પ્રવક્તાની જેમ ચૂંટણી યોજવામાં સરકારે રાહ જોવી જોઈતી હતી તેમ કહે છે.

કોરોના ફેલાવવાનાં અલગ કારણો પણ છે?

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ કહે છે, "કોરોના વાઇરસના કેસ વધ્યા એમાં ચૂંટણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ન થવું, માસ્ક ન પહેરાવવા એ કારણ હોઈ શકે પરંતુ મોટું કારણ તો કંઈક અલગ છે."

"આખા ભારતમાં જ્યાં ચૂંટણી યોજાઈ નથી ત્યાં પણ કોરોના વાઇરસના કેસ વધ્યા છે અને દુનિયાના વિવિધ દેશમાં પણ કોરોના વાઇરસના કેસ વધ્યા છે."

કોરોના કેસમાં આવેલા ઉછાળા માટે વ્યાસ વાઇરસના બદલાતા વૅરિએન્ટને જવાબદાર ગણાવે છે.

તેઓ જણાવે છે, "કોરોના વાઇરસ હાલ માનવી પર હાવી થઈ રહ્યો છે. વૅરિઅન્ટ બદલાયા છે. આ સ્થિતિ માનવીના કંટ્રોલ બહાર છે. આ સ્થિતિમાં વૅક્સિન જલદી લેવી જોઈએ"

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીનો મત છે કે ચૂંટણીના સમયે સંક્રમણ ફેલાયું હતું. તેમનું કહેવું છે કે ચૂંટણી સમયે કોરોના જતો રહે છે અને ચૂંટણી પતે એટલે પરત આવે એ વાત તેમને નથી સમજાઈ રહી.

દોશી કહે છે, "હું ચોક્કસપણે માનું છું કે આમાં રાજકીય પક્ષો જવાબદાર છે. "

"જોકે, એ વાત પણ મહત્વની છે કે સરકાર શિક્ષણ જેવી પાયાની બાબતોને કોરોનામાં સંક્રમણ ન ફેલાય તે માટે બાજુ પર મૂકી દીધી છે. "

ગુજરાતના 39 નમૂનામાં યુકે વૅરિએન્ટ અને અત્યારની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,961 નવા કેસ સામે આવ્યા છે ત્યારે 1,405 લોકો સાજા થયા છે.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસને કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2,94,130 છે જેમાંથી 9,372 ઍક્ટિવ કેસ છે.

ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

અમદાવાદ કૉરપોરેશનના આંકડા જે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે તે મુજબ અમદાવાદમાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા 551 છે ત્યારે સુરત કૉરપોરેશનમાં 501 નવા કેસ નોંધાયા છે.

વડોદરા અને રાજકોટમાં લગભગ દોઢ સો કેસ આવ્યા હતા. સુરત જિલ્લામાં 127 નવા કેસ સામે આવ્યા છે. વડોદરા કૉર્પોરેશનમાં 164 નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઇસને કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં સુરત કૉર્પોરેશનમાં સૌથી વધારે ચાર મૃત્યુ થયાં છે.

બુધવારે ભારત સરકારે જણાવ્યું હતું કે ભારતનાં 18 રાજ્યોમાંથી ભેગા કરાયેલા કોરોના વાઇરસના નમૂનાઓ પૈકી વાઇરસનો ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ મળી આવ્યો છે. આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે.

ગુજરાત સહિત જે-જે રાજ્યોમાં કોરોનાના કેસોમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો છે તે માટે યુકે વૅરિએન્ટ, બ્રાઝિલ કે જાપાન વૅરિએન્ટ અને દક્ષિણ આફ્રિકા વૅરિએન્ટ જેવા વૅરિએન્ટ ઑફ કન્સર્ન કે નવો મળી આવેલ ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ જવાબદાર છે કે કેમ?

આ પ્રશ્નના જવાબમાં NCDCના ડાયરેક્ટર ડૉ. સુજિત કુમારે જણાવ્યું હતું :

"તાજેતરમાં ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત કાર્યરત્ 10 રાષ્ટ્રીય લૅબોરેટરીના ગ્રૂપ, ધ ઇન્ડિયન SARS-CoV-2 કન્સોર્ટિયમ ઑન જિનૉમિક્સ (INSACOG) દ્વારા આ સમગ્ર દેશમાંથી કોરોનાના દર્દીઓના કુલ 10,787 નમૂનાઓનું જિનોમિક સિક્વન્સિંગ કરાયું હતું."

"આ અભ્યાસમાં અમુક નમૂનાઓમાં ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ અને વૅરિએન્ટ ઑફ કન્સર્ન હાજર હોવાની વાત તો સિદ્ધ થાય છે પરંતુ આ નવા વૅરિએન્ટ કે ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટનો જે તે પ્રદેશોના નવા કેસોમાં થયેલ વધારા સાથે કોઈ સંબંધ મળી આવ્યો નથી."

અહીં નોંધનીય છે કે, અભ્યાસમાં સામેલ કરાયેલા આ નમૂનાઓ પૈકી ગુજરાતના 39 નમૂનામાં યુકે વૅરિએન્ટ જોવા મળ્યો છે.

વાઇરસના મ્યુટેશનમાં થયેલા આ વધારાને જ ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ તરીકે ઓળખાવાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો