કોવિડ-19 વિશ્લેષણ : વિશ્વનું સૌથી કડક લૉકડાઉન લાગુ કર્યાંના એક વર્ષ પછી ભારતમાં કેવી સ્થિતિ છે?

    • લેેખક, વિજદાન મોહમ્મદ કાવૂસા
    • પદ, બીબીસી મૉનિટરિંગ

19 માર્ચ, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વાર કોરોના વાઇરસ વિશે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે 22 માર્ચે એક દિવસના જનતા કર્ફ્યુ માટેની જાહેરાત કરી હતી. તે પછી 25 માર્ચથી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી, જે ઘણા મહિનાઓ સુધી ચાલતું રહ્યું.

આ એક વર્ષ દરમિયાન કેટલાક મોટા દેશોની સરખામણીએ ભારતમાં સંક્રમણનું એક જ મોજું જોવા મળ્યું હતું. (હવે કોરોનાની બીજી લહેરની ચેતવણી અપાઈ છે.) જોકે બીજા દેશોની સરખામણીએ મૃત્યુદર પણ ઓછો જોવા મળ્યો છે અને હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે, પરંતુ તેમાં થોડી ઝડપ કરવાની જરૂર જણાય છે.

એક જ મોટું મોજું

સૌથી વધુ કોવીડ-19 કેસો ધરાવતા ટોચના 6 દેશોમાં ભારત જ એક માત્ર એવો દેશ છે, જ્યાં બીજો મોટો વૅવ દેખાયો નથી. સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં કેસોની સંખ્યાની ચરમસીમા આવી ગઈ હતી અને તે પછી આ ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ધીમે ધીમે કેસો ઘટવા લાગ્યા હતા.

પરંતુ છેલ્લા એક મહિના દરમિયાન ભારતમાં ફરી કેસોની સંખ્યા વધવા લાગી છે, જોકે હજી આ સંખ્યા પ્રથમ તબક્કાના પીક કરતાં નીચે છે. 18 માર્ચે પૂર્ણ થતાં અઠવાડિયા દરમિયાન સરેરાશ રોજના 30,000 કેસો નોંધાયા, જે મધ્ય સપ્ટેમ્બરમાં સરેરાશ રોજના 93,000 કેસો નોંધાતા હતા તેનાથી ઓછા છે.

સૌથી વધુ કોરોના કેસો ધરાવતા અમેરિકામાં અત્યાર સુધીમાં ત્રણ વૅવ આવી ચૂક્યા છે. બ્રાઝીલ અને રશિયામાં બે સ્પષ્ટ વૅવ (કોરોનાની લહેર જેમાં કેસો અત્યંત વધવા લાગે છે) જોવાં મળ્યાં છે.

ભારતમાં હાલમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે, તેના કારણે સેકન્ડ વૅવ વધુ આકરો હશે કે કેમ તે જોવું રહ્યું. જોકે ભારતે બીજા દેશોની સરખામણીએ બીજા તબક્કાને ઘણે મોડે સુધી આવતા અટકાવ્યો છે.

પરંતુ આનાથી સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ નથી થતું. કેમ કે ભારતમાં કેટલાક રાજ્યોમાં એકથી વધુ વૅવ જોવા મળ્યા છે. જેમ કે દિલ્હીમાં 3 વૅવ આવી ચૂક્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં અત્યારે બીજું મોજું આવ્યું છે.

વૈશ્વિક આંકડામાં ભારતનું સ્થાન

વિશ્વમાં વધી રહેલા કોવીડ-19 કેસોની સંખ્યામાં એક તબક્કે ભારતનો સૌથી મોટો ફાળો હતો, પરંતુ તે સ્થિતિથી અત્યારે એ વિશ્વની સરખામણીએ ઓછા આંકડાં સુધી પહોંચ્યું છે.

પ્રથમ તબક્કે સપ્ટેમ્બરમાં ભારતમાં સંક્રમણ દર ઘમો ઊંચો હતો. કુલ કેસોના ત્રીજા ભાગના અને કુલ મૃત્યુના પાંચમાં ભાગના મૃત્યુ સપ્ટેમ્બર દરમિયાન નોંધાયા હતા.

જોકે ફેબ્રુઆરી સુધીમાં સ્થિતિ કાબૂમાં દેખાતી હતી અને નવા કેસોની બાબતમાં ભારત અન્ય સાત દેશોની પાછળ હતો. નવા મૃત્યુની બાબતમાં છેક 18મા સ્થાને હતો. ફેબ્રુઆરીમાં ભારતમાંથી માત્ર 3% નવા કેસો નોંધાયા હતા, જ્યારે નવા મૃત્યુના આંકમાં વિશ્વમાં માત્ર 1% જ ભારતના હતા.

પરંતુ હવે માર્ચમાં પ્રવાહ પલટાયો છે, કેમ કે નવેસરથી સંક્રમણનું પ્રમાણ અને મોતની સંખ્યા વધી રહી છે.

નીચો મૃત્યુદર

મૃત્યુદરની બાબતમાં વિશ્વમાં ભારતની સ્થિતિ સરેરાશથી ઓછી રહી છે. વિશ્વમાં કુલ મોતમાંથી માત્ર 6% ભારતમાં થયા હતા, જ્યારે ચેપની બાબતમાં વિશ્વની કુલ સંખ્યામાં ભારતનો ફાળો માત્ર 9.5% જેટલો હતો.

વિશ્વના કુલ 12 કરોડથી વધુ કેસોમાંથી 27 લાખનાં મોત થયાં હતાં. એ રીતે મૃત્યુ આંક 2.2%નો થયો. ભારતમાં કુલ 1.15 કરોડ કેસો નોંધાયા તેમાંથી 159,000ના મોત થયા. તે રીતે મૃત્યુ આંક 1.4%નો થયો. કોરોના ચેપની સૌથી વધુ સંખ્યા ધરાવતા ટોચના 10 દેશોમાં ભારતનો મૃત્યુ આંક સૌથી નીચો રહ્યો છે.

ભારતમાં ઓછા મૃત્યુદર માટે નિષ્ણાતો જુદા જુદા કારણો આપે છે. વિકસીત દેશોની સામે ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે તે પણ એક કારણ ગણાવાયું છે.

વિશ્વ બૅન્કના આંકડાં અનુસાર કોરોનાથી સૌથી વધુ મોત થયાં તેવા ટોચના 10 દેશોમાં ભારત એવો દેશ છે, જેની સૌથી વધુ વસતિ 65 વર્ષથી ઓછી વયની છે.

બીજા કારણોમાં જેનેટિક બેકગ્રાઉન્ડ તથા વસતિનું મોટું પ્રમાણ બીજા ચેપોનો ભોગ બન્યું હોય તેના કારણે ઊભી થયેલી રોગપ્રતિકારક શક્તિ પણ છે.

આંકડાં અનુસાર ભારત કોવીડ-19ને કારણે થનારા મૃત્યુ આંકને વધારે ઘટાડી શકે તેવી સ્થિતિમાં છે. છેલ્લા આઠ મહિનાનાં આંકડાં અનુસાર વિશ્વના અને ભારતના આંકડામાં મોટો ફરક પડી રહ્યો છે. તેથી જ ભારતમાં અત્યારે ચેપની સંખ્યા વધી રહી છે, પણ તેનાથી મૃત્યુનો દર વધવાની ચિંતા ઓછી છે.

સૌથી કડક લૉકડાઉન

ભારતના જુદા જુદા વિસ્તારોમાંથી કોરોના ચેપના કેસો દેખાવા લાગ્યા તે પછી સરકારે ધીમે ધીમે ચેપ ફેલાતો અટકાવવા કેટલાંક પગલાંઓ લીધા હતા. જોકે પ્રથમવાર 22 માર્ચે જનતા કર્ફ્યૂ કરાયો ત્યારથી લૉકડાઉનની સ્થિતિ શરૂ થઈ હતી.

તે પછી 25 માર્ચથી 19 એપ્રિલ સુધીનો લૉકડાઉન બહુ કડક હતો. તે પછી લૉકડાઉનમાં નિયમોમાં ફેરફારો થતા રહ્યા અને ધીમે ધીમે અનલૉક થયું, પણ તે દરમિયાન ભારત સરકારે લાદેલા પ્રતિબંધો સૌથી વધુ કડક હતા. ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલા સ્ટ્રિન્જન્સી ઇન્ડેક્સ અનુસાર ભારતનું લૉકડાઉન સૌથી વધુ આકરું હતું.

લૉકડાઉન વખતે ભારતનો કડકાઈનો ઇન્ડેક્સ (100) સુધી સૌથી ઊંચે પહોંચી ગયો હતો. સૌથી વધુ કેસો ધરાવતા 10 દેશોમાં સૌથી આકરો અને ઊંચો ઇન્ડેક્સ હતો.

ભારતમાં બધું જ અચાનક બંધ કરી દેવાયું તેના કારણે અર્થતંત્રને બહુ મોટો ફટકો પડ્યો હતો. ભારતનો જીડીપી (જૂન 2019ની સરખામણીએ) જૂન 2020ના ક્વાર્ટરમાં 23.9% જેટલો ઘટીને નીચે જતો રહ્યો હતો. ઇકૉનૉમિક્સ ટાઇમ્સના અહેવાલ અનુસાર રોગચાળાને કારણે સૌથી વધુ આર્થિક ફટકો ભારતને પડ્યો છે.

ધીમે ધીમે રાબેતા મુજબની સ્થિતિ

લૉકડાઉન પછી ધીમે ધીમે છૂટછાટો આપવાનું શરૂ થયું, તે પછી ભારતમાં જનતા ધીમે ધીમે કામકાજે જવા લાગી હતી.

ગૂગલના કોવીડ-19 કૉમ્યુનિટી મોબિલીટી રિપોર્ટ અનુસાર ધીમે ધીમે રાબેતા મુજબની સ્થિતિ આવી હતી. આ રિપોર્ટમાં લોકો કેટલી અવરજવર કરે છે તેના આધારે ગણતરી થાય છે. ટોચના 10 દેશોમાં ભારતમાં તબક્કાવાર રાબેતા મુજબની અવરજવર શરૂ થઈ હતી.

રસીકરણમાં ઢીલાશ

ભારતે કોવીડ-19ની રસી આપવાનું 16 જાન્યુઆરીથી શરૂ કર્યું. તેના બે મહિના થવા આવ્યા ત્યાં સુધીમાં, 16 માર્ચે ભારતમાં 3.51 કરોડ લોકોને રસી મૂકાઈ હતી. અવર વર્લ્ડ ઇન ડૅટા વેબસાઇટમાં આ આંકડાં આપેલાં છે.

ટોચના 10 દેશોમાં સૌથી વધુ રસી અમેરિકામાં અપાઈ છે, જ્યાં 11 કરોડથી વધુ ડોઝ અપાઈ ગયા છે. તે પછી બીજા સ્થાને ભારત છે. ભારત કરતાં એક મહિના પહેલાં અમેરિકામાં રસીકરણ શરૂ થયું હતું.

ભારતમાં રસીની ઝુંબેશ ઝડપી બની રહી છે, પણ દર 100 લોકોએ રસીનું પ્રમાણ જોઈએ તો તે માત્ર 2.54 જેટલું છે, જે ટોચના 10 દેશોમાં સૌથી ઓછું છે.

જોકે તેની ઝડપ વધી રહી છે. 16 માર્ચે પૂરા થયેલા અઠવાડિયે રોજના સરેરાશ 15 લાખને રસી અપાઈ હતી. અગાઉ આ આંકડો માત્ર પાંચ લાખનો હતો.

ભારત સૌથી વધુ વસતિ ધરાવતો વિશ્વનો બીજા નંબરનો દેશ છે અને આટલી વિશાળ જનસંખ્યાને રસી આપવી એક પડકાર છે. વર્તમાન ગતિએ (રોજના 15 લાખની સરેરાશ પ્રમાણે) અઢી વર્ષે માંડ 50% વસતિને રસી મળી શકે. જોકે ચેપ લાગવાનું જોખમ સૌથી વધુ હોય તેમને સૌથી ઝડપથી રસી મળી જશે તેવી શક્યતા છે.

(સ્રોત: બીબીસી મૉનિટરિંગ)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો