ટોકિયો ઑલિમ્પિક : જાપાનમાં કોરોનાની મહામારી વચ્ચે કરાયેલા આયોજનની ખાસ વાતો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્ષ 2020માં જે ઑલિમ્પિક યોજાવાનો હતો તે ઑલિમ્પિક કોરોના વાઇરસના લીધે એ વર્ષે યોજાઈ ન શક્યો. આથી તેને વર્ષ 2021માં યોજવામાં આવી રહ્યો છે.

જાપાનના ટોકિયામં આ વખતે ઑલિમ્પિક યોજાશે. વળી પૅરાલિમ્પિક પણ 2021માં જ યોજાશે.

ગુરુવારે ટોકિયો ઑલિમ્પિકની મશાલ (ટૉર્ચ)રેલી કાઢવામાં આવશે. જોકે આ વખતે તેમાં દર્શકો નહીં જોડાશે. અને તેનું લાઇવ પ્રસારણ જ કરવામાં આવશે.

આમ આજથી ટોકિયો ઑલિમ્પિક ગૅમ્સ 2020ની મશાલ રેલીની ભવ્ય શરૂઆત થઈ રહી છે.

જાપાનમાં આ મશાલ 121 દિવસ સુધી વિવિધ સ્થળોએ પ્રવાસ કરશે. તે ફુકુશીમાથી શરૂ થશે.

જાપાનની મહિલા ફૂટબૉલ ટીમ મશાલ પ્રજ્વલિત કરીને તેને આગળ વધારવા સજ્જ છે.

મશાલરેલી મોટાભાગના જાપાનમાં ફરશે અને પછી છેલ્લે 23મી જુલાઈએ ટોકિયોમાં ઑલિમ્પિક સ્ટેડિયમમાં પરત ફરશે.

ક્યારથી શરુ થશે ઑલિમ્પિક?

અત્રે ઉલ્લેખનીય છે કે 23 જુલાઈએ ઑલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ છે. યુકેમાં છેક 1948માં યોજાયેલા ઑલિમ્પિકથી લઈને સિડની ઑલિમ્પિક સુધી મશાલરેલીની પરંપરા રહી છે.

દર વખતની રેલી પોતાનામાં જ એક ખાસ બાબત રહેતી હોય છે. આ વખતની રેલીનો કૉન્સેપ્ટ છે - આશારૂપી પ્રકાશ આપણો પથ પ્રકાશિત કરે.

મશાલ છેલ્લે સ્ટેડિયમ પહોંચશે એ સુધી તેને 10 હજાર મશાલવાહકો હાથમાં લઈને રેલી કરી ચૂક્યા હશે.

એક મશાલધારક સરેરાશ 200 મિટરનું અંતર કાપશે.

#HopeLightsOurWay હૅશટૅગ ઑલિમ્પિકના સોશિયલ મીડિયા મંચ પર ચાહકો મશાલ રેલીમાં જોડાઈ શકશે અને તેને નિહાળી પણ શકશે.

કેટલી રમતો અને ઇવેન્ટ યોજાશે?

તેમાં પ્રથમ ઇવેન્ટ શૂટિંગ છે. જેમાં કુલ 42 વેન્યૂ પર 339 ઇવેન્ટ્સ યોજાશે. 24મી જુલાઈએ મહિલાઓની 10 મિટર ઍર રાઇફલ શૂટિંગ સ્પર્ધા સાથે તેનો પ્રારંભ થશે.

આ વખતે નીનો સાલુક્વાદ્ઝે નવમી વખત ઑલિમ્પિકમાં ભાગ લેવાનાં છે. જે એક ઇતિહાસ સર્જશે. આવું કરનારાં તેઓ પ્રથમ મહિલા ઑલિમ્પિયન બનશે.

ઑલિમ્પિકમાં ફૂટબૉલ, સ્વિમિંગ, તિરંદાજી, બાસ્કેટ બૉલ, દોડ, કૂદ, બૉક્સિંગ, કૂસ્તી, સાઇક્લિંગ, ઍથ્લેટિક્સ, બૅડમિન્ટન, ગોલ્ફ, હૉકી, જ્યૂડો, નિશાનેબાજી, ટેબલ ટેનિસ, ટેનિસ, જિમ્નાસ્ટિક, વૉલીબૉલ, વૅઇટલિફ્ટિંગ, સર્ફિંગ સહિતની કુલ 33 રમતો માટે સ્પર્ધા યોજાશે.

આ વખતે આ ઑલિમ્પિક 23 જુલાઈથી 8 ઑગસ્ટ, 2021 દરમિયાન યોજાશે. જ્યારે પૅરાલિમ્પિક ગૅમ્સ 24 ઑગસ્ટથી 5 સપ્ટેમ્બર-2021 સુધી યોજાશે.

આ વખતનો મૅસ્કોટ

મિરાઈતોવા આ વખતનો મૅસ્કોટ છે.

તે જાપાની સંસ્કૃતિની કહેવત કે 'ભૂતકાળમાંથી શીખો અને નવા વિચારોનો વિકાસ કરો' પર આધારિત છે.

તે જાપાની શબ્દ મિરાઈ એટલે કે ભવિષ્ય અને તોવા એટલે કે હંમેશાં પરથી બનેલો શબ્દ છે.

ટોકિયો ઑલિમ્પિકના મેડલની ખાસિયત શું છે?

આ વખતના મેડલ ટોકિયો ઑલિમ્પિકની સમિતિએ આખા જાપાનમાં જૂના ઇલેક્ટ્રૉનિક યંત્રો જેવા કે જૂના મોબાઇલ સહિતમાં રહેલી ધાતુઓને રિસાઇકલ કરી તૈયાર કર્યા છે.

પહેલી વાર એવું બન્યું છે કે મેડલ બનાવવામાં નાગરિકોનો ઉપયોગ કરાયો છે. અને આ રીતે કોઈ રિસાઇકલ પદ્ધતિથી મેડલ તૈયાર કરાયા હોય.

અંદાજે આવા 5 હજાર મેડલ તૈયાર કરાયા છે. પર્યાવરણની જાળવણીના સંદેશારૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

તેના ગોલ્ડ મેડલનું વજન લગભગ 556 ગ્રામ હશે. અને સિલ્વર મેડલનું વજન 550 ગ્રામ જ્યારે બ્રૉન્ઝનું વજન 450 ગ્રામ છે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે આ વખતે સર્ફિંગ, સ્કૅટબર્ડ, કરાટે, સૉફ્ટબોલ/બેઝબૉલ અને સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ એ પાંચ નવી રમતો છે.

આ વખતે ઑલિમ્પિકમાં 200 દેશોના 11 હજારથી વધુ રમતવીરો અને રમતવીરાંગનાઓ ભાગ લેશે. 1964માં ઑલિમ્પિયાડ યોજ્યા બાદ જાપાન આ બીજી વખત ઑલિમ્પિક યોજી રહ્યું છે.

ભારતીય ઍથ્લીટ્સની સ્થિતિ

દરમિયાન 'ફર્સ્ટપોસ્ટ'ના અહેવાલ અનુસાર ભારતીય ઍથ્લીટ્સને રસીકરણ મામલે હજુ આરોગ્ય મંત્રાલય તરફથી મંજૂરી મળવાની બાકી છે.

કેટલાક ઍથ્લીટનું કહેવું છે કે બાયૉબબલની સિસ્ટમ હોવા છતાં તેમને વધુ સાવચેતી રાખવી છે. એટલે તેઓ રસીકરણની પ્રતીક્ષામાં છે.

અત્રે નોંધવું કે ખેલ મંત્રાલયે હજુ સુધી રમતવીરોના રસીકરણ મામલે કોઈ જાહેરાત નથી કરી. ઑલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ઍથ્લીટ આ કારણસર દુવિધામાં છે.

અત્રે એ પણ નોંધવું કે કોરોના વાઇરસના સમયમાં ઑલિમ્પિક યોજાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો