કોરોના વાઇરસ : બાળકો માટે રસીનાં પરીક્ષણો શરૂ, પણ ખરેખર રસીની જરૂર છે કે નહીં?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કોરોના વાઇરસના કેસ ફરીથી વધી રહ્યાં છે ત્યારે ફાઇઝર, મૉડર્ના અને બીજી વૅક્સિન કંપનીઓએ બાળકો પર કોરોના વૅક્સિનની ટ્રાયલ શરુ કરી દીધી છે.

ફાઇઝરે જાહેરાત કરી કે તેણે બાળકો પર કોરોના વૅક્સિનની ટ્રાયલ શરુ કરી નાખી છે અને ટ્રાયલમાં સામેલ બાળકોએ વૅક્સિનનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો છે. ત્રણ તબક્કામાં ટ્રાયલ હાથ ધરવામાં આવશે.

યુકેમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ 6-17 વર્ષનાં બાળકો પર વૅક્સિનનો ટ્રાયલ કર્યો છે અને પરિણામોની રાહ જોવાઈ રહી છે.

જૉનસન ઍન્ડ જૉન્સન અને નોવાવેક્સએ પણ જાહેરાત કરી છે કે તેઓ નજીકના દિવસોમાં બાળકો પર પોતાની રસીની ટ્રાયલ શરુ કરશે. જોકે અગાઉ બાળકોને કોરોનાની રસીની જરૂર વિશે મતમતાંતર હતો પણ હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા હોવાથી ફરી ચર્ચા ઊઠી છે.

હવે ચર્ચા થઈ રહી છે કે બાળકો માટે રસીની જરૂર છે કે નહીં.

કેમ જરુરી છે ટ્રાયલ?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર, ડૉ. અનીશ સિન્હા કહે છે કે, ''એ બહુ જરુરી છે કે બાળકો માટે કોરોના વાઇરસની રસીનું ટ્રાયલ શરુ થાય કારણ કે જ્યારે પુખ્તવયના લોકોની એક મોટી વસ્તીનું કોરોનાની રસીથી રસીકરણ થઈ જશે ત્યારે બાળકોને ચેપ લાગવાનું સૌથી મોટું જોખમ હશે.''

''હાલમાં બાળકો ઘરે છે પરતું આવનારા દિવસોમાં જ્યારે તેમની ગતિવિધિઓ વધશે અને તેઓ વધુને વધુ ઘરની બહાર રહેતા થશે, ત્યારે તેમની સામે જોખમ પણ વધશે. હજી તો ટ્રાયલ શરુ થયો છે અને ત્રીજા ટ્રાયલના પરિણામો સામે આવતાં વાર લાગશે. ત્યાં સુધી વાઇરસમાં મ્યુટેશન આવતાં બાળકો માટે જોખમ હજુ વધી જશે.''

તેઓ વધુમાં જણાવે છે કે, ''જો બાળકોને રુટિન ઇમ્યુનાઇઝેશન કરવામાં આવે છે તો તેમને કોરોના વાઇરસનો ચેપ નહીં લાગે એ વાતના કોઈ પુરાવા હાજર નથી. બાળકને ચેપ લાગવાના એટલો જ ભય છે જેટલી એક પુખ્તવયની વ્યક્તિને છે.''

નિષ્ણાતો મુજબ બાળકોમાં ઇમ્યુનીટી પુખ્તવયની વ્યક્તિની સરખામણીમાં વધારે મજબૂત હોય છે પરતું બાળકોમાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યાં છે. જો સંપૂર્ણ વસ્તીનું રસીકરણ કરવું હોય તો બાળકોને બાકાત રાખી શકાય નહીં અને એટલા માટે આ ટ્રાયલ વહેલી તકે પૂર્ણ થાય એ જરુરી છે.

પીડિયાટ્રિશિયન ડૉ. સંજીવ રાવ કહે છે, ''પુખ્તવયનાં લોકોમાં કોરોના વાઇરસ જેટલી ઝડપથી અસર કરે છે, તેટલી ઝડપથી બાળકોમાં અસર કરતી નથી, પરતું બાળકો સુપર સ્પ્રેડર બની શકે છે. જે રીતે કોરોના વાઇરસના ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટે દેખા દીધી છે, તે જોતા બાળકો પર જોખમ વધારે છે અને એ જરુરી છે કે વૅક્સિનનું ટ્રાયલ કરવામાં આવે.''

તેઓ વધુમાં જણાવે છે કે, ''પહેલાં પુખ્યવયનાં લોકોને ફ્લુની સૌથી વધુ અસર થતી હતી, પરતું હવે બાળકોમાં ફ્લુ થવી સામાન્ય બાબત છે. તેની પૂરેપૂરી શક્યતા છે કે આ કોરોના વાઇરસ સાથે પણ થશે. આમ થતું અટકાવવા માટે વૅક્સિન જરૂરી છે અને તે માટે જરુરી છે કે ટ્રાયલ કરવામાં આવે.

પણ શું આ ટ્રાયલ યોગ્ય સમયે થઈ રહી છે?

તેના જવાબમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના નિદેશક ડૉ. દિલીપ માવળંકર કહે છે, ''હવે જ્યારે કોરોના વૅક્સિનની અસકારતા અંગેના પરિણામ સામે આવવાં લાગ્યાં છે ત્યારે બાળકોમાં ટ્રાયલ શરુ કરવું યોગ્ય ગણી શકાય અને કહી શકાય કે તે સમયસર કરવામાં આવી છે. શાળા અને કૉલેજો ખોલવી હશે તો એ જરુરી છે કે બાળકોમાં પણ વૅક્સિનની ટ્રાયલ થઈ હોય. જો ટ્રાયલ સફળ રહે અને ધાર્યા પરિણામો મળી જાય તો સંપૂર્ણ વસ્તીનું રસીકરણ કરી શકાય. હાલમાં તો માત્ર ટ્રાયલ શરુ થયું છે અને ત્રીજા ટ્રાયલ શરુ થતાં 4 મહિનાનો સમય લાગી શકે છે.''

બીબીસી સાથેની વાતચીતમાં ઑક્સફોર્ડ વૅક્સિન ટ્રાયલના ચીફ ઇનવેસ્ટીગટર ઍન્ડ્ર્યુ પોલાર્ડ જણાવ્યું કે, ''મોટાભાગના બાળકોને કોરોના વાઇરસથી કોઈ અસર થઈ નહોતી પરતું બાળકો અને યુવાનોમાં રસી પ્રત્યેની સલામતી અને રોગપ્રતિકારક ક્ષમતા સ્થાપિત કરવી થાય તે માટે વૅક્સિન ટ્રાયલ જરુરી છે. કારણકે રસીકરણથી અમુક બાળકોને લાભ થઈ શકે છે.''

હાલમાં ટ્રાયલ કયા તબક્કામાં છે?

એનબીસી ન્યૂઝ અનુસાર ફાઇઝર ત્રણ વયજૂથોમાં રસીની પરીક્ષણ કરી રહી છે. પ્રથમ વયજૂથમાં 6 મહિનાથી 2 વર્ષ સુધીનાં બાળકો સામેલ છે. બીજા વયજૂથમાં 2થી 5 વર્ષ સુધીના બાળકો છે અને ત્રીજા વયજૂથમાં 5 થી 11 વર્ષની ઉંમરના બાળકો છે.

પ્રથમ તબક્કામાં વયજૂથમાં સામેલ બાળકોને વૅક્સિનનો 10 માઈક્રોગ્રામ, 20 માઈક્રોગ્રામ અને 30 માઈક્રોગ્રામનો ડોઝ આપવામાં આવશે અને પરીણામોનું પૃથ્થકરણ કરવામાં આવશે.

ફાઇઝરે જાહેરાત કરી તે પહેલાં મૉર્ડના અને ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ બાળકો પર વૅક્સિનની પરીક્ષણ કરવાની શરુઆત કરી નાખી છે.

બીજા અને ત્રીજા તબક્કામાં ફાઇઝર અભ્યાસ કરશે કે શું રસી ઇમ્યુનિટી રિસ્પોન્સ લાવે છે કે નહીં અને ડોઝની દરેક વય જૂથનાં બાળકોમાં શું અસર થાય છે? સાથે આડઅસરો અને બીજી સલામતીના બાબતો પણ ચકાસવામાં આવશે.

ફાઇઝરના પ્રવક્તા કિઆના ગઝવિનીને ટાંકતાં અહેવાલ લખે છે કે 12 વર્ષથી ઓછી વયના બાળકો માટેના વૅક્સિન માટે એક નવી ટ્રાયલ અને સુધારેલ ડોઝની શિડ્યુલ જોઈશે.

બીબીસીના અહેવાલ અનુસાર ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાના ટ્રાયલમાં 6થી 17 વર્ષનાં 300 બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી 240 બાળકોને રસી આપવામાં આવી હતી અને 60 બાળકોને 'મેનેનજઈટીસની' રસી આપવામાં આવી હતી.

ધ ઇકૉનોમિક ટાઇમ્સ અનુસાર જૉન્સન ઍન્ડ જૉન્સન પોતાના કોરોના વાઇરસ વૅક્સિનનું નવજાત બાળકો, ગર્ભવતી મહિલાઓ અને શંકાસ્પદ ઇમ્યુનીટી ધરાવતા લોકો પર ટ્રાયલ કરવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલ અનુસાર અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ ઍડમિનીસ્ટ્રેશન (એફડીએ)ના સભ્ય ડૉ. ઓફર લેવી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

બચાવ કેવી રીતે કરવો?

બાળકોને માત્ર સ્વચ્છતાના પાઠ ભણાવવાથી તેમની બધી ચિંતા દૂર થવાની નથી.

નાનાં બાળકોમાં કુદરતી રીતે જ પારાવાર કુતૂહલ હોય છે. તેઓ સવાલો પૂછતા રહે છે. તેઓ ચીજોને સ્પર્શ કરે છે અને ખાણીપીણી બીજા લોકો સાથે શૅર કરતાં હોય છે.

બ્રિટનનાં ફેમિલી ડૉક્ટર પૂનમ કૃષ્ણન કહે છે, "સામાન્ય રીતે બાળકો ચેપના ફેલાવાનું બહુ મોટું માધ્યમ હોય છે અને આપણે તેમને શરૂઆતથી જ આ મહત્ત્વના પાઠ ભણાવતા રહેવું જોઈએ."

બાળકોને સાફસફાઈની અસરકારક રીતો જણાવતા રહેવાથી તમે સમગ્ર સમુદાયની સલામતીમાં યોગદાન આપી શકો છે.

બાળકોના મનોચિકિત્સક ડૉ. રિચર્ડ વૂલ્ફસન માને છે કે કોરોના વાઇરસ જેના દરેક મોટા વિષય બાબતે બાળકો સાથે કેવી રીતે વાત કરવી તેનો આધાર બાળકની વય પર છે.

ડૉ. વૂલ્ફસને કહ્યું હતું, "નાનાં બાળકો, ખાસ કરીને છ કે સાત વર્ષથી ઓછી વયનાં બાળકો તેમની આસપાસના મુદ્દાઓ બાબતે થતી ચર્ચાથી ચીડાઈ જાય છે, કારણ કે તેમનાં માતાપિતા પણ તેની જ ચર્ચા કરતાં હોય છે."

"બાળકો માટે આ બધું બહુ ડરામણું સાબિત થઈ શકે છે," એવું જણાવતાં ડૉ. વૂલ્ફસન એવી સલાહ આપે છે છે કે સૌથી પહેલાં તો બાળકોને આશ્વાસન આપો.

"શું થવાનું છે એ તમે જાણતા નથી, પણ બાળકોને એ જણાવો કે તેઓ સલામત રહેશે. બધા સલામત રહેશે. કેટલાક લોકો જ બીમાર પડશે. મોટા ભાગના લોકોને કશું નહીં થાય."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો