મુંબઈ : કોવિડ હૉસ્પિટલમાં આગમાં 10નાં મૃત્યુ, સીએમ ઠાકરેએ પીડિત પરિવારોની માફી માગી

મુંબઈના ભાંડુપમાં કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે. મુંબઈ આપાતકાલીન વિભાગના જણાવ્યા અનુસાર હૉસ્પિટલમાં કોરોનાના 76 દરદીઓ દાખલ હતા.

આગમાંથી કેટલાય લોકોને બચાવી લેવાયા છે. હૉસ્પિટલના જણાવ્યા અનુસાર બાકીના તમામ દરદીઓ સુરક્ષિત છે. આ આગ એક મૉલમાં લાગી, જેના ત્રીજા માળે કોવિડ હૉસ્પિટલ આવેલી છે.

ભાંડુપના 'ડ્રિમ્સ મૉલ'માં ગુરુવારે મધરાતે આગ ફાટી નીકળી હતી અને તેણે પોતાની ઝપેટમાં સનરાઇઝ હૉસ્પિટલને લઈ લીધી હતી.

દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ હૉસ્પિટલની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી.

ઉપરાંત તેમણે કહ્યું કે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેમણે એમ પણ કહ્યું, "હું પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને માફી માગુ છું."

બીબીસી મરાઠીનાં સંવાદદાતા જાહ્નવી મૂળેને મુંબઈના ચીફ ફાયર ઑફિસરે કહ્યું કે ચાર માળની આ ઇમારતમાં ઇલેક્ટ્રિક વાઇરિંગમાં આગ લાગી હતી.

"કુલ 71 દરદી અને કર્મચારીને બચાવવામાં આવ્યા છે. આઈસીયુમાં પાંચ પુરુષો અને ત્રણ મહિલાઓ બેહોશ મળી આવ્યાં હતાં. તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે. "

ઘટના અંગે હૉસ્પિટલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે, "ડ્રિમ્સ મૉલના પ્રથમ માળે આગ લાગી હતી અને ધુમાડો ટૉપ ફ્લૉર પર આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં ફેલાઈ ગયો હતો."

"તમામ ફાયર ઍલાર્મ વાગવા લાગ્યા હતા અને એટલે દરદીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. આ દરમિયાન બે મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા હતા."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો