You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં ફરી ચિત્તા આવશે તો ગુજરાત બનશે એનું ઘર?
- લેેખક, પૂર્વી અપૂર્વ શાહ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતમાં છેલ્લાં 70 વર્ષથી ચિત્તાઓ લુપ્ત થઈ ગયા છે. છેલ્લે ભારતમાં ત્રણ ચિત્તાઓ બચેલા જે નરજાતિના હતા અને તેમનો મહારાજા રામાનુજ પ્રતાપ સિંઘ દેઓ દ્વારા શિકાર કરાયેલો.
મધ્ય ભારતના સુરગુજા સ્ટેટના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેઓના નામે 1,360 વાઘનો પણ શિકાર કરવાનો વિક્રમ છે.
એમણે રાતના સમયે આખરી ત્રણ ચિત્તાનો શિકાર કરેલો. જેની નોંધણી વર્ષ 1948માં થઈ હતી.
જ્યારે આ પ્રજાતિનું એક પણ પ્રાણી જીવિત નહોતું રહ્યું અને આ પ્રજાતિને બચાવવાની તકો પણ સમાપ્ત થઈ ચૂકી હતી, ત્યારે વર્ષ 1952માં સરકારે આ પ્રજાતિને વિલુપ્ત જાહેર કરી હતી.
હવે વર્ષો પછી તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે ભારતમાં ફરી પાછા ચિત્તા જોવા મળશે. એ સમય દૂર નથી જ્યારે વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી ફરી પાછુ ભારતમાં દોડતું હશે.
આ વર્ષના અંત સુધીમાં આફ્રિકાથી અમુક સંખ્યામાં ચિત્તા ભારત લાવવામાં આવશે. વિશ્વમાં પ્રથમવાર એવું બનશે કે કોઈ માંસાહારી પ્રાણીનું એક ખંડમાંથી બીજા ખંડમાં સ્થળાંતર કરવામાં આવશે.
ચિત્તાની સૌથી વધુ સંખ્યા ધરાવતા બે દેશો નામિબિયા અને દક્ષિણ આફ્રિકાની નિષ્ણાત ટુકડીઓ જલદી જ ભારતમાં આવીને ભારતીય વનઅધિકારી તથા વન્યજીવનના નિષ્ણાતોને આ પ્રજાતિનાં ઉછેર, સંરક્ષણ, વર્તન સમજ, તબીબી સારવાર અને પુન:સ્થાપના બાબત તાલીમ અને માર્ગદર્શન આપશે.
2009થી શરૂ કરેલા ચિત્તા સ્થળાંતરના પ્રયાસોને હજુ ગયા વર્ષે જ સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી અપાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચિત્તાનાં સ્થળાંતર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ઍક્સ્પર્ટ કમિટી નીમવામાં આવી છે.
આ કમિટીના ચૅરમૅન, વન અને આબોહવા, કેન્દ્રીય મંત્રાલયના પૂર્વ અધિક સચિવ, 'વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન ઑફ ઇન્ડિયા'ના ભૂતપૂર્વ ડિરેકટર ડૉ. એમ. કે રણજીતસિંહ ઝાલા છે.
ડૉ. ઝાલા રાજ્ય સરકાર અને વિદેશના નિષ્ણાતો સાથે ચિત્તા સ્થળાંતર માટે આગળ પડતું કામ કરી રહ્યા છે. તેઓ મૂળે વાંકાનેરના રાજકુટુંબના સભ્ય છે.
તેઓ 'ટાઇગર કન્ઝર્વેશન ઑથૉરિટી', 'વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા', ભારતના 'વાઇલ્ડલાઇફ પ્રિઝર્વેશન'ના સૌપ્રથમ ડિરેક્ટર અને ભારતના 'વાઇલ્ડલાઇફ પ્રૉટેક્શન ઍક્ટ, 1972'ના ઘડવૈયા પણ છે.
તેમણે ટાઇગર અને સ્નો લૅપર્ડ બાદ હવે ચિત્તાનો પ્રોજેક્ટ હાથમાં લીધો છે.
તેમના વડપણવાળી સમિતિ મારફતે સર્વે અને સ્ટડી બાદ ભારતમાં અમુક સાઇટો શોર્ટલિસ્ટ કરાઈ છે, જ્યાં ચિત્તાનું સ્થળાંતર શક્ય છે.
આ અંગે ડૉ. રણજિતસિંહ જણાવે છે કે, "ભારતમાં ચિત્તાને સૌપ્રથમ મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં સ્થળાંતરિત કરી શકાય છે."
"વર્ષ 2013માં પણ આ અંગે વિચાર થયેલો પરંતુ તે સમયે વાત આગળ વધી શકી નહોતી."
કુનો નૅશનલ પાર્ક ખાતે એશિયાટિક લાયન (સિંહ)નું પણ સ્થળાંતર કરવા અંગે વિચારવામાં આવ્યું હતું.
ગુજરાતમાં જોવા મળશે કે નહીં ચિત્તો?
ચિત્તાના ભારતમાં પુનરાગમન અંગેની વિગતો આપતાં ડૉ. રણજિતસિંહ જણાવે છે કે "હાલમાં કેટલી સંખ્યામાં ચિત્તા આવશે એ બાબત નક્કી નથી કરાઈ. શરૂઆતમાં તો ઘણા ઓછા ચિત્તાને લાવવામાં આવશે. કુનો સિવાય બીજી નક્કી કરેલી અમુક સાઇટો પણ તપાસવામાં આવશે."
"આ સિવાય અમુક ચિત્તાનું મધ્યપ્રદેશમાં માધવ નૅશનલ પાર્ક, નૌરાદેહી વન્યજીવસૃષ્ટ અભયારણ્ય, ગાંધીસાગર વન્યજીવસૃષ્ટ અભયારણ્ય અને રાજસ્થાનમાં શેરગઢ વન્યજીવસૃષ્ટ અભયારણ્ય અને મુકુંદદરા હિલ્સ ટાઇગર રિર્ઝવમાં સ્થળાંતર કરવામાં આવી શકે છે."
ડૉ. રણજિતસિંહ ચિત્તાની ભારતવાપસી અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, "ભારતમાં ચિત્તાના પુનર્વસન માટે જગ્યાઓ નક્કી કરતી વખતે ગુજરાતને પણ પૂછવામાં આવેલ કે ત્યાંનું તંત્ર ચિત્તાને રાજ્યમાં વસાવવા માટે ઇચ્છુક છે કે નહીં. પરંતુ અમુક કારણોસર આ વાત આગળ નહોતી થઈ શકી."
તેઓ ચિત્તા સંરક્ષણ માટેની જરૂરિયાતો વિશે કહે છે, "ચિત્તા સંરક્ષણ એક મોટી જવાબદારી છે, જેના માટે સાઇટમાં માનવવપરાશ પણ રોકવો પડે છે, જે સામાન્ય રીતે સરકારને પસંદ નથી હોતું. "
"જો ગુજરાતમાં ચિત્તાના સ્થળાંતર માટેની જગ્યા પસંદ કરવી હોય તો કચ્છ રણ પર આવેલ ખદીર અભયારણ્ય અંગે વિચાર કરી શકાયો હોત. પરંતુ હાલ ત્યાં પરિસ્થિતિઓ વિપરીત બનતી જઈ રહી છે."
તેઓ ગુજરાતમાં ચિત્તાના સ્થળાંતર માટેની સંભાવના અંગે કહે છે કે, "હાલમાં ગુજરાતમાં ચિત્તાનું સ્થળાંતર કરવા માટેની કોઈ યોગ્ય જગ્યા જણાતી નથી. અમુક જગ્યાએ તો લીલા વિસ્તારોની બદલે બાવળ અને સોલાર પૅનલોની હાજરી આવી ગઈ છે."
"ગુજરાત અને બીજાં રાજ્યોમાં પણ ગ્રાસલૅન્ડ ઓછી થતી જાય છે. જે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન માટે સારી વાત નથી. ચિત્તા માટે પૂરતો ખોરાક, પાણી અને વાતાવરણ હોવું જોઈએ. તેના માટે પ્રે બેઝ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. આવી અનેક વાત બાબત અંગે ધ્યાન આપવું પડે."
તેઓ હાલમાં ગુજરાતના સિંહોની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, "ગુજરાત પાસે સિંહો છે. જેને સાચવવાં ખૂબ જ કાળજી માગી લે તેવું કામ છે."
"જો સિંહો જ સચવાય તો ઘણું છે. મોટી સંખ્યામાં સિંહો મરી રહ્યા છે. આ સુંદર વન્યજીવોની જાળવણી માટે હંમેશાં ગુજરાત સારી કામગીરી કરતું રહે એ આવશ્યક છે."
ભારતમાં જે ચિત્તાઓ લાવવાની વાત થઈ રહી છે તે નાની ઉંમરના અને તંદુરસ્ત હોય તે વાતને પ્રાધાન્ય આપવામાં આવશે એમ તેઓ જણાવે છે.
ભારતમાં લવાયેલ ચિત્તા સારી પ્રજનનશક્તિ ધરાવતા હોય તે પણ ખૂબ જ જરૂરી છે. જેથી તેમના અસ્તિત્વને ટકાવી રાખવાનું સરળ બની શકે.
એક સમયે એક લાખ ચિત્તાની સંખ્યા હવે માત્ર સાત હજારે પહોંચી ગઈ
ડૉ. રણજિતસિંહ જણાવે છે કે, "ચિત્તો ભારત માટે કોઈ નવું પ્રાણી નથી, ચિત્તા તો ભારતમાં પહેલેથી જ હતા, પણ આ પ્રજાતિ હવે જળવાઈ રહે એ માટે અમુક કાળજી રાખવાની જરૂરિયાતને નકારી ન શકાય. આ કાળજીની સાથે આ બ્રીડને ભારતમાં અપગ્રેડ કરાશે."
તેઓ ચિત્તાના સ્થળાંતર વિશેની યોજના અંગે વધુ વાત કરતાં કહે છે કે, "ઉનાળા કે ચોમાસામાં ચિત્તાને ભારત નહીં લવાય. પરંતુ એટલું તો જરૂર કહીશ કે આ વર્ષે ચિત્તાનું ભારતમાં સ્થળાંતર શરૂ થઈ જશે. આ બાબત અમારી વર્ચ્યુઅલ મિટિંગમાં ચર્ચા થઈ ચૂકી છે."
ભૂતકાળની વાત કરીએ તો ભારતમાં ચિત્તા પંજાબ, સિંધ, રાજસ્થાન અને બંગાળમાં જોવા મળતા હતા. અમેરિકાની પૅન્સિલવેનિયા યુનિવર્સિટીના સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ સ્ટડી ઈન ઇન્ડિયાનાં વિઝિટિંગ સ્કૉલર ગઝાલા શાહબુદ્દીનના શોધપત્રમાં જણાવાયા અનુસાર ગુજરાતના પણ અમુક ભાગોમાં ચિત્તા જોવા મળ્યા હતા.
હાલ વિશ્વમાં લગભગ 7,100 ચિત્તા છે. આ પ્રજાતિનો કેટલી હદે વિનાશ કરાયો છે તેનો પુરાવો એ છે કે 20મી સદીમાં 44 જેટલા દેશોમાં એક લાખ કરતાં વધુ ચિત્તા હતા. હાલમાં ચિત્તા માત્ર 20 દેશોમાં સમેટાઈને રહી ગયા છે.
રાજાશાહી વખતે ચિત્તાનો ઉપયોગ એક હન્ટિંગ પાર્ટનર તરીકે થતો.
મોટા ભાગના ચિત્તાને જંગલમાંથી પકડી પાલતું બનાવી દેવાતા. તેમને કેદ ન રખાતા નહોતા, છતાં જૂની તસવીરોમાં જોઈ શકાય છે તેમ તેમને સાંકળે જકડી રાખવામાં આવતા હતા.
આવી રીતે સતત બંધનમાં રહેવાના કારણે આ દુર્લભ પ્રાણી માટે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પ્રજનન કરવું એક પડકારરૂપ બની ગયું. જેના કારણે તેમની બ્રીડિંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
આવી રીતે બંધનમાં રાખવાને કારણે એક દિવસ એવો આવ્યો કે આપણા દેશમાંથી ચિત્તાનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું.
રાજાશાહી વખતે ચિત્તાને બંધનમાં રાખવાનું ચલણ વ્યાપક હતું. આ દરમિયાન 14મીથી 16મી સદીમાં ચિત્તાનું બ્રીડિંગ ખૂબ ઓછું થઈ ગયું. એ બાદ 18મી સદીમાં તો તેની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ.
19મી સદીમાં તો આફ્રિકા અને ઈરાનથી ચિત્તા ઇમ્પોર્ટ પણ કરાયા હતા.
1951-52માં ચિત્તાને ભારતમાં લુપ્ત પ્રજાતિ જાહેર કરી દેવાયા બાદ વર્ષ 1970માં ચિત્તા દેખાયા હોવાના અમુક અહેવાલો આવ્યા હતા.
ચિત્તા દ્વારા આજ સુધી ભારતમાં માત્ર એક જ વ્યક્તિનું મોત નિપજાવાયું હોવાની ઘટના નોંધાઈ છે. ગમે તેટલું આશ્ચર્યજનક હોય પરંતુ સત્ય આ જ છે.
ચિત્તા દ્વારા માનવમોત નિપજાવાની ઘટનામાં મૃત્યુ પામનારી વ્યક્તિ હતી, વિશાખાપટ્ટનમના ગવર્નર એજન્ટ ઓ. બી. ઇરવીન. તેમનું મોત નિપજાવનાર ચિત્તો વિજયાનગરમ્ રાજનો હતો.
રાજા માટે ચિત્તા એક સ્ટેટસ સિમ્બલ હતા
ચિત્તા શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ચિત્રક પરથી આવ્યો છે, ચિત્રકનો અર્થ "સ્પોટેડ" થાય છે.
એશિયામાં ચિત્તાની હાજરી જૂની વર્ષ 1595ની પેઇન્ટિંગ દ્વારા નોંધાઈ છે.
ચિત્તાની ભારતમાં હયાતીના પુરાવા મધ્ય પ્રદેશની ગુફામાં થયેલા ચિત્રકામમાં પણ જોવા મળે છે.
જર્નલ ઑફ બૉમ્બે નૅચરલ હિસ્ટ્રી સોસાયટીના સપ્લિ્મેન્ટના આધારે એવું પણ જાણવા મળ્યું છે કે ભારતમાં ચિત્તા બંગાળ, પંજાબ, રાજપૂતાના અને મધ્ય ભારતથી દખ્ખણના વિસ્તારોમાં ફરતા હતા.
દિવ્ય ભાનુસિંહે તેમના પુસ્તક 'ધ એન્ડ ઑફ ધ ટ્રેઇલટ'માં ગેંડા અને ચિત્તાના વસવાટ વિશે પણ વાત કરી છે.
મુઘલ રાજ દરમિયાન મોટી સંખ્યામાં ચિત્તાઓને હન્ટિંગ સ્પોર્ટ્સ માટે પકડી લેવાતા.
રાજાઓ ચિત્તાને સ્ટેટસ સિમ્બૉલ માનતા. ચિત્તાને પોતાની માલિકીના બનાવી તેમને તાલીમ આપતા અને ખાસ શિકાર માટે તૈયાર કરતા.
'ધ એન્ડ ઑફ ધ ટ્રેઇલટ' પુસ્તકમાં જણાવ્યા અનુસાર મુઘલ રાજા અકબર લગભગ નવ હજાર ચિત્તા રાખતા હતા અને મુઘલ રાજ દરમિયાન તેમની નોંધપાત્ર હાજરી જોવા મળતી હતી. પણ ચિત્તા અંગ્રેજોના રાજ દરમિયાન ઘટવા લાગ્યા. તેનું કારણ એ હતું કે ભારતની ઘાસવાળી જમીન, જંગલ વિસ્તાર કૃષિ માટે વપરાવા લાગ્યાં. અમુક ઐતિહાસિક નોંધો અનુસાર ભારતમાં ઘેટાં-બકરાંના પાલકો દ્વારા જ 200 જેટલા ચિત્તાના મોત નિપજાવી દેવાયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો