ગુજરાતમાં દીપડા માનવભક્ષી બની રહ્યા છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

સોમવારનો દિવસ દાહોદના આદિવાસી તાલુકા ધાનપુરની 7 વર્ષીય બાળા શિલ્પા નીનામા માટે તેમના જીવનનો આખરી દિવસ બની ગયો.

સોમવારે સાંજ સાત વાગ્યે કુદરતી હાજતે જવા માટે પોતાના ઘરની બહાર નીકળેલ બાળકી શિલ્પાને તેમના ઘરના આંગણેથી દીપડો ઉપાડી ગયો.

સ્થાનિક વનઅધિકારીઓના જણાવ્યા મુજબ બનાવ સમયે જ બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો ભેગા થયા, પરંતુ તેને બચાવી ન શક્યા. મોડી રાત સુધી ચાલેલા વનવિભાગના સર્ચ ઑપરેશન બાદ બાળકીનો અડધો ખાધેલું મૃતદેહ મળી આવ્યો.

થોડા દિવસ પહેલાં આવી જ એક અન્ય ઘટનામાં ધાનપુર તાલુકાના કાંટુ ગામની 7 વર્ષીય બાળકી ધોળી ભુરીયાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

7 ઑગસ્ટના રોજ સાંજ 7 વાગ્યે પોતાના ઘરની બહાર હાથ ધોવા માટે ગયેલ બાળકી પર ઘરની આસપાસ છુપાઈને બેસી રહેલ દીપડાએ હુમલો કરી દીધો હતો.

હુમલા દરમિયાન બાળકીને ગળાના ભાગેથી પકડીને દીપડો 500 મિટર સુધી જંગલમાં ખેંચી ગયો, બાદમાં જ્યારે બાળકીને શોધવામાં સફળતા મળી ત્યારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આવી જ રીતે ધાનપુર તાલુકામાં જ બે અન્ય બાળકોએ પણ પાછલા અમુક દિવસોમાં દીપડાના હુમલાની ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધનીય છે કે પાછલા બે મહિનામાં સમગ્ર દાહોદ જિલ્લામાં દીપડાના હુમલાની કુલ 22 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં ચાર બાળકોનાં મોત થયાં છે, તેમજ 18 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

કુલ 22 હુમલામાંથી 16 હુમલા માત્ર ધાનપુર તાલુકામાં જ થયા છે, જ્યારે અન્ય હુમલા દાહોદ જિલ્લાના બારીયા, લીમખેડા, સંજેલી અને ફતેપુરમાં નોંધાયા છે.

સ્થાનિકોમાં છે ભયનો માહોલ

ધાનપુર તાલુકાના ખજૂરી ગામના રહેવાસી સબૂરભાઈ મોહનીયા દીપડાના નિરંતર બની રહેલી દીપડાના હુમલાની ઘટનાઓને કારણે વિસ્તારમાં સર્જાયેલા ભયના માહોલ વિશે વાત કરતાં જણાવે છે :

“હાલ દીપડાના હુમલા વધવાને કારણે સાંજ પડે એ પહેલાં તો લોકો પોતપોતાનાં ઘરોમાં જતા રહે છે.“

“મોટા ભાગે દીપડા બાળકોને શિકાર બનાવી રહ્યા હોઈ બાળકોને પણ માતા-પિતા પોતાની નજર સામેથી દૂર નથી ખસવા દઈ રહ્યા.“

“રાત્રે તો ઠીક પણ હવે તો દિવસે પણ દીપડાના ભયના કારણે લોકો બહાર નથી નીકળી રહ્યા. દીપડાના હુમલાની બીકને કારણે ખેતીકામ પણ નથી કરી શકાતું.”

બાળકોને કેમ શિકાર બનાવી રહ્યા છે દીપડા?

આ અંગે સ્થાનિક નાયબ વનસંરક્ષક આર. એમ. પરમાર જણાવે છે કે, “ધાનપુર તાલુકનાં ગામોમાં જ શિલ્પા અને ધોળીબહેન સિવાય 9 વર્ષીય બાળકી કાજલનું પણ દીપડાના હુમલામાં મોત નીપજ્યું હતું.“

“એ ઘટના અગાઉ આમલીમેનપુર ગામમાં રૈલેષ નામના 11 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું. આ બંને બાળકો ઢોર ચરાવવા માટે નીકળ્યાં હતાં, જે દરમિયાન તેમના પર દીપડાએ હુમલો કરી દીધો.”

બાળકો પર થતાં દીપડાના હુમલાનાં કારણો જણાવતાં તેઓ કહે છે કે, “હાલ દીપડાઓનો પ્રજનનકાળ ચાલી રહ્યો છે. આ દરમિયાન દીપડાને જો આસપાસ કનડગતનો અનુભવ થાય તો તે આસપાસ રહેલી વ્યક્તિ પર હુમલો કરી દે છે.”

“આ સિવાય દીપડો માનવવસતીમાં તેમનાં પાલતું પશુનો શિકાર કરવા માટે આવે છે, પરંતુ ઘણા લોકો પોતાનાં ઢોરને બચાવવા માટે જાતે બહાર રક્ષણ માટે સૂઈ જતા હોય છે. આવી પરિસ્થિતિમાં દીપડો ઉશ્કેરાઈને બાળકો પર હુમલો કરી શકે છે.”

વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષથી કામ કરતાં વિકી ચૌહાણ પણ આર. એમ. પરમારની આ વાત સાથે સંમત થાય છે.

તેઓ જણાવે છે કે, “દીપડાઓ મોટા ભાગે માનવવસતિમાં તેમનાં પાલતું મરઘાં, બકરાં કે કૂતરાં ઉપાડીને લઈ જવા માટે આવે છે, પરંતુ જ્યારે તેમને બચાવવાના માનવસર્જિત પ્રયાસોને કારણે દીપડા તેમનો શિકાર ન કરી શકે ત્યારે આસપાસ રહેલાં બાળકો કે વૃદ્ધોને નિશાન બનાવી શકે છે. તેમાં પણ મોટા ભાગે સ્ત્રીઓને દીપડા વધુ નિશાન બનાવે છે.”

કેમ સર્જાય છે માનવ અને દીપડા વચ્ચે ઘર્ષણ?

માનવ અને દીપડા વચ્ચે વધી રહેલા ઘર્ષણનાં કારણો બાબતે સ્પષ્ટતા કરતાં આર. એમ. પરમાર જણાવે છે :

“દાહોદ જિલ્લામાં વર્ષ 2016ની ગણતરી પ્રમાણે કુલ 205 દીપડા છે, જે પૈકી ધાનપુર તાલુકામાં જ 51 દીપડા છે.“

“પાછલાં અમુક વર્ષોથી દીપડાના સંરક્ષણના પ્રયાસોને કારણે દીપડાની સંખ્યા વધી હોય એવું લાગે છે. જે કારણે દીપડાની સંખ્યા તાલુકાની કુલ ધારણક્ષમતા કરતાં વધી છે. જેથી દીપડાની સમગ્ર પ્રજાતિ માટેના વિસ્તારમાં ઘટાડો થયો છે.”

આ સિવાય જંગલક્ષેત્રોમાં વધતી જતી માનવપ્રવૃત્તિઓ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “આ વિસ્તારોમાં સ્થાનિક આદિવાસીઓની વસતી છે, જેઓ પોતાના ધંધા-રોજગાર માટે અવારનવાર જંગલમાં જાય છે. એક તો દીપડાની વધુ સંખ્યા અને બીજું વધુ પ્રમાણમાં માનવપ્રવૃત્તિઓ દીપડા અને માનવો વચ્ચેના ઘર્ષણનું કારણ બની જાય છે.”

દીપડાની શારીરિક સ્થિતિ અને માનવભક્ષણની ઘટનાઓ વચ્ચેનો સંબંધ જણાવતાં તેઓ કહે છે કે, “જ્યારે દીપડો અન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે શારીરિક રીતે અક્ષમ બની જાય કે ઘરડો થઈ જાય ત્યારે તે માનવભક્ષણ કરી શકે છે. કારણ કે અન્ય કોઈ પ્રાણીનો શિકાર કરવા કરતાં માણસનો શિકાર કરવો તેના માટે વધુ સહેલું કાર્ય બની જાય છે.”

તેઓ આગળ જણાવે છે કે, “જ્યારે એક કોઈ દીપડો એક વાર માનવભક્ષણ કરે છે, ત્યારે તેને માનવભક્ષણની ટેવ પડી જતી હોય છે.”

જોકે, વડોદરા સર્કલનાં વનસંરક્ષક આરાધના સાહુ આ વાત સાથે સંમત થતાં નથી.

તેઓ કહે છે કે, “હું નથી માનતી કે દીપડાને એક વાર માણસનો શિકાર કરવાથી માનવભક્ષણની ટેવ પડી જતી હોય છે.”

ધાનપુર તાલુકામાં માણસ અને દીપડા વચ્ચે વધી રહેલા ઘર્ષણનાં કારણો જણાવતાં તેઓ કહે છે કે, “ધાનપુર તાલુકામાં હંમેશાંથી દીપડા હુમલા કરતા રહ્યા છે, કારણ કે આ તાલુકામાં ઘણા લોકો જંગલ વિસ્તારની ખૂબ નજીક રહે છે.“

“તેથી આ વિસ્તારમાં માણસો પર દીપડાના હુમલાની ઘટનાઓ વધુ નોંધાય છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં ધાનપુરની સરખામણીએ દીપડાના હુમલાની ઘટનાઓ ઓછી નોંધાય છે.”

“જ્યારે કોઈ દીપડાને શારીરિક મુશ્કેલી થાય છે ત્યારે જ તેઓ સરળ શિકારની તલાશ કરે છે. આવી પરિસ્થિતિમાં દુર્ભાગ્યે માણસ અને તેમનાં નાનાં બાળકો દીપડા માટે સૌથી સરળ શિકાર બની જાય છે.”

માનવ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણને ઘટાડવા માટે શું કરવું?

માનવ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણને ઘટાડવા માટેના ઉપાયો અંગે જાણવા અમે વન્યજીવ (સંરક્ષણ) કાયદો, 1972ના ઘડતરમાં મુખ્ય ભાગ ભજવનાર અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કામ કરનાર ડૉ. એમ. કે. રણજિતસિંહ ઝાલા સાથે વાત કરી હતી.

તેઓ જણાવે છે, “દીપડા એ એવાં પ્રાણી હોય છે, જે માનવવસતીની આસપાસ રહેવા માટે ઘડાઈ ગયાં છે.“

“માણસનાં ઢોર જ હવે તેનો મુખ્ય શિકાર બની ગયાં છે. તેના કારણે આવાં ઘર્ષણો થાય છે. “

“તેમજ હવે જંગલોમાં પણ એવી કોઈ જગ્યા બાકી નથી રહી જ્યાં માણસોનો પગપેસારો ન હોય, તેના કારણે આ પરિસ્થિતિ વધુ બગડી છે.”

માણસ અને પ્રાણીઓ વચ્ચે સર્જાતા ઘર્ષણને ટાળવા માટેના ઉપાયો સૂચવતાં તેઓ જણાવે છે કે, “માણસો અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણને ટાળવા માટે સરકારે અને માણસોએ જાતે પોતાના વસવાટ માટેની કેટલીક મર્યાદાઓ નિશ્ચિત કરવી જ પડશે.“

જેમ કે, સરકારે આવી ઘર્ષણવાળી જગ્યાઓએ અભયારણ્યો સ્થાપવા જોઈએ અને માણસ અને તેમનાં ઢોરોની તમામ અવરજવર આ વિસ્તારોમાં પ્રતિબંધિત કરવી જોઈએ. જો માણસ વન્યપ્રાણીઓના વિસ્તારોમાં પોતાં ઘેટાં-બકરાં લઈ જશે, તો તે શિકાર કરવાનાં જ છે.”

“માણસોને જ્યાં પોતાની પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી છે, ત્યાં માણસોને થયેલા નુકસાનનું સરકાર દ્વારા તાત્કાલિક વળતર ચૂકવવાની વ્યવસ્થા થવી જોઈએ. જેથી માણસો દ્વારા બદલાની ભાવનાથી કરાતી પ્રાણીઓ માટે જોખમરૂપ પ્રવૃત્તિઓને રોકી શકાય.”

માણસનો શિકાર કરનાર પ્રાણીઓના નિકાલ મુદ્દે તેઓ માને છે કે, “જે પ્રાણીએ એકવાર માનવભક્ષણ કર્યું હોય, તેને બીજી તક ન આપી શકાય. આવું કરવાથી બીજી વખત પણ માનવભક્ષણની ઘટના બનવાનો ભય રહેલો છે, એકવાર માનવભક્ષણ કરનાર પ્રાણીને મારી નાખવા સિવાય આ સમસ્યાનો બીજો કોઈ ઉકેલ નથી.”

‘હુમલો કરનાર દીપડાને અન્યત્રે ખસેડાશે’

પાછલા કેટલાક દિવસોમાં બનેલી દીપડાના હુમલાની ઘટનાઓ અંગે સરકાર અને વનવિભાગ દ્વારા કરાયેલ કામગીરી અંગે વાત કરતાં આરાધના સાહુ જણાવે છે :

“હાલ વિસ્તારમાં સ્થાનિક વનવિભાગની ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. મુશ્કેલી સર્જનાર દીપડાને ટ્રૅક કરવાનું અને પકડવાનું કામ ચાલુ છે."

આગામી અમુક દિવસો સુધી અમારી ટીમ આ કામ ચાલુ રાખશે. જેથી ઘર્ષણનું કારણ બનતા તમામ દીપડાઓને પકડી શકાય."

"આ સિવાય અમે આ વિસ્તારોમાં માનવ અને દીપડા વચ્ચેનું ઘર્ષણ ટાળવા માટે જનજાગૃતિ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ.”

વનવિભાગ દ્વારા દીપડાના હુમલાની ઘટનાઓ અંગે લેવાયેલા પગલાં અંગે વાત કરતાં આર. એમ. પરમાર જણાવે છે કે, “પાછલા બે માસમાં અમે ચાર મૃત્યુના બનાવોમાં કુલ ચાર દીપડા પકડ્યા છે."

"તેમના શિકારનાં સ્થળો અને પંજાના માપને આધારે આ કાર્યવાહી કરાઈ છે. પકડાયેલ ચારેય દીપડાને પાવાગઢ રેસ્ક્યૂ સેન્ટર ખાતે મોકલી દેવાશે. જ્યાં તેમને આજીવન રાખવામાં આવશે.”

“આ સિવાય વાઘ, સિંહ, દીપડા, રીંછ અને મગર દ્વારા જો કોઈ માણસનું મોત નીપજે તો સરકારી હુકમ પ્રમાણે મૃતકના પરિવારને 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે આ પ્રાણીઓ દ્વારા જો કોઈ માણસને ઈજા પહોંચડવામાં આવે તો તેને સહાય પેટે 4300 રૂપિયા ચૂકવવામાં આવે છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો