You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામ : અમિત શાહના ગૃહમંત્રાલયની કમિટીનો ગુપ્ત રિપોર્ટ લિક થયો, ભાજપ સરકાર ભીંસમાં
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, ગુવાહાટીથી, બીબીસી ગુજરાતી માટે
ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ)એ 1985માં થયેલા આસામ કરારના ક્લૉઝ-6ના કાર્યાન્વયન પર અમિત શાહના કેન્દ્રીય ગૃહમંત્રાલયની એક ઉચ્ચસ્તરીય કમિટીનો ગોપનીય રિપોર્ટ સાર્વજનિક કરી દીધો છે.
આ રિપોર્ટમાં કમિટીએ 'અસમિયા લોકોની ઓળખ અને વિરાસત'ના સંરક્ષણ સંબંધિત ઉપાયો પર પોતાની ભલામણ કરી છે.
હકીકતમાં ભારત સરકારે ગત વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.કે. શર્માની અધ્યક્ષતામાં 14 સભ્યોની એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી હતી.
આ કમિટીમાં આસુના ત્રણ સભ્યોને પણ સામેલ કરાયા હતા. કમિટીએ 25 ફેબ્રુઆરીએ આસામ કરારના ક્લૉઝ-6ના કાર્યાન્વયન પરનો પોતાનો રિપોર્ટ મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલને સોંપી દીધો હતો. રાજ્ય સરકારે આ રિપોર્ટ ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યો હતો.
આસુના અધ્યક્ષ દીપાંકાકુમાર નાથ કહે છે, "ઉચ્ચસ્તરીય કમિટીનો રિપોર્ટ મોકલ્યાને પાંચ મહિના વીતી ગયા છે, પરંતુ કેન્દ્ર સરકાર હજુ સુધી આ રિપોર્ટ પર ચૂપ છે. એ સ્પષ્ટ નથી કે આસામ સરકારે રિપોર્ટ ગૃહમંત્રાલયને મોકલ્યો છે કે નહીં."
આસુના મુખ્ય સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્યે મંગળવારે પત્રકારપરિષદમાં કહ્યું, "અમે આશા રાખી રહ્યા છીએ કે કમિટીની ભલામણોને લાગુ કરાશે. જોકે કેન્દ્ર સરકાર આ રિપોર્ટની ભલામણો અને કાર્યાન્વયનને લઈને ચૂપ છે. આથી અમે તેને સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો, જેથી આસામના લોકો તેના વિશે જાણી શકે."
અસમિયા કોણ છે અને કોણ નહીં?
કમિટીએ આ રિપોર્ટમાં અહીંના મૂળ અસમિયા લોકો માટે રાજ્ય વિધાનસભા, સંસદ અને સ્થાનિક એકમોમાં 80 ટકા સીટો અનામત રાખવાની ભલામણ કરી છે.
આ સિવાય અન્ય રાજ્યોના લોકોને આસામમાં પ્રવેશ માટે ઇનર લાઇન પરમિટ પ્રણાલિની શરૂઆતને લઈને ભૂમિઅધિકારીઓનું સંરક્ષણ, ઉચ્ચસદનનું નિર્માણ, ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ ઉપાયો સહિત ઘણી વ્યાપક ભલામણો કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે અનામત રાખવાની સીટોની સંખ્યા પર કમિટીના સભ્યોમાં મતભેદ જણાવવામાં આવ્યો છે. આસુના સભ્યોનું કહેવું છે કે આસામના લોકો માટે સીટોમાં 100 ટકા અનામત હોવી જોઈએ.
રોજગાર મામલે પણ કમિટીએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્રીય સાર્વજનિક ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રોમાં ગ્રૂપ સી અને ડી સ્તરનાં પદોમાં 80 ટકા નોકરીઓ આસામના લોકો માટે અનામત રાખવાની ભલામણ કરાઈ છે.
જોકે કમિટીએ રિપોર્ટમાં 'અસમિયા લોકો'ની પરિભાષાને લઈને જે ભલામણ કરી છે, તેનાથી પ્રદેશમાં વસેલા, ખાસ કરીને બંગાળ મૂળના લોકોમાં બેચેની પેદા કરી દીધી છે. તેમજ દેશનાં અન્ય રાજ્યોમાંથી આવીને સ્થાયી રીતે આસામમાં વસેલા લોકો સામે પણ પરેશાની ઊભી થઈ શકે છે.
હાલમાં બધા સામે એ સવાલ ઊભો છે કે 'અસમિયા કોણ' છે એટલે કે 'અસમિયા વ્યક્તિ'ની પરિભાષા શું હશે?
કમિટીએ અહીંના મૂળ લોકોને બંધારણીય અનામત આપવાના ઉદ્દેશથી 'અસમિયા વ્યક્તિ'ની પરિભાષાના કથિત મુદ્દા પર પોતાની ભલામણમાં કહ્યું કે ભારતનો જે નાગરિક 'એક જાન્યુઆરી, 1951થી કે તેના પહેલાં'થી આસામના ક્ષેત્રમાં રહી રહ્યો છે એ અસમિયા સમુદાયનો હિસ્સો હશે.
આ સિવાય 1 જાન્યુઆરી, 1951 કે તેનાથી પહેલાં આસામના ક્ષેત્રમાં રહેતા આસામના કોઈ પણ આદિવાસી સમુદાય, કોઈ પણ સ્વદેશી કે પછી અન્ય આદિવાસી સમુદાય અને એ તિથિમાં કે તેનાથી પહેલાં આસામના ક્ષેત્રમાં રહેતા બધા ભારતીય નાગરિકો અને તેમના વંશજોને આસામના લોકોના રૂપમાં માનવા જોઈએ.
આ લોકોને થઈ શકે છે મુશ્કેલીઓ
હકીકતમાં બહુ લાંબી અને જટિલ પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આસામ માટે જે એનઆરસી એટલે કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટાર તૈયાર કરાયું છે, તેમાં 24 માર્ચ, 1971 કે તેનાથી પહેલાં આસામમાં રહેતી વ્યક્તિને ભારતીય નાગરિક માનવામાં આવી છે.
આથી 'અસમિયા વ્યક્તિની પરિભાષા માટે 1 જાન્યુઆરી, 1951ને કટ ઑફ તારીખના સૂચનથી ઘણી પરેશાનીઓ થઈ શકે છે.
ઑલ આસામ બંગાળી યૂથ સ્ટુડન્ટ્સ ફેડરેશનના અધ્યક્ષ દીપક ડેએ બીબીસીને કહ્યું, "અસમિયા વ્યક્તિની પરિભાષાને લઈને જે કટ ઑફ તારીખનું સૂચન કરાયું છે, એ ચોક્કસ રીતે ચિંતાનો વિષય છે. પ્રદેશમાં લાંબા આંદોલન બાદ અને ઘણા લોકોના જીવની આહુતિ બાદ એનઆરસીની તારીખ 24 માર્ચ, 1971 પર બધા લોકો સહમત થયા અને એ આધારે એનઆરસી તૈયાર કરાયું. હવે 1951ની વાત કેમ થઈ રહી છે?"
"જો કેન્દ્ર સરકાર આ ભલામણો લાગુ કરે તો અહીં વસેલા હિંદુ બંગાળી અને અન્ય પ્રદેશોમાંથી આવેલા લોકો માટે મુશ્કેલી પેદા થઈ જશે. અમે કમિટીને આ બધી વાતોથી અવગત કરાવી હતી. જોકે હવે લાગે છે કે અમારી વાતોને સાંભળી નથી. 1951થી પહેલાંના આસામ સંબંધિત કાગળ આપવા કોઈ માટે શક્ય નથી. એટલે સુધી કે ટ્રાઇબલ લોકો માટે પણ 1951ના કાગળ નહીં હોય. એક દેશ એક કાનૂનની વાત કરતી ભાજપ સરકાર પોતાના નાગરિકો સાથે આવું કેવી રીતે કરી શકે?"
ઑલ આસામ અલ્પસંખ્યક વિદ્યાર્થીસંઘના મુખ્ય સલાહકાર અજીજુર રહમાન નારાજગી વ્યક્ત કરતા કહે છે, "બંગાળ મૂળના હિંદુ અને મુસલમાનોને પરેશાન કરવા માટે આ બધું કરાઈ રહ્યું છે. જો કમિટીએ 1951ની તારીખની ભલામણ કરી છે, તો કમિટી જણાવે કે કેવા પ્રકારના દસ્તાવેજ આપવા પડશે. જો આ તારીખ અસમિયા વ્યક્તિની પરિભાષા માટે છે તો પછી કોઈની નાગરિકતા સંબંધિત દસ્તાવેજો માગી ન શકો, કેમ કે તેના માટે ગૃહમંત્રાલયે આસામમાં એનઆરસી બનાવ્યું છે."
"આસુની પત્રકારપરિષદથી સમજાઈ રહ્યું છે કે એનો મતલબ એ થયો કે તો તમે એનઆરસી અનુસાર ભારતના નાગરિક તો છો, પણ અસમિયા નથી. એટલે જે રાજનીતિક અનામત કે પછી સરકારી નોકરીઓમાં અસમિયા લોકોને અનામતની ભલામણ કરાઈ છે, તેનો લાભ નહીં મળે."
'ધ્રુવીકરણ પર આસામનો સમાજ વહેંચાઈ ગયો છે'
આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું, "અમારી સરકાર રાજ્યને અવૈધ વિદેશીઓથી મુક્ત કરાવવા માટે ગંભીર પગલાં ભરી રહી છે. અગાઉ રાજ્યમાં અનેક સરકારો આવી, પણ ક્લૉઝ-6ના કાર્યાન્વયન માટે કમિટીની રચનામાં કોઈએ રસ ન દાખવ્યો. કેન્દ્ર સરકાર આ સંદર્ભે પગલાં ભરી રહી છે. એવામાં એક ચોક્કસ સમયસીમા આપ્યા વિના કમિટીના સભ્યો દ્વારા આ રિપોર્ટને સાર્વજનિક કરવો બહુ દુર્ભાગ્યપૂર્ણ છે."
રાજ્યના વરિષ્ઠ પત્રકાર નવકુમાર ઠાકુરિયાનું કહેવું છે કે હાલનાં કેટલાંક વર્ષોમાં દેશનું રાજકારણ જે રીતે બદલાયું છે, તેમાં કોઈ એક જાતિ કે ભાષા આધારિત મુદ્દાનું કોઈ મહત્ત્વ નથી.
તેમણે કહ્યું, "ભાજપ કોઈ ભાષા આધારિત રાજનીતિને પ્રાથમિકતા નથી આપતો. આસામનો સમાજ હવે ધ્રુવીકરણના રાજકારણ પર વહેંચાયેલો છે. હવે અહીં હિન્દુ અને મુસલમાન આધારિત રાજકારણ થઈ રહ્યું છે. પહેલાં આસામમાં જાતિ, ક્ષેત્ર, ભાષા અને સંસ્કૃતિ પર રાજકારણ થતું હતું, પરંતુ હવે અહીં ધર્મના આધારે રાજકારણ થઈ રહ્યું છે. ભાજપ હિંદુના નામે બધાને એકઠા કરી લે છે, જેનો પાર્ટીને ફાયદો મળી રહ્યો છે."
આવા સમયે ઉચ્ચસ્તરીય કમિટીની ભલામણોથી પ્રદેશની સરકાર પર દબાણ બનશે?
ઠાકુરિયા કહે છે, "ભાજપને ચૂંટણીનો ડર નથી. વાત અસમિયાની પરિભાષા નક્કી કરવાની છે, તો કોઈ પણ કમિટી આ ફાઇનલ ન કરી શકે. માત્ર પ્રદેશની વિધાનસભા આ નક્કી કરી શકે છે. આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ઊતરવા માટે આસુ એક રાજકીય પાર્ટી બનાવવા માગે છે. આ તેની પૂર્વતૈયારી પણ હોઈ શકે છે. ભાજપ સરકાર અસમિયા લોકોની સાંસ્કૃતિક, સામાજિક, ભાષાકીય ઓળખ માટે ચોક્કસ કોઈને કોઈ પગલાં ભરશે, પણ તેના બદલામાં પોતાના નાગરિકોને કોઈ નુકસાન નહીં પહોંચાડે."
આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયનના નેતૃત્વમાં 1979થી સતત છ વર્ષ ચાલેલા આસામ આંદોલન બાદ 15 ઑગસ્ટ, 1985માં ભારત સરકાર અને આસામ મૂવમેન્ટના નેતાઓ વચ્ચે એક આસામ કરાર થયો હતો.
આ કરારના ક્લૉઝ-6માં કહેવાયું હતું કે અસમિયા લોકોના સાંસ્કૃતિક, સામાજિક, ભાષાકીય ઓળખ અને વિરાસતની રક્ષા, સંરક્ષણ અને સંવર્ધન માટે યોગ્ય બંધારણીય, વિધાયી અને પ્રશાસનિક સુરક્ષાઉપાય પ્રદાન કરશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો